આજે સીરીયસ અને સેન્સીટીવ ટોપિક પર વાત કરવી છે અને મારી સાથે સહમત થાવ તો આગળ ફોરવર્ડ ચોક્કસ કરજો કેમકે ઘણા બધા લોકો યાતના ભોગવવામાંથી બચી જશે..
વાત જાણે એમ છે કે આપણા સમાજમાં જયારે સ્વજનનું મૃત્યુ થાય છે ત્યારે મૃતકના અમેરિકા,ઓસ્ટ્રેલીયા, કેનેડા કે યુકે કે પછી ગમે ત્યાં પરદેશ રેહતા સંતાનો જીદ પકડે છે અમે પેહલી ફ્લાઈટ પકડીને આવીએ છીએ પણ તમે અમારી રાહ જુવો અને અંતિમવિધિ અમે આવીએ પછી જ રાખો..!
ખુબ જ સંવેદનશીલ મામલો છે..દરેક સંતાનની ઈચ્છા હોય કે હું મારા માતા કે પિતાને છેલ્લીવાર જોઈ લઉં, સ્મશાનમાં પણ ઇલેક્ટ્રિકની ભઠ્ઠીમાં જતા માતા કે પિતાના મૃતદેહને એક નજરે જોયા જ કરવાની લાલચ કોઈ દીકરો કે દીકરી મૂકી શકતો નથી અને ઘણીવાર તો સુનમુન થઇને ચીમનીના ધુમાડામાં પણ એ દીકરો કે દીકરી એના મૃત માં કે બાપ ને શોધતા હોય છે..
દુનિયાનો નિયમ છે, માતાપિતા સંતાન વિનાની જિંદગી જીવ્યા હોય છે પણ સંતાન માતાપિતા વિનાની જિંદગી નથી જીવેલા હોતા,અને દુનિયાના ગમે તે ખૂણે એ સંતાન બેઠું હોય પણ એને એટલો સધિયારો હોય છે કે માં-બાપ છે,અને બસ એટલો ભરોસો જ એ પરદેશ રેહતા સંતાનને આખી દુનિયા સામે લડી લેવાનું બળ પૂરું પાડે છે..!
એ દિવસ દરેક સંતાનની જીંદગીનો પેહલો દિવસ હોય છે જયારે એના માતા કે પિતાના અંતિમસંસ્કાર કરીને આવતો હોય છે અને એણે એ દિવસથી માતા કે પિતા વિના જીવતા શીખવાનું હોય છે..
અને જયારે પરદેશની એકલવાયી જિંદગીમાં એ પેહલો દિવસ કાઢવો બહુ જ અઘરો હોય છે,શનિ-રવિ સિવાય જીવનસાથી પણ કલાક વાત કરવા નવરો ના હોય, અને આવા સમયે જયારે ફોન આવે ત્યારે ઇન્ડિયાવાળા સગા પેહલા તો એમ જ કહે કે સીરીયસ છે,અને પછી ધીમે ધીમે ફોન આવતા જાય અને મનની વ્યાકુળતા વધતી જાય અને એટલાન્ટીક કે પેસિફિક કે પછી હિન્દ મહાસાગર “કાળ” જેવો લાગે, રસ્તો ક્યારે ખૂટવાડીશ..જેએફકે(ન્યુયોર્ક એરપોર્ટ) ઉપર ઉભા ઉભા પણ નજર સામે તો મૃત માં કે બાપ જ દેખાય અને આખી ફ્લાઈટ લગભગ રડવામાં જાય..!
ફ્લાઈટના ખાવાના પીવાના ઠેકાણા ના પડે અને નાના સંતાન હોય તો જોડે લઈને આવવાના,અઢાર કલાકની ફ્લાઈટ અને અમદાવાદ ઉતરો એટલે કસ્ટમ્સ ઈમિગ્રેશન અને સામાન આવે એની રાહ ,બહાર નીકળો એટલે સામો ઉભેલો સહોદર ચોધાર આંસુએ અને ઘેર પોહ્ચ્યા ના પોહ્ચ્યા અને સ્મશાન..!
અલપઝલપ જન્મદાતાને જોયા ના જોયા અને જોયા તો કેવા..? એકવાર તો થઇ જાય કે આ મારા પપ્પા કે મમ્મી નથી..!
મોટેભાગે મૃત્યુ હોસ્પિટલમાં થાય,આઈસીયુમાં જબરજસ્ત લડાઈ એ ઘરડું શરીર લડ્યું હોય,પાંચ સાત લીટર ફલ્યુઈડ શરીરમાં જતું રહ્યું હોય અને બહાર ના નીકળે,એટલે સ્વાભાવિક શરીર પર સોજા ચડેલા હોય અને આઈસીયુમાં લગભગ ૨૮ ડીગ્રી તાપમાન મેન્ટેન કરવામાં આવતું હોય એટલે જેવી શરીરની સીસ્ટમ બંધ થાય કે તરત જ ડીકમ્પોઝીશન ચાલુ થઇ જાય, નિર્ણય લઇને શરીરને કોલ્ડ રૂમમાં મુકવામાં કે પછી કોલ્ડકોફીનની વ્યવસ્થા કરતા કરતા ચાર-પાંચ કલાક સેહજે નીકળે અને કુદરત એનું કામ કરતી હોય..
કુદરત જીવો ત્યાં સુધી સાચવે અને મરો એટલે એને એની રીતે તો એનામાં ભેળવવા તૈયાર જ હોય,શરીર બેડોળ થાય અને મોઢા ઉપરથી નૂર અને તેજ ધીમેધીમે હણાતા જાય..
આમ પણ પંચમહાભૂતના બનેલા શરીરમાંથી પાંચમું તત્વ એટલે તેજ જતુ રહે એટલે ચેહરો નિસ્તેજ થવા લાગે..!
આ થઇ પ્રેક્ટીકલ અને દૂર બેઠેલાની વાત હવે જયારે નક્કી થાય કે એક કે બે દિવસ રાખી મુકો ત્યારે અહિયા ઇન્ડિયા રેહતા સહોદરની હાલત..
લાંબા સમયની માંદગી કે અચાનક આવેલા મૃત્યુને લીધે જે માતા કે પિતા સાથે રોજબરોજની જીદગીમાં એમની સાથે જોડાયેલો છે એ સહોદર ને માટે નિશ્ચેતન પડેલુ શરીર એક અસામાન્ય ઘટના છે, મૃતક ઇન્ડિયામાં ક્યારેય ફક્ત કોઈ એક વ્યક્તિના સગા કે સબંધી નથી હોતા, ઓછામાં ઓછા પચાસ સાહીઠ વ્યક્તિઓ એની સાથે લાગણીના ગાઢ સબંધથી જોડાયેલી હોય છે..
માઈન્ડ વેલ સબંધો હૈયાના હોય છે એટલે રોજ મળો તો સબંધ સારો એવું નથી હોતુ,ઘણા સબંધો ક્ષણભર મળવાના પણ હોય છે અને છતાં પણ ગાઢ હોય છે..
અને અહિયા ઇન્ડિયામાં એક પછી એક ફોન થતા જાય ત્યારે મૃતકના સરખી ઉમરના ભાઈ બેહન ,સાળા સાળી જેટલ નજીકના સગા હોય અને સૌથી મોટા સગા એમના રહી ગયેલા જીવનસાથી એમના માથે પણ આસમાન તૂટી પડ્યું હોય છે, જીવનસાથીને તો પચાસ પચાસ વર્ષના સહવાસની જિંદગી અને હવે તારા વિના કેમ જીવાશે ?
અને ત્યારે તમે કહો કે બસ રાખી મુકજો.. જે શરીર જોડે સુખદુઃખ વેહ્ચ્યા એને સતત ચોવીસ કલાક કે અડતાલીસ કલાક નજરની સામે નિશ્ચેતન જોવાનો અને દુઃખ દુઃખ અને દુઃખ ..
મૃત્યુથી લઈને અંતિમવિધિની ક્ષણો (ક્ષણ શબ્દ વાપરું છું મતલબ સમજજો) જેટલી ઓછી એટલી પાછળ રહી ગયેલાને રીકવરી ઝડપથી આવે અને જેટલી લાંબી એટલી ઇન્ડીયામાં બચી ગયેલા માટે યાતના લાંબી..
ભૂખ્યા, તરસ્યા, ખાલી ચારે બાજુ તગતગતી આંખો,મૃતકના સરખી ઉમરના સ્વજનોના ડાયાબીટીસ અને બ્લડપ્રેશર સમાચાર મળ્યા હોય ત્યારથી જ ઉપર નીચે થાય,અને ઇન્ડીયામાં જેવી અંતિમવિધિ થાય એટલે એમ કહીએ કે મરેલાને બહુ યાદના કરાય એમના આત્મા ને દુઃખ પોહચે..
મૃતકના રહી ગયેલા સગાનો સમય ભગવદ્ ગીતા ને ધાર્મિક વિધિવિધાન ના સહારે અંતિમવિધિ પછીના દિવસોમાં જાય બેસણું અને સામાજિક રીતીરીવાજ એ પાછળ રહી ગયેલાના દિવસો કપાય અને ફરી પાછા રૂટીન જીવનમાં સેટ થાય..
કાળજે પત્થર મૂકીને..!
સંતાનોને મૃતકને ભૂલતા અને રાત્રે ઊંઘવા જાય ત્યારે એ ચેહરો ના દેખાય એવું થતા મહિનાઓ અને જીવનસાથીને વર્ષો નીકળે,સારી ખોટી બધી યાદો પથારીમાં પડે એ ભેગા દેખાય અને ખાલીપો વર્તાય અને યાદો અટકે એ છેલ્લી મીનીટો અને અંતિમયાત્રા ઉપર આવીને..!
માટે જ વિનતી કે છેલ્લી મિનીટોને તમે કલાકોમાં જ રેહવા દો, એને દિવસોમાં ના ફેરવો..!
નિશ્ચેતન પડેલું શરીર કોઈ જ રિસ્પોન્સ આપવાનું નથી, એને ટીવી કે મોબાઈલમાં જુવો ફર્ક નથી પડતો હા દોડીને ચોક્કસ આવો, તમારે પણ જરૂર છે આવવાની અને ઇન્ડીયાવાળાને પણ જરૂર છે તમારી, બધાએ એક સાથે કોઈક પોતાનું ગુમાવ્યું છે દુઃખ બધાનું સરખું છે, અને જોડે રહીશું તો દુખ ચોક્કસ હળવું થશે..
બાકી તો દુઃખનું ઓસડ દા`ડા..
બીજો કોઈ જ રસ્તો નહિ… કાળની લીલા છે જીવો ત્યાં સુધી નામ અને મરો એટલે ફક્ત બોડી શરીર માત્ર..!
લગભગ દરેક ધર્મગ્રંથો મૃત્યુ પછીની જિંદગી વિશે કરોડો કરોડો પત્તા ભરીને જ્ઞાન આપે છે પણ પછી શું એનો કોઈને જવાબ નથી ભાળ મેળવવાની કોશિશો સદીઓથી ચાલુ છે અને સદીઓ ચાલુ રેહશે..
સવાલો જીવતા રહીશું ત્યાં સુધી રેહશે પણ એક વાત ચોક્કસપણે સ્વીકારવી આપ મુઆ ફિર ડૂબ ગઈ દુનિયા..
જયારે જયારે આવા પ્રસંગો એ નિર્ણાયક ભૂમિકા મારી હોય છે ત્યારે હું તો કોલ્ડરૂમ કે કોલ્ડ કોફીનની વ્યવસ્થા ચોક્કસ નથી કરતો. ભલે ઈન્ટરનેશનલ કોલિંગના પાંચસાત હજાર રૂપિયા જાય,પણ સામે છેડે બેઠેલાને મનાવી જ લઉં છું અને નશ્વર ને પંચમહાભૂતમાં બને તેટલા જલ્દી જવા દઉં છું..
ઈશ્વરના કરે કે કોઈ આવા સંજોગોમાં ના ફસાય, પણ ફસાય તો તમે પણ મારી જેમ પ્રેક્ટીકલ પ્રયત્ન કરી જોજો..
જીદની સામે જીદ ચોક્કસ જ ના કરતા..! ફક્ત અને ફક્ત સમજણથી જ કામ લેજો
જે`શ્રીક્રષ્ણ..
કરો ફોરવર્ડ..
આપ નો દિવસ શુભ રહે
શૈશવ વોરા