ભદ્ર ના કિલ્લે થી ?
અમદાવાદને હેરીટેજ સીટી જાહેર કરાયુ..!!
પેહલો જ સવાલ અને એ પણ પાક્કી અમદાવાદી ભાષામાં
“એની માંને આ કયો મોરલો “તાં” યુનેસ્કોમાં જઈને “કળા” કરી આ`યો..?”
વિક્રમ સંવત ૨૦૨૭ની ભાદરવા મહિનાની સર્વપિત્રી અમાસની સાંજે અમારું અમદાવાદની ધરતી પર અવતરણ થયુ..
મુકામ પોસ્ટ ડો ઈન્દુમતીનું દવાખાનું, શાહપુર બહાઈ સેન્ટર,શાહપુર, અમદાવાદ-૩૮૦૦૦૧..!
અને ત્યાં જ અમદાવાદ નામે શેહરમાં જ કોટ વિસ્તારમાં કોટની રાંગે ચડી અને ઉતરીને અમારું બાળપણ વીત્યુ.. જુવાની ચડી એલીસબ્રીજમાં, બિલકુલ કોચરબ આશ્રમની સામે,સોસાયટીના પેહલા નંબરનો બંગલો અને બહાર નેઈમ પ્લેટ ઝૂલે ડોક્ટર હરિપ્રસાદ બુલાખીદાસ..અંદર આગળ આવો એટલે એક બંગલાની બહાર લખેલું હોય ડાહ્યાભાઈ વલ્લભભાઈ પટેલ,અને એ બંગલામાંથી રોજ સાડા ત્રણના અરસામાં એક “બા” બહાર આવે અને રીક્ષામાં બેસીને કોંગ્રેસ હાઉસ જાય ,એ બા નું નામ મણીબેન પટેલ..
અમારી ગૃહસ્થી ચાલુ થઈ સેટેલાઈટ એરિયામાં..!
વચ્ચે જીવનમાં કેટકેટલા અવસરો આવ્યા અમદાવાદને છોડી અને ભાગવાના..! પણ હાય રે..પણ દિલ માને જ નહિ ,
ના યાર હો..અમદાવાદ તો ના જ છોડાય..!!
બે ત્રણ વર્ષ પેહલા અમદાવાદમાં એક રવિવારની સવારે હેરીટેજ વોક પર નીકળ્યો હતો, ખરેખર મજા આવી હતી આપણા જ શેહરમાં આપણે એક ટુરીસ્ટની જેમ રખડીએ તો ગમે..એ દિવસે આટલા વર્ષમાં પેહલીવાર ખબર પડી કે જામા મસ્જીદનો એક દરવાજો સીધો માણેકચોકમાં બાદશાહના હજીરે બહાર નીકળે..!
ત્રણ દરવાજાના માથે પેહલીવાર ચડ્યા..વર્ષોથી સાંભળતા કે સાબરમતીમાં પુર આવે અને ત્રણ દરવાજાના માથા ડુબે તો જ ખાનપુર ડૂબે..અને જયારે ખરેખરા ત્રણ દરવાજાના “માથે” ચડ્યા ત્યારે લાગ્યું વાત તો મારી બેટી સાચી હો..અમે ખાનપુર (કામા હોટલની સામેવાળો) જે કોટ પર ચડી જતા એની અને ત્રણ દરવાજાની હાઈટ સરખી જ છે, પણ એ કોટ અમારુ ખાનપુરનું તળ છે અને ત્રણ દરવાજાનું માથું..!
આવી ઘણી ઘણી વાતો છે પણ..કદાચ અમદાવાદના ઝુલતા મિનારા ઉપર ચડી અને “ઝુલનારી” છેલ્લી પેઢી હું છું..!
વચ્ચે એક “ઘાતકી” વિચાર આવ્યો હતો, મારા ત્રીસેક વર્ષના એક ભત્રીજાને તૈયાર પણ કર્યો હતો કે ચલ તારી ગેંગ લઇ લે, (મારા તો સાલા બધા “ડોહા” થઇ ગયા છે અને જીમવાળા તો સાલા શક્લથી જ પરખાઈ જાય કે “ક્રિમીનલ” છે) મોડી રાત્રે આઠ દસ જણા ઘુસી જઈએ ઝુલતા મિનારામાં..અત્યારે તો સાવ અવાવરું પડી રહ્યા છે બંને મીનાર, અને નીચે દરવાજો બંધ છે પણ પેહલો માળ થોડો નીચો છે, એટલે મારા જેવી “વાંદરી” પ્રજાને ઠેકી જવામાં વાંધો ના આવે, પણ એકલા નહિ, જોડે બીજા ચાર પાંચ વાંદરા જોઈએ..!
પ્લાન એક્ચ્યુલી અમલમાં મુકવો હતો એટલે એક રાતે “રેકી” કરવા કાલુપુર સ્ટેશન જઈ આવ્યો પણ ખુબ જ જર્જરિત હાલત છે ઝુલતા મિનારાની, અને બંને મિનારા ના પથ્થરોના સાંધા ખુલી ગયા છે, એટલે ડર લાગ્યો કે જો ઉપર ચડ્યા અને મીનાર “ધબાય નમઃ” થયો તો..
એક તો પકડાઈએ એટલે ગુન્હો બને (ના પકડાવ તો તો ચિંતા નહિ) બીજું એક હેરીટેજના નાશનું પાપ માથે ચડે, અને ત્રીજું એકાદો ઉકલી ગયો તો પછી લાંબી થાય બબાલ..એટલે મનને ત્યાં જ મારી નાખ્યુ..નથી કરવાના વાંદર વેડા..પ્રોગ્રામ કેન્સલ..!
ઝુલતા મિનારા ,ભદ્રનો કિલ્લો,બધા દરવાજા અને બીજા આવા અમદાવાદના કોટ ની ઉંમરના હેરીટેજ કેટલા ? તો જવાબ આવે આંગળીના વેઢે..સીદી સૈયદની જાળી,સરખેજનો રોજો,રાણી સીપ્રીની મસ્જીદ,અડલજની વાવ..
પણ યારો સાચું કહું દેશમાં પથરાયેલા બીજા બધા “પથરા”ની સરખામણીમાં આપણા “પથરા” ઘણા “નવા” પડે અને “ઉતરતા” પણ છે..!!! અને બીજું એ કે આપણા પથરા રેતીયા પત્થરમાંથી બન્યા છે એટલે હજાર બારસોથી વધારે એમના આયુષ્ય નથી..! સીદીસૈયદની જાળી ઘણી જગ્યાએથી બટકી ગઈ છે.. સમયનો માર ઘણો છે..!
સરખેજનો રોજો,
તો જેમાં જોર જોર નક્કાશી છે, એવી કબરો ઉપર એટલી મોટી મોટી ચાદરો પાથરી રખાય છે કે અંદર શું છે ખબર જ ના પડે..!!
અડલજની વાવ તો મુઈ એવી ગંધાય કે ના પૂછોને વાત..બે
નપણી લઈને આયો હોય અને “પપ્પી” મારવાની બાકી હોય ત્યાં સુધી લખોટો સહન કરે, જેવી પપ્પી મળી કે નાકમાં વાસ આવે અને માટીડો ફટ કરતો વાવની બહાર..!
ભદ્રનો કિલ્લો રીનોવેશનના નામે ગુલાબી કરી નાખ્યો, સામે છેડે માણેકબુરજ અડધો કાપી નાખ્યો..!
ટૂંકમાં વાતો તો આપણે કરીએ છસ્સો ને છ વર્ષની, પણ સાચવણી..?
તો કહે છોડને યાર બહુ લાગી `તી, તો કોટ તરફ ફરીને ઉભા રહી ગયા..સુ સુ કરી લેવા ની હેરીટેજ ઉપર..!
છસ્સોથી આગળ આવી અને “સો” ની વાત કરીએ, મોહનબાપા અમદાવાદ આ`યા અને મિલમાલિકોને ખાદી પેહરાવી..બાપા પોતડી લપેટીને દાંડી જવા નીકળ્યા અને ધીમા પણ મક્કમ અવાજે બોલ્યા “કાગડા કુતરાના મોટે મરીશ પણ સ્વરાજ લીધા વિના પાછો નહિ આવુ..” અને મોહનબાપા ગયા તે ગયા, સાબરમતી આશ્રમ સુનો થયો, સ્વરાજ આવ્યું પણ એના પછી અમદાવાદ પાસે ઈતિહાસમાં એન્ટર થાય એવું બીજું કશું ના બન્યુ..
ના ઘટના કે ના મોન્યુમેન્ટ..!
વૈષ્ણવજન તો બે ભાગમાં વેહચાયું.. લોકો એ “વૈષ્ણવ” અને “વજન” એમ બે ભાગ કર્યા..અને એને બરાબર ઝાલી લીધું, દેખાવ “વૈષ્ણવ”નો અને ટેબલ પર “વજન” મુકાવવાનું..સાબરમતી આશ્રમનો છેલ્લો સદપયોગ થયો મોરારજીકાકા ને “બાળવા”..આખી જિંદગી મુંબઈમાં રહ્યા અને છેલ્લે બાળ ઠાકરે એ ગર્જના કરી કે લઇ જાવ હો, અહિયાં નહિ..ગૌશાળાનો પ્લોટ એમને ભાગે આવ્યો..! (એક સાચા માણસની જોડે રમાયેલી દુ:ખદ રમત)
ગુજરાતી ગૌરવનો સવાલ હતો..!
છેલ્લા પાંચ સાત દાયકામાં સતત અમદાવાદ પાછળને પાછળ ધકેલાતું રહ્યું.. બેંગ્લોર,પુના અને હૈદરાબાદની સરખામણીમાં..ગાંધીનગરના જન્મ પછી તો અમદાવાદની પનોતી બેઠી..મિલો પડી ભાંગી, ગાંધીનગરના શાસકોને ભાન જ ના પ`ડી કે શું થઇ રહ્યું છે..? હજી કેલિકો મિલનું ભૂંગળું ઉભું છે ઘાલવું હોય તો એને પણ હેરીટેજમાં ઘાલી દ્યો..અમદાવાદમાં આવા છુટાછવાયેલા હેરીટેજ ઘણા..
“મિલનું ભૂંગળું” હેરીટેજ જ કેહવાયને..પૂર્વ અમદાવાદમાં ઘણા ભૂંગળા પડ્યા છે ખોલી નાખો ભૂંગળે ભૂંગળે હોટલો..!
મિલો ગઈ અને અમદાવાદમાં “ગરીબી” પેઠી અને એ ગરીબી એ કોમ્યુનલ ટેન્શન એટલું બધું વધારી દીધું કે હેરીટેજ પણ હિંદુ,મુસલમાન,જૈન થઇ ગયુ..જેની સાક્ષી પૂરે છે જામા મસ્જીદના પત્થર ઉપર પેઈન્ટ કરવામાં આવેલી અરબીની આયાતો.. પેઈન્ટ કરેલી છે માટે વાંધો છે, મસ્જીદ બની ત્યારે તાજમહેલમાં જેમ કોતરેલી છે એમ કોતરેલી નથી..હમણાં હમણા જ લખાઈ છે..! અને હા જામા મસ્જીદ જૈન દેરાસરો અને મંદિર તોડીને બનાવાઈ છે હજી પણ એના ઢગલાબંધ પુરાવા જામા મસ્જીદમાં જ છે, અહિયાં લખતો નથી કેમકે પાછો કોક કટ્ટરવાદી એનો નાશ કરે..!
બાકી રહી વાત પોળોની, તો હકીકત એ છે કે પોળના ઓટલે બિહામણો સન્નાટો છે, સાહીઠ ટકા ઘર પોળોમાં ખાલી છે, પોળોમાં રહી ગયેલા લોકોના છોકરા ચાલીસ ચાલીસ વર્ષે કુંવારા છે કોઈ છોકરી પોળના હવેલી જેવા મકાનમાં રેહવા તૈયાર નથી, સોલાના ત્રણ રૂમ રસોડાના ફલેટ ચાલશે પણ પોળમાં નહિ..!
પોળના નાકે “ઉભરાતા” ભાઈબંધોના ટોળા એ મજાક મસ્તી અને અમદાવાદનો સ્પીરીટ એની આજે ખોટ છે..એક એમ્બ્યુલસની સાયરન સંભળાય અને આખ્ખે આખી પોળ બહાર આવી જાય અને સ્વજનને કોણ વાડીલાલ લઇને નીકળ્યું એની ખબર પણ ના પડે,
પોળમાં રમતા રમતા છોકરા પાણી ના બાટલા ગમે તે ઘરમાં જઈને લાવે અને પાછો જોડે બાજુવાળા માસી કે કાકી શીંગચણા એના ખિસ્સામાં ભરી આપે. નોરતાના મલ્લામા
તા અને હોળીની ધમ્માલ..દિવાળીના ફટાકડા અને પચાસ પૈસાની બોણી..!
કેટલી બધી વાતો છે મારા અમદાવાદની કઈ યાદ રાખું અને કઈ લખું..રોમે રોમમાં વણાઈ ગયું છે આ શેહર મારા..!
પણ રહી રહીને સવાલ થાય છે કે હેરીટેજ સીટી અમદાવાદ કેમ..? ગુગલ ઉપર ફેંદી વળ્યો કે આ “હેરીટેજ સીટી” થયા પછી કઈ બીજી રૂપિયાની “ચાકી” તો નહિ ચડે ને ? તો દસ હજાર ડોલરની ફી છે..જો કે એ કઈ બહુ મોટી એમાઉન્ટ ના કેહવાય મુન્સીટાપલી ભરી દેશે..!
તો આ અમદાવાદને હેરીટેજ સીટી જાહેર કરવાનો “કારસો” ગોઠવ્યો કોણે અને કેમ..?આપણા કરતા તો દેશમાં એવા ઘણા સીટી પડ્યા છે જેના હેરીટેજ ભયંકર “રીચ” છે..!
તો આપણો ખેલ કેમ પડ્યો..? ટુરિસ્ટ બોલવવા..?
તો કાનમાં કહી દઉં તને બક`લા, ઘણા મોટા મોટા લોકો જોડે મોટી મોટી મિલકતો સીટી એરિયામાં પડી રહી છે અને ચારેબાજુ “વસ્તી” વસેલી છે એટલે એમની મિલકતો મફત ના ભાવે જાય છે પણ આવું હેરીટેજ જેવું ગતકડું થાય અને હોટેલોમાં ફેરવાય પોળોના મકાનો તો “કામ” થઇ જાય..
ધંધાનો ધંધો અને મિલકતના ભાવ વધી જાય..!
થોડાક રાજસ્થાની છોકરાને તૈયાર કરો, ત્યાના ગાઈડોની જેમ વાર્તા કરનારાની જરૂર છે , અહિયાં બાદશાહ રેહતો અને હંગતો..!(અકબરી લોટો) ટુરીઝમ જબરું ચાલે..!
ઘણી બધી પોળની જૂની હવેલીઓ ફોરેન ફન્ડિંગથી રીનોવેટ થઇ ગઈ છે અને કોઈકના રૂપિયે આપણું ઘર સરખું થાય તો અમદાવાદી જીવડો પાછો પડે..? ગટરની પાઈપ સુધ્ધા બદલાવી લે..!!
અહી તો કોઈ કહે “મફત લઇ જાવ” તો એમ જવાબ આપે “તો એક ને બદલે બે આપ..!”
અમદાવાદી કોને કીધો..?
જબરું ગતકડું ઘાલ્યું છે આ “હેરીટેજ સીટી” ના નામનુ..!
મારો અમદાવાદી જીવડો એમ કહે છે કે જે હોય તે અલ્યા, કૈક “આલ્યું” છે ને, લઇ તો નથી ગયો ને તો પછી લઇ લે ને લ્યા..મે`લ ને છાલ..
“હેરીટેજ સીટી અમદાવાદ..”
પશાકાકા પૂછે છે તારી કાકીને હેરીટેજ ગણીને કોઈ લઇ ના જાય..?
એ આ પશાકાકા કોણ એમ ? તું ટોપા..
શુભ સંધ્યા
શૈશવ વોરા