આજે લાલકિલ્લે પેહલીવાર આઝાદીના છેક પંચોતેર વર્ષે સ્વદેશી તોપ ગર્જી ..!!
વિચાર કરો કે જે દેશમાં “જયવાણ” બની હતી, જેણે અકબરના સામ્રાજ્યનો વિસ્તાર કરાવી આપ્યો એ દેશ કેટલો નિ:સહાયઅને નિર્બળ થઇ ગયો હશે કે બ્રિટીશ ચુંગાલમાંથી છૂટ્યા પછી છેક પંચોતેર વર્ષે પોતાની કેહવાય એવી તોપ બનાવી શક્યો..!!!!
જયવાણ શું છે ? એ ના જાણતા લોકોને વિનંતી કે ગૂગલ કરી અને ચેક કરી લ્યે ,
થોડોક પરિચય આપી દઉં કે આજની તારીખે પણ દુનિયાની સૌથી મોટ્ટી તોપ હોવાનું બહુમાન “જયવાણ” પાસે છે, જયવાણનો ગોળો ચાલીસ કિલોમીટર દૂર ફેંકાતો અને લોકવાયકા કહે છે કે ફક્ત એક જ વાર એનું ટેસ્ટ ફાયર
થયું પછી જયવાણને ખાલી કિલ્લેથી નીચે ઉતારે ને એ સમાચાર દુશ્મન સુધી પોહચે ત્યાં સુધીમાં દુશ્મન સૈન્ય ફરાર થઇ જતું ..!
જયવાણનું એમએફજી ઈયર ૧૭૨૦ છે ..!!!
ભારત દેશ આવી ગજ્જબની મોટી તોપ બનાવી શકતું હતું, જેમાં સો કિલો ગન પાવડર ભરી અને પચાસ-પચાસ કિલોના ગોળા ચાલીસ કિલોમીટર દૂર ફેંકાતા,
વિધિની વિડમ્બણા જુવો કે એ તો આજે પણ જયવાણ જીવતી જાગતી જયપુરમાં છે, છતાં પણ આપણને આધુનિક સ્વદેશી તોપ બનાવતા પંચોતેર વર્ષ લાગ્યા..!!
મન ખારું થઇ જાય..યાદ કરીએ તો ભૂતકાળને ..!!!
જયવાણની બાજુમાં ઘણી બધીવાર ઉભો રહ્યો છું ,ઇનફેક્ટ બાળપણમાં જયારે જયપુર ગયા હતા ત્યારે ૧૯૪૭ મોડેલની પપ્પાની પોન્ટીઆક આમેર છેક ઉપ્પર ચડાવી દીધી હતી, અને આ જ જયવાણ ઉપર ચડી અને નીચે ભૂસકા મારવાના આનંદ લીધા છે ..
પણ ત્યારે એવી ખબર નોહતી પડતી કે આપણે જેની ઉપર ચડ્યા અને ભૂસકા માર્યા છે એણે મારા દેશનું કેટલું નખ્ખોદ વાળ્યું છે..!!
ખૈર એ બધું જવા દઈએ આજના સપરમાંના દાડે ,પણ હજી ઘણી મજલ કાપવાની બાકી છે..!! લોકડાઉન પેહલા નામ નથી લખતો, પણ બહુ મોટી યુનિવર્સીટીના કુલપતિને મળવાનું થયું હતું અને ત્યાં મારું બોઈલર ફાટ્યું હતું, એ દિવસે ચર્ચા એવી થઇ હતી કે પાકિસ્તાનથી ડ્રોન આવી આવીને હથિયાર ફેંકી જાય છે..!! મારો પોઈન્ટ ત્યારે એવો હતો કે ..એવા તે કેવા નમાલા, નિર્વીર્ય એન્જિનિયરો તમારી યુનિવર્સીટી પેદા કરી રહી છે કે જે પાંચ-પચ્ચીસ ડ્રોન ના બનાવી શકે ? એક ડ્રોન આવે તો એની સામે એક હજાર ડ્રોન કેમ ના પોહચી જાય ? તમારી જ યુનિવર્સીટીના સીનીયર પ્રોફેસરની ફરિયાદ છે કે જે દિવસથી વાઈફાઈ મફત કર્યું છે કોલેજોમાં અને ડેટા મફતના ભાવમાં આપે છે ત્યારથી છોકરા કોલેજોના ખૂણામાં ભરાઈને ગ્રુપ બનાવીને ગેઈમ રમ્યા કરે છે, અમારે લેકચર લેવા શોધવા જવા પડે છે
લખોટાઓને ..!! મેં કીધું ..સાહેબ તમને ખબર છે એ
લખોટાઓજે ગેઈમ રમે છે ને એમનો ઉપયોગ તમે ખાલી સો-બસ્સો સાચ્ચા ડ્રોન હથિયાર સાથેના એમને પકડાવોને તો અડધો કલાકમાં કરાંચી અને ઇસ્લામાબાદને તો દસ જ મિનીટમાં બરબાદ કરીને મૂકી દેશે..!! સાધન બનાવો અને ઉપયોગ કરો.. નહિ તો ફાંકા ફોજદારી સિવાય બીજું કશું નહિ બચે..!! હથિયારના મામલે બહુ દયાજનક પરિસ્થિતિ છે આજની તારીખે પણ, ટેકનોલોજી આપવામાં દુનિયા અખાડા કરે છે અને જે હતી એ ભુલાઈ ચુકી છે, દુનિયા આપણી ભુલાયેલી ટેકનોલોજી ઉપર આર એન્ડ ડી કરીને નવી નવી ટેકનોલોજી શીખી ગઈ છે અને આપણે આધ્યાત્મની ઊંચાઈઓ શોધતા રહ્યા ..! મર્યા પછી જન્નત કે સ્વર્ગ ? હજી નક્કી નથી કરી શકતા અને પછી તિબેટ ગુમાવીને બોલવું પડે કે ઘાસનું તણખલું પણ નથી ઉગતું એવી જગ્યા હોય તો પણ શું અને નાં હોય તો પણ શું ? શાંતિ તો તોપના નાળચે જ બેઠી હોય છે..!!! એક બીજો મુદ્દો પણ નરેન્દ્રભાઈએ લીધો ભાઈ-ભતીજાવાદ અને ભ્રષ્ટાચાર..!! બંને એકબીજાના પૂરક ..! કેમ ભાઈ-ભતીજાવાદ અને ભ્રષ્ટાચાર વકર્યો..? સાત પેઢીનું ભેગું કરી લેવાની વૃત્તિ ..!!! વર્ષોથી રાડો પાડતો આવ્યો છું અને ફરી એકવાર .. વારસાઈ વેરો નાખો..!! દસ – વીસ કે સો કરોડથી વધારાની મિલકત, સ્થાવર-જંગમ-નકદ-ઘરેણા કે બીજું કશ્શું પણ મૂકીને ડોસો કે ડોસી ગુજરી જાય એટલે ડોસા-ડોસીના વધારાના દરેક સો રૂપિયા ઉપર સાહીઠ રૂપિયા સરકાર લઇ જાય ..!! વાસી વધે નહિ અને કુત્તા ખાય નહિ..!! અહિયાં તો સાત પેઢીનું ભેગું થયું ,તો કહે સિત્તેરનું કરો ..! કંપનીઓ મૂકી મૂકીને ડોહા ઉકલે તો લાર્સન એન્ડ ટુબ્રોની જેમ પ્રોફેશનલ મેનેજમેન્ટ આવી જાય, માલિક કોઈ નહિ, માલિક સરકાર થઇ જાય, અને સરકાર પણ એની માલિકી ના શેર વેચી અને રૂપિયા રોકડા કરી લ્યે ..!! ગઈકાલે એક સટોડિયા મિત્રને શ્રી રાકેશ ઝુનઝુનવાલાના મૃત્યુનો સ્મશાન વૈરાગ્ય લાધ્યો હતો, આટલા બધા રૂપિયા પણ કઈ કામ આવ્યું ? છોકરા-વહુ અને જમાઈ-દીકરી જલસા કરશે અને એવું બોલતા સ્વર્ગીય ઝુનઝુનવાલાની કલીપ પણ મને ફોરવર્ડ કરી..!! હવે તમે વિચાર કરો કે એવી પરિસ્થતિ હોય કે તમે તમારા સંતાનોને વારસામાં રૂપિયા અમુક હદથી વધારે રૂપિયા આપી જ નથી શકવાના તો શું થશે ? ક્યાં તો જીવતે જીવત આપશો ,અને ક્યાં તો પછી એટલું ભેગું કરવાની હાય હાય નહિ કરો ..! જીવતે જીવ આપો અને એવે સમયે સંતાન જો તેને યોગ્ય હશે તો રૂપિયા વધારશે ને અયોગ્ય હશે તો ઉલાળો કરી મુકશે ..!! વારસાઈ એ બહુ બુરી ચીજ છે, એક માત્ર વારસાઈ વેરો એ ઘણી બધી સામાજિક, આર્થિક અને માનસિક સમસ્યાઓનો હલ લાવી આપે તેમ છે..! ક્યાંક વાંચ્યું હતું કે ભારતની ૯૬ ટકા વેલ્થ પાંચ થી સાત ટકા લોકો જોડે પડેલી છે, વારસાઈ વેરો જ આ વેલ્થને બજારમાં પાછુ લાવી આપે..!! પણ હા તે પેહલા એક વાત યાદ રાખવી ઘટે .. ખાળે ડૂચા અને દરવાજા મોકળા એ પરિસ્થતિને સુધારવી પડે કેમ કે રૂપિયો અને લોહી ફરતું રાખવી પડે, પણ શરીરની અંદર બાહર ગયું તો પછી ખેલ ખલ્લ્લાસ ..!!! એટલે ખાળના ડૂચા કાઢી અને રૂપિયા બાહર જાય છે એ મોકળા દરવાજા બંધ કરવા પડે..!! અને હા ફરી એકવાર વારસાઈ વેરો દસ-વીસ-સો કરોડ પછી લગાડવાની વાત છે એટલે મારા જેવી
લાખ કમાયા નથી અને લખેશરી થયા નથી` એવા ભૂખડીબારશો ખોટી ખોટી કોમેન્ટોના ઠોકશો, મારે અને તમારે વૈતરાં કરતા જ રેહ્વાના છે હજી..!!
ઘણા બધા વિચારો છે મનમાં બીજા પણ આપણા ગરીબનું કીધું ભિખારી થોડો માને ?
જો વારસાઈ વેરાને સમજ્યા હો અને સહમત થાવ તો બીજું કરો કે ના કરો બ્લોગ ફોરવર્ડ કરો બીજા વોટ્સ એપ ગ્રુપમાં એટલે આપોઆપ બીજા ગરીબો પણ વારસાઈ વેરા માટે કેહતા થાય તો પછી ભિખારી…
લોકતંત્રમાં ચાર-પાંચ વર્ષના “રાજા” અંતે તો બે હાથ જોડીને મતની ભીખ જ માંગવા નીકળે છે ને ..!!!
ભિખારી સારી દુનિયા દાતા એક રામ..!!
મજા કરજો ..
હજી સાંજ બાકી પડી છે અને રાત તો આપણા બાપની..!
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)