બરફ ના ગોળા ..!
આજકાલ નગરી અમદાવાદમાં અજબ ગજબ ઘટના ઘટી રહી છે..!
એ પણ રાત્રે સાડા દસ વાગ્યા પછી ..!!
કાંટીયુ માથે ચડવાને બે ચાર ઘડીની રાહ હોય અને એવા સમયે નગરી અમદવાદની નગરચર્યા કરવા નીકળીએ તો સીજી રોડથી લઈને એસજી હાઈવે વાયા સિંધુભવન રોડ દરેકે દરેક જગ્યાએ એક અજબ નજારો જોવા મળે છે ..!!
પચ્ચીસ ત્રીસ જણા લાઈનમાં ઉભા હોય છે અને એ પણ ગોળા ખાવા માટે..!!
એક એક ગોળાની લારી ઉપર સો-સો માણસનું ટોળું જામેલું દેખાય છે,
મારા જેવાને થાય કે મેલો આ બધા કારખાના નથી ચલાવવા , માર્ચ એન્ડ અને જીએસટી ને ઇન્કમટેક્ષ ,દુનિયાભરના લાયસન્સ ,એના કરતા દસ બાર ગોળાની લારી એક સાથે ખોલી નાખો ને ચાર-પાંચ મહિનમાં બાર મહિનાનું રળી લ્યો..!!
પચ્ચાસ રૂપિયાથી ચાલુ થાય …અને ..અને.. અને.. આગળ વાંચતા પેહલા
છાતીએ હાથ મૂકી દેજો હો ..
પાંચસો નહિ સાતસો રૂપિયાના ગોળા વેચાય છે આ શેહરમાં , અને તો પણ વડોદરે જઈએ તો આપણને કંજૂસ કહે બોલો ..!!
આવી ભીડ તો રેશનીંગની લાઈનમાં કે પેલી છાપાની કુપનો કાપી અને પછી મફત ગીફ્ટ મળતી ત્યારે પણ જોવા નોહતી મળતી..!!
નાણામંત્રીજી ..ઓ …નાણામંત્રીજી નાખો નાખો તમ તમારે જીએસટી બરફના ગોળાવાળા ઉપર ,
ત્યારે શું વળી દર વખતે દારુ અને તમાંકા જ હાથે ચડે છે, અને હવે વળી પેટ્રોલના ચાળે ચડ્યા છો તે ..!
પૂરા અઠ્યાવીસ ટકા જીએસટી ઠોકો ગોળાવાળા ઉપર, અને ઈ-ઇન્વોઇસ ફરજીયાત કરો, સો રૂપિયાથી ઉપરનો ગોળો વેચવા ઉપર..!!
અને હા સો રૂપિયા ઉપરનું ગોળાનું બીલ જેના નામનું બને એની પાન કાર્ડની ડીટેઇલ ફરજીયાત લેવી ..!! બીલમાં નાખવી..!!
સો રૂપિયાનો બરફનો ગોળો ખાય એ માણસની ઇન્કમ કેટલી હશે ???..!!
નક્કી એ કાળા નાણા જ વાપરતો હોય..!!
દુનિયા આખીમાં વૈશ્વિક ફુગાવો માઝા મૂકી રહ્યો છે..!!
ક્યારેક ચીન દેશ અને ક્યારેક યુરોપ ,તો ક્યારેક રશિયા, કોણે કોને મારી રહ્યું છે, કેમ મારી રહ્યું છે, શું ચાલી રહ્યું છે, આ બધી વાતો સામાન્ય માણસની સમજણની બાહર થતી જાય છે..!!
ટીવીવાળા ગળા ફાડી ફાડીને બોલે છે , કેમ આવું કરતા હશે એ પણ સમજાતું નથી..! એમના એડ્રીનાલીન વધી ગયા હશે કે આપણા વધારવા આવી રાડો નાખે એ નથી સમજાતું..!!
અમુક બજારો એવી તેજી પકડે છે કે વેપારીઓને માલ લેવો, વેચવો કે પછી ભરી રાખવો, એના સાંધા નથી મળતા, લોઢું થી લઈને તાંબુ અને ઈંટ માટીને પથરા,બધું જ મોંઘુ દાટ..!
સરબજારની તો વાત થાય એમ નથી..!!
ડોલરને ગમ્મે તેટલો પ્રયત્ન કરે સરકાર પણ ઝાલ્યો ઝાલતો નથી હવે, લગભગ એંશીની નજીક આવીને ઉભો છે..!!
પેટ્રોલ, ડીઝલ અને બાકીના બીજા ઇંધણ બહુ પ્રેમથી આગળ વધી રહ્યા છે..!!
સવાલ ત્યાં આવીને ઉભો રહે કે ક્યાં જઈને અટકશે ?
મારો જવાબ મારી જાતને જ છે કે ..નહિ અટકે શૈશવ બકા.., બધું દોડતું જ રેહશે..!
શ્રીલંકાની હાલત જોઈને અમુક બોલે હાય હાય કેવું થઇ ગયું.. એવી બધી ચાંપલી ચાંપલી વાતો કરે છે, જાણે અહિયાં તો બધું મફતના ભાવે મળતું હોય ..!!
આઝાદી વખતે ચાર રૂપિયે મળતો ડોલર આજે છોંતેરે પોહ્ચ્યો છે પણ કોઈના પેટના પાણી હલતા નથી..!!
ચાલવા દો બીજું શું ..!!
લંકામાં ઈકોનોમી તૂટી પડી છે તો શું થઇ ગયું ? બ્રાઝીલ ત્રણ વાર દેવાળું ફૂંકી ચુક્યું છે તો શું થઇ ગયું ?
આપણે ત્યાં એમ કેહવાય છે કે ફોરેક્ષ રીઝર્વ અત્યાર સુધીનું હાઈએસ્ટ લેવલે છે..! પણ એનાથી સામાન્ય જિંદગીમાં શું ફેર આવે ?
દૂધની થેલી સસ્તી થઇ જશે ? બરફ નો ગોળો સસ્તો મળશે ?
હમણાં કૈક વાચ્યું કે મફત અનાજની સ્કીમ લંબાવી દેવાઈ .. અરે આખા દેશને મફત ખવડાવો ,એમાં ખોટું શું છે ?
દયા ..દયા ..!
જેઠાલાલની નહિ હો સાચુકલી દયા..!!
અહિયાં ભલે જીવતે જીવત મરી જાવ, પણ માર્યા પછી તો અ..આ..હા..હાં .. જોઈએ..!!
જે દેશની પ્રજાને જીવતે જીવત જીવાતી જિંદગી કરતા મર્યા પછી સારી જિંદગીની કામના હોય, ઈચ્છા હોય એ પ્રજાને જીવતે જીવત પીસી જ ઘાલવી જોઈએ..!
સરકાર કષ્ટ નહિ આપે તો પોતે જાત્તે પોતાની જાતને કષ્ટ આપશે, બીજાને પણ આપશે .. એના કરતા છો ને મુઆ પીસાતા ..!!
આજે સવારે શ્યામલ ચાર રસ્તે એક ભિખારણ મારી ગાડીની બારીના કાચ ઉપર જે ધબાધબ હાથ મારે અને ભીખ માંગે, એક-બે મિનીટ માટે તો થઇ ગયું કે આ કાચ તોડીને અંદર નાં આવતી રહે ..!
જાણે એની માં કે બાપ મારે ત્યાં થાપણ (એફ.ડી.) મૂકી ગયા હોય અને હું રૂપિયા પાછા નાં આપતો હોઉં એમ હાથ પછાડે બારી ઉપર..!! આજે તો મને ઈચ્છા થઇ કે એક હોકી સ્ટીક રાખવી જોઈએ ગાડીમાં ..!
પણ દયા ..દયા ..દયા …!!
મને ત્યારે થયું કે સરકાર પેલા ગરીબોને મફત ખવડાવે છે તો શું આ ભીખારણ ગરીબમાં નહિ આવતી હોય ?
નાણામંત્રી નાખો નાખો જીએસટી બરફના ગોળા ઉપર .. નહિ પાપ લાગે..!!
પ્રજા અને સરકાર બધાય એકબીજાના પુછંડા કાતરવા બેઠા છે, મફતનું મળે એ બધ્ધું પ્રજાને લઇ લેવું છે અને જ્યાં હાથ લાગે ત્યાંથી સરકારને કાઢી લેવું છે..!!
ઉંદર બિલાડા ઉર્ફે ટોમ એન્ડ જેરીની રમતો ચાલી રહી છે..!!
મને તો પશ્ચિમનો ભૌતિકવાદ સો ટકા ગમે છે..!!
દંભ કરી કરીને જીવવાનું ,મર્યા પછી જે જિંદગી જોઈ નથી એના માટે જન્મારો બગાડવાનો..! એકેય મરી ગયેલો રીસીપ્ટ મોકલાવતો નથી ..!!
નાના નાના ટેણીયાને એવો “દારૂ” પાયો હોય કે ફલાણું ખાઈશ તો પાપ લાગશે..!!
અરે યાર બક્ષોને ..!
એના કરતા તો જરાક પાપ કરી ને પણ જીવી લેવું સારું..!
અલ્યા બરફના ગોળામાં ક્યાંય કોઈને આડું કે વાંકુ નથી પડ્યું છે ? ગોળા ખાવાથી જહન્નુમ કે સાતમાં-બારમાં નરકમાં કે હેલ માં જવાય એવું તો પાછુ ક્યાંય નથી લખેલુંને ?
નથી લખેલું ..
હમમમ એટલે જ લાઈનો લાગી છે..!!!
અરેરે ..શું કેહવું ભગવાન..!!
કઈ નહિ, આજે રેહવા દે તું ..!!
ખાવ ખાવ ગોળા .. નહિ નાખે જીએસટી , ચૂંટણી માથે છે ..!!
ખાધો કે નહિ ગોળો અલ્યા ? અલી ?
ખાઈ લો તમતમારે ..પાન કાર્ડ નહિ માંગે..!!
શુભ રાત્રી
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)