નવ નોરતા પત્યા,અને આજે શરદ પૂર્ણિમા ..
આ વખતે નોરતા ના નવે નવ દિવસ આપડે જોર કકળાટ માંડ્યો હતો..
બધા રાજકારણીઓના બેવડા વલણ ને જોતા લગભગ એમની સુન્નત કરવાની જ બાકી રાખી હતી..!
પણ એકવાત કબૂલ કરવી પડે, બાદ`શો મુઓ ભલે બડો મિજાજી રહ્યો પણ નોમની રાતે તો ગુલઝારી અને એની જોડે આખું અમદાવાદ આખી રાતમન મૂકીને નાચ્યું ક્યાય, કોઈ હેરાનગતિ કે કનડગત નહિ,આખી રાત ખેંચી કાઢી ખેલૈયાઓ એ તો ..!!
રોડ પર તો રાતના ત્રણ વાગ્યે સાંજના સાડા આઠનો માહોલ હતો,એક એક હોટલો ફુલ્લ હતી રોડસાઈડના શમ્ભુડા અને ડેનિયા પર તો કોફી માટે દૂધ અને સેન્ડવીચ માટેની બ્રેડ ખૂટી પડી હતી..!
એક મજેદાર વાત એવી જોઈ કે પાનના ગલ્લે બફર અને પ્લાસ્ટિકના ડિસ્પોઝેબલ ગ્લાસ લેવા લોકો નીકળી પડ્યા હતા,એ લોકો માટે રાતના બાર વાગ્યે નવરાત્રી પૂરી થઇ હતી અને દશેરો ચાલુ થઇ ગયો હતો..
સોમરસના પાન ચાલુ થઇ ગયા..!
આ પાનના ગલ્લેથી બરફ અને ગ્લાસ લેનારા માટે મેં ઘણા વખતથી જોયું છે કે કોણ જાણે પણ કેમ કેટલાય લોકો ખાસ કરીને જુવાનીયા આજકાલના લગ્ન હોય કે નોરતા પણ જ્યાં સુધી બે પેગ મારે નહિ ત્યાં સુધી નાચી શકતા નથી..!
જો કે આ પેગ વાળી જનતાની સંખ્યા ઘણી ઓછી છે પણ છે એ ચોક્કસ..!
પણ હવે આ બે પેગ વાળી જનતા આવી કેમ છે ?
મને થોડું એનાલિસિસ કરવાનું મન થયું.. મૂળે આવી પ્રજા પેહલા તો જેને આપડે અંગ્રજી માં “શાઈ” (શરમાળ) કહીએ એવી હોય છે,પણ એના મનમાં છવાઈ જવાની વૃત્તિ ભયાનક હાવી થયેલી હોય છે અને એ છવાઈ જવામાં શરૂઆતના બેચાર સ્ટેપ ખોટા કરે અને પેહલી ફેલીઅર આવે પછી ગરબાનો કે નાચવા નો ત્યાગ થાય અને જયારે કોઈ બે ચાર પેગ પીવડાનાર મળે એટલે પછી થાય “શિવાજી”.. લડી જ લ્યે..”દેશભક્ત”..થઇ જાય..!
આ નોરતામાં બીજું પણ એક ઓબ્ઝર્વવેશન આવ્યું છે, સાલું આજકાલના છોકરા ખુબ જલ્દી થાકી જાય છે, સળંગ બે બે ત્રણ ત્રણ કલાક ખેંચી નથી શકતા, એમને થાક ખાવા જોઈએ પછી પાછા જોડાય, પણ થાકે છે જલ્દી ..
હવે આગળ લખતા પેહલા કહી દઉં કે મને ઘરમાંથી સ્ટ્રીક સુચના છે કે તું ડોક્ટરનો છોકરો છે, ભાઈ છે અને હવે ડોક્ટર નો બાપ પણ થઈશ પણ તું ડોકટર નથી જ..એટલે કોઈ પણ દિવસ કોઈ પણ સંજોગોમાં કોઈ જ ડાયાગ્નોસીસ તારે કરવાનું નથી અને દવા તો હરગીઝ નહિ કરવાની એટલે હવે જે આગળ લખું છું એને તમારી જાત સાથે જોડી ને જોતા નહિ પણ એક સામાજિક સમસ્યા તરીકે જોવા વિનંતી..
મને ગરબામાં છોકરાઓ ને થાકવા પાછળનું એક કારણ વિટામીન B12 ની ડેફીશીયન્સી લાગે છે,આજકાલ જેના જોવો એના B12 ઓછા આવે છે એટલે મને તો આ પીવાના “ચોખ્ખા પાણી” ના આર.ઓ. ને લીધે સમાજમાં વધતી જતી વિટામીન B12 ની ડેફીશીયન્સી નવરાત્રીમાં ચોખ્ખી દેખાય છે,સળંગ અડધો કલાક કે કલાક ગરબા રમ્યા પછી આજકાલના બાળકો થાકી જાય છે અને ઉભા રહી જાય છે..
બહુ મોટી તકલીફ છે આજકાલ આ વિટામીન B12 ની ડેફીશીયન્સી,કોઈપણ માણસની શારીરિક તાકાતને લગભગ ખતમ કરી નાખે છે..હું માનું છું કે ધીમું ઝેર છે આ બજારમાં વેચાતી આર.ઓ. સિસ્ટમો,
પણ હેમા “બેન” માલિની વેચે એટલે જનતા આંખ બંધ કરીને ખરીદે અને ઠગો અને પીંઢાંરાઓની સરકારો,અભણો શબ્દ પણ વાપરી શકાય (અહિયાં ભાજપ કોંગ્રેસ બંને આવી ગયા) કોઈ આ તરફ ધ્યાન જ નથી આપતુ..
વચ્ચે ક્યાંક કેનેડાના પીએમને બોલતા સાંભળ્યા હતા કે આપડા બાળકો ટેપ વોટર (નળ નું પાણી )પી ના શકે એવું થાય તો એ બહુ જ ખરાબ પરિસ્થિતિ છે.. કદાચ આપણે ત્યાં વર્ષો પેહલાથી આ પરિસ્થતિનું નિર્માણ થઇ ચુક્યું છે અને દરેક સરકારોએ આંખ આડા કાન કર્યા છે..
અત્યારે કોઈપણ રીતે અને ભોગે ચુંટણી જીતવા માટે જન્મેલા “વીર ચૂંટણીવાળા” અને એમના સાગરીતોનું સમસ્ત ધ્યાન ફક્ત અને ફક્ત ચુંટણી ઉપર છે,સંસદીય લોકતંત્ર પોતાના મૃત્યુ તરફ ઝડપથી ધસી રહ્યું છે અને સમાજ પોતે પણ..યાદ કરો કે કેટલા વર્ષ થઇ ગયા કે આપણે ચકલીમાંથી (નળમાંથી) આવતું સીધું પાણી પીધુ..? એશીના દાયકામાં નદીઓના પાણી સુકાયા અને બોરવેલ થયા, પેહલા અમદાવાદમાં સાબરમતીની આજુબાજુના ઇલાકામાં સો ફૂટે પાણી આવતા પણ ખાળકુવા હેરાન કરતા, ખાળકુવાના પાણી બોરવેલના પાણીમાં ભળી જતા એટલે જમીનમાં રહેલી પેહલી નદી છોડી અને બીજી નદીના પાણી ઉલેચ્યા,બીજી નદી ગઈ ત્રીજી પણ ગઈ અને ધીમે ધીમે છસ્સો ફૂટેથી પાણી ઉલેચી ઉલેચીને વાપરવા અને પીવા માટે લેવાના વારા આવ્યા..
શેહરો મોટા થતા ગયા મ્યુનીસીપાલીટીમાં નોકરી કરતો દરેક માણસ ટાઉન પ્લાનીગ કે ઓક્ટ્રોઈ કે પછી ટેક્ષ આકારણી વિભાગમાં બદલી મળે એની કામના કરતો રહ્યો..!
શેહરો મોટા થયા ત્યારે રોડ ગટર અને પીવાના પાણીની વ્યવસ્થા પેહલા કરી અને પછી બાંધકામની પરમીશન આપવી જોઈતી હતી, એની બદલે બધું દે ધનાધન થયું..આડેધડ ઉભું થયું , પીવાના પાણી માટે પણ બોરવેલ પર નભવાના વારા આવ્યા અને બોરવેલ ના પાણી નીચા ને નીચા ગયા,પાણીમાં ક્ષાર વધતા ગયા છેવટે રીવર્સ ઓસ્મોસીસ એટલે કે આર. ઓ.સીસ્ટમ ના મોટા મોટા ઇન્ડસ્ટ્રેઅલ વર્ઝન નાના થયા અને દરેક ઘરમાં આર.ઓ. ઘુસ્યા..અને આ આરઓ ના પાણી એ આંતરડામાં રહેલા બેકટેરિઅલ ફોના ને મારી નાખ્યો..
બીજું કામ કર્યું થાળીમાંથી ગાયબ થયેલી છાશ એ..જમ્યા પછી છાશ પીવાની ટેવ લગભગ જતી રહી એટલે છાશમાંથી મળતા બેકટેરિયા પણ મળતા બંધ થયા, ત્રીજું કામ તમામ કર્યું કૃત્રિમ ખાતરો અને પેસ્ટીસાઇડ એ અને છેલ્લે જંક ફૂડ..
અલ્ટીમેટલી વિટામીન B12 ની ડેફીશીયન્સી આવી..
દયા આવે છે આજકાલ ના છોકરાની અમારા જેવા પચાસે પોહચવા આવેલા બબ્બે કલાક ખેંચી કાઢે,અને નાના નાના અઢાર થી બાવીસ કે છવ્વીસ વર્ષના બાળકો એક કલાક ગરબા ગાઈને જયારે બેસી પડે છે ત્યારે..એમ થાય છે કે સરકારો તો એની માં પરણવા ગઈ પણ માંબાપ તરીકે આપણે પણ ભીંત ભૂલ્યા..?દાદાજી અને વડ-દાદાજીની જેમ આઠદસ તો જણ્યા નથી એક કે બે અને એનું પણ આપણે ધ્યાન રાખી ના શક્યા..?
છોકરું બે કિલોમીટર કેમ દોડી ના શકે ..?
જેને જોવો એ બધાને વિટામીન B12 ની ડેફીશીયન્સી અને D-3 ઓછુ ?
ક્યાંક તો સમાજે પણ વિચારવું રહ્યું ..રસ્તો કરવો જ રહ્યો હવા અને પાણી તો ચોખ્ખા રાખવા જ રહ્યા..
ચાલો સહુ માણજો આ શરદ પૂનમની રાત`ડી ને ..
આજે આટલું જ
શુભ રાત્રી
શૈશવ વોરા