આજે આમ તો અમારા લગ્નજીવન ના 27 વર્ષ પૂરા થયા, પણ હવે એમ લાગે છે કે ક્યારેય કુંવારા હતા જ નહીં , પત્નીજી સાથે ને સાથે જ હોય .. તમારા કુંવારા હોવાનો એહસાસ જ ભૂલાઈ જાય ..
ઉપરના વાક્યનો સંદર્ભ તમે કયો લ્યો છો એ હું તમારી મુન્સફી ઉપર છોડી દઉં છું ..
પણ એક ઘટના યાદ આવે છે , થોડાક વર્ષો પેહલા સુરતની બાહર એક રિસોર્ટમાં એક મિત્રના દીકરાની સગાઈ હતી , ગયા વિના ચાલે તેમ જ નોહ્તું , એટલે અમે પોહચી ગયા , પ્રસંગ ચાલુ થયો , સજીધજીને અમે પ્રેક્ષકગણમાં ગોઠવાયા , વિધિ પૂરી થઈ અને બધા પોતપોતાના કુંડાળામાં વાતો એ વળગ્યા , અમે લગભગ દરેકને ઓળખીએ એટલે બધા કુંડાળામાં થોડી થોડી વાર હાજરી આપીએ ..
એ મિત્રએ નવું નવું ઘર બદલ્યું હતું એટલે એમના શાખ પાડોશીને પણ નિમંત્ર્યા હતા , સ્વાભાવિક રીતે નવો નવો સંબંધ હોય એટલે એ લોકો બધાને ન ઓળખતા હોય એટલે એ દંપત્તિ શાંતિથી “એકલું” બેઠું હતું.. !!
સેહજ નજર મળી એટલે અમે જેશી કૃષ્ણ કર્યા સામેથી જય જિનેન્દ્ર થયા , અમે ચારેય હસી પડ્યા… !!
પેહલા તો એમણે એમના નામ કીધા અને યજમાન સાથેનો સંબંધ કીધો , અમે પણ અમારા નામ કીધા પણ અધવચ્ચે જ એમના પત્નીજી એ અમને રોકી પાડ્યા..
અમે તમને ઓળખીએ છીએ , તમારી બહુ જ બધી વાતો આ લોકોએ અમને કરી છે , તમે બધાને મળી લ્યો પછી આવો..
હવે પછીનું જે વાક્ય એ બોલ્યા એ અતિમહત્વનું છે ..
“લગ્નને ઘણા બધા વર્ષો થઈ જાય એટલે બે જણ વચ્ચે વાત કરવાના કોઈ ટોપિક બાકી નથી રહેતા એટલે કોઈ બીજાની કંપની હોય તો સારું પડે , તમે બાકી બધાને મળીને આવો પછી આપણે વાતો કરીએ…!! ”
એક સેકન્ડ માટે મને ઝાટકો આવ્યો કે આવું હોય ,…??
પણ હા .. એવું જ હોય..
જો અમે બન્ને જણાએ શોખ ,ધંધો બધું જ એક જ રાખ્યું હોત તો અમારી પણ આ જ દશા હોત, એક લીટીની પણ વાત કરવા માટેની બાકી ન રહી હોત…આજે પણ યાદ કરીએ કે કલાકો ના કલાકો શું વાતો કરતા હતા તો એ યાદ નથી પણ હવે કલાકો ના કલાકો વાત કરવી સો ટકા અઘરી થઈ જાય..!!!
હવે કલાકો વાત કરવી હોય તો ક્યાં તો પછી મારે ભરત મુનિનું નાટ્યશાસ્ત્ર લઈને બેસવું પડે , પેહલા મારે શીખવું પડે , પછી એમને શીખવાડવું પડે ..!!!
ઘરની, છોકરાઓની, સામાજિક , બધી જ વાતો આટલા વર્ષે હવે બહુ ના રહે ..અમારી ઉંમરના દરેકની આ સમસ્યા , ગમ્મે એટલો મોટો કવિ હોય અને એને કહીએ કે પરણ્યા ને પચીસ થાય પછી તમે તમારી પત્ની ઉપર કવિતા લખો અને ઓનેસ્ટી રાખે તો મેળ ન જ પડે.. બહુ ઓછા પેલા નવરંગ પિક્ચરમાં હતું એમ જમુના તું હૈ મેરી મોહિની … એવું રચી શકે ..!!!
મોટેભાગે મજાકમાં લગ્નને લાકડા ના લાડવા કેહવાય છે , પણ હું સ્ટ્રોંગલી માનું કે લાકડાનો લાડુ અપરિણીત રહેવામાં છે , લગ્ન કરવામાં નહીં જ..!!
ઢળતી ઉંમરની એકલતા અઘરી છે , અત્યારે ઉંમરના એવા પડાવ ઉપર છું કે ઘણા મિત્રો રિટાયર્ડ થયા છે કે પછી રિટાયરટમેન્ટ ના આરે આવીને ઊભા છે , જે આરે આવીને ઊભા છે એ લોકો બહુ ગજ્જબ રીતે સમેટો કરી રહ્યા છે , જરાક અચરજ અને પછી એમ વિચાર આવે કે કામ નહીં કરવાનું ? એ શું હોય ???
શોખ પૂરા કરવાના વગેરે વગેરે કહેતા હોય છે લોકો પણ મને ’ડલનેસ’ નો ભય સતાવે , બજાર નવરી કેમની સહન થાય ????
સંસાર માંડવામાં માટે જો એકબીજાને સમજવાની તૈયારી હોય તો લગ્ન જેવી કોઈ બીજી સુંદર વાત નથી , મોજે મોજ છે …
આજનો જ દાખલો આપું તો છેલ્લા ત્રણ દિવસથી ગુજરાત બાહર હતો ,આજે ઘર ભાળ્યું પણ ઘરનું જમવાનું ન મળ્યું , એક નજીકના સબંધીના ઘેર પ્રસંગ હતો , જમવાનું ત્યાં હતું , અને આવતીકાલે પણ બીજા એક ઘરના પ્રસંગમાં સવાર સાંજ જમવાનું છે ,
પત્નીજીને જરાક ઉત્સાહ હતો કે કોઈક હોટલવાળાનું કલ્યાણ કરીએ આજે, પણ આપણે એમની ઈચ્છા ઉપર ઠંડુ પાણી રેડી દીધું , આઠ ટંકથી બાહર ખાધું છે અને કાલે બે બીજા બે ટંક ખાવાનું છે તો આજે સાંજે તમારા હાથનું જમવાનું મળે તો …
બીજી મિનિટે એ રસોડામાં ઉતરી ગયા …!!
બીજી એક વાત તારા પપ્પા ,તારી મમ્મી, તારો ભાઈ ,તારી બહેન આ બધા થી બચીને રહીએ તો બહુ વાંધો મારી સમજણ પ્રમાણે નથી આવતો અને એક એવી વાત પણ ખરી કે બે ની વચ્ચે ત્રીજું નહીં..
બસ કકળાટથી દૂર સમજો ..
જો કે બીજા ઘણા બધા પરિબળો છે , આપણે ત્યાં ક્યારેય બે વ્યક્તિના લગ્નો થતા જ નથી , હંમેશા બે પરિવારોના લગ્નો થાય છે ,
આજકાલ બધું ઘણું આગળ વધ્યું છે , લગન પેહલા છૂટાછેડા થાય તો શું કરવાનું એ નક્કી કરી લેવાય છે …
નખ્ખોદ જાય .. મારી સામે આવી દરખાસ્ત આવી હોત તો કદાચ અડબોથ ઠોકું, જોડાતા પેહલા છુટા થવાની વાત એટલે શંકા છે એ નક્કી, તો પછી ભાઈ કે બેન રહેવા જ દો ..લગીરે શંકા ના હોય અને વિશ્વાસ બેસતો હોય તો જ આગળ વધવું બાકી તો પછી સાત ગળણે ગાળીને લ્યો કે આપો તો પણ ડખો પડે તો કશું ના થાય..
બહુ બધા જુદા જુદા દાંપત્યજીવન જોયા , નજીકથી જોવાનો અવસર પણ મળ્યો છે , ક્યારેક પતિના કકળાટે પત્ની એ જીવ આપ્યા એવા પણ જોયા અને કોઈક પત્નીના કકળાટે પતિ એ જીવ આપ્યા એવા પણ જોયા…
મોટેભાગે નાની નાની વાતો અને એના વતેસર ..
સ્વીકાર ..
બહુ મહત્વનો રોલ ભજવે છે , એકવાર સ્વીકાર થઈ જાય પછી સુખ દુઃખ બધુંય ક્યાંય નીકળી જાય …!
પ્રેમ વ્યક્ત કરવાના ઘણા બધા પ્રકારો છે , પણ પ્રેમ એક જ ..!!
હોટેલનું માંડી વાળ્યું એટલે પત્નીજી એ યાદ કરાવ્યું કે ખબર પૂછવા જવાનું છે એટલે સાંજે એક નજીકના સગા હજી દસ દિવસ પેહલા જ કોમામાંથી બાહર આવેલા પિસ્તાળીસ વર્ષના,એની ખબર પૂછવા ગયા હતા અમે …
વેન્ટિલેટર માટેની પાઇપ ગળામાં હજી રાખેલી હતી , આજુબાજુના સગાને શંકા કે જીવશે કે નહીં , અમને ઓળખે છે કે નહી ? એ પણ નક્કી નહી.. મેમરી લોસ ..
અમે પહોંચ્યા , એના મમ્મી પત્નીજીને વળગી ને રડી પડ્યા , પત્નીજી આશ્વાશન આપે માસી બધું ઠીક થશે , જુવાનજોધ દીકરો હોસ્પિટલ ના ખાટલે પડ્યો આંખો ખોલે અને બંધ કરે એ માં થી કેમ સહેવાય ..?
મેં હચમચાવ્યો .. એ ઈ સાલા આંખ ખોલ .. .આંખો ખુલી..મેં એની આંખમાં આંખ નાખી, મને જીવન અને જીજીવિષા પરખાઈ , પછી એની સામે આંખો નચાવી … ઓળખતો હોય તો પાંપણ ઝપકાવ બે ,…
પાંપણ ઝપ્કી.. મેં જોરથી કીધું ચાલ હવે હસ તો થોડું… પેલો સેહજ હસ્યો…
માસી ગાંડા ગાંડા… તમે બન્ને રોજ આવજો હવે , મારો દીકરો વીસ સ્ટ્રોક આવ્યા પછી આજે વીસ દિવસે હસ્યો …!!
મેં ફરી કીધું સાલા હાથ દબાવ મારો નહીં તો ગાળો બોલીશ .. એણે હાથ દબાવવાની બદલે હાથ છોડી દીધો .. જાણે કહેતો હોય બોલો બોલો તમે તમારે .. એની આંખમાંથી આંસુની ધાર થઈ … નેપકિનથી એના આંસુ અને પરસેવો લૂછ્યો..
ટોપા,સાજો થઈ જવાનું છે તારે , આપણે બાઇક લઈને રખડવાનું છે , ધણીબધી આશાઓ આપી અને અમે નીકળ્યા..
કેવડી મોટ્ટી એનિવર્સરી ગિફ્ટ કુદરતે આપી …!!!
આવતીકાલે એની વેન્ટિલેટરની પાઇપ નીકળશે …!!
ઈશ્વર આવા કામે નિમિત્ત બનાવતો રહે , આપ સહુ ના આશીર્વાદ મળ્યા કરે એ જ પ્રાર્થના ..!!!
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*