ચુંટણીના પડઘમ વાગ્યા છે ..નોબતીયા અને શરણાઈઓ સંભાળતી બંધ થઇ છે ચુંટણી પ્રચારની , સ્થાનિક સ્વરાજ ની ચુંટણીઓ છે ..
આજે રવિવારની વેહલી સવારથી મતદાન થશે …રવિવાર આઠ વાગ્યાની શિયાળાની સવાર ને વેહલી સવાર જ કેહવાય ..ફરી એકવાર આનંદીબેનની સરકાર અને આનંદીબેન પોતે કસોટીની એરણ પર આવશે …!!!
પ્રિન્સીપાલ “બેન” પાસ થશે કે નાપાસ એ તો એમનું ભાગ્ય જાણે ,પણ આ વખતે કોંગ્રેસ છે સારી એવી જોરમાં ..મતદાન મથકો એ કાગડા ઉડે છે ,
અમદાવાદ શેહરભરમાં રેલીઓ અને રોડ શો ચાલ્યા ,બધા કોર્પોરેટર માટે ઉભેલા ઉમેદવારો એડી ચોટી નું જોર મારી રહ્યા છે ..મારું એક ઓબ્ઝરવેશન છે કે કોંગ્રેસના રોડ શોમાં પબ્લિક વધારે દેખાઈ રહી છે ….
પણ સવાલ બધે એક જ છે પટેલો શું કરશે ..?
જવાબ બધા પાસે છે અને કોઈની પાસે નથી ,બધા પાસે જે જવાબ છે એ એવો છે કે આ વખતે ભૂંડે હાલ ભાજપ જશે , પટેલો જ ભાજપને હરાવશે ….
અને જે જવાબ કોઈની પાસે નથી એ જવાબ એવો છે કે જો ભાજપ પાતળી બહુમતીથી પણ જીતી ગયું તો …પટેલ ..પટેલ…. એ નામની જે ધાક ઉભી થઇ છે એ સદંતર પાણીમાં જશે અને ફરી એકવાર મજ્પા કે શંકરસિંહ વાઘેલાના ખજુરાહો પછી જે હાલ વિપક્ષ કે કોંગ્રેસના હતા એ હાલ થશે …
હવે થોડું એનાલીસીસ કરું કયા મુદ્દા પર આ ચુંટણી લડાઈ રહી છે ..? તો મુદ્દા શોધવા પડે એવી હાલત છે …
સાચી હકીકત કહું ને તો જનતા જનાર્દનમાંથી કોઈ ને ખબર જ નથી કે આવી કોઈ ચુંટણી છે કે નહિ ….!!!
અમદાવાદની પ્રજાને તો ખબર જ નથી કે ચુંટણી છે કે નહિ ,બધા હજી દિવાળીના વેકેશન મૂડમાં જ ફરે છે ,અને બહારગામ ફરવા ગયેલી પ્રજા હજી તો આજે રવિવારે ઘરભેગી થશે ,અને એજ દિવસે મતદાન છે ,
એટલે લખી રાખજે જીગા મતદાન એટલું ઓછુ થશે કે ના પૂછને વાત – બકા ઉવાચ
પણ આ વખતે એન્ટી ઇન્કમ્બક્સીવ ફેક્ટર બહુ મોટું છે , દસ દસ વર્ષથી ભાજપનું એકધારું શાસન છે અમદાવાદની મ્યુનિસિપાલિટીમાં ,ભ્રષ્ટાચારની વાતો પણ દબાતે અવાજે ક્યાંક ક્યાંક સંભળાય છે ,અત્યારના મેયર મીનાક્ષીબેન પટેલ કઈ ખાસ ઉકાળી શક્યા નથી , ઉડીને આંખ વળગે એવું એકપણ કામ નથી થયું જે છે એના એ જ જુના ફોટા રીવર ફ્રન્ટના બતાડી બતાડી અને મતો ભેગા કરવાના છે …
બીજું આનંદીબેન પાસે નરેન્દ્ર મોદી જેવું જાદુઈ વ્યકતિત્વ નથી ,
જાદુઈ તો કેહવું પડે ભાઈ ગુજરાતમાં ત્રણ ત્રણ ચુંટણી સળંગ જીત્યા છે , અને એ પણ કેશુબાપાને પછાડી પછાડીને …!! પટેલ છે હો કેશુબાપા …!!
બિહારમાં હાર્યા તો શું થયું હે ..!!
અમદાવાદમાં જો ભાજપ હારશે તો એનું કારણ ભાજપ પોતે હશે , છુટ્ટે હાથે પટેલ ઉમેદવારોમાં ટીકીટની લહાણી કરી છે ,અને એ જ ભાજપના પટેલ ઉમેદવારને એમના જ પટેલો સપોર્ટ નહિ કરે ..
ખરેખર તો “ખામ “(ક્ષત્રીય ,દલિત ,આદિવાસી ,મુસ્લિમ ) થીયરી ભાજપે વાપરવાની જરૂર હતી જો એ વાપરીને ટીકીટો આપી હોત તો ઝળહળતી બહુમતી દેખાત ,પણ હવે કઈ ગણતરીથી ઢગલાબંધ પટેલ ઉમેદવારોને ટીકીટ અપાઈ એ તો “બેન” જાણે…!!!
રહી રહીને “બેન” એ પોતાનો પ્રચાર ચાલુ કરાવ્યો રેડિયા અને ટીવી પર , પોસ્ટર અને હોર્ડીન્ગ્સમાં પણ વડાપ્રધાનને ઉતાર્યા, પણ આ બધું નિરર્થક છે , “ખામ” થીયરી જબરજસ્ત રીતે કામ કરી રહી છે અને એ પણ કોંગ્રેસની ફેવરમાં …
”બેન” એ પટેલ કાર્ડ ઉતારવાની જરૂર જ નોહતી , કેમકે અનામત આંદોલનમાં પેહલા દિવસથી જ ભૂલો થતી આવી છે અને હાર્દિક પટેલ પર રાજદ્રોહનો ગુનો દાખલ કરીને પરિસ્થિતિને કંટ્રોલમાં લેવી પડી, છેક રાજદ્રોહના ગુના સુધી જવું પડ્યું એટલે એવું કહી શકાય કે છેલ્લી એન્ટીબાયોટિક વાપરી લીધી, અને પછી પણ જો રોગ ના મટે તો પરભુ શરણ …!!
જો કે રોગ અત્યારે તો જબરજસ્ત રીતે દબાવી દીધો છે એટલે આમ તો આ રમતમાં આનાદીબેન જીતી ગયા છે આ અનામતના આંદોલન ને દબાવી દેવામાં .પણ આ ચુંટણીઓ ફાઈનલ છે ,જો જીત્યા તો પછી ઘણી શાંતિ રેહશે ,અને હાર્યા તો ફરી પાછો ઉત્પાત ચાલુ થશે કે બેન આજે જાય છે કે કાલે ….!! નહીં તો પરમદિવસે તો ચોક્કસ …!!
અસંતોષ ભારોભાર છે ચારે બાજુ , રાત્રે બેઠકોમાં કાગડા ઉડે છે અને ઉગતા સુરજને પૂજવાવાળા લોકો આ વખતે કોંગ્રેસના કેમ્પમાં જઈ ને બેસે છે ..
બીજી બધી વાયકાઓ એવી ચાલે છે કે મેયર મીનાક્ષબેન ભદ્રકાળીના ચોકમાં ગરબે ઘૂમ્યા છે ,એટલે સત્તા જવાની ,આજસુધી જેટલા મેયરે ભદ્રકાળીના ચોકે ગરબા ગયા છે એ બધા ગયા છે …!!
બીજું નેહરુ બ્રીજના છેડે રૂપાલી સિનેમા પાસે રાજીવ ગાંધી અને ઇન્દિરા ગાંધીના પુતળાને અત્યાર સુધી ,લગભગ દસ વર્ષથી મુશ્કેટાટ બાંધી રાખ્યું હતું માં દીકરા નું પુતળું , દસ વર્ષથી ભાજપની સરકારે ઉદઘાટન જ નોહતું થવા દીધું .. એ પુતળા કોઈ એ ખોલી નાખ્યા છે એટલે આ વખતે તો કોંગ્રેસ આવવાની …
એક સૂત્ર જોર જોરથી બોલાય છે જય ભવાની ભાજપ જવાની …!!
એક જમાનામાં જય રણછોડ , માધ્યો ચોર … સંભળાતું
અત્યારે તો કોંગ્રેસીઓના ઘેર લાપસીના આંધણ મુકાય એવું લાગે છે ,
કદાચ આઠ દસ અપક્ષો બાજી મારી જાય અને અમદાવાદ મહાનગરપાલિકાની સત્તાન ચાવી પોતાના હાથમાં રાખે તો નવાઈ નહિ કેમકે મણીનગરમાં બાપ જીંદગીમાં કોંગ્રેસના આવે અને રાયખડમાં ભાજપ ..એટલે બધું કાંટો કાંટ જાય છે ..!!૧૯૨ સીટો છે અમદાવાદ મહાનગર પાલિકામાં નવો પશ્ચિમ ઝોન ઉમેરતા ..એટલે બધા જ જોર મારી રહ્યા છે પોત પોતાની રીતે ..
નસીબવાળા મોદી સાહેબનું પાનું ફર્યું છે ,હવે એમના નસીબ ને આડે પાંદડું આવ્યું છે ,એ કેળનું પાંદડું આવ્યું છે કે લીમડાનું એ તો સમય જ કેહશે …
આપણે તો બે દિવસ પેહલા પેલી રીક્ષા પર મોટા ભૂંગળા બાંધીને ફરતા પ્રચારકો કમળ.. કમળ.. કમળ અને ઘાંટા પડી ને બોલતા ..પંજો આપનો મત ફક્ત પંજા ને …
એ બધા કકળાટમાંથી મુક્તિ મળી એ બહુ છે …મતદારોને મતદાન મથક સુધી લાવવાની જોરદાર કસરતો ચાલી રહી છે , રવિવાર અને દિવાળી વેકેશન પછીનો પેહલો રવિવાર એટલે બધા ને ઘરે જમણવારી છે ક્યાં તો જમવા જવાનું છે અથવા કોઈ ઘરે જમવા આવવાનું છે …
ચુંટણીમાં ચાલતા ભ્રષ્ટાચારોની વાત કરું તો
બધા જ કરે છે એક નહિ તો બીજી રીતે …ભ્રષ્ટાચાર તો સાલા બધા કરે છે ..આ દૂષણ હજી ગયું નથી
ગઈકાલે રાતના બધા વહીવટો પતી ગયા , રોકડા અને પોટલી કે પછી વસ્તુઓ બધું જે કઈ ઝુપડપટ્ટીમાં આપવાનું હતું એ રાત્રે અગિયારથી એકમાં અપાઇ ગયું છે , આ વખતે નવતર વસ્તુ અપાઈ છે મોબાઈલમાં બેલેન્સ નાખવી આપતા હતા ઉમેદવારો ના સમર્થકો …!!
મારું બેટું એમાં પણ ટેકનોલોજી આવી ગઈ …ભ્રષ્ટાચારમાં પણ ટેકનોલોજી …મોબાઈલમાં બેલેન્સ કરાવો અને મત લઇ જાવ …!!
અને આ બધું કર્યા પછી પણ મતદાર મત કોને આપશે એ કોઈ કળી નોહતું શકતું , ખાલી ખાલી મતદાર યાદીના ચોપડા લઈને બધા પક્ષો વાળા પોતાના ગણિત બેસાડતા હતા ,પોતાની ફેવરમાં ..!!અને એમના કાનમાં ધીમેકથી બુમ મારો
જય સરદાર …એટલે ચોપડો બંધ થઇ જતો ..હવે થોડી મારી બળતરા
જય સરદારથી આગળ નું પેલું નહિ લખું કે બોલું ..હું જ્ઞાતિ પ્રથાનો વિરોધી છું ..
અને જય સરદાર એટલે લખ્યું કે સરદાર પટેલના દીકરી મણીબેનનું ઘર મેં મણીબેનની પાછલી અવસ્થામાં ઘણીવાર જોયું છે …મારા હાથથી એમનો હાથ પકડી ને એમને રીક્ષામાં બેસાડવાનું સૌભાગ્ય મને મળ્યું છે ..!!
ભ્રષ્ટાચાર ના કરવાની કે પટેલ થઇને પટેલની ફેવર ના કરવાની સજા મેં એમના ઘરમાં જોઈ છે અને ખુમારી એમના મોઢા પર ….!!!
ખોટી ખોટી સરદારના નામની બુમો ના મારશો ..વાંચો, જુવો,અને જાણો અમદાવાદના એક જમાનાના મેયર શ્રી સરદાર વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલને ,પછી જય સરદારની બુમ નહિ નીકળે મોઢામાંથી ,મસ્તક ઝુકી જશે આપોઆપ એ ચરણમાં …ફક્ત પટેલોના નોહતા સરદાર ..
આખા દેશના સરદાર છે એ …!!!
ભૂલી જાવ હવે પી ફોર પી અને બોલો આઈ (ઇન્ડિયન) ફોર આઈ (ઇન્ડિયન)
આપનો દિન શુભ રહે …
મતદાન કરજો બાપલીયા
શૈશવ વોરા