ભાઈ સાહીઠ ના થયા …!
આખા બોલિવૂડના “ભાઈ” સાહીઠ ના થયા, છાપામાં વાંચ્યું .. મને એમ થાય કે ભાઈ ને એમ મનના થતું હોય કે કોઈ મને કાકા ,મામા, ફુઆ, માસા, પપ્પા કહીને બોલાવે ..????
વચ્ચે એક ક્લિપ જોઈ હતી વિદુષી ગિરિજાદેવીની એમાં એ કહેતા હતા કે સ્ત્રી જલદી ઘરડી થઈ જાય છે ,જ્યારે પુરુષ સાહીઠ નહીં સીત્તેર પંચોતેર સુધી ઘરડો થતો નથી..!!!
મારા જેવાને હૈયે લખલખું પસાર થઈ જાય .. ઓહો આટલા બધા વર્ષ મજા કરવાની ???
પણ શરીર સાથ આપે ને તો જ જીવનમાં મજા કરવા મળે , સાદુ ઉદાહરણ આપું તો ડિઝનીલેન્ડમાં (એલ એ) એક દિવસમાં સોળ રાઇડસ કરી હતી .. બાવીસ હજારથી વધુ સ્ટેપ્સ ચાલ્યા હતા ..!! શરીરે સાથ આપ્યો તો છપ્પન વર્ષે ધબધબાટી બોલાવી દીધી ..!
“ભાઈ” નું સૌથી મોટું યોગદાન હોય તો એ છે કે ભારતીય સિનેમામાં દરેક હીરોના કપડાં ઉતારવા ફરજિયાત કરી નાખ્યા..!! એ પેહલા બિચારી એકલી હિરોઇનોના અંગ પ્રદર્શન થતા.. જેન્ડર ન્યુટ્રલ થઈ ગયું ભારતીય સિનેમા ..!!
લગભગ બધા હીરોને જાંગીયાભેર લાવી દીધા ભાઈએ..!
શરીર સૌષ્ઠવ લાઇમ લાઇટમાં આવી ગયું … એની પાછળ બે દસકામાં એક આખી જિમિંગ ઇન્ડસ્ટ્રી ખુલી ગઈ દેશભરમાં ગલીએ ગલીએ અને નાકે નાકે ..!! અનહદ ટ્રેઇનર્સ અને જિમિંગ ને લગતી કસરતો કરાવતા છોકરા છોકરીઓ ધંધે ચડી ગયા..!!
હું આખા એરાનો સાક્ષી છું અને એક ભાગ પણ છું .. લગભગ ત્રેવીસ વર્ષથી જિમમાં રોજ સાંજે દોઢ કલાક કાઢવાનો , એમાં પોણી કલાક ,કલાક કસરત અને બાકીની બકવાસ .. દર બે વર્ષે “ફાલ” બદલાય પણ ભ‘ઈ ત્યાં નો ત્યાં જ..
ઘણા પિત્તળબંબા એમ કહે કે જિમ કરવાથી પાછલી જિંદગી વધે પણ જુવાનની જિમમાં બરબાદ થઈ જાય , મને લાગે છે જિમ એક એવી જગ્યા છે કે જ્યાં જવાથી ઘડપણ તમારી નજીક ફરકે જ નહીં ..!!
કસરત બહુ કુત્તી ચીજ છે એકવાર વળગી તો છૂટે નહીં , એક ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ રોજ સવારે એમના ધાબે રોજ નિયમિત કસરત કરે અને લાગે નહીં કે દાદા બાણું વર્ષના છે , સીત્તેર ની આજુબાજુ ના લાગે … બોલો આનાથી વધારે શું જોઈએ જીવનમાં ???
એક ફરિયાદ , મને ઘણા લોકો કહે અલ્યા આટલી કસરત કરી તો આ ફાંદ કેમ જતી નથી સિક્સ પેક એબ્સ કેમ નથી ? હવે આ વાત થઈ ઉંદરને સાત પૂંછડિયો કહેવા જેવી એટલે આપણે હસીને ઇગ્નોર કરવી , ફિટ રહેવું અને બોડી બિલ્ડિંગ આ બે જુદી જુદી પ્રક્રિયા છે , જો ખરેખર બોડી બિલ્ડિંગ કરવું હોય તો રૂપિયા જાય ભયંકર.. મહિને અત્યારે ઓછામાં ઓછા પચાસ હજાર થી લાખ રૂપિયા પૂરા થાય એમાં પણ કેવું બોડી બનાવવું છે એની ઉપર .. ઘણા લોકો સાવ લીન બોડી બનાવે , લગભગ મજૂર કક્ષાનું અને ઘણાનું ભાઈ જેવું .. ઓ ઓ જાને જાના ઢૂંઢે તુઝે દિવાના , સપનો મેં આકે આકે ફિર ન જાના વાળું … એમાં ફૂલ રૂપિયા જાય ..!!
આજકાલ નહીં પણ ઘણા વર્ષોથી જિમિંગ ઇન્ડસ્ટ્રીમાં પ્રોટીન , ક્રિયેટીન અને સ્ટ્રીરોઇડનું ચલણ પુષ્કળ છે ..
નગરી અમદાવાદે ઠેર ઠેર હાટડીઓ ખુલી ગઈ છે , જાત જાતના પાવડર વેચાય છે અને પબ્લિક ખરીદી ખરીદીને પીવે છે , ચાર પાંચ મહિનામાં બોડી બનાવી દેવું છે ..!! કારણ પૂછો તો એક જ જવાબ છોકરીઓ મળે ..!!!
શું ખરેખર આવું થાય ખરું ? એકાદ બે ગાંડી નીકળે લાખ બે લાખે બાકી તો અત્યારના જમાનામાં કેરિયર અને ઘરબાર પેહલા જોવાય બીજું બધું પછી ..!
જ્યારે વાંચીએ કે જિમમાં ગુજરી ગયો કે નિયમિત કસરત કરતો ગુજરી ગયો તો એમાં જરાક ઊંડા ઊતરો એટલે કંઈક લઈ લેતા હોય એ નીકળી આવે બાકી એમનેમ કોઈ ગુજરી ના જાય ..આપણું સ્પષ્ટ માનવું છે ..!!
હજારો છોકરા છોકરીઓ આંખ સામેથી નીકળી ગયા ભાગ્યે જ કોઈક ના બોડી બન્યા અને બાકીના એ રખડી ખાધું …
આજે ક્યાંક વાંચ્યું કે સારું શરીર જોઈએ સફળતા માટે પ્રતિભા નહીં .. ખોટી વાત ,તો પછી તમારી પાસે પ્રતિભા નથી માટે તમે સારું શરીર પણ નથી બનાવી શક્યા ..!!!
પર્સનાલિટી ના ઉર્ફે વ્યક્તિત્વ ના બહુ બધા પાસા હોય છે એનો એક ભાગ સારું શરીર છે , મારા મતે સારું શરીર એટલે નિરોગી શરીર , પછી તમે ટીશર્ટ પેહરો તો છાતી બહાર આવવી જોઈએ પેટ નહીં ,અને જાંઘો માંસલ અને ભરાવદાર હોવી જોઈએ નહીં કે કમ્મર…!!
શર્ટ પેહરીએ ત્યારે પેહલું અને બીજું બટન ખેંચાવું જોઈએ નહીં કે ચોથું અને પાંચમું.. જો ચોથું અને પાંચમું બટન ખેંચાયું તો ગયો કામથી વાર્તા પૂરી .. એનું બોડી જીવનમાં ના બને..!!
બાકી તો આપણને એક ટ્રેઈનર એ મોઢા મોઢ સંભળાવી હતી કે સર એબ્સ આર મેઇડ ઇન કિચન નોટ ઇન જીમ ..!!
સાચી વાત છે ખાધા ની ખબર રાખીએ તો વાંધો ના આવે .. અહીં તો અઢીસો ગ્રામ ખારી બિસ્કિટ રાત્રે કોફી સાથે ખવાઈ જાય એમાં ખબર રાખીએ કે એને જો એક મિનિટ માઇક્રોવેવમાં ગરમ કરીએ અને પછી ગરમ ગરમ ખાઈએ તો ચા કોફીમાં બોળી બોળી ને ખારી બિસ્કિટ ખાવાની જબ્બર મજા આવે ..
બોલો ખબર હતી તમને ??? શૈશવ વોરા શેફ પણ છે ..
હવે આમાં ક્યાંથી એબ્સ બને ? ખાધા ની ખબર રાખીએ છીએ પણ આવી બધી કે શેની ઉપર શું પ્રોસેસ કરીએ તો વધારે ટેસ્ટી લાગે .. મકાઈ ઉપર બટર અને ચીઝ નાખ્યા , હવે તો સમોસામાં ચીઝ અને મેયોનીઝ.. !!
ચીન દેશમાં ના મળે એવા ચાઇનીઝ સમોસા અહીંયા મળે .. પછી જિમમાં આવે .. ગુજરી જ જાય ને ..!!!
ઝેર ખુલ્લે આમ વેચાય છે અને ખરીદાય છે .. નાના નાના છોકરા છોકરીઓ ના બ્લડ રિપોર્ટ્સ એબનોર્મલ આવે છે , બેફામ દવાઓ અને બેફામ મસાલા , સોસિઝ અને બીજું બધું ખવાય છે ..
પૂછો ભાઈ ને મેયોનીઝ વાળા સમોસા ખાધા છે ?
ત્યારે સાહીઠ વર્ષે ઘૂઘરા જેવા રણકતા રહેવાય બાકી તો ડોહો ત્રણ ટાઇમ ગોળીઓ અને ગાર્ડનમાં મોર્નિંગ વોક લેતી ડોહી જોયા કરે ટગર ટગર અને મનમાં વિચારે ખંડહર બતા રહા હૈ ઇમારત ક્યા બુલંદ રહી હોગી ..!!
ફટ મૂઆ ફાટી પડ ઝટ એટલે તું ને તારું ખંડેર જાય લાકડે,
ભાઈ ને જુવો હજી …
જો કે આપણને તો કાકા ,મામા, માસા, ફુઆ આવા બધા સંબોધનો કોઈ કરે એ જ ગમે .. વાંઢા વિલાસ જરાક ના ગમે..!!
સંસારમાં જ સાર છે ..!!
જય હો
જિમ જાવ કે ના જાવ પણ ફી જરૂર ભરજો એટલે અમારા જેવા રેગ્યુલર જઈ શકે ..
સમજણ પડી ??
ફરી ક્યારેક આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*