વાર્તા – “અંતર્યામી”
“મીન્કું આંખો ખોલ..”
મીન્કું બંધ આંખે હળાહળ જુઠ્ઠું બોલ્યો “વાર લાગશે કિંજુ, મારું મન હજી માનવા તૈયાર નથી થતું કે તું અહિયાં મારી સામે જ ઉભી છે, એ પણ જ જગ્યાએ જ્યાંથી પાંત્રીસ વર્ષ પેહલા આપણે છૂટા પડ્યા હતા અને આજે ફરી મળી રહ્યા છીએ..”
કિંજલ બોલી “ હા, સાચ્ચી વાત છે મને પણ માનવામાં નથી આવતું કે આપણે એકબીજાની સામે ઉભા છીએ.. પણ હવે આંખો તો ખોલ ..”
મયંક ઉર્ફે મીન્કું બંધ આંખે અડધી સફેદ થઇ ગયેલી ભ્રમરે વિચારતો હતો કે આ તો સલવાઈ ગયો હું, પાંત્રીસ વર્ષ અને પિસ્તાળીસ કિલો વજન વધારીને આવી છે, જેની કમનીય કાયા હતી ,જેની પાસે ફિગર હતું ,એ આજે આખી કચોરી જેવી થઈને સામે ઉભી છે ,અને પાછી મળતા પેહલા કેટલું ચેટીંગ કર્યું ..!!
લગભગ સાડા ત્રણ વર્ષ તો ખાલીને ખાલી વોટ્સ એપ ઉપર ચલાવી , કંઈ કેટલા નખરા કર્યા , મને વોટ્સ એપ ઉપર હીંચકા ખવડાવ્યા અને હવે સામે ઉભી છે તો દીઠી ગમે એવી નથી રહી .. ના ના આના કરતા એને મારી યાદોમાં જ જીવવા દેવી છે ,જેવી હતી એવી યાદ છે એ ઘણું ..ભાગ ઝટ અહીંથી મીન્કુંડા, આ કીંજુ નહિ એની મા છે..
કિંજલે ફરી ભાર દઈને કીધું “ મીન્કું આંખો ખોલ યાર ,એક તો તે જીદ કરી કે પરિમલ ગાર્ડન ઉપર જ મળવું છે ,એટલે હું માંડ કરીને અહિયાં આવી છું બાકી આ કેવી `લો ક્લાસ` જગ્યા છે અને આજુબાજુની પબ્લિક તો જો .. હવે ચૂપચાપ નાટક કર્યા વિના આંખો ખોલ અને જે જોવું હોય તે જોઈ લ્યે એટલે હું રવાના થાઉં અહીંથી..”
મીન્કુંડાએ ઘાટ ઘાટના પાણી પીધા હતા ફટાક કરતી આંખો ખોલીને બોલ્યો “ તું એકદમ તારી મમ્મી જેવી લાગે છે હવે , તારા પપ્પાનો અંશ નથી દેખાતો તારામાં “
કિંજલ ઉછળી “ તે તું પણ તારા બાપ જેવો ટકલો અને ગેંડા જેવો થઇ ગયો છે , તારી સ્કીન આટલી થીક કેમ થઇ ગઈ છે ? અને આ ચશ્માંની ફ્રેમ તારા પપ્પાની પેહરી છે ? એકઝેટ એમના જેવો લાગે છે ,સ્વભાવ પણ એમના જેવો રંગીન જ રાખ્યો છે પાછો..”
મીન્કું બોલ્યો “ઠીક છે ,તને બીક લાગે છે આ પબ્લિકની અને મને પણ એમ થાય છે કે જે હતું એ બધા ઉપર તો આપણે માટી નાખી દીધી અને જીવનમાં આગળ નીકળી ગયા તો પછી હવે દાટેલા મડદા ક્યાં ખોલવા ? ચલ નીકળ તો તું અને હું પણ નીકળું..”
કિંજલ બોલી “ પેહલેથી ફટ્ટુ નો ફટ્ટુ રહ્યો તું ,અને હજી પણ એવો ને એવો જ છે ,જરાક મેં કૈક કીધું અને ભાગવાની વાત..જરાક તો છાતી રાખ , આ છાતીના વાળ ધોળા થઇ ગયા તારા પણ હિંમત ના આવી તારામાં ..”
કચ્ચીને મેહણું માર્યું કિંજલએ ,પણ કિંજલના આવા ચાબખાથી મીન્કું ટેવાયેલો હતો એને કાલો બની અને કલ્લી કાઢતા આવડતું હતું , એક સમયે એનું સુંદર ગોરું નાના બાળક જેવું મોઢું , મીઠી જીભડી , આ બધાનો એ સુપેરે ઉપયોગ કરતો ..
મીન્કું બોલ્યો “તારી હજી છાતીના વાળ જોવાની આદત ગઈ નહિ આમાં ને આમાં તું અનિલ કપૂરની પાછળ પાગલ થઇ ગઈ હતી ,હજી ખરી કે કોઈ નવો ?”
કિંજલ બોલી “ શું કામ બદલું ? એ તો હજી એવો ને એવો છે ,મને એમ કે તું પણ એવો ને એવો હોઈશ પણ આ પાંત્રીસ વર્ષમાં તું પિસ્તાલીસ કિલો ચડાવીને કચોરી જેવો થઇ ગયો છે બેઇઝલેસ..”
જે વાત મીન્કુંએ કિંજલ માટે વિચારી હતી એ જ વાત કિંજલએ એના માટે વિચારી હતી અને કિંજલએ મોઢામોઢ આપી પણ દીધી ..
મીન્કું અકળાયો .. “તો તું વળી કઈ શ્રીદેવી રહી છે ??”
કિંજલ બોલી “તો મેં ક્યાં એવું કીધું ? આ તો તું આવું વિચારતો હતો અને આંખો નોહતો ખોલતો..”
મીન્કુંએ હથિયાર હેઠા મૂકી દીધા .. “ તને હજી પણ મારા મનની વાત વાંચતા આવડે છે ?”
કિંજલ બોલી “ડોબા આ સાડા ત્રણ વર્ષથી જીદ પકડીને બેઠો છે કે પરિમલ ગાર્ડન પર જ મળવા આવ ,બસ એક જ વાત ,એટલે આટલી વાર લગાડી મેં , બાકી તને જે ઈચ્છા છે ને એના માટે તો તારે ફાઈવ સ્ટાર હોટેલ નો રૂમ બુક કરવાનો હતો હું સીધી રૂમની બેલ જ મારતે..”
મીન્કું એકદમ સજ્જડબંબ .. અને હબકાયેલી અવસ્થામાં હજી બોલવા માટે મોઢું ખોલે તે પેહલા કિંજલ બોલી “ લાખ્ખો રૂપિયાના પાણી કર્યા તે કિંજલ જેવી જે દેખાય એ બધીની પાછળ ,એના કરતા એકવાર કિંજલને જ મળી જવું હતું ને ડોબા..”
મીન્કું બઘવાઈને બેબી ફેઈસ કરીને બોલ્યો “ એવું ,એવું ..નથી “
કિંજલ બોલી ..” જો મીન્કુંડા તને ખબર છે કોલેજમાં આપણે મળ્યા એ પેહલા સ્કુલના બે અને કોલેજનો એક એમ કરીને મારે ત્રણ હતા, અને તું ચોથો, મેં કશું છુપાવ્યું નોહતું અને તો પણ તારે મને પરણવું હતું, મને વાંધો નોહતો પણ તારો બાપો આડો ફાટ્યો એને ઇસનપુરની નોહતી લાવવી, રૂપિયાવાળાની જોઈતી હતી , મારે પણ રૂપિયાવાળો જ જોઈતો હતો ,અને મને મળી પણ ગયો , સમજી લ્યે .. તારા કરતા મારો ધણી ચાલીસ ગણો વધારે રૂપિયાવાળો છે , હવે જિંદગીમાં ફરી મળીએ કે ના મળીએ એટલે એક સત્ય શીખવાડતી જાઉં છે તને, પ્રેમ બહુ કરવો નહિ, તારી જેમ પ્રેમમાં જિંદગી બહુ ઓછાની જાય , પિકચરમાં પ્રેમલા પ્રેમલી પરણી જાય પછી ધી એન્ડ આવી જાય ,પણ ખરું પિક્ચર ત્યાંથી જ ધી એન્ડ પછી ચાલુ થાય , મને એમ કે તું રૂપિયા કમાઈ જાણીશ પણ તું તો પ્રેમલો નીકળ્યો , મને લાગે છે કે હવે જયારે મળીએ ત્યારે ફાઈવ સ્ટાર હોટેલની રૂમમાં જ મળીશું બાકી કઈ મળવાની જરૂર નથી સમજી લ્યે ..”
મીન્કું આભો બની અને સંભાળતો રહ્યો એની પ્રેમ કહાનીનું આજે જીવનના પંચાવનમાં વર્ષે પ્રેમ કહાનીના ચાલીસ વર્ષે બહુ કરુણ મૃત્યુ થયું હતું..!
મીન્કુંની આંખમાં જીવનના સાહીઠ વર્ષે પાણી આવી ગયા .. “કિંજલ આવી નોહતી ધારી તને..”
કિંજલ બોલી “ મેં પણ તને એવો નોહતો ધાર્યો , મેં તને કીધું હતું કે ચલ ભાગીએ પણ તારી છાતી હતી નહિ તારા બાપનો વાસણામ બંગલો તને દેખાયો , તે જ મને રૂપિયાની કિંમત કેટલી મોટી છે એ દેખાડ્યું , મને તો પાણીપુરીથી આગળની કિંમત ખબર જ નોહતી ,ચલ હવે જવા દે સાબરમતીમાં નર્મદાના પાણી આવી ગયા.. હજી કહું છું મળીશું તો રૂમ ઉપર જો તારી દબાયેલી ,ધરબાયેલી ઈચ્છાઓ પૂરી કરવાની તારામાં તાકાત રહી હોય તો બાકી છોડ મને ચેટીંગ કરી ખાઈશું અને હા ચોવીસ કલાકમાં ચેટ ડીસએપીયર થાય એવું રાખજે એટલે તું ઉકલી જાય તો મને ના લેતો જાય..બાય “
સડસડાટ કિંજલ પરિમલ ગાર્ડનની બાહર નીકળી ગઈ.. મીન્કું ઉર્ફે મયંક હજી મૂંઝવણમાં છે કે આ બદ્ધી મારા મનની વાત કેમની જાણી જાય છે ?
મનની વાત વગર કીધે જાણી જાય એની સાથે ના પરણ્યો એ ખોટું કર્યું ? કે સારું થયું ?
સમાપ્ત
બોલો શું કેહવું તમારું ??????
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*