ભારત્ દેશે વિમાન પતન સ્થળો ઉર્ફે હવાઈ અડ્ડા ઉર્ફે એરપોટ્સ ઉપર કાગારોળ મચી છે ..!
સરકાર કહે છે રેડ આઈ ફ્લાઇટ્સ નહીં , પાઇલોટ્સને પૂરો આરામ આપો અને એરલાઈન્સ કહે છે અમે જે કરીએ છીએ તે બરાબર છે , તુમુલ યુધ્ધ જામ્યું છે , બે આખલા લઢયા છે એમાં ખો ઝાડ ઉર્ફે પેસેન્જર્સનો નીકળી ગયો છે ..
જેમને ખબર નથી કે રેડ આઈ ફ્લાઇટ્સ એટલે શું ? તો કહી દઉ કે આ એક કુત્તી ચીજ છે , જીવનમાં ઘણીવાર મજબૂરીમાં આવી ફ્લાઈટ્સ લીધી છે પણ લેવી ના જોઈએ ..
રેડ આઈ ફ્લાઇટ એટલે અડધી રાત પછી ,ભાંગતી રાતે આંખમાં પાણી છાંટી કે સોડા છાંટીને ભાંગતી રાતે ઉડાડવામાં આવતી ફ્લાઇટ , જેમકે ગુજરાત મેઇલના “લોકોપાયલોટ” માટે એ રેડ આઈ જર્ની છે કેમકે આખી રાત એ “લોકોપાયલોટ” ટ્રેઈન ચલાવવાનો છે..
સરકાર કહે છે ક્યાં તો ઉંઘીને ઉઠે અથવા ઊંઘવા જતા રહે પાયલોટ સહિત આખો સ્ટાફ પણ લાલ આંખે તમારે હવાઈ જહાજ ઉડાડવા ના નથી ..!
પણ એરલાઇન્સ છે કે ગાંઠવાના મૂડ કે મોડમાં નથી ,એમની બેલેન્સશીટ બગડે છે , જો સ્ટાફ વધારે તો ખર્ચા વધે, અને ખર્ચા વધે તો ભાડા વધે , ભાડા વધે તો ધંધો ઘટે , ધંધો ઘટે તો હવાઈ જહાજને ગ્રાઉન્ડ કરવા પડે અને હવાઈ જહાજ ગ્રાઉન્ડ કરે તો જરાક પણ ન પોસાય..
આખું વિષચક્ર ગોઠવાયું છે એરલાઈન બિઝનેસમાં ..
દુનિયાભરમાં એરલાઈન બિઝનેસ ક્યારેય બહુ ચાલ્યો નથી અને ચાલ્યો છે તો એના ઉઠમણા બહુ જલદી થાય છે , સિવાય કે સરકારી એરલાઈન્સ ..
સરકારી એરલાઇન્સમાં ભાર કન્યાને કેડે હોય એટલે એમાં બહુ વાંધો ના આવે બાકી તો સસરાને ભાર આવે તો એક ઝાટકે નિર્ણય લેવાઈ જાય , વાવટા સંકેલી લ્યો ભાઈ નથી કરવાના આ ધંધા ..
પ્રાઇવેટ કંપનીઓ તમારી ને મારી સેવા કરવા ધંધો નથી કરતી , છેવટે એ કંપનીઓનો માલિક હોય જ અને માલિક હોય એટલે નફો તો જોઈએ જ …
દરેક ધંધામાં એક હદથી આગળ તમને ધંધો મળી જાય પછી એવું ચોક્કસ લાગે કે દુનિયા મારી મુઠ્ઠીમાં …પછી સરકાર હોય કે દુનિયાનો કોઈપણ ચમરબંધી એને બહુ ગાંઠવાના નહીં , એક જ ધંધામાં સમય વધારે જાય એટલે “ગોઠવણો”ની સીસ્ટમો બધી ગોઠવાઈ ગઈ હોય, એટલે નિયમો ખિસ્સામાં મૂકી અને રમત મંડાઈ જાય …!!
ગજગ્રાહ ચાલ્યો છે ..!!
મારી સમજણમાં કેટલી એરલાઈન્સ આવીને ઊઠી ગઈ… ?
પાર વિનાની એરલાઈન્સ આવી અને ગઈ , લગભગ સિત્તેરના દાયકાથી શરૂ થયેલી મારી હવાઈ યાત્રાઓમાં ભારતવર્ષની લગભગ બધી એરલાઇન્સમાં સફર કરી ચૂક્યો છું , મજાની વાત એ છે કે એ જમાનામાં પણ ચાર પાંચ હજાર રૂપિયામાં ટિકિટ થતી અને આ જમાનામાં પણ ટિકિટનો ભાવ એ જ છે … બોલો હવે શું પિત્તળ કાઢી લેવાય આ ધંધામાં ???
જે ધંધો ટર્નઓવરના રવાડે ચડે એ ધંધો ખાડે જ જાય..!!!
અને ટ્રાવેલ્સના કોઈપણ ધંધામાં આ કમબખ્તી , એ પછી અમદાવાદ ભાવનગર હોય કે અમદાવાદ ઉદયપુર , બસ આખ્ખી ભરેલી જ રાખવી પડે ખાલી બસ જાય તો નુકસાન .. ખાલી બસો કોણ દોડાવી શકે તો કહે જે તે રાજયની સ્ટેટ ટ્રાન્સપોર્ટ બાકી લકઝરી બસ આખી ભરેલી જ જોઈએ …
જો કે દબાતા સ્વરે ક્યાંક ઘુસર પુસર થતી રહે કે કલઝરીમાં દારૂની ખેપો પણ મારી લ્યે એટલે ખાતાવહી સરભર થઈ જાય , ચોપડે નુકસાન પણ રોકડે નફો …
સાચું ખોટું મેહલે બિરાજતા બાળસ્વરૂપ ના રામ જાણે , હજી રાજા રામચંદ્રજી નું મંદિર બનવાનું બાકી છે અત્યારે ખાલી ઓરછામાં જ રાજા રામચંદ્રજીનું મંદિર છે જ્યાં રામ ભગવાન રાજાના સ્વરૂપે પૂજાય છે ,
આટલું મોટું રામ મંદિર બાંધ્યું પણ ઓરછામાં ફકત એક માત્ર મંદિર જ્યાં રામચંદ્રજી જ્યાં રાજા સ્વરૂપે પૂજાય છે ત્યાં ફક્ત એકમાત્ર પોલીસકાકા રાજા રામચંદ્રજી ને સલામી આપે છે , શૈશવ એ નજરો નજર જોયું છે …
સાહેબ જરાક ધ્યાન …
રાજા રામચંદ્રજી છે , આપણા કરતાં અંગ્રેજો સારા કે જૂના રજવાડાઓને અમુક તમુક તોપોની સલામી આપતા , અયોધ્યામાં રાજા રામચંદ્રજી બિરાજે ત્યાં સુધી ઓરછામાં એકમાત્ર પોલીસ નહીં પ્રોપર સલામી અપાય એવું ગોઠવો બાપલીયા..
પર્સનલ બ્લોગ છે એટલે શૈશવ એની વાત કહી દે …
બહુ વર્ષો પેહલા બેંગ્લોર હવાઈ અડ્ડો બહુ નાનો હતો , અને ભારત દેશમાં નાના હવાઈ અડ્ડા ઉપર ટર્મિનલ બિલ્ડિંગથી જહાજ સુધી ચાલીને જવું પડતું , બનતું એવું કે જહાજનું નાક લગભગ ટર્મિનલ સુધી આવી જતું એટલું કસોકસ તસોતસ પાર્કિંગ થતા , એટલે જહાજની સીડી સુધી જવા કંઇ બહુ ચાલવું ના પડે …
ઘટના એવી ઘટી કે બેંગ્લોરથી પાછા આવતા શૈશવે સાડા દસ અગિયારની ફ્લાઇટ લીધી અને કોઈ કારણસર લેઇટ થઈ , આખો દિવસ ઇન્ફો સિટી અને પિન્યામાં રખડ્યા પછી શૈશવ પુષ્કળ થાકેલો , એરપોર્ટ ઉપર ભરપેટ ખાઈ અને ઉપર એક મેંગો લસ્સી ઠોકી લીધી હતી , ઊંઘ કહે મારું કામ .. બેઠા બેઠા ઝોકાં મારું , ગણતરી એવી હતી કે દોઢ બે કલાકની ફલાઈટમાં ખેંચી કાઢીશ મસ્ત એટલે અમદાવાદ ઉતરીને ઘરભેગા એકાદ વાગ્યે …
પણ ફ્લાઇટ થઈ ડીલે ..સત્યાનાશ… રાતના બાર વાગી ગયા , કાંટિયું માથે ચડીને આગળ જવા લાગ્યું …આખું એરપોર્ટ લગભગ ખાલીખમ્મ , શૈશવ સલવાયો.. ઝોકાં હવે ઝોલામાં પરિવર્તિત થઈ ગયા છેવટે નીંદરડી જીતી.. ગાઢ નિંદ્રામાં શૈશવ જતો રહ્યો , રાત્રે એક દોઢ વાગ્યે બોર્ડિંગ એનાઉન્સ થયું , બધા પેસેન્જર જહાજમાં જતા રહ્યા , શૈશવ વોરા , મિસ્ટર વોરા લાસ્ટ એન્ડ ફાઈનલ બોર્ડિંગ કોલ , ગેઇટ ક્લોઝિંગ..ની બૂમો પડતી રહી.. મારો સામાન જહાજમાં ચડી ગયો હતો , એરલાઇન સ્ટાફને મારો સામાન ઓફ લોડ કરવાની સૂચના અપાઈ .. અને બીજો સ્ટાફ મને શોધે ..એક ગ્રાઉન્ડ સ્ટાફ ની છોકરીની નજર પડી ભયંકર રીતે ઊંઘતા શૈશવ ઉપર , સદ્દનસીબે મેં બોર્ડિંગ પાસ શર્ટના ઉપરના ખિસ્સા માં રાખ્યો હતો , પેલી છોકરીએ જોઈ લીધો બોર્ડિંગ પાસ , મને ઉઠાડી ને કહે સર.. રન… ફાઈનલ કોલ ગેટ ક્લોઝ્ડ.. શૈશવે મુઠ્ઠીઓ વાળી અને દોડવાનું ચાલુ કર્યું , સીધો જહાજની સીડી પાસે …!!!
હાંફતો હાંફતો સીડી સુધી……… અને ત્યાં જ પાછળથી કાન પટ્ટી ઉપર સ્ટેનગન.. અને ચાર સીઆઈએસએફના જવાનો એ બાવડું પકડીને ઊંચકી લીધો , દોડવાનું એ લોકોનું ચાલુ ટર્મિનલ પાસે શૈશવને લવાયો , લગભગ એકે એક કપડું મારું ચેક થયું લગેજ ઓફલોડ થયો એ પણ ચેક થયો , અમેરિકાના એરપોર્ટ ઉપર જેમ આપણા હીરોને દિગંબર કર્યા હતા એમ આપણો વારો ..
શૈશવની ભૂલ સીઆઈએસએફના જવાનને બોર્ડિંગ પાસ દેખાડવાને બદલે સીધો દોડી ગયો અને એ ભયંકર સ્પીડમાં ..!!!
જહાજ બીજું અડધો કલાક લેઈટ… આખો પીંખાયેલો હું જહાજમાં ચડ્યો , એકે એક પેસેન્જર હું જાણે આતંકવાદી હોઉં એમ ઘુરે…!!
પણ આપણે તો ઊંઘ ના જોવે ઓટલો અને ભૂખ ના જોવે રોટલો … ફરી ઘોરી ગયા..!!
બસ સરકારમાં કોઈને આ કેહવત ખબર પડી ગઈ છે એટલે મારી જેમ પાયલોટ ઊંઘી ના જાય એટલે રેડ આઈ ફ્લાઇટ માટે કકળાટ કરે છે..!!! સમજ્યા હવે ???? બાય ધ વે શૈશવને એક વરદાન મહાદેવજી એ આપ્યું છે , દસ મિનિટની ફ્લાઇટ હોય છે વીસ કલાકની ,શૈશવ ટેક ઓફ થાય એ પેહલા ઊંઘી જાય અને લેન્ડિંગ પછી જ ઊઠે.. શૈશવે ક્યારેય ટેક ઓફ લેન્ડિંગ લગભગ જોયા નથી …!!
જય હો
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*