આજે સવારે કોઈ કામથી એકટીવા પર હું જતો હતો અને શ્યામલ ચાર રસ્તે મારી બાજુમાં એક કોલેજીયન હીરો એની બાઈક પર એક ફટાકડી ને પાછળ બેસાડી અને સિગ્નલ પર મારી બાજુ માં ઉભો હતો , સિગ્નલ ખૂલવાને વાર હતી એટલે આદત પ્રમાણે મેં એનાલીસીસ ચાલુ કર્યું ..અને એ હીરો ના મોઢા પર ની ખુમારી અને પ્રાઉડ જોઈ ને મારા દિમાગ માં એક ખુરાફાતી વિચાર આવ્યો અને થોડાક લવ મેરેજ કરેલા એવા લોકો યાદ આવ્યા…
પેહલો વિચાર મારા મનમાં એ ઝબકયો કે આ બે પરણશે ? લાગ્યું કે હા પરણવા તો જોઈએ બોડી લેન્ગવેજ પરથી બોન્ડીંગ સારું લાગ્યું ,પછી વિચાર એ આવ્યો કે પરણ્યા પછી શું ? બસ પછી પેલા મારી જોડેના સરખી ઉમરના લવ મેરેજ વાળા કપલો ને મેં એક પછી એક યાદ કર્યા …
સાલું સરપ્રાઈઝિંગ ફેક્ટર એક હાથ માં આવ્યું … જે જે મિત્રોએ એમની ગર્લફ્રેન્ડ ની સાથે લગ્ન કર્યા અને એ ગર્લફ્રેન્ડ માંથી પત્ની બનેલી પત્નીને એક મોટા એચીવમેન્ટ કે ટ્રોફી તરીકે સ્વીકારી એ બધાની કેરિયર ના લગભગ કોઈ જ ઠેકાણા આજે પચીસ વર્ષે પણ નથી ….
થોડું ડીટેઇલ માં લખું …
જે લોકો એ જમાના માં કોઈ એક ગર્લફ્રેન્ડ સાથે સ્ટેડી હતા અને કોલેજમાં બીજા છોકરાઓ જે એકલા એકલા રાખડી ખાતા અને જેને “લૂખા” તરીકે ઓળખવામાં આવતા , વધારામાં જેની પાસે કોઈ ગર્લફ્રેન્ડ ના હોય એવા બધા “લૂખા “માં આ ગર્લફ્રેન્ડ વાળા લોકો મોર થઈને ફરતા ,અને આ બધા “મોરલા” એમની પાસે ગર્લફ્રેન્ડ છે માટે એ પેલા “લૂખા” કરતા પોતે વન સ્ટેપ અહેડ એટલે કે એક પગથીયું જીંદગી માં આગળ છે એવું એ “મોરલા” લોકો માનતા ,અને ઘણા બધા “મોરલા” પોતાની ઢેલ જોડે પરણ્યા પણ ખરા અને પેલા બધા “લૂખા”ઓએ એરેન્જ મેરેજ કર્યા ….
પણ મોટાભાગના” મોરલા” પાસે અત્યારે એમની ઢેલ સિવાય બહુ કશું છે નહિ જયારે પેલા “લૂખા “ જબરજસ્ત કેરિયર બનાવી ગયા …!!!
આવું કેમ થયું ? લોકો તો એમ કહે છે કે પ્રેમ માં ગજબ ની તાકાત હોય છે , પ્રેમ માણસ ને ક્યાંનો ક્યાં લઇ જાય છે તો અમારા “મોરલા” અને ઢેલો પાછા ક્યાં પડ્યા ?
મને એવું લાગે છે કે કરિયર ની શરૂઆતના વર્ષો માં જયારે નિષ્ફળતાઓ તમારી અને મારી ગુરુ બનેલી હોય છે અને દરેક નિષ્ફળતા માંથી એક પછી એક વસ્તુઓ શીખવાની હોય છે ત્યારે પ્રેમી “મોરલો” પોતાની રૂપાળી ઢેલ ને પોતાની જીંદગી નું એક બહુ મોટું એચીવમેન્ટ ગણી અને એક ટ્રોફી તરીકે સ્વીકારી લેતો હોય છે ,એટલે શરૂઆતની સ્ટ્રગલ ના દિવસો માં નિષ્ફળતા માંથી શીખવાને બદલે એ જ્યાંથી નિષ્ફળતા મળે છે ટાસ્ક ને છોડી દે છે અને પોતાની ટ્રોફી ની સામે જુવે છે વધારામાં ઉપરથી મોરલો જયારે ઘેર આવે અને નિષ્ફળતાને લીધે થોડો ઢીલો હોય તો એની ઢેલ એને પુચકારી અને પાછો ગેલમાં લાવી દે ..
જયારે પેલો “લુખો” બિચારો નિષ્ફળતા માંથી બહાર કેમ આવવું એનો વિચાર કરે ,મથે ,અને સીધી વાત છે વિચારો અને મથો તો તો રસ્તો ચોક્કસ મળે જ …
બીજું ફેક્ટર એવું છે થાય કે કોલેજ જીવનમાં મોરલો અને ઢેલ બહુ જોડે રખડ્યા હોય એટલે ઢેલ નો બાપ ઉતાવળો થતો હોય કે ભાઈ જલ્દી લગન કરો , હવે લગ્નની વાત આવે એટલે કમાવાની વાત આવે ,કોલેજ જીવનમાં તો ખર્ચો બધો બાપા ઉપાડતા હોય પણ પરણ્યા પછી તો બાપા રીતસર હાથ અધ્ધર કરે હવે મોરલા તારું તું કુટી ખા એટલે મોરલાને બાપડા ને પેલી ઘરમાં લાવેલી ઢેલ ને સાચવવા અને શણગારવા માટે જે મળે તે નોકરી કે ધંધો સ્વીકારે જ છૂટકો , જયારે પેલો “લુખો” જેટલું ભણવું હોય એટલું ભણે ઓછા પગારે પણ ક્યાંક સારો અનુભવ મળતો હોત તો નોકરું કૂટે અને પછી એકદમ કલરફૂલ રીતે બહાર આવે … કોઈ સમય નું બંધન નહિ ..
ઘણા બધા ઉદાહરણો ને વિચાર્યા પછી આ તારણ પર આવ્યો છું , ફક્ત લવ મેરેજ વાળા નહિ પણ એરેન્જ મેરેજ માં પણ જયારે જયારે કોઈ ને ખુબ સ્વરૂપવાન પત્ની મળે અને પછી એ એના રૂપમાં અને પ્રેમ માં ખોવાઈ જાય અને આંખ ઉઘડે છેક પચાસ વર્ષે … ત્યારે બહુ મોડું થઇ ગયું હોય છે કરિયર ના ઓપ્શન પુરા થઇ ગયા હોય ..
અને છેલ્લે એ રૂપાળી ટ્રોફી પાંસઠ સીતેર ની થાય આજુબાજુ ના લોકો ને સફળતા અને ધન ના ઢગલાની વચ્ચે આળોટતા જોવે એટલે બખાળા કાઢે .. મારા કાકાએ એ તો ચોખ્ખી ના પાડી હતી પણ હું મુઈ સમજી નહિ અને આ તારા કાકા માં ફસાઈ…
પ્રેમ કરી અને આગળ આવેલા પણ ઉદાહરણો છે પણ એ વિશે ફરી ક્યારેક ..
કોઈને બંધ બેસતી પાઘડી પેહરવી હોય છૂટ છે , સાહીઠ વર્ષ માં હજી ઘણા વરસ બાકી છે ટ્રોફી ને એનીજ્ગ્યા એ મુકો અને કામધંધે લાગો ,છેલ્લા બે દસકા હિન્દુસ્તાન ના ઘણા સારા ગયા છે આખો દેશ કમાયો છે અને જીવન ધોરણ ઘણું ઊંચું આવ્યું છે હજી બીજા દસ વર્ષ બાકી છે મેહનત અને નિષ્ફળતા માંથી શીખી અને પ્રયત્ન કરશો તો આવનારા એક દસકામાં આગળ નીકળાશે …
તેજી ને ટકોર ..
નહિ તો પછી ..મારા કાકાએ તો ના જ પાડી હતી બહુ સમજાવી હતી પણ હું મુઈ …
શુભ રાત્રી
શૈશવ વોરા