ગઈકાલ રાતથી “કેમ્બ્રિજ એનાલીટીકા” નામની કંપનીના નામની યુરોપ અને અમેરિકામાં હોળી સળગી અને આજે આપણી રાત પડતા પડતા તો એની ઝાળ હિન્દુસ્તાન સુધી આવી ગઈ..!!
ભાજપ કોંગ્રેસ સામ સામે આવી ગયા અને તું તું મૈ મૈ ચાલુ થઇ ગયું..!!
મામલો એવો કૈક છે કે આ “કેમ્બ્રિજ એનાલીટીકા” કમ્પનીએ ફેસબુકના પચાસ મિલિયન યુઝરના ડેટા વાપરી અને ટ્રમ્પ સાહેબને જીતાડવામાં મદદ કરી હતી અને પછી તો એકપછી એક બીજા રેલા બહાર નીકળતા ગયા અને બ્રિટીશ સંસદ સભ્યોની કમિટીએ છેક ઝુક્ર્બર્ગને હાજર થવાનો હુકમ છોડ્યો..
હવે છેલ્લા ચોવીસ કલાકથી ઝુકારબર્ગ સાહેબ પણ મોઢું કચ્ચીને બંધ કરી ને બેઠા છે ..
એમાં પાછું એક વ્હીસલ બ્લોઅર એ સ્ટીંગ ઓપરેશન કર્યું અને એમાં બે જણ દાવો કરતા દેખાયા કે અમે ઈલેક્શન “જીતવા” જે જોઈએ એ બધું કરીએ છીએ, છોકરીઓ જોઈએ તો છેક યુક્રેઇનથી પણ મંગાવી લઈએ છીએ…!!
લગભગ અફડાતફડી નો માહોલ છે પશ્ચિમના મીડિયામાં..
અને આપણે ત્યાં પણ એક રાજકારણી શ્રી કેસી ત્યાગીના સુપુત્ર આ કેમ્બ્રિજ એનાલીટીકા કંપનીની પેરેન્ટ કંપનીને રીપ્રેઝન્ટ કરી ચુક્યા છે, અને કંપની એની વેબસાઈટ ઉપર નીતીશકુમારનું “કામ” અમે કરેલું છે બિહાર ઈલેક્શન દરમ્યાન આવો કૈક દાવો કેમ્બ્રિજ એનાલીટીકા કરી રહી છે..
ફરી એકવાર પનામા પેપર પછી પેન્ડોરાની પેટી ખુલી ગઈ છે..અને આખા જગતના માધાંતાઓ ચૂંટણી જીતવા કેવા કેવા હથકંડા અપનાવે છે એ ખુલ્લું થઇ રહ્યું છે..
પશ્ચિમ નું મીડિયા પાછળ પડ્યું છે એટલે મામલો ઝટ દઈને શાંત નહિ થાય, અને ફેસબુકની ઘેટી પણ બરાબરની ફીટ થઇ છે, પચાસ મિલિયન યુઝરનો ડેટા લીક કર્યો કે જાણી કરીને આપી દીધો એ ક્લીઅર નથી , પણ હવે પાઘડીનો વળ છેડે ચોક્કસ આવશે એ નક્કી છે, છેલ્લા બે દિવસથી ફેસબુકના શેર ત્યાના શેરબજારમાં ઉંધે કાંધ ડૂબકી ખાઈ રહ્યા છે એટલે મામલો ગંભીર છે અને કૈક મોટું બહાર આવ્યું તો ટ્રમ્પકાકા ને પણ લેતું જાય..!!
આ કાંડ પછી તો એટલું માનવું જ રહ્યું જે સોશિઅલ મીડિયા ગજબ “પાવર” ધરાવી રહ્યું છે આજ ની તારીખમાં..
આખી દુનિયાની જનતાને હાથમાંથી મોબાઈલ છોડવો જ નથી અને આ મોબાઈલ ઝાલી રાખી અને જે જોઈએ એ ગુગલમ સર્ચ કરો અને જે કરો તે બધું ફેસબુક કે સ્નેપ કે પછી બીજા કોઈપણ મીડિયામાં સ્ટોરીઓ ફટકાર ફટકાર કરી રહી છે જનતા..
ક્રુડ ઓઈલ કરતા વધારે કીમતી આજની તારીખમાં આ ડેટા છે અને ઝુકરબર્ગ સાહેબ અને ગુગલને ડેટાની ખાણ હાથ લાગી ગઈ છે જનતા સાથેથી ડેટા આપવા જાય છે હું અત્યારે હંગવા બેઠો છું અને અત્યારે જમવા..!!
એકવાર ભૂલથી ગોવાની ટીકીટો સર્ચ કરો પછી જુવો દરેક મીડયા તમને ગોવાની હોટેલોના ફોટા દેખાડ્યા કરશે ..
એકવાર કોઈ પોલીટીકલ પાર્ટીને લાઈક કરો પછી જુવો “કદાચ તમને ગમશે” એમ કરીને રાજકીય પોસ્ટનો ખડકલો કરી દેશે તમારી વોલ પર..
એક રાત્રે ભમવા નીકળ્યો હતો તો રાત્રે ત્રણ વાગ્યે ગુગલી મને નોટીફીકેશન આપે કે તું ઘેર જા પાંચ કલાક મોડો છું.. તારી માં ને તો ..!!!
મારી ઘરવાળી મને કઈ નથી કેહતી અને તું મને કેહનારી કોણ હેં ? ગુગલી ?
એક જબરજસ્ત આક્રમણ થઇ રહ્યું છે આ સોશિઅલ મીડિયાનું આપણા જીવનના તમામ પ્રકારના ક્ષેત્રોમાં, તમે કયો ધંધો કરો છો શું બનાવો છો અને શું વેચો છો..તમારી કઈ આદતો છે તમારી કઈ જરૂરીયાત છે દરેકે દરેક વસ્તુની ગુગલને અને ફેસબુકને જાણ છે, અને એ બધા ડેટાનો સુપેરે ઉપયોગ કરી અને કેમ્બ્રિજ એનાલીટીકા નામની કંપનીએ દુનિયાભરની ચૂંટણીઓને પ્રભાવિત કરી છે ..
એક સરસ મજાનો ઈન્ટરવ્યું છે, Aleksandr Kogan નામના આ ભાઈનો જેમણે આ ઈન્ટરવ્યુંમાં ઘણી બધું નિખાલસ કબુલાતો કરેલી છે..
મારા અમેરિકા કેનડા યુરોપ અને ઓસ્ટ્રેલીયાના મિત્રો (વાચક શબ્દ નહિ વાપરું કેમકે હું લેખક નથી) સુપેરે સમજી શકશે આખો ઈન્ટરવ્યું વર્ડ ટુ વર્ડ પણ હું અત્યારે હાલી ચુક્યો છું આ ઈન્ટરવ્યું જોઇને..
લીનક મુકું છું ચોક્કસ જોજો અને સમજવાની કોશિશ કરજો કે આપણને છપ્પનના ભાવમાં કેવા વેચવામાં આવી રહ્યા છે,અહિયાં આપણે એટલે દુનિયાભરની પ્રજા આવી ગઈ…
કેટલી બધી મુદાસરની કબુલાતો આ Aleksandr Kogan ભાઈએ કરી છે ..એમની એપ અને કેવી રીતે કોણે કેટલા ડોલર રોક્યા..
જોકે “કેમ્બ્રિજ એનાલીટીકા” કંપનીએ દાવો કર્યો છે કે આવું કશું જ નથી..
નક્કી આપણે કરવાનું છે કે ધુમાડો છે એટલે આગ લાગી ગણાવી કે આગ લાગી એટલે ધુમાડો નીકળ્યો..
ગુજરાતી પત્રકાર મિત્રોને વિનતી કે આવતીકાલના છાપાઓ માં સવિસ્તાર વર્ણન આ કાંડ ઉપર આપજો અને ભારતમાં આ કાંડના તાર ક્યાં અને કેટલા છે શોધી કાઢશો ..
હમણાં જ થયેલી ગુજરાતની ચૂંટણી ઉપર પણ “કેમ્બ્રિજ એનાલીટીકા” એ કોઈ ખેલ કર્યો છે કે નહિ એની તપાસ થવી ઘટે છે ..
જોઈએ હજી આખી આપણી રાત બાકી છે, અને ત્યાનો દિવસ, કાલ સવાર સુધીમાં આ મામલો નવા કેટલા રાવણ કાઢે છે..
મુદ્દો એક જ છે કે તમારું અને મારું દિમાગ ચૂંટણીમાં ભટકાવવા માટે કેવા અને કેટલા કારસ્તાનો થાય એ જાણવું છે..
શુભ રાત્રી
શૈશવ વોરા