અરવલ્લી ..
ઘમસાણ મચ્યું છે , ન્યાય ખુદ કઠેડામાં ઊભો રહીને પોતાનો બચાવ કરી રહ્યો છે …!!!
લગભગ દરેકને જ્ઞાન લાધ્યું છે ,પણ અત્યાર સુધી ક્યાં હતા ? ગોતા થી લઈને અંબાજી સુધીના રૂટમાં લાખ્ખો માણસ રોજનું રોજ પસાર થાય છે ત્યારે માર્બલ ગ્રેનાઈટ ના વેચાતા થપ્પા દેખાતા નહોતા?
મકરાણા, અગરિયો ,સથવારિયો, આંધી પિસ્તા, અંબાજી , કોટા , ધોલપુર, કેસરિયાજી, ગ્રેનાઈટ , કોટા… ઓનેક્સ આવી કેટ કેટલી જાતોના કુદરતી પત્થરો વેચાતા દેખાતા નથી ?
જેમ બેકરીમાં તાજી બ્રેડ બહાર નીકળે અને પછી છરા વડે એની સ્લાઈઝ થાય તેમ હેન્ડતુ હેન્ડતુ મલક જાય છે આખું ત્યારે માર્બલની સ્લાઈઝ પડતી દેખાતી નથી ? ડુંગરા કપાતા નથી દેખાતા ?
સાબરમતીના ભાઠામાં છેક વૌઠા સુધી રેતી મળતી એ હવે છેક પાટણ લેવા જવી પડે છે તો હજી અક્કલ ચાલે છે કે બેહર મારી ગઈ છે ..?
કન્સ્ટ્રક્શનનું ગાંડપણ દેશભરમાં ઊભું કર્યું છે અને સીધા એને વિકાસ જોડે જોડી દેવાયું છે એનું પરિણામ શું થશે ?
સાંભળ્યું છે કે સુભાષ બ્રિજ તોડી પાડવો પડશે અને ફરી બનાવવો પડશે ..મેન્યુફ્રેક્ચરિંગ ડેટ સાથે એક્સ્પાયરી ડેટ કેમ નથી મારતા ? દસ રૂપિયાના વેફરના પડીકા ઉપર એક્સ્પાયરી ડેટ મારો છો તો કરોડો અબજોના બ્રિજ ઉપર એક્સ્પાયરી કેમ નથી મારતા ? કે પછી “ગાંધી” “વૈદ”નું સહિયારું છે હજી પણ? સુભાષબ્રિજ માટે પણ પેલું હેરિટેજવાળુ ??
લે હાય હાય આપણે તો હેરિટેજવાળા એલિસબ્રીજની જેમ એને પણ સાચવો , જૂનું તોડાય નહીં હવે …!!
જગતમાં કોણે બાપાને સંઘરી રાખ્યા ? ગુજરી જાય એટલે કેટલા કલાકમાં “કાઢી” જાવ છો ?
ત્રિભેટે આવીને દેશ આખ્ખો ઊભો છે ,જે હાલત અરવલ્લીની છે એ હાલત વિંધ્યાચળની છે અને એના કરતાં બુરી હાલત નગાધિરાજ હિમાલયની છે..
દેશના ખૂણે ખૂણે સડકો દોડાવવી છે અને દરેકને દેશ બતાડવો છે ,જોવો છે .. ખરેખર ? શું એ જરૂરી છે ?
અમેરિકન ડ્રીમમાં એક ઘર ,એક ગાડી ,એક સારી પત્નીનો સમાવેશ છે પણ ભારતીય ડ્રીમ ક્યારેય ચર્ચાયું છે ….????
એક ઘર..?? હોતું હશે ? તમારે ફાર્મહાઉસ નથી ? ગામડે તો ઘર જોઈએ જ.. રેહવું શહેરમાં પણ ગામડે ઘર જોઈએ અને એકલા ઘરથી ચાલે ? જમીન પણ જોઈએ .. અને કામધંધો ? તો કહે શહેરમાં …!
ગાડી …??? અરે રે આ શું બોલ્યા ગાડીઓ જોઈએ એક બે માં ક્યાં મેળ પડે ..!!
રૂપિયા ? અરે ડોલરને પાછો ફેંકે એવા આંધળા રૂપિયા જોઈએ …!!
બહારગામ હરવા ફરવા ? આટલા ઘર અને ફાર્મ હાઉસ હોય તો પણ ટાંટિયો ટકે નહીં , સેહજ બજાર નવરી પડે કે ફોરેનમાં વેકેશન કરવા ધો’ડી જાય … પ્રોપર્ટી તો જોઈએ જ ..!!
મને આજકાલ ઘણા લોકો એવો સવાલ કરે છે કે તમારે કેટલા જ્યોતિર્લિંગ “પતી” ગયા ??? મારે તો બારે બાર જ્યોતિર્લિંગ થઈ ગયા ..!!!
હું એ પિત્તળને સામે પૂછું કે તમારે કેટલા વેદ વંચાઈ ગયા ? ઉપનિષદ્, પુરાણ આવું કશું ક્યારેય સાંભળ્યું છે ? શું વાંચ્યું ?
અખો એટલો બધો યાદ આવે …. તુલસી દેખી તોડે પાન..
શું ચાલી રહ્યું છે દેશમાં ?
પાછું વળીને જોવું જરૂરી બન્યું છે .. લાખ્ખો વર્ષ જૂના પહાડો અને નદીઓ ખોદી નાખી અને તકલાદી રોડ રસ્તા પુલો અને અને સો વર્ષ પણ ના ચાલે એવા મકાનો આપણે બનાવી રહ્યા છીએ તો શું એ યોગ્ય છે ?
કોઇપણ બિલ્ડિંગ, પુલ ,રોડ રસ્તા ઉપર એની મેન્યુફ્રેક્ચરિંગ ડેટ અને એક્સપાયરી ડેટ કેમ નથી લખતા ?
અજર અમર વસ્તુ કાપી તોડી અને એમાંથી સગવડ ઊભી કરો છો તો એ સગવડ માણસ જાતે બનાવી છે તો એની આયુષ્ય મર્યાદા તો હોય જ ને ..!! કેમ એ વાત નો સ્વીકાર ના કરી શકીએ ?????
એકસાથે કોઈ કુદરતી હોનારત આવે અને લાખ્ખો કરોડો માણસો એક સાથે સ્વાહા થઈ જાય એની શું દુનિયાભરના શાસકો રાહ જોઈ રહ્યા છે …???
જળ વાયુ પરિવર્તન બહુ મોટો વિષય છે , એક સમય હતો કે બહુ મોટા મોટા માણસો એના વિશે વાત કરે હવે વીસ રૂપિયાની મિનરલ વોટરની બાટલી ખરીદી અને પીતો માણસ પણ વાત કરે છે તો એને ખુલ્લા દિલે ડાબેરી ,જમણેરી , સમાજવાદી બધ્ધું બાજુ ઉપર મૂકી અને રત્નગર્ભા વસુંધરાનો ગર્ભપાત કેટલો કરવો અને ક્યાં અટકવું એ નક્કી નહીં કરવાનું ?
શું કાપી લાવ્યા અને એમાંથી શું બનાવીએ છીએ અને બનાવેલી વસ્તુ કેટલા વર્ષ ચાલશે એ નહીં જોવાનું ?
યુરોપમાં બસ્સો ત્રણસો વર્ષ જૂના મકાનો કેટલા ? અઢળક … અને આપણે ત્યાં ?
પચાસ સાહીઠ વર્ષે ખંડેર થઈ જ્યાં..
ઘરમાં બાથરૂમો દસબાર વર્ષથી વધારે કેમ નથી ટકતી ? વીસ વર્ષે તો આંટા આવી જ રહે , આવું કેમ ? કેટલા કુદરતી સંસાધન વપરાયા ? શેનો સોથ વાળીને ઘરમાં ફર્નિચર ઊભું કર્યું ? ત્રણ ચાર પેઢી રાખશો બધું કે ઉબાઈ જશો ?
દરેક ગામડામાં બંધ ઘરો પડીને પાદર થઈ રહ્યા છે અને બીજી બાજુ શહેરો ઉભરાઈ રહ્યા છે તો શું વિચારવું નથી હવે ?
ખેડે એની જમીન લાવ્યા તો રહે એનું ઘર, અને બંધ છે તો સરકારનું, કરીને હવે કન્સ્ટ્રક્શનના ગાંડપણ થોડા ઓછા કરીએ તો નહીં ચાલે ?????
કોઇપણ ઇમારત સો વર્ષ મીનીમમ ચલાવવાની એવો કાયદો કરવો જોઈએ કે નહીં ? એક પરિવારને એક ઘર, બહુ બધા ખોટા પાંચ ઘર અને સાત ઘર પછી ભાડે આપીશું એમ કરીને પહોળા થવાની ક્યાં જરૂર છે ?
અરવલ્લી નહીં બીજા પણ ઘણા કુદરતી સંસાધનો બચી જશે .. ભૂખ ઊઘડી અને હવસ નું રૂપ લઈ ગઈ છે એને બધા વાદ બાજુ ઉપર મૂકી અને અટકાવવાની જરૂર છે ..!
અબજો રૂપિયા ભેગા કરી અને ગુજરી જવું એવી હવસ ચારેય બાજુ વર્તાય છે ..
અમેરિકા કેનેડા પાછા પડે એવી હાલત છે , ધન લાલસામાં …!
હવે મુદ્દાની વાત , ગધેડાની જેમ વૈતરું કર્યા પછી તે અને તારા બૈરાં એ પેટ કાપી કાપી , દુનિયાભરના પ્રેશર લઈને હપ્તા ભર્યા હોય હોમ લોનના એ પણ વીસ વીસ વર્ષ તો પછી એ હોમ ઉર્ફે ફ્લેટનું આયુષ્ય કેટલું તને ખબર છે ? અત્યારે પચાસ વર્ષ જૂના દસ માળિયા ફલેટો ના ખાનપુરમાં સળિયા બાહર આવી ગયા છે , મારી આંખ સામે છે .. અમદાવાદના પેહલા દસ માળિયા ફલેટો પચાસ વર્ષ પેહલા શૈશવની આંખ સામે ખાનપુર મુકામે બન્યા છે અને હવે એમાંથી સળિયા બાહર દેખાય છે , એ સમય તો ઘણો ઈમાનદારીનો હતો , લગભગ બધી જ આઉટર વોલ આરસીસી ની બની છે , અત્યારનું બાંધકામ તારા લોહી પાણીની કમાણી તારી આગલી પેઢી સુધી પહોંચાડી શકે ખરું ??????
બિલ્ડર પાસે સવાલ કર્યો છે ખરો ? કે આ નવું બિલ્ડિંગ કેટલું જીવશે ? કોઈ સર્ટિફિકેટ લીધું છે ? બાહર એક્સપાયરી ડેટ મારી છે ? કે પછી તું અને તારું બૈરું ઢોરની જેમ મજૂરી કરવા અને હપ્તા ભરવા જ જન્મ્યા છો ?
નક્કી આપણે કરવાનું છે , આજે ઘરમાં માર્બલ ફ્લોરિંગ કર્યાનો અફસોસ થાય છે .. આપણે બધ્ધા જ જવાબદાર ખરા હવે અટકી જઈએ , નિર્માણ એવું થવું જોઈએ કે મીનીમમ સો વર્ષ ચાલે નહીં તો આવનારી પેઢી માટે કચરાના ઢગલા સિવાય કશું જ નહીં બચ્યું હોય ,
રત્નગર્ભા ના ગર્ભપાત કરવામાં કશું બાકી નથી રાખ્યું આપણે માણસજાતે …!!
મારું શું ? અને મારે શું ? આ બે સવાલો સિવાય પણ ઘણા સવાલો છે જગતમાં ,
છતાંય મારું શું ? આ સવાલ પણ પૂછતા રહીએ તો પણ ફેરફાર આવી શકે તેમ છે ..
આજે થાય તો જાણો કે મારા લોહી પાણી એક કરેલા રૂપિયાથી વીસ વર્ષના હપ્તા ભરેલા ફલેટના આયુષ્ય કેટલું .. ??? મારા છોકરા નો છોકરો વેચે ત્યારે સળિયા દેખાવા ના જોઈએ …!! જાણો કે રોડ રસ્તા બ્રિજ ના આયુષ્ય કેટલા બાકી છે ?
આ બધા સવાલો મારું શું ? એનો જ એક ભાગ છે ,બાકી તો મારે શું …???
તો કહે સીએનજી ની ભઠ્ઠી … સળગાવી મારશે તમને મને બંન્ને ને …!!!
કુદરતી સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ બોલવું સહેલું કરવું અઘરું ..જૂની પેઢી એક ડોલ પાણીમાં સ્નાન આદિ કાર્ય પતાવી દેતી આજે પ્રેશર પંપ છે નવા ઘરોમાં ..!!!!! નર્યો બગાડ ..!
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*