કાલે સવારની બદલે સાંજ મંદિરમાં પડી,લગભગ સાંજના પાંચ વાગ્યાનો સુમાર…
રમઝટ ચાલતી હતી ભજનની મંદિરની અંદર બધા “બા” અને બહાર પ્રાંગણમાં “દાદા”ઓ,મસ્ત કોમ્પીટીશન ચાલતી હતી કોણ મોટા અવાજે ગાય..!
તદ્દન દેશી ઢાળમાં ભજનો ચાલતા,“બા” ઓ પાસે હથિયાર કરતાલ અને “દાદા”ઓ પાસે ઢોલકી..અને બે હાથથી તાળીઓ..!
એક સેકન્ડ માટે હસવુ આવ્યું કે કેટલુ બધુ ભયંકર ગાય છે આ લોકો,સૂરના કઈ જ ઠેકાણા નથી,પણ તરત જ સામે બેઠેલા મહાદેવજી એ ટકોર કરી,મોઢું જો ડોબા એમનુ..આનંદથી તરબતર,
અને ખરેખર બધા જ બા દાદાઓ એકદમ પ્રફુલ્લિત મનથી ભજન ગાઈ રહ્યા હતા..! અને બધા જ એમનામાં ખોવાયેલા હતા..!
મારી આંખો ખુલી ગઈ હા યાર વાત તો સાચી, અને હું દસ મિનીટ બેઠો રહ્યો ત્યાં ખાલી બેઠા બેઠા જોયા બધાને..
જોડે એક કાઠીયાવાડી મિત્ર હતો,મને કહે ભાય હાલો હવે બહુ થ્યુ,જ્યાં ગાણા હાલતા હોય યાં બેહી નો જવાય..
મેં કીધું અલ્યા કેટલી શાંતિથી અને મજાથી ગાય છે આ લોકો..
મિત્ર બોલ્યો હા એમના ઘેરે પણ શાંતિ હશે,આ બધા આંય છે તે..વહુઓને કચકચ ઓછી..પણ આટલા ભજન ક્યરા પછી ઘેરે જાઈને ઇના ઈ..
હસવુ તો આવી જાય, અને હકીકત પણ ખરી કચકચમાંથી વહુઓને શાંતિ..બે કલાકની..
મેં મિત્રને કીધું તને લાગે છે કે બે કલાક ના આ ભજનીયા તાણ્યા પછી આ બધા ઘેર જઈને કચકચ કરે..?
મિત્ર બોલ્યો અરે નો કરે નઈ,વધારે કરે સૈશવભાય..આ બે કલાક આંય ભજ્નીયા ખેંચેને તે ફેફસા આમના મજબુત થઇ જાય અને બીપી કન્ટ્રોલમાં આવી જાય ને પાર્ટી ફ્રેસ થઇ જાય,નવી એનર્જી આવે..!
મેં કીધું બોસ્સ તું લાયો અલ્યા,પોઈન્ટ યાર, બે કલાક “ભજ્નીયા” ખેંચે તો જોરદાર પ્રાણાયામ થઇ જાય,બાબાજીનું કપાળભાતિ પણ પાછું પડે એવા ફેફસા મજબુત થાય,અને ફ્રેશ ઓક્સીજન આવે શરીરમાં અને મન શાંત થાય,બીપી,ડાયાબીટીસ આપો આપ કન્ટ્રોલમાં આવે..!
વિચારતો કરી દીધો..બાળપણમાં જતો રહ્યો..મારી મોટીબાનો અસ્થમા મને સીધો વારસામાં આવ્યો હતો..પણ ખાનપુરના અમારા સાખ પાડોશી એવા કનુકાકા અને જ્યોત્સનાકાકી,અમારા બીજા મમ્મી પપ્પા જ જોઈ લ્યો..મારા મમ્મી પપ્પા તો સાંજ પડ્યે દવખાને પેશન્ટો જોતા હોય,અને અમે સૂરજ ઢળ્યે માટીમાં રગદોળાઈ રખડી રખડીને ઢોર થઇ ગયા હોઈએ ત્યારે સાંજે સાડા સાતે કાકી અમને સોસાયટી માંથી ઝાલી લાવે,પેહલા ચોકડીમાં ઘસીને હાથપગ ધોવડાવે પછી સીધા એમના ઘરમાં જવાનું અને અમે ત્રણે ભાઈબેન અને એમની બે દીકરીઓ,અમારે પાંચે જણાએ ફરજીયાત પંદર મિનીટ “ધૂન” બોલવાની, આંખ બંધ રાખવાની અને જો આંખો ખોલીને ડાફોળિયા મારીએ અને એકબીજાની સામે જોઇને હસીએ તો લાઈટ પણ બંધ, અને મોટે મોટેથી જ ગાવાનું.. છેલ્લે બિહાગ રાગની ચીજ(જે બહુ વર્ષો પછી ખબર પડી કે આ બિહાગ રાગ છે) “દઢ ઇન ચરણન કેરો ભરોસો” ગાઈને ઉભા થઇએ પછી જ કાકી અમારા ઘરે આવીને અમને જમવાનું પીરસી આપે, અને જમ્યા પછી વેહલી પડતી સવાર..!
પણ એ ધૂન બોલવાના દિવસોમાં મારો અસ્થમા લગભગ ગાયબ થઇ ગયો,પછી ૧૯૮૫ના તોફાનોએ શેહર છોડવા મજબુર કર્યા,સોના જેવો પડોશ છૂટ્યો અને ધૂન ગાવાની ટેવ છૂટી ગઈ અને ધીમે ધીમે અસ્થમા પાછો આવ્યો..
પણ જીવન ચમત્કારોથી ભરપુર છે,અને મને ખુબ આશીર્વાદ મળ્યા છે, છેક એમએસી પાર્ટ વનમાં સંગીત શીખવાનું ચાલુ થયુ,તાનપુરાના તાર મળ્યા, માતાતુલ્ય શ્રીમતી સરોજબેન ગુંદાણીએ અસલી સૂર કાનમાં રેડ્યા અને રોજનો બે કલાક અને પરીક્ષા વખતે ત્રણ ચાર કલાકનો રીયાઝ..
સવારે કેમેસ્ટ્રીની લેબ અને બપોર તાનપુરો અને રીયાઝ,દુનિયા સવારે રીયાઝ કરે હું ભરબપોરે..અજાણતા જ પ્રાણાયામ ચાલુ થયો અને દસ વર્ષ ચાલ્યો રીયાઝ આજે અસ્થમા દૂર દૂર સુધી નજરે નથી ચડતો..!
એક અસાધ્ય રોગમાંથી જીવનભરની મુક્તિ મળી..!
સરોજબેન કાયમ એક જ વાત કેહતા સિંગર ક્યારેય વેહલો ના મરે..એના છાતીના પાટીયા એટલા મજબુત થઇ ગયા હોય કે ના પૂછોને વાત..!
લાખ દરદ અને દુઃખોની એક જ દવા સંગીત..! અને એમાં પણ ભજન,કોઈ જ ઝાઝી બુદ્ધિ નહિ વાપરવાની અને લોલમાં લોલ પુરાવતા રેહવાનુ..
પેલુ લખેલુ બહુ ફર્યું વોટ્સ એપ પર
“ચાલીસ પછી ચાલીસ મિનીટ ચાલીસ નહિ તો ક્યાય નહિ ચાલે..”
મને એમાં કૈક ઉમેરવાનુ મન થાય છે.. સાહીઠ પછી ચાલીસ મિનીટ ચાલી ના શકે તો કઈ નહિ ખાલી અડધો કલાક મંદિરે જઈને ભજન મોટેથી ગા`જો, બસ બહુ થઇ જશે બીજા વીસ આરામથી ખેંચી કાઢશો..
(ઘેર ના ગાવાનું ના કેહવાય,નહિ તો એમના વીસ વધે અને બીજાના દસ ઘટે એટલે મંદિર જ બરાબર છે -જસ્ટ જોકિંગ યા..આ..આ..ર)
અમદાવાદમાં રોજ સવારે ઘણા બધા ગાર્ડનમાં લાફીંગ ક્લબ ચાલે છે, સારી પ્રવૃત્તિ છે, પણ ક્યાંક પાંચ ભજન પણ જોડે ગવાય તો ઇક્વલી ફાયદો છે અને એક ભજનની પરંપરા સચવાઈ જશે, ઈશ્વરની તરફ થોડી સાહજિકતા વધે આત્મબળ મજબુત થાય..!
એક સજેશન છે આ..!
જો કે અત્યારે તો મારા જીવનના ગધેડાના વર્ષો ચાલી રહ્યા છે એટલે પરોપદેશે પાંડીત્યમ જ કરવું પડે એવું છે,દિલની ઈચ્છા છે હવેલી સંગીત શીખવાની,દ્રુપદ ધમાર અજાણ્યા નથી,પણ સમય નથી..ઠાકોરજી ને ઈચ્છા થશે ત્યારે શીખવાડીને સામે બેસાડીને ગવડાવશે,એવું માનીને મન માનવી લઉં છું,ખાલી શ્રાવણના ચાર સોમવાર મંદિરે જઈને મોટેથી આરતી કરી લઉં છું અને મન થાય ત્યારે ઘેર ભોંયરામાં ભરાઈ જઈ ને થોડા તાનપુરાના ષડ્જ પંચમ છેડી લઉં..એન્ડ્રોઇડમાં પણ તાનપુરા એપ ખરેખર સરસ છે(તાનપુરા દ્રોઇડ)..
ભજન ગાવાની “ભગત” પરંપરા લગભગ લુપ્ત થઇ ગઈ છે, ફલાણા ભગતના ભજન રાખ્યા છે સાંભળવા આવજો કે એવું કશું આમંત્રણ આવ્યે વર્ષો થઇ ગયા છે..અને એનો માર સીધો આવે છે ભજનની રચના ઉપર, નવા ભજનો લખાતા અને કમ્પોઝ થતા બધું જ ઓછુ થઇ ગયું છે, મરાઠીમાં “અભંગ” ની એક સરસ પરંપરા છે જેને લગભગ આપણા પ્રભાતિયા જોડે સરખાવી શકાય..પ્રભાતિયાનો પણ આપણો ખજાનો વિશાળ છે, જો કે આપણને તો એક જ યાદ આવે જળ કમળ છાંડી જા ને બાળા..
આ સમૂહમાં ભજનો કરવાની લુપ્ત થતી આદત કે પરંપરા એક બીજો પણ ભોગ લઇ જઈ રહી છે..હલકથી અને ઊંચા સૂરે ગવાતા ગીતોનો..
મારા મોટીબાની એક ટેપરેકોર્ડરમાં રેકોર્ડ કરેલુ ભજન મેં સાંભળ્યુ હતુ સમય મારો સાધજે વા`લા..એકદમ હલકથી મોટીબા ગાતા, એમા પણ “સમય” જયારે એ શબ્દ આવે ત્યારે કૈક જુદો સ્વર લાગતો હાર્મોનિયમ ઉપર બહુ કોશિશ કરી એ સૂરને શોધવાની પણ બિલકુલ આઉટ ઓફ સ્કેલ હતો એ સૂર છતાં પણ મીઠાશ હતી એમાં..!
સ્વર્ગસ્થ પદ્મશ્રી દિવાળીબેન ભીલ જયારે ગાતા, એમનુ કોઇપણ ગીત લઇ લ્યો જયારે બે સૂરની વચ્ચે એમનો અવાજ ફાટે અને જે ધ્વનિ નીકળે,દોસ્તો કોઈની પણ તાકાત બહારની વસ્તુ થઇ જાય કે નકલ કરી જાણે,પણ કુદરત બેઠેલી એમના કંઠમાં..મન ખરેખર ડોલી ઉઠે અને જોડે જોડે આધ્યાત્મનું એક ઊંચું લેવલ તો ખરું જ, જે બંધ આંખે દેખાઈ આવે..
મંદીરમાં બેસી અને ભજન કરવાની પરંપરા લુપ્ત થાય છે એની સાથે આ બધું જ જતું જાય છે..
ભજન ગાવું અને એ પણ મંદિરમાં બેસીને એ એક કાંકરે ઘણા બધા પક્ષી મારવા જેવી વાત છે, ભજનના લાગણી અને પ્રેમભર્યા શબ્દો,પ્રાણાયામ, સરખી ઉમરના મિત્રો જોડે સમય પસાર કર્યાનો આનંદ,ઈશ્વરમાં ધ્યાન ચોંટે તો સાયકોલોજીકલ સમસ્યા ઓછી,એટલે ડીપ્રેશન ઓછું,જોર જોરથી તાળીઓ પાડો પાર્કિન્સન્સ દુર જાય મસલ ટોન્ડ રહે..અને બીપી અને ડાયાબીટીસ ઓછો..! અરે હા “ની-જોઈન્ટ” સારામાં સારો રિપ્લેસ ક્યાં થાય એની માહિતી પણ મળી રહે..! બીજા ઘણા આવા ફાયદા મળે એટલે મંદિરના ટ્રસ્ટી ગણોને વિનંતી બપોર પડ્યે કે સાંજે થોડા વોટર કુલર કે પંખાની વ્યવસ્થા પ્રોપર રાખે જેથી ઉમર લાયક વડીલો નિરાતે બેસીને રમઝટ બોલાવે અને આવા અને બીજા વણલખ્યા કે વણજાણ્યા ફાયદા થાય..
જીવનના છેન્તાલીસ પુરા કર્યા પછી ક્યારેક એ મંદિરના ઓટલે આપણને આપણું ભવિષ્ય દેખાઈ જાય છે એટલે પાણી પેહલા પાળ બાંધવી પડે ને..!
ટ્રસ્ટીઓને એટલે જ વિનતી કરવી પડે થોડી વ્યવસ્થા સરખી હોય તો આપણે ચાલે..તકલીફ ઓછી..!
બાકી તો ..
નારાયણનું નામ જ લેતા વારે તેને ..
રામ સભામાં અમે રમવા બે ગ્યા તા..
ઓ શ્રીનાથજી આવજો તમે ..
જવા દો જી નૌકા કિનારે કિનારે..
શંભુ ચરણ પડી માંગું ઘડી રે ઘડી..
સમય મારો સાધજે વા`લા..
મીરાં કે પ્રભુ ગીરીધર નાગર..
ભલે મળ્યા મેહતા નરસિંહ સ્વામી..
છેલ્લે રાગ ભૈરવીમાં
રાધે શ્યામ રાધેશ્યામ ..રાધે શ્યામ રાધે શ્યામ ..રાધે શ્યામ..!
આપના રવિવારની સાંજ શુભ રહે
શૈશવ વોરા
www.shaishavvora.com