આજે સવારના છાપા જોયા ત્યારે સેહજ એવો એહસાસ થયો કે આપણા છાપા પણ હવે અમેરિકન છાપાઓ ની જેમ સ્વાર્થી થતા જાય છે ,
આપણા દેશના કેઓસને જ પ્રાધાન્ય આપતા થઇ ગયા છે બીજા કોઈ ન્યુઝ ઘણા અંદરના પાને જતા રહે છે..
આ પરિસ્થિતિ સારી કે નહિ એ ખબર નથી, પણ હું થોડાક દિવસોથી ચીન દેશમાં ફાટી નીકળેલું કોરોના નું કોગળિયું કેટલે પોહચ્યું એ જાણવા મથુ છું પરંતુ કોઈ નક્કર સમાચાર મળતા નથી ..
ઘણા બધા એ રશિયાના ચેર્નીબલ દુર્ઘટના
સાથે જોડી અને લખ્યું પણ કોરોનાનું કોગળિયું જુદું છે,
મરણ આંક ભારતના છપના કાળ
કરતા પણ જો આગળ વધે તો ખુબ જ ભયાનક સાબિત થાય એવું છે ને વાતના છેડા ક્યાંય મળતા નથી..
વી-ચેટ ઉપર ચીનાઓ જોડેના સંપર્ક કરવા જઈએ છીએ પણ કૈક ઉટપટાંગ લખે છે એટલે ટ્રાન્સલેશન પ્રોપર આવતું નથી..કેટ ઈઝ લાઈવ ને એવું બધું કૈક લખે છે..
લગભગ અંધારે છે ચીન દેશની ખબર માટે દુનિયા..!!
છેલ્લા બે ત્રણ દિવસથી ધંધાકીય કામ ના ભાગ રૂપે ભારત ભ્રમણ એ નીકળ્યો હતો , ભારતના મોટા મોટા ધંધાદારીઓ કે જેમની ફેકટરીઓ સ્ક્વેર કિલોમીટરમાં છે એવા લોકોના માથે ચિંતાની લકીર ખેંચાયેલી સ્પષ્ટ રીતે દેખાઈ રહી છે ..
ક્યાંક એક તક ચોક્કસ ઉભી થઇ છે,
યુરોપ સહીત પશ્ચિમ અને પૂર્વમાં પણ એક વિચાર ઉભરી ને બાહર આવી રહ્યો છે કે એકલા ચીન દેશને આખી દુનિયાનું પ્રોડક્શન હાઉસ આપણે બનાવી દીધું છે પણ બધુંય એક જગ્યાએ રાખી ને કોઈ ભૂલ તો નથી થઇ ગઈ ને..!!
જે ઉદ્યોગપતિઓ આંતરરાષ્ટ્રીય કક્ષાની પ્રોડક્ટ બનવી રહ્યા છે અને જેમનું થોડુંઘણું પણ એક્સપોર્ટ છે અને જોડે જોડે એક્સપોઝર પણ છે એ લોકોના મેઈલ બોક્સ છેલ્લા ચાર દિવસથી નવી નવી ઈન્કવાયરીથી રીતસર છલકાઈ રહ્યા છે..
એક ઉદ્યોગપતિના બેઠ્ઠા શબ્દો મુકું તો “ સેશવભાઈ (શૈશવની બદલે સેશવ બોલે છે એ ) ક્યા કહું આપકો જિસ દેશ કા નામ તક નહી સુના વહાં સે ભી ઈન્કવાયરી મિલ રહી હૈ..પતા નહિ ક્યા હોને જા રહા હૈ .. રીઅલી સિચ્યુએશન ઈઝ વેરી અનપ્રીડીક્ટેબલ..”
મારો સવાલ એમને એ જ હતો કે ઈન્કવાયરી મળે, ચલો ધંધો પણ કદાચ આનનફાનનમાં તમે સેટ કરો , પણ તમારી પાસે તમારું રો મટિરિયલ કેટલું પડ્યું છે..?
દુનિયા આખીના કારખાનાઓમાં આજે ચીન દેશથી આવતું કોઈ ને કોઈ રો મટીરીયલ હોય જ છે તો પછી બકરે કી અમ્મા કબ તક ખૈર મનાયેગી ?
તમારું ખુદ નું કારખાનું કેટલા દિવસ ચલાવી શકશો ?
આજે ભારત કે કોઈ બીજા દેશોમાં જ્યાં જ્યાં મેન્યુફેક્ચરિંગ સેક્ટર થોડું ઘણું ગ્રો કરી ગયું છે ત્યાં આ પરિસ્થિતિ છે..
અચાનક આવી ચડેલા ધંધા જોઈ ને ગેલ ચડ્યા છે ઘણા બધાને પણ આ ગેલ કાયમી ટકાવવો જરૂરી છે..!
અનેકો અનેક ઉદ્યોગ આજે કોઈ ને કોઈ રીતે રો મટીરીયલ માટે ચીન દેશ ઉપર નિર્ભર છે, દસમી તારીખથી ચીન દેશમાં બધું રૂટીન થશે એવા સમાચારો છે પણ પેહલા ચીન દેશ નું વર્ષનું વેકેશન અને પછી કોરોના નું કોગળિયું આ બંને વેકેશન આવી ગયા છે એટલે જેમના માલો પાઈપ લાઈનમાં છે એટલે કે દરિયામાં તરી રહ્યા છે એ લોકો ને સેહજ ગેલ ની લાગણી થઇ રહી છે પણ હવે પાઈપ લાઈનમાં માલ કેટલો હોય ? અને હજી પણ જો આ કોરોના નું કોગળિયું લાંબુ ચાલ્યું તો પછી શું ?
યક્ષ પ્રશ્ન દુનિયા આખી ની સામે આવી ને ઉભો છે ..!!
છેલ્લા બે દિવસમાં તો જેને જેને દિમાગમાં ટપ્પા પડ્યા એ બધાએ ત્રણ ચાર મહિનાના રો મટીરીયલ કારખાનાઓ અને ગોડાઉનમાં ભરવાના ચાલુ કરી દીધા છે એટલે ભારતમાં ટેમ્પરરી તેજી નો માહોલ ઉભો થતો દેખાશે ,
પણ પછી મોહનદાસ કરમચંદ યાદ આવશે ..
સ્વદેશી એ સ્વનિર્ભરતા દરેક વસ્તુમાં હોવી જ જોઈએ ..
બિચારા મોહનબાપા ગ્રામ સ્વરાજમાં એવું કેહતા કે દરેક ગામડાની જરૂરીયાત એની નજીકમાં નજીકથી પુરી થવી જોઈએ અને કીધેલું ઝાલી રાખવા ટેવાયેલી પ્રજા એ કૈક અર્થના અનર્થ કાઢ્યા ..
એ વાત જવા દઈએ પણ હવે લાર્જર સ્કેલમાં જોઈએ તો એટલીસ્ટ ભારત દેશે પોતાની આખી ઇકો સીસ્ટમ
ઉભી કરવી રહી અને દુનિયા ને એહસાસ કરાવવો રહ્યો કે
ટેન્શન કરું નકો .. મી આહે .. ઝરાક પણ ગાભરું નકો ..
ચીન દેશ નું કોગળિયું કાઢવામાં અમારો પૂરો સહકાર ,પણ માલ જે જોઈએ એ અમારી જોડે પડ્યો છે તમતમારે મોજ કરો અમને ડોલર આપો અને તમે માલ ઉઠાવી જાવ ..
એક કારખાના ઉપર ડીપેન્ડ ના રેહ્વાય ક્યારેય ..સપ્લાયર હંમેશા બે જ રાખવા અને એ પણ ખમતીધર ..!!
અમારા ગુજરાતી બૈરાઓ પાસેથી શીખો ,કામવાળી હંમેશા બે ત્રણ રાખે ,કચરાપોતા માટે એક એક વાસણ અને એક કપડા ધોવા ..લગભગ આજકાલના પેલા ખીચડી સીરીયલના પ્રફુલ્લ-હંસા ..
લે હાય હાય પ્રફુલ્લ , કામ ઔર મૈ ..? અને પ્રફુલ્લ પણ બોલે ના મારી હંસુકડી ના તું ઔર કામ
? કભી નહિ..!!
એક કામવાળી ના આવે તો બીજી બે તૈયાર હોય ગમ્મે તેની જોડે કરાવવાનું પણ હંસુકડી કામ કરે નહિ.. જો કે ગુજરાતી પ્રફૂલ્લીયો પણ ઓછો નથી, જ્યાં હોય ત્યાંથી વ્યાજ ખાવું હોય અને એક ના બે વગર પરસેવે શોધતો હોય , જો જો પોન્ઝી સ્કીમોમાં ગુજરાતી માટીડો વધારે સલવાયેલો મળશે..!!
એની વે અત્યારે તો આપણને એક માધાંતા એ સલાહ આપી કે એક્સપોર્ટર ને કેહ્જે કે નવો ઘરાક આવે તો વર્ષ નો પરચેઝ ઓર્ડર અને વેન્ડર પ્રોટેક્શન માંગવું આજે માલ આપું પછી કાલે ભાગી નહિ જવાનું..!!
થોડાક વિડીઓ સોશિઅલ મીડિયા ઉપર જોઈએ છીએ સાચા ખોટા રામ જાણે પણ ભયાવહ વિડીઓ હોય છે , મારા જેવાને ફોરવર્ડ કરતા પણ બીક લાગે છે ..
ચીન દેશ સિવાય ક્યાંય કોરોના વધારે પગ પેસારો કરી શક્યો નથી પણ આ તો વાઈરસ છે ,અને વિદ્વાનો ઘણી બધી કુશંકાઓ પણ કરી રહ્યા છે કે માનવનિર્મિત વાઈરસ છે વગેરે વગેરે..
સાચું ખોટું ક્યારેય ચીન દેશમાંથી બહાર નહિ આવે ,
હું પેહલા પણ લખી ગયો છું કે જે સમયે ઈતિહાસ રચાઈ રહ્યો હોય ત્યારે એ સમયમાં જીવતા લોકો ને સેહજ પણ અંદાજ નથી હોતો કે એ લોકો કઈ ઘડીના સાક્ષી થઇ રહ્યા છે..
આશા રાખીએ કે “છપના કાળ” ની જેમ ૨૦૨૦ ની સાલ માનવ જીવનના ઈતિહાસમાં ક્યાંક કલંકિત સાલ તરીકે ના સ્થાન ના પામે..
પેહલીવાર એવું થઈ રહ્યું છે કે ઝટ ઠંડી જાય અને ગરમી આવે તો વાયરસ ને કંટ્રોલ લેવામાં મદદ મળે ..
શાંઘાઈ ગઈકાલે ચાર ડીગ્રી બતાડી રહ્યું છે, આ એ જ સીઝન છે કે જયારે અમે રાત પડે ને અમે શાંઘાઈની અંગડાઈ ને મન ભરી ને હાપુ નદી ને કાઠે ઉભા ઉભા માણતા હોઈએ છીએ ..હેઈ મજાની ક્રુઝ લઈને લીલું ,પીળું તરબૂચ ખાતા હોઈએ અને ગોધૂલીએ શાંઘાઈ ની સ્કાય લાઈન ધીમે ધીમે સજતી જાય અને દસ વાગતા તો સોળે શણગાર સજી લ્યે શાંઘાઈ આખું..!!
(ફેસબુક પર જુના ફોટા મુકું છું ખોટું ટેન્શન ના લેતા અમદાવાદમાં જ છું ભાપલીયા)
આપની સાંજ શુભ રહે
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)