બજેટ ૨૦૨૨ ..
બે કલાક બાકી છે અને લખવા બેઠો છું ..!!
દરેક વર્ગને પોતાને કૈક લાભ થાય એવી આશા કરી ને બેઠો છે , કશું નહિ તો બે હજાર ત્રણ હજાર કે દસ બાર હજાર નો પણ ફર્ક પડે એવી ઈચ્છા ધરાવી રહ્યો છે પણ આશા અમર છે અને નિરાશા નક્કી છે..!!!
ખેડૂત સુધારા કર્યા પછી જે રીતે ઝીંક ઝીલી પણ છેવટે પારોઠના પગલા ભરવા પડ્યા એ જોતા કઈ બીજા “જોખમો” સરકાર લે એમ લાગતું નથી ..!
બે ચાર નવા ટેક્ષ કે સેસ નાખી ને સરકાર પોતાની બેલેન્સશીટ ના ટાંટિયા મેળવે છે એવું કૈક થશે , કોરોનાની છાયામાં બજેટ આપવાનું છે , જોકે જીએસટીના આંકડા જોઈ જોઈ ને બજારો હરખાય છે પણ હવે એમાં કેટલો જીએસટી મેન્યુફ્રેકચરીંગ નો અને કેટલો ખાલી ટ્રેડીંગ નો એ આંકડા છુટા પડે તો કૈક જામે બાકી તો જંગલ મેં મોર નાચા કિસને દેખા કિસને દેખા ?
તમામ રો મટીરીયલમાં મોંઘવારીએ માઝા મૂકી છે એટલે ચાલુ નાણાકીય વર્ષમાં પણ સરકાર મોંઘવારીને આગળ વધતી અટકાવી શકે તો પણ એચીવમેન્ટ ગણાશે ..!
જીએસટીના વિક્રમજનક આંકડા જોઈએ ત્યારે એમ પણ વિચારવા જેવું છે કે આ આંકડા ફુગાવા નો નથી ને ? સાદી વાત કરું તો દોઢ વર્ષ પેહલા બાંધકામ માટેની એક ઈંટ લગભગ ચાર રૂપિયાની આજુબાજુ હતી એ આજે છ થી લઈને આઠ રૂપિયા સુધીની થઇ ગઈ છે , જે રસાયણો નવ ને દસ રૂપિયે ફરતા એ બધા ત્રીસ ને ચાલીસ રૂપિયે ફરતા થઇ ગયા છે , આ બધી પાયાની વસ્તુઓના આવા ગજ્જબ ભાવ વધારા છેવટે તો કન્યાની કેડે જ આવે..!!
ટ્રાઈએ ટેલીકોમ કંપનીઓ ને શીખવાડ્યું કે મહિનો ૨૮ દિવસનો નહિ પણ ૩૦ દિવસઓ હોય અને એક વર્ષમાં તેર મહિના નહિ પણ બાર મહિના જ આવે તો હવે ટેલીકોમ કંપનીઓ ગ્રાહકને રાહ આપે એવું બને ખરું ?
જે કંપનીઓ વ્ર્સ્જમાં બાર મહિના જ હોય એવી દિવા જેવી ચોખ્ખી વાતમાં પણ બદમાશી કરતી હોય એમની પાસે બીજી શું અપેક્ષા થાય ?
ચોર પોલીસની રમત જ રમાઈ રહી છે..!
ખેતી એ સરકારનો પેહલા ખોળાનો છોકરો રહ્યો છે અને ઉદ્યોગોમાં મોટા ઉદ્યોગો એટલે મોટા ઘરની વહુ એને તકલીફ ના પડવી જોઈએ ..!
ખેંચવાનું કોણે ? તો કહે ગરીબની જોરુ એવા નાના કારખાનેદારો અને નાના વેપારીઓ એ..!
એમએસએમઈ સેક્ટર સરકાર બોલે આ આપીશું અને તે આપીશું …. પણ મળે કેટલા ને ?
અમદાવાદની વાત કરું તો નારોલ નરોડાના ઉભા પટ્ટે વસેલા આજના ઉદ્યોગો સો એ સો ટકા પોતાના રૂપિયે અને જાત મેહનતે ઉભા થયા છે , માધુપુરા રામશરણ થઇ પછી કો ઓપરેટીવ સેક્ટર લગભગ નાશ પામ્યું , બે ચાર હજી જીવે છે એટલે વિનાશ અને સર્વનાશ જેવા શબ્દો નથી વાપરતો..!!
આ સેક્ટર આજે પણ જમીનોના કાયદાની ગુંચવણને કારણે એમના કારખાના ગીરવે મૂકી ને લોનો નથી લઇ શકતા , બધું વીસ રૂપિયાના સ્ટેમ્પપેપર ઉપર જ છે…!!
અત્યારે રો મટીરીઅલ ની ગંદી તેજીમાં વર્કિંગ કેપિટલ માટે એક એક નાનો કારખાનેદાર ફાંફે ચડેલો છે સરકારી સ્કીમો નો લાભ લેવા બેંકમાં જાય એ ભેગો બેંક નો મેનેજર દુનિયાભરના કાગળિયાં માંગે અને મોઢા વકાસીને પેલો નાનો ઉદ્યોગકાર બાહર નીકળે..!!
ફક્ત નારોલ નરોડા નહિ પણ દેશભરની દરેક જગ્યાની આ સમસ્યા છે પીનીયા હોય કે ચાકણ કે પછી ભંગેલ હોય કે દેડિયાપાડા ..!!
એક બીજું પણ નવું સેક્ટર છે ખુબ ફૂલ્યું ફાલ્યું છે ,જેની ઉપર કદાચ નાણામંત્રીશ્રી ની નજર પડી હોય એવું લાગતું નથી..!!
હા એ જ ..! બિલાડીની ટોપ ની જેમ ફૂટી નીકળેલા ખાણીપીણી ના ખુમચાથી લઈને હોટલો..!
ત્યાં ક્યાંક ટેક્ષ નખાશે તો કઈ ખોટું નથી , તમાકુ અને દારુ ને જેમ હાનીકારક ગણો છો એમ જ આ બધું પણ હાનીકારક અને ભયજનક લેવલ થી આગળ જઈ રહ્યું છે આરોગ્યની દ્રષ્ટિએ ..!
સેહજ નજર કરજો સામાન્ય સેન્વીચમાં કયું બટર વપરાય છે અને કયું વાપરવાનું હોય છે , બટર બનાવતી જાણીતી કંપની કેટલા પ્રકારના બટર બનાવે છે અને એમાંથી ક્યા બટર શેમાં વાપરવા યોગ છે એ બધું કંપની તો ચોખવટ કરે છે પણ શું સેન્ડવીચ વાળો એ નીતિ નિયમોનું પાલન કરી રહ્યો છે ?
અમદાવાદ શેહરમાં રખડતા દર ત્રીજા કુતરા પણ આજે ઓબેસિટીમાં આવી ચુક્યા છે , એક કુતરું કેટલા વર્ષ જીવે અને અત્યારે કેટલું જીવે છે એનો અભ્યાસ જરૂરી થઇ ગયો છે..!
બિલકુલ એમ જ સેન્ડવીચ જોડે નાખવામાં આવેલું ભળતી ક્વોલીટી નું બટર તમારા મારા લીવર કીડની કે પછી હ્રદયની નળીઓમાં ક્યાં અટકે છે એનો વિચાર ..
બજેટ ને અને આને શું લેવા દેવા એવો સવાલ થાય તો જવાબ છે નાનામાં નાનો પાણીપુરીના ખુમચા વાળો રાત્રે કલેશન કેટલું લઈને ઘેર જાય છે ? એની પાસે પાન નંબર ખરો ? તમાકુ અને દારૂથી બહુ લોકો મરે છે તો આ બધું ખાઈ ખાઈ ને લોકો શું અમરત્વ પ્રાપ્ત કરી રહ્યા છે ?
હવે વાત પાન કાર્ડની ..
ટેક્ષ ના ભરવો પણ સમય આવ્યે સર્વસ્વ દેશ ઉપર ન્યોચ્છાવર કરવું એ આ દેશની માનસિકતા રહી છે અને એમાં કશું ખોટું પણ નથી કારણ જુવો તો બારસો ચૌદસો વર્ષની ગુલામી અને આઝાદી પછી નો ભ્રષ્ટાચાર..!!
ગાય દોહીને કુતરીઓ જ પીવડાવવાની છે એવી સર્વસાધારણની બહુ સાદી માનસિકતા છે અને માટે જ સરકાર આપે તે લઇ જ લેવું એ વૃત્તિમાંથી સમાજનો કોઇપણ વર્ગ બાહર આવી શકતો નથી ..!
જે માણસ ટેક્ષ નથી ભરતો એ જ માણસ પોતાના સામાજિક વર્તુળોમાં અઢળક રૂપિયાનું દાન કરે છે અને મોટો માણસ કેહવાય છે .. શું સાબિત થાય ?
રૂપિયા સમાજ માટે ખર્ચવા છે પણ સરકાર થકી નહિ પોતાની જાણીતી સીસ્ટમ થકી ખર્ચવા છે જેમાં એના રૂપિયા નો શું વહીવટ છે તેની તેને જાણ રહે અને એનું નામ પણ મોટું થાય ..!!
શું સરકારમાં આવી કોઈ સીસ્ટમ ના બનાવી શકાય કે જેમાં સૌથી વધુ ટેક્ષપેયર ને ઇન્વોલ્વ કરી અને એનું પ્રોપર સન્માન થાય ?
મહાદાનીનો પાટલો સમાજમાં જુદો અને પેહલો પડતો હોય છે તો શું મહાટેક્ષ પેયર ને એરપોર્ટ હોય કે હોસ્પિટલ કે પબ્લિક પાર્કના કૈક વધારાની સગવડના આપી શકાય ?
તમે આટલું સરસ કાંકરિયા કર્યું , રીવર ફ્રન્ટ કર્યું ,સાયંસ સીટી કર્યું પણ ત્યાં જાય કોણ ? તો કહે ભૂખડીબારશો ..! સી જી રોડ ના ફૂટપાથ ઉપર ટીફીન ઘેરથી લાવી ને ઉજાણી કરે અને ગંદકી મૂકી ને જતા રહે ..!!
ત્રણ ચાર પ્રકારના પાન કાર્ડ હોય ગોલ્ડ સિલ્વર પ્લેટીનમ વગેરે વગેરે તો એન્ટ્રીને ક્યાંક થોભ આપી શકાય અરે કમ સે કમ સમય નક્કી થાય કે સવારના દસ વાગ્યા સુધી પાન કાર્ડ ધરાવતા લોકો આવે પછી બીજા બધા અને પાછા સાંજ ના પાન કાર્ડ વાળા લોકો ને જ એન્ટ્રી ..!
ડંડા પછાડે ટેક્ષ ભરવા પ્રજા દોડતી ના જ આવે ઉંદર પકડવા હોય તો પાંજરે ચીઝ મુકવા જ પડે તરત પકડાય , રોટલી ઉપર ઘી લગાડવાનો ઉપાય જુનો થઇ ગયો ..!!!
જોઈએ હવે પટારો ખુલે એટલે ખબર પડે કે સાપ નીકળે છે કે ઘો ..?
કે પછી કશું ય નહિ ..!!
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)