ભવિષ્યનું દુ:ખ વર્તમાનના સુખનો નાશ કરે છે..!
મારું જ્ઞાન નથી આ..ભગવદ્ ગીતાનું છે..
રીટાયર્ડમેન્ટની ચિંતા ખતરનાક રીતે અમારી પેઢીને સતાવી રહી છે..!
અત્યારે તો શિંગડા કાપીને વાછરડા બનેલા રહીએ , તો પણ શરીર અને મન ક્યાંક ક્યાંક જવાબ આપી દે ત્યારે અચાનક બહુ તકલીફ શરુ થઇ જાય છે..!
રીટાયર્ડમેન્ટના પોતાના થોડાક અઘરા કેહવાય એવા પ્રશ્નો છે,
જેમ કે પેહલો સવાલ એ આવે કે અઠ્ઠાવનમાં વર્ષની એક સાંજ અને ઓગણસાહીઠમાં વર્ષની સવારમાં એવો તો શું ફર્ક આવે છે કે તમને ઘરે મોકલી દેવામાં આવે છે ? અને તમારી રૂટીન લાઈફમાંથી અચાનક જ તમને ફારગતી આપી અને નવરા કરી મુકવામાં આવે છે ?
નંબર બે આવક અચાનક અડધી, કે એનાથી પણ ઓછી ..એક પછી એક મુદ્દાસર પ્રશ્નોની હારમાળા ચાલુ થઇ જાય અને આધેડીમાં એ પ્રશ્નોનો વિચાર માત્ર ધ્રુજાવી નાખે એવો હોય છે..!
પણ મેં જોયું છે ડાહ્યા માણસો બહુ સારી રીતે કલ્પના કરી લેતા હોય છે આ બધી પરિસ્થિતિઓની..!
તમે ક્યારેય કોઈનું વિલ હાથમાં લીધું છે ? કોઈ ના વિલના સાક્ષીમાં સહી કરી છે ? અને પછી એ જ વિલને એક્ઝીક્યુટ કરવાનો સમય આવ્યો છે ?
મારા જીવનમાં આ બધું બન્યું છે ..
એક પારિવારિક વડીલ ઉંમર ઘણી વધારે લગભગ નેવું એ પોહચી અને પછી સ્વર્ગે સિધાવ્યા..
હું લગભગ પાંત્રીસેકની આજુબાજુનો ત્યારે ,અને વડીલ લગભગ સિત્તેરની આજુબાજુના.. એક દિવસ પપ્પાને મળવા ઘેર આવ્યા પણ પપ્પા કૈક કોઈક ઈમરજન્સીમાં દવાખાને હતા એટલે પપ્પાની બદલે મારે વડીલ સાથે બેસવાનો વારો આવ્યો..!
પાણી સિવાય કશું જ બીજાના ઘરનું એમને ખપે નહિ એટલે પાણી પી અને વડીલ સીધા પોઈન્ટ ઉપર આવી ગયા ..
“જો આ કવર સીલબંધ છે , જેને શૈશવ તારે જ સાચવીને રાખવાનું રેહશે, મારી ગેરહાજરીમાં હર્ષદે મારા સંતાનોને આપવાનું રેહશે અને હર્ષદની ગેરહાજરી હોય તો એ કામ તારે કરવાનું રેહશે..”
એકદમ સ્પષ્ટ વાત, ગેરહાજરી એટલે મૃત્યુ પછી ..
મેં જરાક ફોડ પાડવા પૂછ્યું કે ક્યારે આપવાનું ..?
અને વડીલે જે સ્પષ્ટ ચિતાર આપ્યો .. “ જો શૈશવ જે દિવસે મારું મૃત્યુ થશે પછી બે ત્રણ કલાકમાં મને કાઢી જવામાં આવશે,મારું કોઈ પરદેશ કે બહારગામ છે નહિ એટલે બધાને ભેગા થતા વધુ વાર નહિ લાગે, ક્રિયાકર્મ પૂરા થયા પછી મારા જે દિકરાના ઘરે મારું મૃત્યુ થશે એ જ દિકરાના ઘરે મારા સંતાનો રાત્રે ભેગા થઇને બેઠા હશે , લગભગ તમામ લોકો એ રાત્રે ચોક્કસ આવ્યા હશે ,ત્યારે રાત્રે સાડા આઠ નવએ બધા જમી લીધું હશે અને એવે સમયે તારે આ કવર લઈને જવાનું , અને મારા સંતાનોને એક રૂમમાં ભેગા કરવાના પછી મારા મોટા દિકરાના હાથમાં આ કવર મુકવાનું અને એને કેહવાનું કે સહી ચેક કરો અને પછી કવર ખોલી અને વાંચો..”
મને જરાક કન્ફયુઝન થયું એટલે મેં પૂછ્યું “એમ નહિ વડીલ તમારા સંતાનો વિલ વાંચે ત્યારે એ કમરામાં મારે અથવા પપ્પાએ હાજર રેહવાનું કે નહિ ..?”
“એ મારા સંતાનોની મુનસફી ઉપર છે ..એ લોકો નક્કી કરશે ,તમારું કામ ફક્ત એ લોકો સુધી આ વિલનું સીલબંધ કવર પોહચાડવાનું છે, પછી આપણા ઋણાનુબંધ પુરા થશે..અને તમારો મારા વારસદારો સાથેનો વેહવાર ચાલુ થશે..”
બહુ જ સ્પષ્ટ વાત અને પોતના મૃત્યુ પછી ઘરનું વાતાવરણથી લઇ અને ઘરના લોકો શું કરતા હશે એની એકદમ ચોખ્ખી કલ્પના કરી લીધેલી હતી તેમણે..
અને બન્યું પણ બિલકુલ એવું જ ..
જે પ્રમાણે કીધું હતું તેમ જ એમના મૃત્યુના સમાચાર મળ્યાને બે-ત્રણ કલાકમાં અંતિમવિધિ થઇ અને પછી રાત્રે બિલકુલ એ જ પ્રમાણેનો સીન ભજવાયો..!!
જે દ્રશ્યની મેં કલ્પના કરી હતી બિલકુલ એવું જ દ્રશ્ય મારી આંખ સામે ભજવાઈ રહ્યું હતું .. આખું સ્ક્રિપ્ટેડ ..!!
ત્યાં અમે લગભગબે અઢી કલાક બેઠા, પણ બહુ બોલકો શૈશવ મૌન થઇ ગયો હતો..
મૃતક વડીલની જિંદગીનું ટ્રેઇલર મારી આંખ સામેથી જઈ રહ્યું હતું ..
ફક્ત પોતાના મૃત્યુની નહિ પણ કદાચ વડીલે એમની આજુબાજુના તમામ લોકોના મૃત્યુ થાય તો શું પરિસ્થિતિ ઉદ્દભવશે તેની કલ્પના કરી અને પ્લાન એ-બી-સી તૈયાર રાખેલા હતા..
હવે જે વ્યક્તિ આટલું આગળનું વિચારી શકતી હોય તે આર્થિક અને સામાજિક રીતે કઈ પરિસ્થતિને વિચારીને પ્લાન નહિ બનાવ્યા હોય ..!!
મારા માટે એ બહુ મોટો લેસન હતો ..
જે છે તે નહિ હોય તેનો વિચાર કરીને તૈયાર રેહવું ,પણ કલ્પના અને પ્રયત્ન હંમેશા પોઝીટીવ રહીને કરવાના ..!
એમના વિલનું કવર લગભગ પંદર સત્તર વર્ષથી વધુ સાચવ્યું અમે ,અને પંદર સત્તર વર્ષ એ કોઈ નાનો સમયગાળો નથી ..ક્યારેય વિલના કવરની વાત પછી એમણે ઉચ્ચારી સુધ્ધાં નોહતી..
પ્લાન બનાવીને મૂકી દીધો..
જો જીવનમાં “અઠ્ઠાવનમાં વર્ષની એક સાંજ અને ઓગણસાહીઠમાં વર્ષની સવાર” પડવાની જ છે તો પછી એના માટે વ્યવસ્થિત પ્લાનિંગ કરીને તૈયાર રેહવું..
દુઃખને સુખમાં ફેરવવાની ચાવી..!
છતાંય ક્યારેક એવી કોઈક પરિસ્થિતિનું નિર્માણ થાય તો પછી આગે આગે ગોરખ જાગે..
બીજું શું ..??
પેહલા પણ લખી ચુક્યો છું અને ફરી એકવાર “જિંદગી હંમેશા કલ્પવૃક્ષની નીચે બેઠા છીએ એમ જ જીવવી ,જો વાઘ આવી ખાઈ જશે એવી કલ્પના કરીએ તો ચોક્કસ વાઘ આવશે જ અને ફાડી ખાશે .. અને સારા જીવનની કામના રાખી હશે તો સારું જીવન ચોક્ક્સ મળશે જ..”
બાકી તો હમણાં એક ડોક્ટર સાહેબની વોલ ઉપર નવો શબ્દ મળ્યો ..”દવાઓ ફોલવાની છે..”
તુવેરા વટાણા પેહલાના સમયમાં ઘરડા નવરા બેઠા `ફોલતાં` ,
હવેના ઘરડાં દવાઓ `ફોલે` છે, રોજની વીસ-પચ્ચીસ ગોળીઓ ડોસાડોસી ખાતા હોય તો રાત પડ્યે બીજા દિવસ માટે “દવાઓ ફોલવી” જ પડે ..!!
જેટલી ચિંતા વધારે એટલી દવાઓ વધારે “ફોલવી” પડશે ..!!
આજનો લાહવો લીજીએ રે કાલ કોણે દીઠી..!
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*