મસુદ અઝહરની બાબતમાં સલામતી સમિતિમાં ચાઈનાએ વીટો પાવર બતાડ્યો..
શું નવું થયું આમા ? મારા થોડાક વોટ્સ એપ મિત્રો એ સંદેશા ફેરવવાના ચાલુ કરી દીધા ચાઇનીઝ પ્રોડક્ટ્સનો બહિષ્કાર કરો..
એ ડોબા ૨૦૧૬ છે આ ૧૯૧૬ નહિ, ભિખારી માનસિકતામાંથી બહાર આવ ૧૯૧૬માં આપણે અબુધ,અજ્ઞાની,બાપડા,બિચારા,કચડાયેલા,ભૂખ્યા,નાગા હતા.. અત્યારે નહિ ( એમ કે ગાંધી એ પોતડી અમસતા જ નોહતી પેહરી લીધી)
બહિષ્કારનું હથિયાર હવે નહિ ચાલે ..! એમ કે ગાંધીને માર્યાને વર્ષો વીત્યા બકલા..!!
એકવાર આપણા ગુજરાતના મુખ્યમંત્રી મોદીકાકા ભૂલ ભૂલમાં પણ સાચુ બોલી ગયા હતા “મિત્રો આંપણી હરીફાઈ હવે ચીન અને જાપાન સાથે છે”
જો કે ત્યારે મને પણ ડર લગ્યો હતો અને થયું હતું કે ક્યાં તો મોદી સાહેબને ખબર નથી કે ચીન અને જાપાન ક્યાં આવ્યા અથવા તો પછી ફેંકી ગયા..!
પણ હકીકત એ છે કે ચાયનીઝ પ્રોડક્ટનો બહિષ્કાર કરવા માટે એ બધી પ્રોડક્ટ્સ આપણે અહિયા ભારત દેશમાં બનાવવી પડે ડાર્લિંગ,પછી એનો બહિષ્કાર થાય..!!
એમનેમ બહિષ્કારનું પૂછડું ઝાલ્યુને તો સૌથી પેહલા તારું પ્રાણપ્રિય રમકડું છે ને તારા હાથમાં ,મોબાઈલ નામનુ એ જ તારે ફેંકી દેવુ પડશે
બોલ,પછી ક્યાંથી કેન્ડીક્રશ રમીશ અને વોટ્સએપ કે ફેસબુક ખોલીશ ?
હવે એમ તો બિલકુલ ના બોલતો “અભણ” કે તો હું ઇન્ટેક્ષ નો મોબાઈલ લાવીશ, એ મોબાઈલની ઉપરની ચડ્ડી જ દેસી છે, બાકી અંદરનો ઝીણો ઝીણો માલ તો ચાઇનીઝ જ છે..!
બધી સર્કિટ અને સેમીકંડકટર અત્યારે ચીના જ બનાવે છે,એકવાર મનમોહન દાદાએ હોશીયારીમાં ને હોશિયારીમાં સેમીકંડકટર ઇન્ડસ્ટ્રીઝને કહી દઈશું હતું કે ૨૫% સબસીડી હું આપીશ અને ૧૫ % સ્ટેટ ગવર્મેન્ટ આપશે, તમે તમારે આવી જાવ અને બે જર્મન ભાયડા આવી ગયા હતા એક ગુડગાંવ અને બીજો ગુજરાત પ્રાંતિજમાં એક એક લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ લઈને..
હવા નીકળી ગઈ હતી, ગભરામણ થઇ ગઈ હતી ..
બાય ધ વે ટીપીકલ સેન્સ ઓફ “ગભરામણ” આ શબ્દ પાછળથી અંગ્રેજીમાં નાખવામાં આવ્યો હતો મેડીકલ ટર્મિનોલોજીમાં ..મારા પપ્પા એમ કહે કે આ સાલા બ્રીટીશરોને ગભરામણ થતી જ નહી હોય? મારે તો દર ચોથો પેશન્ટ આવે છે સાહેબ બહુ ગભરામણ થાય છે..!!
એશી હજાર કરોડની સબસીડી જોઈને ગભરામણ થઇ ગઈ હતી નોર્થ બ્લોક અને સાઉથ બ્લોક બંનેને,ખાલી બે જ પ્રોજેક્ટમાં..!!
હજી અધર મા લટકે છે ..
મોદી સાહેબને એ બરાબર યાદ છે એટલે એ આજકાલ ટુરીઝમ પર વધારે જોર આપે છે,તાજમેહલ દેખાડીને રૂપિયા કમાવાના, એમાં ફી નો વધારો કરી નાખ્યો..
સાલી સબસીડી આપવાની ઝંઝટ જ નહિ, આવ દારૂ પી તાજમેહલ જો મોજ કર અને ડોલર ખર્ચીને ઘેર પાછો જા..!
બકલા ડાર્લિંગ સમજ તું , દાદાજીએ બહિષ્કાર કરીને ચલાવ્યુ ને એવું તારાથી નહિ થાય તું હવે “ઢીલો” થઇ ગયો છે..ઈલેક્ટ્રોનિક રમકડા વિના બકા તને કે તારી બકલીને બિલકુલ નહિ ફાવે..
ફ્રીજ,વોશિંગ મશીન,ટીવી, મોબાઈલ, આઈપેડ, કોમ્પ્યુટર,એસી..વગેરે વગેરે વિના તારો સંસાર ઉજડી જશે અને આના વિના ચલાવવાનું કહીશને તારી બકીને, તો સો ટકા એ ગઈ એના બાપના ઘેર, ક્યાં તો તું ગયો પાગલખાને..!!
મારા ઘરવાળાએ તો કહી દીધું જે ડીશ વોશર નું પ્લાનીગ રાખજે કામવાળાઓ નો બહુ જ ત્રાસ છે એટલે બે ચાર મહિનામાં લેવું પડશે..!
ખોટા ખોટા લોકોના રવાડે ચડી અને વોટ્સએપ ના ફેરવ બકલીને જો ખબર પડીને તો ..!!
હકીકત એ છે કે ચાઈના સાથે કોમ્પિટ કરવાની જરૂર છે, કશું જ અશક્ય નથી, ઘણી બધી એવી પ્રોડક્ટ્સ છે કે જ્યાં ચાઈના ખુબ માર્જીન ખાય છે એવી પ્રોડક્ટ્સ શોધી શોધી અને ચાઈનાને પછાડો, એના માર્જીન કાપો અને જો થાય તો થોડે ઘણે અંશે ચાઇનીઝ પ્રોડક્ટ્સ પર એન્ટી ડમ્પિંગ ડ્યુટી ઠોકો..
હું એકવાર પેરીસથી પાછો આવતો હતો ત્યારે ત્યાં કોઈ એક્ઝીબીશનમાંથી પાછા આવતા રાજકોટના બે કાઠીયાવાડી “ભાયડા” મળી ગયા હતા કોઈ એન્જીનીયરીંગ પ્રોડક્ટ્સ બનવતા હતા,
ટોટલ કાઠીયાવાડી ગુજરાતી બોલે, એ ભાઈઓની છઠ્ઠી પેરીસ યાત્રા હતી, વાતો ચાલી મેં કીધું તમેં ઈંગ્લીશમાં કમ્યુનીકેટ કરો છો?
મને કહે ના ભાઈ ના ચીનાઓને વળી કયું અંગ્રેજી આવડે છે અમે તો ધોળિયાઓ પાસેથી ડીઝાઇન લઇને માલ બનાવીને મોકલી દઈએ છીએ..અને ચીનાઓની પથારી ફેરવી નાખી છે અમે અમારી પ્રોડક્ટ્સમાં
બીજા બે મેહસાણાના એવા “ભાયડા”ને ઓળખું છું કે જેણે એમની પ્રોડક્ટ્સમાં ચીનાઓની ફેક્ટરી બંધ કરાવી દીધી, કોઈને ઉભા રેહવાની જગ્યા જ નથી રાખી..
ક્રુડ ઓઈલ,સોનુ અને ઇલેક્ટ્રોનિકસ આ ત્રણ ભારતની દુખતી નસ છે, ક્રુડ ઓઈલ માટે તો પેહલી વાર સાઉદી અરબ એના સ્ટોરેજ ભારતમાં લાવી રહ્યુ છે એટલે એમાં બહુ જ મોટી રાહત થાય એમ છે , જોઈએ આજે મોદી સાહેબ રિયાધથી શું લાવે છે..!
સોનુ એને કન્ટ્રોલ કરવા માટે એક ટકો એક્સાઈઝ નાખી છે પણ સોની મહાજનો ગાંઠતા નથી, ભલે છ મહિના બંધ રેહતા જવેલર્સ પણ આ એક્સાઈઝ કાઢવા જેવી નથી ,
રહી વાત ઇલેક્ટ્રોનીક્સની તો એના માટે અત્યારે નાના દસથી પચાસ કરોડ સુધીના પ્રોજેક્ટ્સ પર કેન્દ્ર સરકારે સબસીડી જાહેર કરી અને ચાયનીઝ ડ્રેગન જોડે બાથ ભીડવાની પુરતી તૈયારી કરી છે, અને એમાં સૌથી મોટો સાથ આપી રહી છે એલઈડી લાઈટ્સ..
જો કે એમાં પણ રોમટીરીયલ લગભગ બધા ચાઈના અને તાઈવાન આપે છે, એક સર્વે એવો હતો કે ચાઈનાની લગભગ ૬૨% ઇલેક્ટ્રોનિકસની ફેક્ટરીઓના માલિક જાપાનીઝ છે .
જાપાન અને ચાઈના ઘણીવાર દક્ષિણી ચીની સમુદ્રમાં સામસામે ખાંડા ખખડાવતા આવી જાય છે,અને છત્તા પણ જાપાનનું પુષ્કળ રોકાણ ચીનમાં થયેલુ છે.
એ જાપાન ચીન છોડી અને બ્રાઝીલમાં રોકાણ કરી રહ્યું છે પણ ભારતમાં નથી આવતુ..!! કેમ ?
બકા તારી નાલાયકી, હરામખોરી, ભ્રષ્ટાચાર. લાયસન્સ દુનિયામાં ક્યાય ના હોય એવા ટેક્ષ અને એ પણ પાછલી તારીખથી લાગુ પાડી ને લેવાના..
તારા દાદાની આવક ૧૯૫૨માં બે લાખ હતી ,એટલે બકા આજે ૨૦૧૬માં તારે બે કરોડ ટેક્ષ ભરવાનો (વોડાફોન કેસ રીટ્રોસ્પેક્ટીવ ઈફેક્ટથી ટેક્ષ)
હવે આવા ધંધા કરે તો કોણ આવે તારે ત્યાં ?
જરૂર છે પાતાળ ફોડી અને પાણી કાઢે એવા “ભાયડા” ઓની અને દરિયા ખોદે એવા મરજીવાઓ ની
ચીનની દુખતી નસ એનો વેપાર છે , આપણે ચીન માટે એટલુ મોટું માર્કેટ નથી, દુનિયા ઘણી મોટી છે..
જો ખરેખર એવો ક્ષાત્ર વટ રાખવો હોય તો યુનો માં જઈને લવારા કરવા એના કરતા એકવાર અંદર ઘુસીને ઢીમ ઢાળી દેવું આગળ પડે , પછી જે થવું હોય તે થાય ..
પેહલો ઘા રાણાનો
વીર ભોગ્યે વસુંધરા
જય હિન્દ
શૈશવ વોરા