આજે એક સવાલ આવ્યો ,
શૈશવભાઈ તમે ટીવી “ખોલ્યું” શબ્દ કેમ વાપરો છો ..?
મારું બેટુ આ તો “કવેરી” આવી કેહવાય..!!
અને “કવેરી” આવે એટલે અમારા જેવા ક્યારેક 2જી જુને (વરસ નો વચલો દિવસ ) ઈમ્પોર્ટ કરી લેતા ઈમ્પોર્ટેર પેટમાં તેલ રેડાય ,
અરે યાર સુ મુસીબત છે ..??!! હજી બે ત્રણ દિવસ કસ્ટમવાળો માલ ઝાલી રાખશે અને નવા નવા કાગળિયાં માંગશે..ડીલીવરી પાછી ઠેલાઈ..
પણ આ “કવેરી” ગમી,
કોઈક ઘણી ઝીણવટથી વાંચી રહ્યું છે મને, કસ્ટમના આસીસટન્ટ કલેકટરની જેમ મારું એક એક કાગળિયું ચેક કરી રહ્યું છે..
હવે આ સવાલ પૂછનારના ભરથારને અમે તેડી ,રમાડી, મારી ,ટીપી અને મોટો કર્યો છે..
એ જમાનો હતો કે આપડાથી દસ બાર વર્ષ નાના પાડોશીના છોકરાને બિન્દાસ્ત એકાદ બે ફટકારી દેવાય, અને પછી એને તમારો ચેલો બનાવી`ને પણ રખાય..પુછડાની જેમ તમારી પાછળ પાછળ ફેરવાય અને ફરે પણ ખરો..અને બદલામાં કોઈ જ લોહીના સબંધ વિના આપણને નાના ભાઈની ફીલિંગ આવે..!!
થોડો પાછળ એટલે જાઉં છું કે સવાલનો જવાબ સિત્તેરના દાયકામાં છુપાયેલો છે..!!
હું લગભગ સાત આઠ વર્ષનો, સાલ લગભગ ૧૯૭૮ ની અને અમારા પાડોશી ને ત્યાં ટીવી આવ્યું , અમારા પાડોશી કાકી (ત્યારે આંટી કેહ્વાનો રીવાજ ચાલુ નોહતો થયો ..) રાધનપુરથી નવા નવા પરણીને અમદાવાદ આવેલા, અને કાકા કાકી બે જણ એકલા એમના ઘરમાં રહે,હું એમના ઘરમાં ૧૦૦ ટકા દીકરાનો દબદબો ભોગવું ..!!
એ જમાનામાં ટીવી ઓપરેટ કરવું એ થોડું “અઘરું” કામ હતું ..ધાબે જઈને એરિઅલ ફેરવવાના અને બુસ્ટર ધાબાવાળું અને ઘરનું એમ બંને ટયુન કરતા રેહવા પડે ,ક્યારેક અવાજ આવે તો દશ્ય જાય અને દ્રશ્ય આવે તો અવાજ જાય ..
પણ થેન્ક્સ ટુ માય મોમ ડેડ અમને ઘરમાં કોઈપણ નવી ચીજ આવે એને કેમ ઓપરેટ કરવું એ એના મેન્યુઅલ ખોલી વાંચી અને ઓપરેટ કરતા શીખવાડ્યું હતું અને,મિક્સર ,વોટર ગીઝર જેવા ઇલેક્ટ્રિક રમકડા અમે “જાત્તે” ઇન્સ્ટોલ કર્યા હતા..
પણ શું જમાનો હતો..!??!
અમે ફોન પર વાત કરીએ તો લોકો એમ કેહતા કે લે દાકતર ના છોકરા ફોન પર વાત કરે છે..!! અમે ફ્રીઝ ખોલીએ તો એમ કહે કે દાકતરના છોકરા જાતે ફ્રીજ ખોલબંધ કરે છે..(ફ્રીજ ડ્રોઈંગરૂમમાં મુકવામાં આવતા,કારણ ફ્રીજ સ્ટેટ્સ હતું ) ,અમે ગાડીના બોનેટ ખોલી અને રેડીએટરમાં પાણી ભરીએ અને સળીયો કાઢીને ગાડીના ઓઈલ ચેક કરીએ, જેક ના સળિયા કાઢી અને કાળું (અમારો ડ્રાઈવર કમ મિકેનિક ) ને આપીએ.. ઘણા આવા બધા કામ બાળપણમાં કરતા અને ત્યારે પણ જનતા મોઢામાં આંગળા નાખતી…
એટલે પાડોશીના ઘરમાં આવેલા ટીવી ને ચાલુ ,બંધ કરવાનું “મહાન” કાર્ય આઠ વર્ષના શૈશવ ને માથે આવ્યું ..
એ જમાનામાં ક્રાઉન કંપનીના સી-ટીવી (કેથોડ રે ઓસીલોસ્કોપ ના સિધ્ધાંત ઉપર બનેલું ટીવી હતું એ માટે સી-ટીવી કેહવાતું ) જ મળતા અને એ ટીવીની ઉપર લાકડાનું કેબીનેટ રેહતું ..
હવે એ ટીવી ચાલુ કરવા માટે પેહલા એ લાકડાનું કેબીનેટ ખોલવું પડે અને પછી સ્વીચ ઓન થતી..
અને ઉપર ગણાવેલી અને બીજી નહિ ગણાવેલી, ઘણી બધી કારીગરી અમે શીખેલા જેને લીધે નાના ભાઈ બેહન ઉપર પણ ફુલ્લ દાદાગીરી આપણી રેહતી..
અને અમે નાના ભાઈ બેહન ઉપર હુકમ છોડતા “ટીવી ખોલ” ..હુકમની તામિલ થતી અને પછી ટીવીની સ્વીચ માંબદોલત ઓન કરતા ..
માટે મને “ટીવી ચાલુ” કર એમ કેહ્વાને બદલે બાળપણથી જ “ટીવી ખોલ” એમ કેહવાની ટેવ પડી છે..
અને આજે પણ હું “ટીવી ચાલ્યું કર્યું” શબ્દની બદલે “ટીવી ખોલ્યું” શબ્દ વાપરું છું…
બાળપણની આદત છે..ટીવી ખોલ્યું બોલવાની…
સોરી બેટા..પાકે ઘડે ક્યાં કાંઠલા ચડાવા …?
નહિ સુધરું ..
સાલ ૧૯૭૬ની અને પેહલું દૂરદર્શન કેન્દ્ર અમદાવાદમાં નખાયું ,અને ૧ kw નું ટ્રાન્સમીટર પીજમાં નાખવામાં આવ્યું અને અમદાવાદમાં ૧૯૭૭ની સાલ પછી ટીવી આવ્યા ને ૧૯૭૮ માં પાડોશીને ત્યાં ટીવી આવ્યું અને બે ત્રણ મહિનામાં બાળહઠ જીતી અને ૭૦૦૦/- રોકડા ચૂકવીને ક્રાઉન ટીવી અમારા ઘરમાં આવ્યું..
ત્યારે તો સી-ટીવી એ શું એ ભાન નોહતું, પણ કોલેજના સેકંડ ઈયરમાં આવ્યા અને કેથોડ રે ઓસ્સીલોસ્કોપ નો પ્રેક્ટીકલ ફીઝીક્સમાં આવ્યો..
ત્યારે સમજણ આવી કે આ સી-ટીવી કઈ થીયરી ઉપર કામ કરી રહ્યું છે.. ટ્યુબ ઉપર એક નાનકડું ટપકું વોલ્ટેજની વધઘટ સાથે નાના મોટા થતા હતા અને એના જ રીડીન્ગ્સ જ લેવાના હતા ..
અત્યારે બીજા ક્યા રીડીંગ હતા એ યાદ નથી આવતું પણ સી-ટીવી માટે થોડું વધારે યાદ કરવા વીકીપીડીયા ખોલ્યું અને મજાક મજાક માટે લેન્ગવેજમાં હિન્દી કર્યું અને કૈક જોરદાર લખેલું આવ્યું ..
કન્ટ્રોલ સી કંટ્રોલ વી કરું છું ..
दोलनदर्शी (ऑसिलोस्कोप) एक इलेक्ट्रानिक उपकरण है जो किसी विभवान्तर को समय के सापेक्ष या किसी विभवान्तर के सापेक्ष एक ग्राफ के रूप में प्रर्दशित करता है। विभिन्न संकेतों को देखने से परिपथ के काम करने के बारे में जानकारी प्राप्त होती है और पता चलता है की कौन सा अवयव ख़राब है या काम नही कर रहा। स्कोप, इलेक्ट्रानिकी में प्रयुक्त होने वाले सर्वाधिक उपयोगी उपकरणों में से एक है। [1] [2] [3] [4] [5]
કોઈ હિન્દી વાંચતા વાંચતા બેભાન નથી થયું ને …????
કઈ કેહવા જેવું નથી ..!!
૧૯૭૮ પછી સાલ ૧૯૮૨માં એશિયાડ આવ્યું , અને કલર ટીવી ઘેર ઘેર આવી ગયા મારા ઘરમાં જાપાનીઝ સોની નું ૨૦૬૨ મોડેલ આવ્યું ,જે લગભગ પચ્ચીસ વર્ષ વાપર્યું અને ભારે હૈયે ચાલુ હાલતમાં ઘરમાંથી વિદાય થયું..એ પછી તો પ્લાઝમા જેવી ફેઈલ પ્રોડક્ટ અને એલસીડી અને એલઇડી અને એક પછી એક 2k ,4k અને પછી k વધતા ગયા અને વધતા જાય છે..
રૂપિયાના આંધણ થતા જ જાય છે..
કૈક દેશી કંપનીઓ ટીવી માર્કેટ માં આવી અને છપ્પનના ભાવમાં ગઈ ,આજે મોટેભાગે જાપનીઝ અને કોરિયન કંપનીઓ જ ટીવી માર્કેટ રુલ કરે છે..
થોડાક વર્ષ પેહલા ટોકિયો ગયો હતો એક ઇલેક્ટ્રોનીક્સના ફેરમાં, અને ત્યાં ભારતની સી-ટીવીની એક જમાનાની બહુ મોટી બ્રાંડના જનરલ મેનેજર મળી ગયા હતા..
અમારી હોટેલ એક જ હતી અને સાંજ પડ્યે અમે નવરા હતા ત્યારે સી-ટીવીના દબદબાના દિવસો યાદ કરતા અમે એમની સાથે બેઠા હતા અને મેં એમને સવાલ પૂછ્યો કે તમે સાવ મરી કેમના ગયા ..? અચાનક ? સી-ટીવીની સામે એલસીડી આવ્યા તો તમે કેમ અપગ્રેડના થયા..?
જવાબ બહુ રસપ્રદ હતો ..
એમનો પેહ્લો સવાલ આવ્યો .. તારું પેહલું ટીવી કેટલાનું ? મેં કીધું ૭૦૦૦/-
સાલ ? મેં કીધું લગભગ ૧૯૭૮
એમણે મને આગળ કીધું તને ખબર છે મારી કંપની મરી ક્યારે ? મેં કીધું ના
લગભગ અમે મર્યા ૨૦૧૦ની આજુબાજુમાં.. અને ત્યારે અમે અમારું સી-ટીવી ૭૦૦૦/- વેચતા હતા..અને ફની પાર્ટ એ છે કે ૧૯૮૨માં અમને એક કલર સીટીવી ૨૦૦૦૦/- રૂપિયામાં વેચવામાં કોઈ તકલીફ નોહતી અને એમાંથી અમે ૩૫૦૦/- રૂપિયા પર “પીસ” ઘેર લઇ જતા હતા, અને ૨૦૧૦માં અમે સી-ટીવી ૭૦૦૦/- માં વેચતા અને ત્યારે પણ અમને ૩૫૦૦/- રૂપિયા મળતા..અને ત્યારે પણ સી-ટીવી વેચવામાં અમને તકલીફ નોહતી પડતી..
મને સખ્ખત અચરજ થયું …આવું કેમ સર ..? તો પછી તમે ગયા કેમ ?
જવાબ હતો..
એક …“સંતોષ”
બીજું ભારતીય કંપની માલિકોની એક ધંધામાંથી રૂપિયા કમાઈને બીજા ધંધામાં નાખવાની આદત..
ત્રીજું ગમે તે પ્રોડક્ટ કે કંપનીને લીંબુની જેમ નીચોવી, ચૂસી અને ફેંકી દેવાની આદત..
ચોથું સેઠ લોકોએ ભરપુર રૂપિયા કમાયા અને ટીપીકલ ઇન્ડિયન મેન્ટાલીટી પ્રમાણે જ્યાં સુધી ચાલે છે ત્યાં સુધી ચલાવો અપગ્રેડ થવામાં રૂપિયા ના ફેંકાય..
પાંચમું બજારો ખુલ્યા પરદેસી કંપનીની ટક્કર લેવાની આવી કોઈ એ બધા પેઈન લ્યે ??
છઠ્ઠું બીજી પેઢી ગાદીએ આવી ગઈ ..જેણે સંઘર્ષ જોયો નથી અને એમને ઇન્વેસ્ટમેન્ટ ગેઈમ રમવી હતી ..પ્રોડક્શન એમને હેડ-એક લાગતો હતો..
અને સાતમું ફેક્ટરીની જમીનની કિમત એટલી વધી ગઈ કે જમીનો વેચી મારીએ અને જે રૂપિયા મળે એના વ્યાજ નો ચોથો ભાગ પણ કંપનીના પ્રોફિટમાં નોહતો આવતો ..
હરી હરી …
આપણી ટોક્યોની સાંજ તો ત્યા જ બગડી..
આવી છે ટીવી ની કહાની મારા માટે, હજી ઘણું બાકી છે ..
પણ ફરી ક્યારેક ,ગાડીમાં બેઠો બ્લોગ લખું છું ટ્રાફિક નો દરિયો તરીને આવ્યો છું ,
હવે ઘર આવી ગયું છે..ટીવી ખોલવાનો ટાઈમ ..
કુતરા બિલાડાને બાઝતા જોવાના ટાઈમ ..
શુભ રાત્રી
શૈશવ વોરા