સટ્ટો ગૂંથાયો અને અચાનક ધડામ દેતો ભાવ પડ્યો , એક દિવસ પેહલા કરેક્શન કેહતી પ્રજા આજે ફરી ગઈ ,હવે આમ થયું માટે તેમ થયું ..
અલ્યા ભઈ જપ ને તું .. અમે જન્મારો કાઢ્યો આ બધા સોના, ચાંદીના , કરન્સી લખ્ખણ જોતા જોતા..!!
રૂપિયો ક્યારેય ડોલરથી મજબૂત થયો જ નથી , જે આવ્યા બધા એ રૂપિયાને તોડ્યો જ છે ..
હર્ષદ મહેતાની તેજી વખતે જેમ બિલાડીના બચ્ચાની સાત દિવસે આંખ ખુલી એમ અમારી આંખો ખુલી , એ પછી કેતન પારેખ વાળો જમાનો બધુંય જોઈ નાખ્યું ..
આ બધાની વચ્ચે સોના ચાંદીનો તેજી મંદી નો ખેલ થતો જ રહે ..
પેહલા લોકો એમ પૂછતા એકબીજાને કે રૂપિયા ક્યાં રોકાય ? હવે એમ પૂછે છે કે રૂપિયા કેમ કમાવાય ?
આપણે શુધ્ધ અમદાવાદી માં કહીએ રાણી ના હજીરે.. જા ઘાઘરા પોલકા ની દુકાન ખોલીને બેસી જા .. ત્યારે શું વળી ..!!
કયો જ્વેલર્સ ઊઠશે ??
નક્કી ના કેહવાય , વચ્ચે એક નવી વાર્તા બજારમાં ફરી હતી , તમારી પાસે દસ કિલોથી વધારે ગોલ્ડ હોય તો અમદાવાદના ઘણા જ્વેલર્સ એને વ્યાજે લ્યે .. અડધો ટકો વ્યાજ આપે અને સોનાની સામે સોનુ પાછું આપે ..
આપણે માટે નવી વાત હતી , અલ્યા આવું કેમનું ?
તો જવાબ આવ્યો કે નવા નવા જ્વેલરીના ધંધા ખેલતા હોય એમને આટલી બધી અબજોની ઈન્વેન્ટરી કેવી રીતે રાખવી ? એટલે સોનુ વ્યાજે લ્યે છે .. મેં કીધું ધંધો સારો પણ લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખ્યા ના મરે..!
આપણે તો લાખ કમાયા નથી અને લખેશરી થયા નથી દસ કિલો સોનું ???? ઓ માડી રે…
પણ આવા ભાડે અપાયેલ સોના ચાંદીના પ્રોફિટ બુકિંગ થઈ જાય તો ઘણા તકલીફમાં આવે ખરા ..
હવે આપણને એક ગાંડો વિચાર આવે છે .. આ જ્વેલર્સ પાસે બહુ બધું સોના ચાંદી હોય એ વાત નક્કી , આપણે આપણી તાકાત પ્રમાણે વિચારીએ ચાલો ..
વિચારવા માટે તાકાત અને ઔકાત બંને જોઈએ હોં .. અને આ બંને જાત્તે ઊભી કરવી પડે.. !
માની લ્યો કે બુધલાલ જ્વેલર્સ પાસે સો કિલો સોનું અને પચાસ કિલો ચાંદી છે , ગયા વર્ષે એટલે કે ૩૧/૩/૨૫ તારીખે એમની જે સ્ટોક વેલ્યુ બેલેન્સ શીટ માં હતી એ આ વર્ષે ૩૧/૩/૨૬ એ કશું જ કર્યા વિના ફરી જાય તો હવે માડી ટેક્ષ ઠોકી લ્યે ખરા ???? આ તો આજે બજેટ ને એટલે યાદ આવ્યું ..
એમાં કોંઠા, કબાડા, કાઠા, કઠલા … વગેરે વગેરે ચાલતું રહે કે નહી??
સટ્ટા ની રમત ભારત દેશની દેન છે , પેહલા ધર્મરાજે જુગાર રમતા શીખવાડ્યું અને પછી પ્રજા સટ્ટા ખેલતી જાતે થઈ ગઈ , મોટા મોટા બજારો જે ઓનલાઇન ચાલી રહ્યા છે એ મોટા કેસિનો છે , જેમ કેસિનોમાં એન્ટર થઇ એ પેહલા નક્કી કરી લઈએ કે સો ડોલરનું રમવું છે કે બસ્સો ડોલરનું અને પૂરા થાય એટલે આપણે બહાર એમ જ સટ્ટા બજારમાં ઉતરો ત્યારે ખબર હોવી જોઈએ કે કેટલા સુધી રમવું છે ,બાકી તો ઉલાળીયો થતા અડધી મિનિટ ના લાગે…જે દિવસે નાના નાના સ્કૂલ કોલેજના છોકરા તમને સલાહ આપતા થઈ થઈ જાય કે ફલાણા શેર લઈ લ્યો ,ચાંદી લઈ લ્યો , સોનુ લઈ લ્યો એટલે સમજવું કે હવે બજાર ગમે ત્યારે ધબાકો બોલાવી દેશે.. પછી કોઠીમાં મોં ઘાલીને રડે ..
ઓન સિરિયસ નોટ…
નવી પેઢી , આધેડ પેઢી , જરાક જૂની પેઢીને પૂછી લ્યે કે શું પરિસ્થતિ થઈ હતી માણેકચોકની..સટ્ટો ચડે ત્યારે અને ઉતરે ત્યારે .. ફર્નાન્ડિઝ બ્રીજની નીચે લોહીની નદીઓ વહી હતી અને આખા કો ઓપરેટિવ સેક્ટરનો ખો બોલી ગયો હતો..
બહુ મોટો વર્ગ આજે રૂપિયાથી રૂપિયા ખેંચવામાં પડી ગયો છે , પણ એવું થતું નથી , રૂપિયા રોકી અક્કલ ,મેહનત બધું ન જોડે લાગે તો ધોતી નો રૂમાલ નક્કી , ઇન્વેસ્ટર અને ઇન્વેસ્ટમેન્ટની સાદી પરિભાષા એટલી જ છે કે ગામ આખું અંદર જાય ત્યારે એ બજારે થી બાહર નીકળી જવું અને ગામ જે બજારે થી નીકળે ભાગે ત્યાં ઉતરીને થોડોક માલ લઈને ઘેર આવી જવું , કોઈ વધારાના ખેલ ઇન્વેસ્ટર ના કરે ..
સટોડિયા ગમ્મે તે કરે..!!
ઇન્ટરનેટ ના દોરડાથી દુનિયા એવી બંધાઈને નાની થઈ ગઈ છે કે સવારના છાપા વાસી થઈ ગયેલા લાગે છે , ભારત ઊંઘતું હોય ત્યાં તો પાછળની દુનિયામાં કંઈક મોટી હલચલ એવી થઈ ગઈ હોય કે બજારો આખા ઉપર નીચે થઈ જાય ..
ગણતરી બહારનું જતું રહે સામાન્ય માણસનું ..
માટે ધરા ગુર્જરીના સંતાનો જરાક ધ્યાન , આ વખતે ખેલી લેવામાં સાર નથી , સાટા પાટા બહારથી અને ઊંચા ગોઠવાયા છે પક્કડમાં આવે એમ નથી .. મરવા દો સોશિયલ મિડિયાના અને મીડિયાના કલાકારોને જ્યાં પડ્યા છે ત્યાં .. કાન આપવા પણ મન, હાથ નહીં અને રૂપિયા તો બિલકુલ નહીં , બાકી બજેટ માં ભાષણ સિવાય બીજું કશું વધારાનું બહુ ખાસ હોય એવી અપેક્ષા ઓછી …
રહી વાત બોટમ લાઇન ની તો ખેલ ચાલતો હોય તો દૂરથી સલામ કરવી , ઇન્વેટર ક્યારેય રહી જતો નથી કે કમાઈ જતો નથી , માપે માપે નીકળી જાય .. ચાંદી તારશે ઓછા ને પણ મારશે ઘણા ને ..!
જય હો ધર્મરાજની
આપનો રવિવાર શુભ રહે
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*