ભ્રષ્ટાચાર ..ભ્રષ્ટ-આચરીણી
બહુ બધા લોકો આ મુદ્દે ચાતરી જાય છે , ગુજરાત નહિ, ભારતભરમાં એક માણસ એવો શોધ્યો ના મળે કે જેના પેટમાં ભ્રષ્ટાચારી અને ભ્રષ્ટ આચારના રૂપિયાનો અન્નનો દાણો ના ગયો હોય..!
ગમ્મે તેટલો નીતિવાન હોય તો પણ ક્યારેક તો કોઈક હરામીના ઘેર કે લગનમાં જઈને ભ્રષ્ટાચારીનું અન્ન ચોક્કસ ખાઈને આવ્યો હોય , અરે હું ત્યાં સુધી કહું છે ભારત દેશનો એકેય ભગવાન પણ બાકી નથી આમાં..
તો હવે શું કરવાનું ?
વાતો કરવાની ,બીજું કશું કરી શકાય તેમ નથી..
તો વાત માંડુ નવરાત્રી ચાલે છે તો એવી નારીની કે જે ભ્રષ્ટાચાર કરવામાં જરાય પાછળ નોહતી..!
સૌથી પેહલી એવી નારી યાદ આવે સાલ ૧૯૯૩ની આજુબાજુની જયારે ધંધો ચાલુ કર્યો અને ત્યારે ધંધા માટે જરૂરી “નંબર” લેવાનો હતો..
પપ્પાના બહુ જ જુના પેશન્ટ અને પપ્પાના ભક્ત કહી શકાય એવા એક કાકા ,જેઓ કન્સલ્ટન્ટ ,એમને પપ્પાએ કામ સોપ્યું , ઉંમર પણ એમની ખાસ્સી એવી હું જયારે ત્રેવીસનો ત્યારે તેઓ પાંસઠ ઉપરના ,
એમણે પપ્પાને એક કાગળિયું આપ્યું આખું લીસ્ટ કે બાબાને કેહજો કે આટલા ડોક્યુમેન્ટ લઈને આ ભવને આટલા વાગે પોહચી જાય, હું ત્યાં પાર્કિંગમાં એની રાહ જોઇશ….
શૈશવ પાર્ટી ફાઈલ લઈને એમની એ બિલ્ડીંગમાં પોહચી ગઈ ,
કાકા નીચે મળ્યા મને કહે ધંધો કરવો હોય તો પેહલા રૂપિયા ખવડાવતા શીખવું પડે ,અને આપણે જે “બાઈ”ને મળવા જઈએ છીએ એ આખા બારે બાર માળના ભવનમાં સૌથી વધારે રૂપિયા બનાવે છે, તું કેટલા લઈને આવ્યો છે ?
મેં કીધું હજારેક હશે મારી પાસે..
કાકા મને કહે નવસો મને આપી દે અને હું કહું પછી સો ની નોટ કાઢજે..ધંધાનો પેહ્લો નિયમ ,સરકારી ઓફિસરને દેખતા વધારે રૂપિયા ના કઢાય, બાકી એ તો હોય એટલા કઢાવી જ લ્યે અને આ બાઈ તો બહુ નક્કામી છે..
મેં કીધું સારું કાકા .. અમે લીફ્ટમાં સાતમે કે આઠમે માળ ગયા..
લાઈનસર બધા ટેબલો ,અડધા ખાલી ,અડધા ભરેલા ..પંખા કિચુડ કિચુડ કરે..
એક ટેબલ ઉપર એકદમ જાડ્ડા ચશ્માં પેહરેલી ,શરીરે એકદમ ભારે એવી સ્ત્રી લીલા રંગની સાડી પેહરીને ફાઈલોમાં માથું નાખીને બેઠી હતી..અમે એની સામે જઈને ખુરશીમાં બેઠા..
કાકાને અને મને જોઈને એની એકદમ પોહળી મોં ફાડ ખોલીને ઊંચા અવાજે બોલ્યા આને ધંધો કરવો છે ..? આય આય કેટલા લાયો છું ? આ કાકાએ સો થી વધારે તારા ખીસ્સામાં નહી રેહવા દીધા હોય નહિ ..?
હું તો સાવ અવાચક .. આ બાઈને ક્યાંથી ખબર પડી ગઈ ?
મારા મોઢાના હાવભાવ એ કળી અને પછી શૂર્પણખા તોછડાઈથી બોલી .. અલા આ તારો કાકો બધા પાસે આવું જ કરાવે છે ,એને ખબર છે ગમ્મે તે હોય હું હજાર સિવાય કામ કરતી નથી તો પણ આ કાકો સો થી દર વખતે ચાલુ કરે છે , હેન્ડ સો નીકાળ..
હું તો સ્તબ્ધ .. મેં કાકાની સામે જોયું .. કાકા બિચારા અચકાતા અચકાતા બોલ્યા બેન સમજો ,મારા દાકતરનો છોકરો છે , કશું ખોટું નથી એક ઘર તો મુકો ..
બાઈએ એક નિ:સાસો નાખ્યો ,ફાઈલ બંધ કરી દીધી અને બોલી .. કાકા મને કોણે છોડી છે હેં ..? એટલું બોલીને એ બેને સાડીનો છેડો નીચે ટેબલ ઉપર ફેંકી દીધો , તસતસતું બ્લાઉઝ હતું ,બાઈએ બે હુક ભરી બજારમાં ખોલી નાખ્યા .. હેંડો હવે ઝટ કરો કાકા હજાર કાઢો ..
હું તો સ્તબ્ધ .. કાપો તો લોહી ના નીકળે …મારી નજર બ્લાઉઝની અંદર પડી, ગડીઓ વાળેલી એવી ઘણીબધી નોટો એણે બ્લાઉઝમાં બંને બાજુ દબાવેલી હતી..
કાકા સેહજ હસીને બોલ્યા બેન તિજોરી બંધ કરો આખી ભરેલી છે , છોકરો નાનો છે અને સંસ્કારી ઘરમાંથી આવે છે ,એના માબાપે એક રૂપિયો હરામનો નથી લીધો , એના પપ્પા પોતાના રૂપિયે લોકો મરી જાયને તો આંખોના દાન લેવા જાય છે , ફાઈલ કાઢી આપજો નહિ તો હું કમિશ્નર પાસે જઈશ પણ આમાં હું તમને રૂપિયો નહિ આપું ..
બાઈએ બ્લાઉઝનું ત્રીજું હૂક ખોલી નાખ્યું અને જાડા ચશ્માંમાંથી મારી સામે જોઇને બોલી .. આ કાકા પેહલીવાર કોઈનું હારું બોલ્યા છે એટલે જવા દઉં છું ,લે તિજોરીમાંથી જોઈએ એટલા રૂપિયા કાઢી લે..તું ય શું યાદ કરીશ મને..
મારા તો મોતિયા મરી ગયા .. આ બાઈ શું બોલે છે ..!!???
પરેસેવે રેબઝેબ હું ..કાકા ભયંકર ઉછળ્યા .. બેન જરાક તો લાજ શરમ રાખો..
બાઈ તુચ્છકારથી બોલે …હવે છોડો કાકા ,આ ભવનમાં તમે તો જન્મારો કાઢ્યો કોણ કેવું અને શું છે તમને ક્યાં નથી ખબર ..??? ભલભલા મોટા સાહેબોએ આ તિજોરી ઉપર ડાકો ડાલ્યો છે, કઈ નહિ છોકરા, આવતે અઠવાડિયે આવજે હું સહી કરી દઈશ પછી આગળ ફાઈલ લઇ જજે પણ વજન નહિ મુકે તો ફાઈલ આગળ નહિ જાય . કાકો આજે ગોંડો થઇ ગયો છે પણ તું આ બધા વેહ્વાર શીખી લે બધે બાપાનું નોમ કામ નહિ લાગે..
કાકા અચાનક ઉભા થઇ ગયા એટલે હું પણ ઉભો થઇ ગયો .. કાકા બોલ્યા બેન અહિયાં એ નહિ આવે ફરી ,અને હું જ ફાઈલ લઇ જઈશ ,તમે કીધું ને મેં અહી જન્મારો કાઢ્યો છે તો મને પણ ખબર છે ફાઈલ કેમ નીકળે .. ચલ બેટા હેંડ ફરી આવતો નહિ અને આમનો ફોન આવે તો મને કેહવાનું..
કાકા મને લઈને ઝડપથી ચાલવા લાગ્યા .. અમે લીફ્ટમાં ઘુસ્યા પાછળ એક પટાવાળો આવ્યો ..કાકા કેમ કંઈ લોચો પડ્યો ? ફુંગરાયેલા કેમ છો ? આ છોકરાને બોલાયો એકલો ? નવો શોખ પાળ્યો છે એણે ,ચા વાળાના છોકરાને અહી ભવનના બાથરૂમમાં ઝાલી જાય છે .. મોટા સાહેબે બહુ ખખડાઈ તો કહે એસીબીમાં કમ્પ્લેન કરો, પણ મોટા સાહેબ હાથ જોડી ગયા છે , પેલા બીજા મોટા બેનસાહેબ છે એમણે બોલાઈને ખખડાઈ કે બોડીસ તો પેહર, તો મોઢામોઢ આલી કે આ તિજોરી એ તો તમારા જલસા ચાલે છે ,જગ્યા ઓછી થઇ જાય તિજોરીમાં ,બાકી એસીબી તમને પણ લઇ જયે.. બહુ નાલાયક અને નાં..
કાકાએ છણકો કરી અને એને બોલતો અટકાવ્યો .. મેં પૂછ્યું તું તને ?કઈ કામ કર તારું ..
હું અને કાકા પાર્કિંગમાં મારા બાઈક સુધી આવ્યા ..એકપણ શબ્દની આપ-લે નહિ .. છેવટે કાકા બોલ્યા .. તને સારો બોધપાઠ મળ્યો આજે ,પણ આવું જ્યાં લાગે ત્યાં હાથ જોડીને ઉભા રહી જવું બેટા ,સત્તા આગળ શાણપણ નક્કામું છે , જા દાકતર સાહેબને ના કેહતો આવું બધું થયું છે ,હું બધે પોહચી વળીશ ,બે ધક્કા વધારે ખાઈશ અને કોઈનો ફોન આવે તો કેહજે કે કાકા આવી જશે તું આવતો જ નહિ.. જો આ કીટલીવાળો ,ગલ્લાવાળો બધાય પાસે અત્યારે પાંચ સાત લાખ પડ્યા હશે, મોટા મોટા સાહેબોના રૂપિયા અહિયાં લેવાય છે અને આ બધા એમના ઘેર પોહચાડે છે , આ મૂર્ખી છે એના શરીરનો ઉપયોગ કરે છે.. ચલ જવા દે જા તું નીકળ …લે આ તારા નવસો મૂકી દે અને આટલા બધા લઈને ના ફરાય ખિસ્સામાં પચાસ-સો તો બહુ થઇ ગયા બેટા..
થોડાક વર્ષો પછી એ કાકા એ બાઈને લઈને દવાખાને આવ્યા હતા અને હાથ જોડીને બાઈ કરગરતી હતી મને બચાવી લ્યો સાહેબ …કેન્સર ડિટેકટ થયું હતું, ગ્રેડેશન કર્યું હતું થર્ડ સી ..
કુદરતે એનું કામ કર્યું હતું..ચાલુ નોકરીએ ગુજરી ગઈ..!
ઠાઠડી કોઈની સોના નથી નીકળતી ,અને ચંદનના લાકડાનો ટુકડો જ નસીબે મળે છે ..!!
એનો એકનો એક છોકરો પણ કુછંદે ચડી અને અકસ્માતમાં ગુજરી ગયો એવું કાકાએ ક્યારેક કીધું હતું..!!
સંપૂર્ણ સત્ય ઘટના ,ઔચિત્ય ભંગ ના થાય માટે વાતચીતમાં બોલાયેલ ગાળો લખેલ નથી..
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*