કેનેડા-ભારત વચ્ચે ઠની ગઈ..!
આજે સવારથી ફોન આવવાના ચાલુ થઇ ગયા,મારો દિકરો ત્યાં છે , મારી દિકરી ત્યાં છે..
અરે યાર મારો ભાઈ અને એનો પરિવાર આખો ત્યાં છે, અમે એક માતા-પિતાના ત્રણે સંતાનો જુદા જુદા દેશની નાગરિકતા ધરાવીએ છીએ..!!
બધાનો એક જ સવાલ હતો, શું થશે ?
એકવાર તો મને પણ થઇ ગયું કે શું થશે ????
પણ ઘરડે ગાડા વળે..
મારી મમ્મીએ મને એકદમ શાંતિથી કીધું કશું નહિ થાય , બધા જ ત્યાં સલામત છે અને રેહશે..!!
કારણ શું ?
તો કહે પશ્ચિમ જગતને બીજાને ત્યાં હોળીઓ સળગાવવી ગમે,પણ પોતાને ત્યાં છમકલું પણ ના થવા દે ,
કદાચ એકાદ બે નાની-મોટી અપ્રિય ઘટના ઘટે તો ઘટે, બાકી તો કેનેડા હોય કે અમેરિકા કે ઓસ્ટ્રેલીયા એમને આપણે ત્યાં થતા હતા ભૂતકાળમાં એવા રમખાણો થવા દેવા બિલકુલ ના પાલવે, એટલે કશું નહી થાય અને ઘી ના ઠામમાં ઘી પડી રેહશે..
મોટેભાગે હું પરદેસ જતા દરેકને એક જ સલાહ આપું છું ,આજે પણ એક ભાણીયો અમેરિકા સ્થાયી થવા માટે નીકળ્યો ત્યારે જ કીધું કે “જે દેશમાં જાવ તેના કાયદાને માન આપવું , જ્યાં જઈએ ત્યાના થઇને રહીએ, બીજાને નીચા દેખાડવા એના કરતા પોતે પોતાની ગતમાં ચાલવું, કમાવા ગયા છીએ અને ઈમાનદારીથી કામ કરીએ છીએ તો એક સારી જિંદગીની અપેક્ષા હોય એ સ્વાભાવિક છે, તો જે મળ્યું છે એનો આનંદ લેવો..”
હું મારા બ્લોગ્સમાં NRIની ઘણી બધી હરકતોને વખોડતો હોઉં છું , અને મને સખ્ખત દુઃખ આજે પણ છે કે અમેરિકા-કેનેડા મારા પરિવારને ગળી ગયા..વર્ષો સુધી એકલો એકલો ભાઈબેહનને યાદ કરી કરીને રડ્યો પણ છું..જો કે કોઈ દેશ અમને સામેથી બોલાવવા નોહતો આવ્યો, દરેક વ્યક્તિ પોતાની મરજીથી ગયા છે ,અને બધા મજાથી અને આનંદપૂર્વક રહે છે, હવે તો ટેકનોલોજી આવી ગઈ એટલે ફટ કરતા વિડીઓ કોલ કરી લઈએ , તો પણ રૂબરૂ એ રૂબરૂ અને ફોન એ ફોન..!
ભારતમાં વસતા કેટલાય છત્તે છોકરે વાંઝિયાને ઓળખું છું અને એમની પીડા જાણું છું, પણ હવે જે છે એ છે, અમુક પરિસ્થિતિનો સ્વીકાર એ જ સમાધાન છે અને એ જ જીવન છે..!
હવે વાત કરીએ સરકારોની ..
તો ભારત સરકાર એનું કામ કરી રહી છે અને કેનેડિયન સરકાર એનું..
સામાન્ય જનસાધારણ તરીકે ,દરેક ન્યુઝ જોવા ,ચાંપતી નજર રાખવી , ચોક્ક્ન્ના રેહવું, ગડબડ જેવું લાગે તો નીકળી જવું, અને વધારે તકલીફ લાગે તો ઓથોરીટીને ફોન કરવા..!
સાવ છેક છેલ્લે આપણી ઉપર વીતી હોય તો મત આપતી વખતે યાદ રાખીને પછી જ થપ્પો મારવો..
બીજું કશુ જ વધારાનું જનસાધારાણ કરી શકતો નથી મોટેભાગે કોઈપણ લોકતાંત્રિક દેશમાં..
હા સોશિઅલ મીડિયા નામનું મોટું હથિયાર છે, પણ સેહજ સાચવીને વાપરવું , દરેક વ્યક્તિ અને પરિસ્થતિ ઉપર-માટે સેહજ પણ વધારે બુદ્ધિ હોય એવું બુદ્ધિશાળી પ્રાણી હોય એનો પોતાનો `મત` હોય , `ઓપિનિયન` હોય , પણ સમજી વિચારીને મુકવો ..
દે ..દે .. જે અને તે ફોરવર્ડ કરવા મચી નહિ પડવાનું અને ગાંડાની જેમ ફોન ઠોકી અને પેનિક નહિ ઉભું કરવાનું એના કરતા રસ્તા વિચારી અને અમલમાં મુકીએ તો ઝટ બાહર અવાય..!!
આ ઉપર લખ્યું એ મારી સમજણ છે.. તમારી સમજણમાં બીજું કંઈ પણ હોઈ શકે છે..!!
હવે વાત કરું ભારતીય મીડિયાની તો જે પ્રકારે એમણે સ્ટેન્ડ લીધું છે એ જ પ્રકારે એ લોકો સ્ટેન્ડ લ્યે, એના વિશે બેમત નથી અને જસ્ટીન ટ્રૂડો એ પેન્ડોરાની પેટી ખોલી નાખી છે કારણ વિનાની..
આજે ભારત પાસે પોતાની બહુ મોટી તાકાત છે ,ભારતની અંદર તેમજ ભારતની બાહર રેહતા ભારતીયોમાં એક સમયે રહેલા મતમતાંતર બહુ “નેરો” ,ઓછા થઇ ચુક્યા છે, કદાચ બે દસકા પેહલા મતમતાંતર ઘણા બધા હતા પણ નવા જમાનાએ સેલ્યુલર ફોન ટેકનોલોજીએ ભારતીયોને વાત કરવાનો મોકો આપ્યો છે, રેસીડેન્ટ અને નોન-રેસીડેન્ટ બધા જ ભારતીયો અંદર-અંદર રહેલા પોતાના ઝઘડાને ઘણા બધા અંશે ભુલાવી દેવામાં સફળ થયા છે..
અને જ્યારે વિશ્વની પાંચમા ભાગની વસ્તી એક અવાજે બૂમ બરાડા પણ કરે તો દુનિયા એક વખત તો ચોક્કસ થંભી જાય..!
બદલાયેલા સમયને જસ્ટીન ઓળખી શક્યા નથી..!!
આટલા મોટા યુક્રેન-રશિયા યુદ્ધમાં જો ભારતના સર્વેસર્વાં મોઢામોઢ કહી શકતા હોય રશિયન પ્રીમિયરને કે આ સમય યુદ્ધનો નથી તો .. એ નાની સૂની વાત નથી..!
હજી હમણાં જ છેલ્લા બ્લોગમાં લખેલા મુદ્દામાંથી અમુક મુદ્દા રીપીટ કરું છું ..
૧૭) શાંતિ તલવારની ધારેથી, બંધુકના નાળચેથી ,તોપના ગોળાથી આગળ વધીને આજે બેલેસ્ટિક મિસાઈલને માથે બેઠી છે ,પણ એના પ્રયોગો વારતેહવારે થતા રેહવા જોઈએ..
૧૮) યુએનમાં વીટો પાવર પાવર દેખાડ્યા વિના નહિ મળે , અને પાવર દેખાડવા ઘરમાં રણભૂમી ઉભી કરવી જરૂરી નથી ,અમેરિકા ,રશિયા અને પશ્ચિમના દેશો જેમ પારકા દેશને રણભૂમિ બનાવી અને જે તે દેશનું નખ્ખોદવાળી કાઢે છે, તો ત્યાં જઈને આપણે પણ હાથ સાફ કરી અવાય, ઝેલ્ન્સકી કે પુતિનકાકાને ભારતીય શસ્ત્રો અજમાઇશ કરવા મોકલાય ,ત્યારે દુનિયા વીટો પાવર આપે ..
૧૯) સામ્રાજ્યવાદ અને આર્થિક સામ્રાજ્યવાદની સામે બાથ ભીડી પણ બચાવ માટે હવે ક્યારેક આગળ વધીએ તો ખોટું નથી .. યુદ્ધ લડીને જીત્યા પછી વિજય પતાકા લેહારાવવાનો આનંદ કૈક ઓર જ છે, ભારતભરમાં કેન્ટોન્મેન્ટ વિસ્તારોમાં મુકેલી પાકિસ્તાનની ૧૯૭૧માં પકડી લાવેલી ટેન્કો હવે સડી ગઈ છે, નવી લાવવાનો સમય પાકી ગયો ..
જરાક વિચારવું રહ્યું , આમ તો કેહવાય છે કે “હ્યુમન એક્સપોર્ટ ઇસ બેસ્ટ એક્સપોર્ટ” પણ બંને બાજુ છે, વેળા-કવેળાએ એક-બીજાને કામ આવીએ અને ડાંગે માર્યા પાણી જુદા ના પડે એટલું યાદ રાખીએ અને દુનિયાને પણ યાદ કરાવી, કરાવતા રહીએ તો કશી તકલીફ આપણે છે જ નહિ..!!
अयं निजः परोवेति गणना लघुचेतसाम् ।
उदारचरितानां तु वसुधैवकुटुम्बकम् ॥
(महोपनिषद्, अध्याय ६, मंत्र ७१)
अर्थ – यह मेरा अपना है और यह नहीं है, इस तरह की गणना छोटे चित्त (सञ्कुचित मन) वाले लोग करते हैं। उदार हृदय वाले लोगों के लिए तो (सम्पूर्ण) धरती ही परिवार है।
શુભ રાત્રી
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*