૨૦૧૭ના સૌ ને રામ રામ..
ગઈકાલે ૩૧મીએ સહુને જેમ ગમ્યુ તેમ બધાએ રાત માથે લીધી ઓસ્ટ્રેલિયાના સિડની હાર્બરથી લઈને લાસ વેગાસ સુધીના વોટ્સ એપ પર કે ફેસબુક પર ફોટા અને વિડીઓ આવ્યા..દુનિયાભરની પ્રજા રોડ પર રખડી,
બરોડાની પાર્ટી પછી ગુજરાત પોલીસ પર જે માછલા ધોવાયા છે,આખા ગુજરાતના ભદ્ર વર્ગમાંથી બરાબરની “ડાંટ” પડી છે છેક ઉપર સુધી, એટલે બધું માપમાં આવી ગયું હતુ તો સામી પ્રજા છાકટી થઇ હતી..ઉંદર બિલાડીનો સબંધ છે આ પોલીસ અને પ્રજાનો, ક્યારેક પોલીસ પ્રજાને કનડે અને ક્યારેક પ્રજા પોલીસને..!
અમદાવાદમાં સફેદ હોર્ડિંગ્સ લગાડ્યા છે એમ કે ગાંધીના જુના ફોટા અને દારૂબંધી ક્વોટ સાથેના..
ભૂતળ ભક્તિ પદારથ મોટું..
અમદાવાદની બીઆરટીએસની જેમ કેન્દ્ર સરકાર પણ નિષ્ફળતાઓ તરફ ધસી રહી છે..ટ્રાફિક નિવારવા માટે ઉભી કરવામાં આવેલી બીઆરટીએસ વ્યવસ્થા હવે અણઘડ વહીવટ અને જ્યાં અને ત્યાં “બાખા” પાડવાને લીધે લગભગ સંપૂર્ણ નિષ્ફળતાના આરે આવીને ઉભી છે..
પરદેશની નકલ કરી અને એમાં આપણી અકકલ વાપરીએ તો કાઈ ખોટું નથી, પણ બીઆરટીએસ ટ્રેક માટે વચ્ચે એકપણ ચાર રસ્તા કે ક્રોસિંગ નાં આવે અને બીઆરટીએસ સળંગ દોડી શકે એવો મીનીમમ દસ કિલોમીટરનો રોડનો પટ્ટો હોવો જરૂરી છે, પણ દરેકની સગવડ સાચવવા જતા એટલા બધા ઓબસ્ટ્રેક્લસ વચ્ચે મૂકી દીધા કે જેનું નામ બીઆરટીએસ બસ રેપીડ ટ્રાન્ઝીટ સીસ્ટમ છે એની એવરેજ સ્પીડ ચાલીસ કિલોમીટરની માંડ થઇ ગઈ…!
“રેપીડ” ફક્ત શબ્દ જ રહ્યો..!
સીઓલ સાઉથ કોરિયામાં આવી જ સીસ્ટમ વર્ષોથી ચાલે છે,દસ મિનીટમાં તો ક્યાંના ક્યાય ફેંકી દે તમને એટલી ઝડપ અને બીઆરટીએસ ટ્રેક સુધી પોહચવા માટેની “ફીડર” બસો જોઈએ તેટલી દરેકને મળે..
અને અમદાવાદ મ્યુનીસીપાલીટીએ બીઆરટીએસ માટે આવેલી ફીડર બસોને દોડાવી સાદી લાલ બસ તરીકે..શરૂઆતમાં નવી સીસ્ટમ છે અને પ્રજાનો વિરોધ ના થાય માટે બીઆરટીએસ ટ્રેક પર થોડા “બાખા” વધારે રાખ્યા એ સમજાય પણ ધીમે ધીમે એ “બાખા” ઓછા કરવાના હતા એની બદલે વધારતા ગયા અને બીઆરટીએસનો આખો હેતુ માર્યો ગયો..
હજી સમય છેલગભગ મરવા પડેલી બીઆરટીએસના બધા ફેઇઝ ઝડપથી પુરા કરી અને એએમસીની લાલ બસોને બીઆરટીએસની સપોર્ટમાં ફીડર બસ તરીકે મુકવામાં આવે તો બીઆરટીએસ સફળતાપૂર્વક ચાલી શકશે અને ટ્રાફિકનું ભારણ ઘણું રોડ પરથી ઓછું થઇ જાય..
લટકામાં મેટ્રોનો પ્રોજેક્ટ પણ ધમાકાભેર ચાલુ કર્યો છે અને કામ પણ પુરજોશમાં ચાલુ છે અને સ્પીડ જોતા લાગે છે કે ૨૦૧૯માં તો મેટ્રો પણ દોડતી થઇ જશે તો એએમસીની લાલ બસ બીઆરટીએસ અને મેટ્રોનું પ્રોપર એક સમન્વય કરીને એક માળખુ ગોઠવાય તો અમદાવાદ વિકરાળ ટ્રાફિકની સમસ્યા તરફ જતું અટકી જાય પણ હા આ સમન્વય કરવા માટે સેપ્ટના અને અમદવાદના બીજા પેલા કેહવતા બુદ્ધિજીવીઓનો સહારો લીધો તો તો પછી ફરી સત્યનાશ વળશે..
આ ટાઉનપ્લાનિંગમાં ઘુસેલી બુદ્ધિજીવી પ્રજાની બુદ્ધિ નો એક બહુ મોટો નમુનો જોવો હોય તો ફ્લાયઓવરની વચ્ચોવચ આ નંગોએ બસ સ્ટોપ મુકાવ્યા છે, એટલે જીવરાજ ફ્લાયઓવર ,થલતેજ ફ્લાયઓવર આ બધા ફ્લાયઓવરની વચ્ચે બસસ્ટેન્ડ મુક્યા છે એટલે બધી આવતી જતી બધી બસો હાંફતી હાંફતી ફ્લાયઓવર ચડે અને પછી એકદમ બ્રેક મારે અને ફ્લાયઓવરની વચ્ચે ઉભી રહે અને પેસેન્જર ચડાવે અને ઉતારે
અલ્યા ચક્રમ પેસેન્જરનું ઘર છે ત્યાં ફ્લાયઓવરની વચ્ચે..? તે એને વચ્ચેવચ ઉતાર્યો ? પેસેન્જરને ફ્લાયઓવરના બેમાંથી એક છેડે ઉતારાય એટલે બાપડો ઉતરીને બીજું વાહન લઈને સીધો ઘરભેગો થાય..આ તો અડધો ફ્લાયઓવર ટાંટિયા તોડતો તોડતો ઉતરે અને બીજું સાધન પકડે અને ઘેર જાય..
કઈ શોભા વધે છે બ્રીજની વચ્ચે બસસ્ટોપ રાખવાથી એ મને હજી સમજાતું નથી..!
અને હદ તો ત્યાં થઇ ગઈ કે આપણું જુનું અને જાણીતું મા.જે.પુ.(માણેકલાલ જેઠાલાલ પુસ્તકાલય) ટાઉનહોલ એની બિલકુલ બાજુમાં અડીને ફ્લાયઓવર કાઢ્યો અને એ ફ્લાયઓવરની ઉપર કરોડ રૂપિયા ખર્ચીને બીઆરટીએસનું બસસ્ટેન્ડ બનાવ્યુ..
ખરેખર આ શિયાળાની રાતે તો દસ પછી એ ફ્લાયઓવર પરથી નીકળીએ અને એ બસસ્ટેન્ડ પર જોઈએ તો એકદમ હોરર મુવીનો સીન હોય છે.. ભૂત રડે ભેંકાર કોઈ જ ના મળે અને થોડા સમય પેહલા કોઈક કલાકારે ટ્યુબલાઈટો ફોડી નાખી હતી અને જે રંગ રાગ અને ફાગ ખેલાયા..
હવે એ અવાવરું કરોડ રૂપિયાના હાથીને સાચવવા ચોકીદાર રાખ્યો..!
ખાતર ઉપર દીવો કર્યો..!
પ્રજા તરીકે હવે આપણે જાગવાની જરૂર છે લોકતંત્રમાં પ્રજાના હાથમાં પાવર આવે છે,પાંચ વર્ષે એકવાર નેતાને ચૂંટવાનો,પછી ચુંટાયેલો જનપ્રતિનિધિનો પોતાનો કેટલો પાવર છે અને એણે બુદ્ધિ ક્યાં અને કેવી રીતે વાપરવી એ બધું બહુ મહત્વનું થઇ રહે છે..
કોઈએક કોલેજ કે સ્કુલ જરૂરી છે જનપ્રતિનિધિ બનવા માટે, જ્યાં થોડા એડમીનીસ્ટ્રેશન અને એડમીનીસ્ટ્રેશન સીસ્ટમ વિષેના પાઠ ભણાવાય,આમ જોવા જઈએ તો દેશ આખો આઇએએસ ઓફિસરો જ ચલાવે છે પણ એમની ગમે ત્યારે ટ્રાન્સફર પોલીટીકલ લીડર કરી નાખે..!
લાંબા ગાળાની નીતિઓ અને લાલ ફીત્તાશાહી, પોલીટીકલ વિલ અને સમાજના બુદ્ધિજીવીઓનો એક ત્રિવેણી સંગમ થાય તો જ આખો દેશ “સરખો” થાય એમ છે, નહિ તો ડીમોનેટાઇઝેશન જેવા મોટા પગલાને બેંકોના મુઠ્ઠીભર કર્મચારીઓએ ઊંધું પાડવામાં જે ચાવીરૂપ ભૂમિકા ભજવી છે એમાં જ બીજા ગમે તે પગલામાં આવું જ થવાની શક્યતા છે..
અને આમ જોવા જાવ તો બેંક એમ્પ્લોયી આ દેશ નો લીસ્ટ કરપ્ટ માણસ છે..છાતી ઠોકીને તમે કહી શકો કે બેંકોના નીચલા લેવલે ભ્રષ્ટાચાર નથી પણ ચાન્સ મળ્યો તો એણે પણ છોડ્યું નહિ લાગ આવ્યે “બેટિંગ” કરી લીધી..
રૂપિયામાં બેટિંગ કે નામ મેળવવામાં લાગ આવ્યે બેટિંગ કરવાની માનસિકતામાંથી આખા દેશે,પોલીટીકલ લીડરોએ અને આખા સમાજે બહાર આવવું પડશે નહિ તો બીઆરટીએસના રૂટમાં પાડેલા “બાખા”, ફ્લાયઓવરના બસસ્ટેન્ડની જેમ ગમે તેવા પ્રોજેક્ટ આખાને આખા ફેઈલ જશે અને પ્રજા ઠેરથી ઠેર રેહશે..!
ભ્રષ્ટાચાર ખાલી રૂપિયાનો નથી હોતો નામ મેળવવાનો પણ હોય છે,જેનુ વરવુ રૂપ કોંગ્રેસે દેખાડ્યું અને બાકી રહી ગયેલા એ અત્યારે દેખાડે છે..!
“હરિ” ના “જન” બનવુ પડે..!
આજે સપ્તકનો પેહલો દિવસ અને વિદુષી બેગમ પરવીન સુલતાના ચારે સપ્તકમાં સહજ રીતે ફરતું એમનું ગળુ..
મારી રાત તો આજે બે તો મીનીમમ વાગશે તમને બધાને
શુભરાત્રિ
શૈશવ વોરા