ગુર્જર પ્રદેશે ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે..!!
આમ તો રાજકીય લખવાનું છોડી દીધું છે એમ કરીને કે ખાલી ખોટા આ કકળાટમાં શું કામ પડવું ?? ,
પણ અંદર નો પંચાતિયો જીવ જપતો નથી, લાખ મનાવો પણ માને નહિ..!!
પૂછો કયું ?
તો કહે ટીવીની ચેનલો જોઈ જોઈ ને દિમાગ સડી જાય છે એટલે ખાલી કરવું જ પડે અને આપણને એક જ રસ્તો દેખાય ..!
ઘસડી મારો એટલે મગજ ખાલી..!!
પાંચ રાજ્યોના પરિણામો ગુર્જર પ્રદેશે ઝડપથી ચૂંટણી લાવે એવા એંધાણ વર્તાય છે..!
આમ તો મોદી સાહેબ દિલ્લીની ગાદીએ બેઠા છે ત્યાં સુધી ગુર્જર પ્રદેશ એમની શરમ ભરશે અને બહુમતી આપી દેશે ,પણ કેટલી બહુમતી ૧૮૨માંથી એ પ્રશ્નાર્થ થઇ ગયો છે..!
શુદ્ધ અમદાવાદી ભાષામાં કહું ને તો છાપેલા કાટલાં
થી વસ્તી કંટાળી છે,
એક આખી નવી પેઢી મતદાતાઓની આવી છે, એમને ડફોળ ,અભણ પણ ચૂંટણી જીતાડે એવા ઉમેદવારો નથી જોઈતા,
આજે ક્યાંક વાંચ્યું કે પંજાબ વિધાનસભામાં બાર એમબીબીએસ ડોકટરો આવ્યા છે અને એમના મુખ્યમંત્રીને મોબાઈલની દુકાનમાં કામ કરનારી વ્યક્તિએ ઘરનો રસ્તો બતાડી દીધો..!!
ગજ્જબ કેહવાય નહિ..!!
એકે એક છાપેલા કાટલાંને પંજાબમાં જનતાએ ઘર ભેગા કર્યા છે, યુપીમાં પણ જુવો તો બંને પક્ષે ઘણા બધા છાપેલા કાટલાં ને રમતા કરી મુક્યા છે જનતાએ,
જોવાની મજા આવે આમ તો, કેમ કે જે લોકો આખ્ખા દેશને પોતાની જાગીર સમજતા હતા અને જ્યાં ને ત્યાં એમના બાપદાદાના નામો ચીતરી ઘાલ્યા છે એમની હાલત તો એવી છે કે જાણે સગાં દીઠા શાહેઆલમના શેરીએ શેરીએ ભીખ માંગતા..!!
લોકતંત્રની આ મજા છે આ, જો કે રાજાશાહીમાં પણ આવું જ થતું, પણ ત્યારે ષડ્યંત્રો થતા અને એમાં મેળ ના પડે તો લોહી રેડાઈ જતા અને સત્તા પલટા થઇ જતા, શાહેઆલમ ને જન્નત કે સ્વર્ગમાં જ્યાં જવાનું હોય ત્યાં પોહચાડી દેવામાં આવતા..!
ગુજરાતની સરખામણી કરવી હોય તો યુપી,બિહાર કે ગોવા સાથે થઇ જ શકે તેમ નથી , અત્યારના સંજોગોમાં પંજાબ સાથે પણ નાં થાય,
છતાંય જો મોદી સાહેબ માઈનસ ગુજરાત થાય તો પછી બંને મુખ્ય પક્ષોએ ઘેર બેસવું પડે એવી પરિસ્થિતિ છે..!!
ભયંકર ખરાબ રીતે નેતાગીરીનો અભાવ વર્તાઈ રહ્યો છે..!!
ત્રીજો વિકલ્પ ગુજરાત ,રાજસ્થાન ,મધ્યપ્રદેશ આ બધા રાજ્યો એ ઝટ અપનાવ્યો નથી પણ મતદાતાઓની નવી પેઢી જે જાત વિનાની જાત્રામાં નથી માનતી,
એ રેલીઓમાં પણ નથી જતી, સોશિઅલ મીડિયા અને પોતાના “સોર્સીસ” થી એનાલીસીસ કરી અને બટન દબાવવા જાય છે એટલે ત્રીજા વિકલ્પને પગ પેસારો કરવાની જગ્યા ચોક્કસ મળી જાય એવું છે..!!
અત્યારે રાજ કરતી પેઢીને બધું લોલમ લોલ કરવાની અને ચલાવવાની ટેવ છે, પણ નવી પેઢી રીઝલ્ટ માંગે છે, એ પણ આંખે દેખાય એવું , રામ મંદિરની વાર્તા નહિ નક્કર રામ મંદિર ,કાશી વિશ્વનાથ કોરીડોર જોઈ લે ત્યારે એ બટન દબાવે,
નારી શક્તિને ખરેખર પ્રોટેક્ટ કરનારા જોઈએ છે, ઘચ્ચ્ચ કરતુ એન્કાઉન્ટર થઇ ગયેલું ટીવીમાં જોવા રસ છે, રગશીયે ગાડે તારીખ પે
તારીખના ન્યાયમાં રસ નથી, ત્યારે લગભગ સિત્તેર ઓછી થઇ છતાં પણ સ્પષ્ટ બહુમતી આપી..!!
છેલ્લા એક અઠવાડિયામાં બે-ત્રણ મેડીકલ સ્ટુડન્ટએ આત્મહત્યા કરી લીધી, દીકરીઓના ગળા કપાઈ જાય અને તૈયબઅલી જાન કા દુશ્મન હાય હાય હાય કરીને ગાણા ગવાય તો પછી ટાણે જનતાએ પેલું રાગ ભૂપાલીનું ગીત જ ગાવું પડે ..!
લાજ બચાવો ક્રિષ્ણ મુરારી..
બીચ ભંવર મેં આન ફસી અબ નૈયા મોરી ડગમગ ડોલે..
પાર લગાઓ શરન તિહારી ..!!
પધારો હસ્તિનાપુરથી દેવ..!! પૂરો ચીર..!!
ગુજરાતે અનેકો અનેક ઝીંક ઝીલી છે એ પછી સોમનાથ મંદિર હોય કે કાગડા કૂતરાના મોટે મરીશ પણ સ્વરાજ લીધા વિના પાછો નહિ આવું ,અને છેલ્લે મોદી સાહેબ અને એમની ટીમ ઝીંક ઝીલી રહી છે, પણ આજે દિવા નીચેના અંધારા ચોખ્ખા દેખાઈ રહ્યા છે..!!
ભીતરનો ભેરુ , આતમો ખોવાણો ..!
પ્રજામાંથી બહુ ફરિયાદ નથી આવતી એટલે બધું સુખરૂપ ચાલુ છે એવું માની ને આત્મશ્લાઘા નાં થાય..!
રાવ, ફરિયાદ વિનાની જિંદગી શક્ય છે ?????
પ્રજા ફરિયાદ લઈને પણ નાં આવે એનાથી બુરી વાત કઈ હોય ? સતયુગ આવી ગયો કેહવાય અને તો તો અંત કલિયુગનો..!
સ્પીડ આપ્યા વિના હેલ્મેટ પેહરાવવી છે, અને સ્પીડ માટે નડતર રૂપ દર ચાર રસ્તે ઉભેલા ભિખારી, આડેધડ થયેલા પાર્કિંગ…હવે પૂછો કે આડેધડ પાર્કિંગ કેમ ? તો કહે દુકાનો આગળ પાર્કિંગની જગ્યામાં ઊંચા ઊંચા ઓટલા ગેરકાયદેસર તાણી મુક્યા ,ત્યાં ગેરકાયદેસર રીતે હોટેલો એમના ટેબલ ખુરશી મુકે ,બેફામ લારી ગલ્લા ઉભા રહે, આવા બીજા ઢગલા કારણો..છત્તી આંખે આંધળા ..!
આંખ છતાંય મારી આંખો છે આંધળી ..સરવરિયાનો હંસલો ..!
દર ચાર રસ્તે ભયભીત થઈને પ્રજા ઉભી હોય કે મને રસ્તો મળશે કે નહિ પણ મેમો ચોક્કસ મળશે ,આજે અમદાવાદનું લગભગ એકપણ વાહન ધરાવતું ઘર બાકી નહિ બચ્યું હોય કે જેમના ઘરે મેમાં નાં આવ્યા હોય ..!
સગવડના નામે મીંડું ,પણ વાતો મોટી મોટી અને મેમાં ના પાર નહિ..!!
ટીઆરબીના જવાનો રીતસર ગોલકીપર ગોલ પકડતો હોય તેમ બકરા પકડે અને ગલીમાં લઇ જાય અને એને અમૃતકાળ કેહવાય..!!
જનસાધારણ માટે સ્વર્ણિમ,અમૃત,હીરક, રજત બધું ત્યારે જ શરુ થાય જ્યારે ચાર રસ્તે ઉભેલો ડરાવે નહિ અને કોઇપણ કારણસર પકડીને તોડપાણી ના કરે, મેમાં ના ફટકારે..!!
અંગ્રેજી શાસનના કાયદા આજે પણ છે જે કોઇપણ નાગરિકને જેલમાં પૂરવા સક્ષમ છે..!
રામાયણ અને મહાભારતની વાર્તાઓ ફરી લખવાની જરૂર છે, રાવણને બિન હિંદુ બનાવો અને રામ જોડે મરાવી નાખો, કંસ ને વિધર્મી બતાડો, મહાભારતમાં દુર્યોધનને વટાળ પ્રવૃત્તિ ભોગ બનેલો બતાડો નહિ તો સદીઓથી જેમ ચાલે તેમ અંદર અંદર જ એકબીજાને લુંટતી રેહશે આ પ્રજા..! ગદ્દારો પેદા થતા જ રેહશે..!!
બંને એક જ જીવનશૈલીથી જીવન જીવતા હોય છે છતાં પણ ત્યારે ભાતૃભાવ કેમ નથી જાગતો ?
નર્યો દંભ કરી જીવતી પ્રજા છે ..!!
શાળા કોલેજો ફક્ત ફી જ ઉઘરાવી જાણે છે અને ભણતર માટે એકડિયાથી કલાસીસમાં જવું પડે, શિક્ષણ ક્ષેત્રે નરી લુંટ માં સરસ્વતીના નામે..!!
તો પણ પ્રજા હરખાય કે મારો જૈનમ તો ફલાણી સ્કુલમાં અને ઢીંકણા કલાસીસમાં જાય છે..!!
અહો રુપ્મ્મ .. અહો ધ્વનિ ..!!
જાગો જાગો કરી કરીને વોટ્સ એપ મેસેજના પાર નથી, પણ પોતે પોતાના ને જ લુંટતી અને ગુન્હેગાર ચીતરતી સિસ્ટમો છેવટે નિરાશાની ગર્તામાં ધકેલે છે જાગેલી પ્રજા
ને..!!
કાયદો જે બોલે નહિ ,જેનો અવાજ ના નીકળે, એના માટે જ પાલનકર્તા છે, બંધનકર્તા છે..!
દરેક પેટ્રોલપંપે વણમાંગી સલાહ મળે છે સાહેબ ફૂલ કરાવી લ્યો ગમે ત્યારે બહુ વધશે..!!
પરિવર્તન ઝંખે છે..!
સમાનતા અને ઝડપી ન્યાય ઈચ્છે છે નવી પેઢી..!
આચારને ભ્રષ્ટ કર્યા સિવાય પણ આગળ વધી શકાય છે એવા ઝાંઝવાના જળ થઇ ચુકેલા આદર્શોને માટે ફાંફે ચડેલી છે આજની પેઢી, સરકારી નોકરીઓ માટે લાગેલી લાઈનો એ ટૂંકા રસ્તે અનહદ, બેહિસાબ પામવાની લાઈનો છે..!
શેહરો અને ગામડાની મતદાનની પેટર્નમાં ઝાઝો ફેર નથી, બલિહારી ઈન્ટરનેટ..!
દરેક પક્ષો માટે સમય બદલાવ માંગી રહ્યો છે, છાપેલા કાટલાંને માનભેર ઘેર ના બેસાડયા તો આખો ગરબો રુમઝુમ કરતો ઘેર..!!
નવી સરકારો અને સરકારી મશીનરીના આચાર અને વિચાર ભ્રષ્ટ થયેલા જોવા નથી ગમતા..!
નવી પેઢીના નવા ભણેલા અને ગણેલા નેતાઓ ઇચ્છનીય છે..!!
અહી ઉજળું એટલું સોનું નથી, બે ત્રણ દિવસ આવીને અજવાળા પાથરી જાવ તો એનાથી અંધારા નહિ ઉલેચાય, આગિયા દિવડા થઇને રાત આખી ઝગમગ કરશે ત્યારે ઉગશે અરુણું પરભાત..!!
જય જય ગરવી ગુજરાત
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)