આજ નો દિવસ તારીખ અને તિથી ની રીતે આમ તો યુનિક રહ્યો..સવાર સવારમાં ૧૫ મી ઓગસ્ટના મેસેજના ઢગલા અને બપોર પછી આઠમના..!
નોકરીવાળા અને સ્કુલના છોકરા ગાળો આપતા રહ્યા યાર આ બે ભેગા ક્યાં થઇ ગયા એક રજા કપાઈ ગઈ..!
સવાર સવારના વીસેક ફોર્ચ્યુંનર કાર લઈને એક “ઝુંડ” રોડ પરથી નીકળ્યું હતું સો એક માણસોનું, અને એમના પર દેશભક્તિનું “ઝનુન” સવાર હતું એટલે બધી જ ગાડીઓમાંથી “વાંદરા” અડધા બહાર લટકતા હતા અને એમના હાથમાં ત્રિરંગા હતા અને ભારત માતા કી જય..ના નારા ચાલતા હતા..
એમને જોઇને મારી નાની દીકરી બોલી પડી..શું “જય” “જય” કરે છે..? કાનુન તો તોડ્યો જ ને..? આમ ગાડીની બારીઓમાંથી બહાર લટકી લટકીને દેશભક્તિ થોડી બતાડાય..?
આખા ભારતની આ સ્થિતિ છે..ઇન્ક્લુડીંગ પ્રધાનસેવક..!!
બધાને પોતાની જાતને “કૈક” સમજવી છે અને બીજાને “સમજાવી” દેવું છે, એટલે ચાલુ ગાડીમાંથી બારીમાં બહાર લટકવું છે અને હાથમાં ત્રિરંગો રાખવો છે..!
પ્રધાનસેવક પણ રોડ શો કરે ત્યારે ગાડીની બહાર ઉભા રહે અને એમની ઉપર લાઈટો મરાવે..પછી બે હાથ જોડીને અભિવાદન ઝીલે,હવે પ્રજા એટલે વાંદરા, જે જોવે એ શીખે, અને કરે..આપણે એમાં પ્રજાનો ક્યાં દોષ કાઢવો ?
આમ જોવો તો આજે એકવીસમી સદીમાં એકપણ અનુકરણીય જીવન જોવા નથી મળતું, બહુ મોટું વેક્યુમ પડેલું છે, એકપણ રાજકીય કે સામાજિક આગેવાન આજની પેઢીને માટે કોઈ જ “આદર્શ” નથી આપી શકી કે જેનું અનુકરણ કરીને જુવાન જુવાની કાઢી જાય અને ઘડપણમાં પસ્તાય પણ નહિ..!
પાછલી સદીમાં હજ્જારો અને લાખ્ખો જુવાની “ગાંધી” ના અને બીજા નેતાઓ લોહિયા, ભાવે, બોઝ એવા અનેકો અનેક જીવનને અનુકરણ કરીને જીવી ગઈ અને મરતી વખતે મોઢા પર સંતોષ લઈને ગઈ કે અમે જેમને અનુકરણીય ગણ્યા એ અમારી “ભૂલ” નહિ પણ “ગર્વ” છે..!!
પણ આ સદીના જુવાનીયા ફાંફા મારી રહ્યા છે કોની પાછળ ચાલવું કે કયે ચીલે જવું..? માન્યું કે પાછલી સદી એ સંસ્થાનવાદ નો અંત હતો, વિશ્વ બબ્બે યુધ્ધોથી ઝઝૂમી અને થાક્યું હતું, ઘણા બધા નવા નવા આવિષ્કાર થયા હતા વીજળીથી લઈને કોન્ટ્રાસેપ્ટીવ પિલ્સ સુધીના, માનવ જીવનના ઉત્થાન અને મુલ્યોને ફરી એકવાર પ્રસ્થાપિત કરવાની ચેલેન્જીસ પુષ્કળ હતી,અને દરેક દરેક ચેલેન્જને એક એક ઇન્ડીવિજ્યુઅલે ઉપાડી લઇ અને પોતાની પાસે જે કઈ શ્રેષ્ઠ હતું તે આપ્યું, એક એક જણે નવો ચીલો પાડ્યો..દરેકે દરેક ક્ષેત્ર જેવા કે રાજકીય,કલા,સાહિત્ય, વિજ્ઞાન,આધ્યાત્મ …આપણે વિચારીએ એ ફિલ્ડમાં ગઈ સદીમાં પુષ્કળ કામ થયું છે અને દરેક ક્ષેત્રમાં થયું છે..!
પણ આ સદી અત્યારે ક્યાંક પાછી પડી રહી છે,અંધારું વર્તાય છે પણ ક્યારેક આવા ઘોર અંધારામાં ડો કલામ સાહેબ જેવી દીવાદાંડી દેખાય પણ આમ જોવા જાવ તો એ ચોખ્ખું,સુંદર અને શાલીન જીવન હતું પણ અનુકરણીય કેવી રીતે ગણવું એ પ્રશ્ન થાય..કોઈ ચોક્કસ “વાદ” કે “વિચારધારા” ડો કલામ નથી આપી ગયા હા અનેક સંસ્થા અને એક સમય બાદ પોતે જ વ્યક્તિ મટી અને સંસ્થા બની ચુક્યા હતા ડો કલામ..!
આજે દુનિયામાં પાછલી સદીએ બનવેલા કે અપનાવેલા લગભગ તમામ “વાદ” પોતાની છેલ્લી ઘડીઓ ગણી રહ્યા છે,ત્યારે કોઈક એક નવસર્જનની તાતી જરૂરીયાત દેખાય છે..!
આ સદીમાં થયેલી કોમ્યુનિકેશન ની એક ગજબની ક્રાંતિએ દુનિયાને એટલી બધી નજીક લાવી ને મૂકી છે કે આખા વિશ્વમાં ચારેબાજુ વિચારોના વલોણા ચાલી રહ્યા છે પણ માખણ દુર દુર સુધી દેખાઈ નથી રહ્યું..!
જો કે ભારતીય ઉપમહાદ્વીપ ના સંદર્ભની વાત કરીએ તો લગભગ પાંચ હજાર વર્ષોથી આપણે સીવીલાઈઝ્ડ છીએ,અને કોઈ આદર્શ કે અનુકરણીય વ્યક્તિત્વ મુક્યા વિના ઘણી બધી સદીઓ પસાર થઇ ગઈ છે,અને એ સદીઓ પસાર કરવામાં આપણને મોટો સહારો બે મહાન વ્યક્તિવનો મળ્યો છે,અને એ બે છે રામ અને કૃષ્ણ..!
રામ અને કૃષ્ણ માટે પાને-પાના અને ગ્રંથો ના ગ્રન્થ લખાયેલા પડ્યા છે,એ બધાને વાંચી અને સમજવું હોય તો સાત જન્મ ઓછા પડે,એટલે સાદી અને સામાન્ય માણસની સમજણ પ્રમાણે લખાયેલા કથાનકો અને ભજવાયેલા નાટકો ને સહારે આપણે આપણા રસ્તા કરતા આવ્યા છીએ..
એક મેસેજ આવ્યો હતો એમાં જન્માષ્ટમીને દુનિયાના સૌથી મોટા “ટપોરી”નો જન્મદિવસ તરીકે ઓળખાવવામાં આવ્યો હતો..! અને બીજા મેસેજમાં એને “જગદગુરુ” ,ત્રીજામાં “પરમસખા” આવા ઘણા બધા જુદા જુદા મેસેજ આવ્યા,
આવા બધા મેસેજ નો સાર એક જ નીકળે કે કૃષ્ણ એ એટલું વિશાળ વ્યક્તિત્વ હતું કે છે જેને તમે તમારી બુદ્ધિ અને ઇચ્છાશક્તિ પ્રમાણે મોલ્ડ કરી શકો..સુખ નો સાથી ગણાવો હોય તો સુખનો ,રોમાન્સનો ગણવો હોય તો એનો,રણમધ્યે મદદગાર કે વિષ્ટિકાર..તમારે તમારી ઈચ્છા અને જરૂરીયાત પ્રમાણે જે રીતે કૃષ્ણને રાખવો હોય એ રીતે તમે રાખી શકો..! અને કદાચ આ એકવીસમી સદી જો કોઈ મહાનાયક ના આપી શકી તો એકવીસમી અને પછીની બીજી બેત્રણ સદીઓ પણ કૃષ્ણને સહારે જ કાઢવાનો વારો આવશે..!
આજે જે સમય ચાલી રહ્યો છે એ પ્રમાણે “જે પાણી ચડે એ પાણીએ મગ ચડાવવા” ની વાત છે,સદીઓથી દુનિયાએ જેની કલ્પના કરી હતી એમાની મોટાભાગની ચીજવસ્તુ અત્યારે હાથવગી છે અને આજની પેઢી એનો ઉપભોગ કરી રહી છે.. નાનું ઉદાહરણ છે પ્લેન-એરક્રાફ્ટ ..! હવામાં ઉડવા માટેનું પુષ્પક વિમાન એની કલ્પના છે ત્રેતાયુગથી હતી અને આજે કલિયુગમાં પગમાં જોડા ના પેહર્યાં હોય એવા એવા “નંગો” એરપોર્ટ પર લગભગ મળી જાય છે..!
આજના માનવ જીવનની સુખ સાહેબી અને સિક્યોરીટી હોમો ઇરેકટસ થી લઈને આપણા દાદાજી સુધીની એકપણ પેઢીએ ભોગવી નથી એટલી બધી છે અને આજના જીવન જેટલો સ્ટ્રેસ પણ વધારે છે..!
છેલ્લા પાંચેક હજાર વર્ષથી અસ્તિત્વમાં આવેલા સમાજજીવન હમેશા કોઈ એક વ્યક્તિત્વને સહારે જીવ્યો છે અને ટક્યો છે..એમાં અત્યારે માર્કેટ ગેપ પુષ્કળ છે બહુ જ થોડીક “મેહનતે” યુગ પુરુષ બની શકાય તેમ છે કેમકે સંસાધનો અને સગવડતાની અવેલીબીટી એ વિચારી અને પેઈન લેવાની કેપેસીટી ખતમ કરી નાખી છે..
સેહજ અમથો મર્યાદાપુરષોત્તમ અને પૂર્ણપુરષોત્તમ ને કોઈ જીવનમાં ઉતારી લ્યે તો ફરી એકાદો યુગપ્રવર્તક મળી જાય એમ છે..!
શબ્દોની રમત રમવી સેહલી છે..ઉતારવું અને અનુકરણ અઘરુ છે..!
જેવી એની મરજી..!
બાર થઈ ગયા છે ..!
નંદ ઘેર આનંદ ભયો જય કન્હૈયા લાલ કી..!
શૈશવ વોરા