એક ભયંકર ફોન આવ્યો ..
ભાઈ રીટાયર્ડ થયો છું, અને સાહીઠ-સિત્તેર-એંશી લાખ રોકીને કોઈક ધંધો કરવો પડે તેમ છે, ગોઠવવું જ પડે તેમ છે, ખર્ચા ઘણા છે અને વ્યાજમાં કશું વળે તેમ નથી, અને કંપનીએ એકવાર એક્સ્ટેન્શન અડધા પગારે બે વર્ષનું આપ્યું પણ હવે આપવા તૈયાર નથી..!!
ગજ્જબની સમસ્યા પ્રૌઢાવસ્થાની..!!
કદાચ એ જમાનો હતો કે સિત્તેર વર્ષે લોકો ગુજરી જતા તો એમ કેહવાતુ કે ઘણું જીવ્યા આજે એંશી-પંચ્યાશી રમતા રમતા દવાઓના જોરે નીકળી જાય છે અને સરકારી નોકરીઓમાં કે બીજી નોકરીઓમાં અઠ્ઠાવન વર્ષે રીટાયર્ડ કરે ત્યારે માણસ ખરેખર જુવાન હોય છે..!
એક જમાનો હતો કે ચાલીસે વાળ સફેદ થઇ જતા ,ડાઈ થતી નહિ અને મોતિયો આવે પછી ઘોડાના ડાબલા જેવા ચશ્માં આવતા, માણસને પોતાની જાતને પણ અરીસામાં જોવી ગમતી નહિ ,જયારે આજે લગભગ બધા ઘૂઘરા જેવા ખણકે અને ઢોલ જેવા ધમકે છે પણ અઠ્ઠાવન વર્ષની ઘંટડી વાગી એ ભેગા તગેડી મુકાય છે..!!!
પરદેસમાં પબ્લિક રીટાયર્ડ લગભગ પાંસઠ પછી થાય , એ પછી કન્ટ્રીસાઈડ રેહવા જતા રેહવાનો કન્સેપ્ટ છે , પણ હવે આપણે ત્યાં મારા જેવાને અત્યારે બાપદાદાના ગામ વિરમગામમાં જઈને ઉભા રહીએ તો ભૂંડ પણ ઓળખે નહિ..!
ત્યાં રેહવા જવાની ક્યાં વાત કરવાની ?
અને હાથપગ ચાલતા હોય એકાદ છોકરો-વહુ કે દિકરી-જમાઈએ એમના છોકરા મોટા કરવા તમને ભેગા રેહ્વાનો આગ્રહ કરતા હોય તો જવું ક્યાં ?
ધણી-બાયડી દસ હજારની મહીને દવાઓ ચાવી જતા હોય ,પેટ્રોલ ,કપડા , હાથખર્ચી,વેહવાર ,તેહવાર કેમના બે છેડા ભેગા કરવા ?
ઉપરથી બીક હોય કે કોઈક મોટી માંદગી આવી ગઈ બેમાંથી એક ને તો વીસ પચ્ચીસ લાખની તો ક્યાંય ચટણી કરી નાખે..!
હવે આવી પરિસ્થિતિમાં સાહીઠ સિત્તેર લાખ રોકી અને કેમનું જીવવું ?
પેલું તો મહીને સિત્તેર-એંશી હજારની આવક ચાલુ હતી અને પેલા સાહીઠ-સિત્તેર લાખ બેકઅપમાં પડ્યા હતા ..!!
હવે એ જ સિત્તેર એંશી લાખ લડાવીને કમાવાની વાત આવે છે ?
અક્કલ ,શરીર બધું જ ચાલતું હોવા છતાં વ્યાજના રૂપિયા ખાવાના વારા આવ્યા..!!
પોતાની જાતને સંકોરી લેવાના દિવસો..અને મૃત્યુની રાહ..!!
એક બીજી પણ કમબખ્તી થાય..પેલા માં-કાર્ડ કે બાપ-કાર્ડ નીકળે નહિ ઇન્કમટેક્ષ ભર્યા હોય એટલે , અને મેડીક્લેમના પ્રીમીયમ એટલા મોટા કરી નાખ્યા હોય કે એમ થાય કે આના કરતા રીવરફ્રન્ટેથી ભૂસકા મારી દઈએ ..!!
“શરમ આવવી જોઈએ સરકારને અને ઇન્શ્યોરન્સ કંપનીઓને સીનીયર સીટીઝનના આવા તગડા પ્રીમીયમ લેતા ..”
પાંસઠથી પંચ્યાશી જો ઈમાનદારીથી નોકરી કરી હોય તો આ પરિસ્થિતિ આવે .. બાકી મારી ખાધું હોય તો તો પછી ચિંતા જ નહિ, એનો વસ્તાર પણ વંઠેલો હોય, બહુ ભણ્યો ગણ્યો હોય નહિ અને માબાપની છાતી ઉપર જ હોય, મારી ખાધું હોય એટલે રૂપિયા ક્યાં અને કેવી રીતે ગોઠવવા એ પણ આવડતું જ હોય અને એવા ગોઠવે કે ત્રણ પેઢી તકલીફ ન થાય પછી જાય બધું રસાતળ ..!
વચ્ચે ફૂટી ગયેલા બલ્બની વાર્તા બહુ વોટ્સ એપ ઉપર ફરી, પણ જયારે “હળગતા” હતા ત્યારે વળી કેટલા ઘર ઉજાળ્યા તમે ?
ધંધા પુષ્કળ ફાટી નીકળ્યા છે, પણ મોટાભાગના ખાણીપીણીને લગતા જ છે અને પછી બીજી કન્ઝ્યુમર આઈટમો ,સર્વિસ ઇન્ડસ્ટ્રીઝ પણ સારી એવી ચાલી રહી પણ પેલા હું બોલું તું દોડ ,તું પગાર લઇ જ અને હું નફો એવા ધંધા સાહીઠ-સિત્તેર-એંશી લાખમાં ના થાય .. સિવાય કે કોઈ નસીબનો બહુ જ બળીયો હોય અને ક્યાંક સુમડીમાં કશું ગોઠવાઈ જાય..!
ફોન કરનાર વ્યક્તિએ આખું જીવન અમદાવાદમાં વિતાવ્યું હતું અને થોડાક દૂર ગામડે ઘર રાખ્યું હતું ,એટલે ગણતરી એવી હતી કે ગામડે શાંતિથી રહીશું પણ ગામડે ગયા તો પોણું ગામ ખાલીખમ્મ ,અને જે રહ્યા એમાં કોઈની સાથે ગોઠે નહિ ,સમયની સાથે અંતર ઘણા વધી ગયા હતા, અને જે ત્યાં રહી ગયા હતા એ બધાયને છેવટે તો અમદાવાદ આવવું હતું..!
એટલે એ આખું પ્લાનિંગ ટોટલી ફેઈલ થઇ ગયું હતું ..!!
ઘણીવાર એવું થાય કે જુના મિત્રો જુના મિત્રો કરીને દોડી જાય પણ પછી અમારા સાસુમાંની એક કેહવત .. “સોનું લ્યો કસીને અને માણસ જુવો વસીને ..!”
જ્યાં સુધી કોઈની સાથે બે ચાર દિવસ રહીએ નહિ ત્યાં સુધી અંદાજના આવે , બે ચાર કલાક રેહવું અલગ છે અને બે ચાર દિવસ રેહવું અલગ વાત છે..!!
મારો બહુ ચોખ્ખો ઓપિનિયન હતો કે ગામડે ગયા છો તો ત્યાં જ રહો ધીમે ધીમે ફાવી જશે ટેવાઈ જશો આ ૪-જી અને તાતા સ્કાયના જમાનામાં ,ખોટા ધંધા કરી અને ધોતિયા ફાડીને રૂમાલ ના કરશો..
છે એને દાંતેથી ઝાલી રાખો મરી મરીને ભેગા કરેલા રૂપિયા એમ રમતા ના મુકો જ્યાં સરકારી રાહે સેઈફ્લી ગોઠવ્યા છે એને તોડો નહિ..!!
આજે સારો મેસેજ આવ્યો કે મોટીવેશનલ શું કરે ? તો કહે ઉંદરડીને સિંહનો શિકાર કરવા ચડાવે ..!
એમ ખોટા શિકારે ના જવાય .. નાની પેઢી ડાયનાસોર જેવી છે આંધળું કમાય છે અને આંધળું મુકે છે બજારમાં ક્યાંક અડફેટે ચડી ગયા તો જે રામજી કી ..!
જોઈએ હવે કીધા કાકા ગધેડે ચડે છે કે નહિ.!!
બાકી રૂપિયો કમાવવો સેહ્લો છે ,બચાવવો એનાથી અઘરો અને બચાવીને ઇન્વેસ્ટ કરવો એનાથી અઘરો છે..!!
દરેક ઇન્વેસ્ટમેન્ટવાળાની જાહેરાતમાં કેવું (ફાસ્મ્ફાસ )ઝડપથી બોલી જાય છે ..!!
બસ એટલી જ ઝડપથી ધોતિયાનો રૂમાલ થઇ જાય..!!
આપડે (હું) કોઈ ઇન્વેસ્ટમેન્ટ કન્સલ્ટન્ટ નથી એટલે પર્સનલ મેસેજ ઠોકવા નહિ અને હા લાખ કમાયા નથી અને લખેશરી થયા નથી એટલે બહુ વલોપાત નથી..!!
શુભ રાત્રી
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*