અપમાન..
જીવનમાં કેટલા અપમાનના ઘૂંટડા ગળે ઉતર્યા..? કે ભરી રાખ્યા છે ?
ખબર નથી, પણ એટલો તૈયાર તો થઇ ગયો છું કે માન-અપમાનથી પર થઇ જવાય ,
કઈ અવસ્થા ચાલી રહી છે એની સમજણ નથી પડતી ,પણ હવે કોઈ બહુ જ માનથી બોલાવે તો અજાણ્યો ડર લાગે છે,
કેમ આ માણસ આટલું બધું માન આપી રહ્યો છે ..!
નક્કી કશું લઇ જશે..
ઉંમરનો તકાદો છે કે અનુભવનો એ સમજાતું નથી પણ સન્માન ,પબ્લીસીટી આ બધું મને આકર્ષિત નથી કરતુ..
જીવનમાં થયેલા અપમાનોને યાદ કરવાની કોશિશ કરું છું ત્યારે અમુક ભયંકર થયેલા અપમાનો યાદ આવે છે, અને એવે વેળાએ એમ થાય કે જૂની કબીલા સીસ્ટમ સારી હતી કે તમે બળવો કરીને ખોટાનું માથું ઉતારી લ્યો તો પણ તમે સજાને પાત્ર ના ઠરો..
આજ ના સમયમાં તમારું કોઈ હડહડતું અપમાન કરી નાખે તો એને ગળી પીવા સિવાય તમારી કે મારી પાસે બીજો કોઈ જ રસ્તો નથી , અપમાનની સજા કદાચ ભારતનું સંવિધાન આપતું હશે, પણ એને સાબિત કરવું એ નેવા ના પાણી મોભે ચડાવવા જેવી વાત છે એટલે સાબિત કરવાની મેહનત કરવી એના કરતા ગળી પીવું વધારે સારું..
બહુ જુનો કિસ્સો યાદ આવી રહ્યો છે ..
સાલ ૧૯૯૩ની વાત છે સરદાર મનમોહનસિંગ ભારતની ઈકોનોમીને ખોલી રહ્યા હતા અને એવે વેળાએ એક કલાકાર પપ્પા પાસે આવે છે અને કહે છે કે તમારા દિકરાને મારી પાસે મોકલો હું સેટ કરી દઈશ ..
કલાકારની પાસે એક બહુ મોટી અમેરિકન મલ્ટીનેશનલની એજન્સી , એ સમયે મલ્ટીનેશનલ કંપનીની ઓફીસ મુંબઈ નરીમાન પોઈન્ટ ઉપર, મને એ કંપનીના એક મેનેજર સાથે ગોઠી ગયું , એ મેનેજર અમેરિકાથી એન્જીનીયર અને એમબીએ થઇને ઇન્ડિયામાં પોસ્ટીંગ લઈને આવ્યો હતો ..
પેન પેપર લઈને શૈશવને માર્કેટિંગ અને સેલ્સનો ફર્ક એ શીખવાડે અને પછી સાથે બજારમાં લઇ જાય અને કસ્ટમર કોલ કરાવે ..
તમામ પ્રોડક્ટ્સનું ગજ્જબ ટેકનીકલ નોલેજ આપે .. સળંગ ત્રણ ચાર મહિનાની ટ્રેનીગ પછી શૈશવને બજારમાં છુટ્ટો મુક્યો ..
શૈશવના જીવનનો સાતમો કે આઠમો કસ્ટમર કોલ ..
વટવામાં પ્લાસ્ટિક માટેના કલર ( માસ્ટર બેચ ) બનાવતી કંપની ,
લેન્ડલાઈન જ હતી , શેઠની પેહલા એપોઇન્ટમેન્ટ લીધી અને મળવા ગયો..
એકદમ શકલથી ખડ્ડૂસ લાગે , ભાવશૂન્ય ચેહરો , કુકડા જેવા વાળ જાડ્ડી કાળી ફ્રેમ ના ચશ્માં અને ઘેરો અવાજ , એક વિલનના તમામ લક્ષણ ડોસામાં ..
મને શીખવાડવામાં આવ્યું હતું કે કસ્ટમર કોલ દરમ્યાન ક્યારેય ચેહરા ઉપરથી સ્માઈલ ઓછી થવી જોઈએ નહિ અને આઈ કોન્ટેક્ટ થાય એટલે વાત કરતા કરતા પણ ચેહરા ઉપર સ્માઈલ દેખાવી જ જોઈએ ,અને જો કસ્ટમર તમારી આંખમાં આંખ નાખે તો આપણે આપણી વાત સતત કરતા રેહવું અને એને આપણી બોડી લેન્ગવેજનું એસેસમેન્ટ કરવા દેવું..
ખડ્ડૂસએ ઉપર બતાવેલી બધી જ પ્રતિક્રિયા અને પ્રક્રિયાઓ મેં કરી , મને પગથી માથા સુધી એણે માપ્યો ,લગભગ એક કિલો જેટલા કાગળિયાંમાં ટેકનીકલ ડેટાસહિત પ્રોડક્ટના બીજા બધા ડેટા મારી પાસેથી લીધા ,બે કલાક સુધી ડિસ્કશન કર્યું ..
મને લાગ્યું કે એકાદું કન્ટેનર તો આજે હું વેચીને ઉભો થઈશ..
એણે મને પ્રોડકટ્સના ભાવ પૂછ્યા ,
મેં એને અમેરિકન ડોલર્સમાં ભાવ આપ્યા અને ખડ્ડૂસ અચાનક ગિન્નાયો ..
જોરથી ચીસ પાડી અને કહે….. ઉઠ ,ઉઠ ખુરશીમાંથી ઉઠ .. નીકળ અહીંથી બાહર નીકળ એમ કરી અને મારા આપેલા તમામ ડેટાના પેમ્ફલેટસ એણે રીતસર બારણાની બાહર ફેંક્યા .. હું હબકાઈ ગયો .. મેં કીધું સોરી સર પણ શું થયું ?
ફરી ખડ્ડૂસએ ચીસ પાડી .. નીકળ .. હું ખુરશીમાંથી ઉભો થઇને ધ્રુજતો ધ્રુજતો દરવાજા પાસે ગયો મને સમજણ જ ના પડે કે શું થયું ,અચાનક એકમ આવું થયું દરવાજા પાસે પડેલા મારા પેમ્ફલેટસને જમીન ઉપર બેસી અને ઉપાડતો હતો ત્યાં ખડ્ડૂસ આવ્યો અને બધા પેમ્ફલેટસને એણે લાત મારી અને મને હડસેલો માર્યો નીકળ બહાર .. મારી પાસે ઇન્ડિયન રૂપીઝમાં જ ભાવ લઈને આવવાનું , ધંધો કરવો હોય તો મને ઇન્ડિયન રૂપીઝમાં પ્રાઈઝ ફેક્સ કરી દેજે ..ચલ નીકળ ..ધડામ કરતુ એણે બારણું બંધ કરી દીધું એની કેબીનનું ..
એને આખો સ્ટાફ જોઈ રહ્યો .. મને રડવું આવી ગયું ,મારી સાથે આવું વર્તન મારા જીવનમાં નોહ્તું થયું ..
એના સ્ટાફમાંથી કોઈ કશું બોલ્યું નહિ, હું આંસુ પડતો નીચે ઉતરી ગયો , માથે હેલ્મેટ મૂકી અને અંદર રડતો રહ્યો , મારો એવો તો કેવો ગુન્હો હતો કે આવું વર્તન કર્યું ? મને જવાબ ના મળ્યો ..
ઓફીસ આવ્યો, પેલો કલાકાર મને કહે કેમ રડમસ છે ? મેં આખી વાત કરી..
મને કહે જ્યાં આવો તેજોવધ થયો હોય ને ત્યાં તો ધંધો કરવો જ પડે ..
મેં કીધું ના મારે એનું પગથીયું ધોળે ધર્મે નથી ચડવું ,આટલી નાની વાતમાં જે આવું કરે એની સાથે શું ધંધો ?
મારો કલાકાર એની વાતને ચોંટી રહ્યો ..
મને કહે આઇએનઆરમાં પ્રપોઝલ બનાવ અને એને ફેક્ષ કર જ ,પણ એડવાન્સ પેમેન્ટ લખજે અને સાવ રોક બોટમ પ્રાઈઝ આપજે ..
મને પણ થોડું ચેલેન્જીંગ ફિલ થયું .. પ્રપોઝલ ફેક્ક્ષ કરી .. બીજા દિવસે એણે ફેક્સમાં જવાબ આપ્યો અને ઓર્ડર આપ્યો ..
હું એકદમ ચકિત .. મેં કીધું આ ગાંડો છે કે શું ?
કલાકાર કહે ગંદા હૈ પર ધંધા હૈ ..
ખડ્ડૂસએ એડવાન્સ પેમેન્ટ નાખ્યું અને એનો માલ મુબઈ જેએનપીટીથી નીકળ્યો..
મારો કલાકાર કહે .. હવે ઓકટ્રોય નાકે ગાડી આવે એટલે તારે ગાડી સાથે વટવા જવાનું પણ એક વાતનું ધ્યાન રાખવાનું કે ટ્રક એની પ્રીમાઈસીસમાં તો જ ઘૂસે કે જ્યારે આપણા કાગળિયાં સહી થઈને આપણી પાસે આવે ,આમાં કાચું ના કાપતો ..
મેં બિલકુલ એમ જ કર્યું ..એના ગેઇટ ઉપર જ સ્ટોર કીપર પાસે કાગળિયાં સહી કરાવી લીધા અને પછી ડ્રાઇવરને કીધું જવા દે ગેઇટમાં અને ખાલી કર ખટારો હું નીકળું છું ..
મારે પેલા ખડ્ડૂસનું મોઢું નોહતું જોવું ..એટલે હું કાગળિયાં લઈને રીતસર ભાગ્યો ..
પોણો કલાકે ઓફીસ પોહચ્યો .. મારા કલાકારે મારી પાસેથી બધા કાગળિયાં લઇ લીધા અને તપાસવા માંડ્યો પછી અચાનક મને કહે શાબાસ મેરે શેર .. પેલા તારા ખડ્ડૂસને કુદરતે બદલો આપ્યો છે..
મેં કીધું કેમ શું થયું ?
કલાકાર કહે .. તું નીકળ્યો પછી ખડ્ડૂસના કારખાનાના જમાદારે ટ્રક અંદર લીધી પણ એમાં પેલા ખડ્ડૂસની એસ્ટીમ કાર સાથે ટ્રક ઘસાઈ એટલે ખડ્ડૂસએ ડ્રાઈવરને મારવા લીધો એટલે ટ્રક ડ્રાઈવર એના કારખાનાના ઝાંપાની વચોવચ ટ્રક મૂકી અને ભાગી ગયો ..
પેલા ખડ્ડૂસની એસ્ટીમ કારખાનામાં ફસાઈ, એટલે એણે બીજી કોઈ ટેન્કરના ડ્રાઈવરને ટ્રક ખસેડવા બોલાવ્યો , પેલા બીજા ડ્રાઈવરએ ટ્રક રીવર્સ તો કરી પણ આખી ટ્રક સામેના દસ ફૂટના કાદવવાળા ખાડામાં નાખી .. બધ્ધો માલ બરબાદ થઇ ગયો ..
આ હા હા ..
કાળજે જે ઠંડક પડી કે ના પૂછોને વાત, મારી પાસે તો ગુડ્ઝ રીસીવના કાગળિયાં સહી સિક્કાવાળા હતા ,વળી માલ એક્સ જેએનપીટી હતો એટલે માલની તમામ જવાબદારી ખડ્ડૂસની હતી ..
કર્મ રીટર્નસ ..!!
મને કોઈ કારણ વિના રડાવનારો દસ લાખ રૂપિયાને રડતો થઇ ગયો હતો, ઇન્સ્યુરન્સ કંપનીએ હાથ અધ્ધર કર્યા .. કેમકે જેને ડ્રાઈવર સમજીને ખટારે ચડાવ્યો હતો એ તો લાયસન્સ વિનાનો ક્લીનર નીકળ્યો …
ખડ્ડૂસ રાતા પાણીએ રડ્યો … આસુરી આનંદ આવતો એનો ફોન આવે અને કરગરે ત્યારે , એ કોઈક રસ્તો કરી આપો ,ઇન્સ્યુરન્સનો કલેઈમ પાસ કરાવો ,તમે ગુડ્ઝ રીસીવના ડોક્યુમેન્ટ ફાડી અને તમારા ટ્રાન્સપોર્ટર પાસે કલેઈમ પાસ કરાવો ..
ના એટલે ના ,મારે શું કામ તારા માટે ખોટું કરવું ?
રાખ તારી ટણી અને ચરબી તારી પાસે ..
આવા અનેકો અનેક અપમાન અને તેજોવધ ધંધાકીય જીવનમાં થયા છે ..
પપ્પા હમેશા કેહતા જીવનના ઝેર મહાદેવની જેમ ગળામાં ભરી રાખવા, એને જો પેટમાં ઉતારીએ તો આપણે મરી જઈએ, અને બાહર કાઢીએ તો સામેવાળો..
આજે બિલકુલ સાર્થક લાગે છે
ચાલો કાલે અષાઢી બીજ કૃષ્ણ પક્ષની ..
હિન્ડોરે ઝુલત સીરી નવલલાલ .. હિંડોળા ચાલુ ..
લાલે લાલ કી જે ..!
શુભ રાત્રી
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*