ગુજરાતની રાજ્યસભાની ત્રણ સીટો નું ઈલેક્શન..
એક ઐતિહાસિક ઈલેક્શન થઇ ગયું છે આ આજનું ઈલેકશન..રોડ પર રખડી ખાતો સામાન્ય ગુજરાતી તેહવારોની ઉજવણીમાં મસ્ત છે, પણ જેને રાજનીતિને ઝીણી નજરે જોવાની ટેવ છે એ બધાને માટે તો “રણ” જામ્યું છે અને બિલકુલ ભાજપ અને કોંગ્રેસના “મદમસ્ત” ગજ સામસામે આવી ગયા છે..
ઘણા વર્ષે દેશમાં આવો ગજગ્રાહ જોવા મળી રહ્યો છે,એડીચોટીનું જોર બંને ગજરાજો લગાવી રહ્યા છે..
પેહલા રાજીનામાં પછી અચાનક બેંગલોરમાં લઇ જવા,ઇડી ની રેડ અને હવે અડધી રાત્રે અમદાવાદ પાછા અને અમદાવાદથી આણંદ નિજાનંદ રિસોર્ટ, ત્યાંથી મતદાન માટે મહાત્મા મંદિર અને વચ્ચે રાહુલ ગાંધીનું “ટુરીઝમ” અને પછી એમની ગાડી ઉપર પડેલો પથરો..!
કદાચ ભારતના સિત્તેર વર્ષના વર્ષના ઈતિહાસમાં રાજ્યસભાનું આવું ઈલેક્શન થયું નથી, અને આવતા સિત્તેર વર્ષમાં થશે પણ નહિ એવું લાગી રહ્યું છે..!
જે રીતે બંને પક્ષો પોતાની તાકાત અજમાવી રહ્યા છે એ રીતે તો લાગી રહ્યું છે સોનિયા ગાંધી વિરુદ્ધ નરેન્દ્ર મોદીનું ડાયરેક્ટ “રણ” જામ્યું છે..અને બંને તરફના સેનાપતિઓ બથ્થમ બથ્થા આવ્યા છે, બોલીવુડના કોઈપણ પિક્ચર કરતા મોટું ક્લાઈમેક્સ જામ્યું છે..
ગાંધીનગર ની લડાઈ સીધી દિલ્લી સુધી જતી રહી છે, ઈલેક્શન કમીશન ઓફ ઇન્ડિયાને જાતે હરકતમાં આવવું પડ્યું છે,મતગણતરી ચાલુ થતી નથી,૧૭૬ મત ગણવા એ કઈ બહુ મોટી વાત નથી, પણ બધું મત ગણતરી રોકીને બેઠું છે..!
અત્યારે ચુંટણી પંચને દરેક પક્ષે કોઈ ને કોઈ મોટા મોટા કાયદા અને ભૂતકાળના બનાવોના હવાલા આપ્યા છે..ચૂંટણી પંચ હવે વિચાર વિમર્શ કરી રહ્યું છે,દરેકે દરેક ચેનલ રાજકીય વિશ્લેષકથી ભરાઈ ગઈ છે,પણ ક્યાંય સામાન્ય માણસનો ઈન્ટરવ્યું લેવાઈ રહ્યો નથી, કે જેના રૂપિયે આખો ખેલ ચાલી રહ્યો છે..!
એક જમાનામાં ક્યાંક વાંચ્યું હતું કે ચુંટણી પેહલા પક્ષપલટા કરીને આવતા કે જતા નેતાઓ ને નરેન્દ્ર મોદી “ચુનાવી વ્યંઢળ” કહે છે,અને એ શબ્દો જ આગળ વાપરીએ તો આજે એ “ચુનાવી વ્યંઢળ” એ જગત જોણું કર્યું છે..
અમે બહુ જ નાના હતા ત્યારે ખાનપુરમાં અમારા પાડોશમાં રેહતા એક સોની પરિવારમાં પાંચ દીકરીઓ ઉપર દીકરો જન્મ્યો,અને ત્યારે વ્યંઢળનો નગ્ન નાચ જોવાનો અમને મહામુલો અવસર પ્રાપ્ત થયો હતો..
સૌથી પેહલા તો ઉનાળાની ભરબપોરે બે વ્યંઢળ ચાલતા ચાલતા સોસાયટીમાં આવ્યા અને તાબોટા પાડવાના ચાલુ કર્યા,અને એમના ભારે અવાજમાં તાબોટાની જોડે જોડે મોટા અવાજે બોલવાનું ચાલુ કર્યું, અમે બધા નાના નાના બાળકો અમારી રમત છોડી અને સોની પરિવારના ઘરની પાસે આવી ગયા, હવે એ ઘરમાં કોઈ પુરુષ માણસના હોવાને કારણે ડર ના માર્યા સોની પરિવારની દીકરીઓએ એમના ઘરના બારણાની જાળી સજ્જડ રીતે બંધ કરી દીધી,જાળી અને બારણું બંધ થવાને કારણે અને ઘણીવાર ખખડાવવા છતાં કોઈ જ રિસ્પોન્સ ના મળવાને કારણે એ ત્રણ ચાર વ્યંઢળોની અકળામણ વધતી ગઈ અને પછી જેમ જેમ સમય જતો ગયો તેમ તેમ વ્યંઢળનો ઘાઘરો ઘૂંટણ સુધી ઉછાળવા લાગ્યો,અમે નાના નાના દસબાર વર્ષના ટેણીયા અને બધા જમીન પર ઓટલે બેસી ગયા કે હમણા ઘાઘરો વધારે ઉંચો કરશે..
હવે થયું એવું કે સોની પરિવારના સામે રેહતા એમના પાડોશી નામે કાન્તાકાકી જરા શરીરે ભારે અને થોડા ઊંચા અને પોહળા એમણે પેલા વ્યંઢળના સરદારને એમણે આવીને કીધું તને જે જોઈએ તે મળશે પણ પુરુષ માણસ ઘરમાં નથી અને સુવાવડી ખાટલેથી ઉભી નહિ થાય, એટલે અત્યારે તમે રવાના થાવ,પેલા વ્યંઢળ માન્યા નહિ અને જીદે ચડ્યા છેવટે એમણે એમના ઘાઘરા ખોલી નાખ્યા..અમે નાના નાના ટેણીયા બધા હાય હાય કરતા ભાગી ગયા અને અમારા ઘરમાં ભરાઈ ગયા,અમે અમારા બારણાની તિરાડમાંથી આખો ખેલ જોતા રહ્યા ,
છેવટે પેલા પાડોશી કાન્તાકાકીએ એમની વહુને મોટેથી ઘાંટો પડ્યો કે ધોકેણું લાવ વહુ, હવે તો આને એનો ઘાઘરો અહિયાં મૂકી ને જ જવો પડશે, કાન્તાકાકીની વહુ દોડતી ધોકેણો લાવી, પેલા વ્યંઢળમાંના એક એ ધોકેણો એમની પાસેથી છીનવી લીધો અને સંપૂર્ણ નગ્ન થઇને એ લોકો નાચવા માંડ્યા અને પછી તો કાન્તાકાકીનું મગજ ગયું, અને એ જાતે ઘરમાં જઈ અને દોડીને એમના ઘરમાંથી સાંબેલું લઇને આવ્યા અને એક વ્યંઢળને કમ્મરમાં માર્યું, અને પછી એમની મદદે સોસાયટીના બીજા બે-ત્રણ બૈરા આવી ચડ્યા છેવટે પેલા વ્યંઢળ ઉભી પુંછડીએ ભાગ્યા..!
આખા ખેલનો ત્યાં મધ્યાંતર આવ્યો..
રાત પડ્યે સોની પરિવારના પુરુષો ઘેર આવ્યા..આખી ઘટનાની જાણ થઇ એમને માતાના ભક્તોના અપમાનથી ડરેલા પુરુષો એ બે દિવસ પછી આખી વ્યંઢળની મંડળીને માનસન્માન સાથે બોલાવી, ઢોલ, ઢોલકી અને ખંજરી સાથે આવેલી વ્યંઢળની ટોળીના લગભગ બે કલાક નાચગાન થયા અને એ નવા જન્મેલા પુત્ર રત્નને લઈને આખી ટોળી નાચી,ખોબલે ખોબલે આશીર્વાદ વેર્યા એ પુત્રરતન ઉપર અને એમનો “લાગો” લઇને ગઈ પણ આખી ઘટના મારા નાનકડા મગજ પર એક બહુ જ ગંદી છાપ મુકીને ગઈ..!
આજે ગુજરાતમાં ચાલતા છેલ્લા થોડાક દીવસોથી ચાલી રહેલા નગ્ન નાચને બારણાની તિરાડમાંથી જોયા કરું છું,પણ મારું દિલ કાન્તાકાકીને શોધી રહ્યું છે કે જે સાંબેલું લઈને ઘરની બહાર આવે અને એકાદાની કમ્મરે મારે અને બીજા ત્રણ ચાર બૈરાઓ ને કે જે લોકતંત્રમાં ચાલતો આ “નગ્ન” નાચ ને અટકાવે..!
કોણ સારું અને કોણ ખરાબની પંચાતમાં ઉતર્યા વિના હું તો એટલું જ કહીશ કે સુવાવડીના ખાટલે પડેલી ધરા ગુર્જરીના ઘરની બહાર ચાલતો આ નાચ કોઈક તો જલ્દી અટકાવે..!
શું ફર્ક રહ્યો ગુજરાત ધારાસભ્યમાં અને બીજા રાજ્યોના વેચાઉ ધારાસભ્યમાં.. ખરેખર દરેક ની ઉપર “પ્રાઈસ ટેગ” લાગેલું જ હોય ?
પોતાના રાજકીય હિસાબ સરભર કરવા માટે છેક બેંગ્લોર અને દિલ્લી સુધી જઈને તાબોટા પાડીને આવ્યા..!
છી છી છી…
ઉપર વર્ણવેલી ઘટનામાં તમને શું યાદ રહ્યું ?
વ્યંઢળ નો નગ્ન નાચ કે હોશે હોંશે આપેલા આશીર્વાદ ?
હવે આવતીકાલે માથા કાપી અને પાઘડી પેહરાવશે તો શું મતલબ ?
ગુજરાતની ધરતી અને એમાં પણ ગાંધીના નામે બનેલું મહાત્મા મંદિર તો અભડાયુ જ ને..?
વિચારજો દોસ્તો આજે મારી જેમ તમે પણ તિરાડમાંથી નાચ જોઈ રહ્યા છો..અંતની આશા છે
શુભ રાત્રી
શૈશવ વોરા