કોરોના નું કોગળિયું ..
કોરોના નો ભય અને ફફડાટ હવે આગળ વધતો જાય છે જોડે જોડે વ્યાપ પણ વધી રહ્યો છે , આપણે ત્યાં મોટેભાગે ફેસબુક અને વોટ્સ એપમાં તો ફેલાઈ ચુક્યો છે પણ ભગવાન કરે ને હકીકતમાં ના ફેલાય.!
ભારતભૂમિ નો ઈતિહાસ કહે છે કે વાયરસથી મર્યા છે એનાથી વધારે બેક્ટેરિયાથી આપણે મર્યા છીએ અને એનું કારણ હું આપણું વાતાવરણ અને શાકાહાર જોઉં છું, ભારતમાં કોગળીયા બહુ આવ્યા પણ વાયરસ ને ભારતે મારી હટાવ્યો છે ..
થોડાક વર્ષ પેહલા સ્વાઈન ફ્લ્યુ નો આવો જ હાહાકાર આવ્યો હતો અને ત્યારે આવી રીતે સોશિઅલ મીડિયા અને મીડિયાથી પ્રભાવિત થઇ ને હું સખ્ખત ટેન્શનમાં આવી ગયો હતો ..
મને મારી નહિ પણ મારા મમ્મી પપ્પા ની બીક લાગી હતી ,બારે મહિના અને ચોવીસ કલાક પેશન્ટો ની વચ્ચે અને એ પણ આ વાસંતી વાયરામાં દર બીજો પેશન્ટ શરદી ઉધરસ ,તાવ અને ખાંસી નો જ આવતો હોય અને બા-બાપુજી પાછા એમના મોઢામાં ટોર્ચ નાખીને નજીક જઈને જોતા હોય ત્યારે મને ડર લાગતો કે આ લોકો પેશન્ટ ની ઇન્ફેકશન લઇ ના લ્યે, એટલે શું કરવું એના માટે હું એક એમડી ડીએમ થયેલા ડોક્ટર જોડે દોડ્યો ..!!
જેવો એમડી ડીએમ જોડે હું પોહ્ચ્યો એટલે પેહલા તો એમણે મારો ઈલાજ કર્યો, સોશિઅલ મીડિયા અને મીડયામાંથી ઘુસેલા મારા દિમાગમાં ભરાયેલા સ્વાઈન ફ્લ્યુ ને કાઢયો ..
બહુ જ શાંતિ થી બેસાડ્યો અને સમજાવ્યો કે બેટા એમ આપણા દેશમાં વાઈરસ ઝટ ફેલાય નહિ અને જેમ જેમ વાતાવરણ નું તાપમાન વધે તેમ તેમ વાયરસ હવામાંથી અદ્રશ્ય થતો જાય અને તારા મમ્મી પાપા તો એકદમ ખુલ્લામાં કોઈ જ એસી કેબીન વિના મોટ્ટા મોટા બારી દરવાજા ખુલ્લા રાખી ને તદ્દન કુદરતી વાતાવરણમાં જ પેશન્ટો જોવે છે ,
જો મરીશું તો અમે કન્સલ્ટન્ટ મરીશું , કેમકે અમે આ એસી કોટડીમાં પુરાયેલા છીએ.
સાહેબ અને મેડમ ને તો બહુ ઓછા ચાન્સ છે વાઈરલ લાગવા ના અને હા બીજી વાત તને એમની ઈમ્યુનીટી ઉપર ભરોસો નથી પણ મને ચોક્કસ છે કેમકે આ પિસ્તાલીસ પચાસ વર્ષ ની પ્રેક્ટીસમાં કૈક વાયરસ એમને લાગી ગયા હશે અને એમના શરીરે ઇમ્યુનિટી ક્રિયેટ પણ કરી લીધી હશે જા નિરાંતે જા એમને કઈ નહિ થાય ..
તો પણ મેં છાલ ના છોડ્યો ..ત્યારે સ્વાઈન ફ્લ્યુ વખતે પુનામાં કપૂર નીલગીરી ના ધૂપ ઘણા ચાલ્યા હતા એટલે મેં કીધું કપૂર નીલગીરી દવાખાનામાં ચાલુ રાખું ?
મને જવાબ આવ્યો.. ગાંડાલાલ ધૂપ ચાલુ ના રખાય એમ નેમ મૂકી દે ત્યાં , ધૂપ કરીશ તો સાહેબ તને દવાખાનામાં પગ પણ નહિ મુકવા દે ..
અને થયું પણ એવું, હું છૂટાછવાયા કપૂર ને દવાખાનામાં ખૂણેખાંચરે નાખી ને આવ્યો અને પછી મરકયુરી ઉપર ચડ્યો વાસંતી વાયરા ચૈતર વૈશાખ ના થયા અને પત્યું સ્વાઈન ફ્લ્યુ ગાયબ ..!!
જોકે વિજ્ઞાન એ પણ એનું કામ કર્યું છે એચવન એનવન ની રસી પણ ફટાફટ બજારમાં આવી ગઈ હતી..પણ એ તો જે પોષતું તે મારતું ..!!
આજે આપણે સ્વાઈન ફ્લ્યુ ભૂલી ચુક્યા છીએ અને કોરોના ને અપનાવી ચુક્યા છીએ મીડિયા સોશિઅલ મીડિયા થકી ,
પણ એક વાત નક્કી કે કુદરત નો સાથ આપણે છોડી ચુક્યા છીએ એની આ બધી મોકાણ છે..
હમણાં એક ક્લબમાં ગયો હતો ત્યાં ખુલ્લી બગીચા લોનમાં એર પ્યોરીફાયર મુક્યું હતું ,
સખ્ખત દુઃખ થઇ ગયું મને ..આટલી મોટી ખુલ્લી ઝાડ પાનવાળી જગ્યા અને તો પણ એર પ્યોરીફાયર …?????
ઝાડ ઉપરથી કશું તોડી ને ખાધા ને કદાચ ત્રણ પેઢી વીતી ગઈ મારી , પ્રોસેસ કર્યા વિનાનું ખાતો જ નથી , છેલ્લા પચ્ચીસ વર્ષમાં ક્યાંય પ્રોસેસ કર્યા વિનાનું પાણી પણ નથી પીધું , બળ્યું નળમાંથી કે નદી કે ઝરણામાંથી ખળખળ વેહતું પાણી છેલ્લે ક્યારે પીધું એ મને યાદ નથી તમે પણ યાદ કરો ? આર ઓ કે બીજી કોઈ પ્રોસેસ કરી ને જ પાણી પીએ છીએ અને હવે હવા ની પણ આ જ વાત આવી રહી છે એર પ્યોરીફાયર ..!! ક્યાં જઈને અટક્શું ?
જીવતર જોડે ના મમત ઝાઝા થઇ ગયા છે, લામ્મ્બુ જીવવું છે અને સારામાં સારું જીવવું છે..
ઘડપણમાં ડોકટરના બીલ ચુકવવા દસ વીસ લાખ બાજુ પર મુકવા છે પણ કુદરત જોડે તાદામ્યતા કેળવી અને કુદરતી રીતે નથી જીવવું ..!!!
ઘાલ પાઈપો શરીરમાં દાકતર પણ મને જીવાડ ..!!
જેમ જેમ વિજ્ઞાન આગળ વધતું જાય છે તેમ તે કુદરતથી દૂર થતા જઈએ છીએ , નગરો મહાનગરોમાં ફેરવાઈ રહ્યા છે અને મહાનગરોમાં કુદરત ફક્ત નામની જ રહી જાય છે..
આજે ઘણી બધી જગ્યાએ અસલી ઘાસની જગ્યા આર્ટીફીશિયલ લોન ,પ્લાસ્ટિકની લોન એ લઇ લીધી છે ..
માન્યું કે જુના જમાનામાં બેક્ટેરિયા જન્ય રોગો વધારે ફેલાતા હતા કોગળિયા ઉર્ફે કોલેરા ના એપીડેમિક આવતા અને ગામના ગામ સાફ થઇ જતા અને ક્યારેક કોઈક આખે આખી સંસ્કૃતિ પણ દફન થઇ ગઈ હશે પણ હવે ના પડકારો જુદા છે ..
બેક્ટેરિયા પણ પોતાના રૂપ બદલી રહ્યા છે અને વાઈરસ પણ ,નવી નવી દવાઓ શોધાઈ રહી છે પણ ક્યારેક જૂની દવાઓ પણ નવી કરતા સારો રિસ્પોન્સ આપી દે છે , ચીન દેશ અઠવાડિયામાં હજાર બેડ ની હોસ્પિટલ ઉભી કરી શકે છે પણ કોરોના ને જન્મ લેતો રોકી નથી શકતો ..
આજે દુનિયાભરના લોકો ચીન દેશ તરફ નજર માંડી ને બેઠા છે અને એ નજર ભય ની છે ન કરે નારાયણ ને કોરોના કોગળિયું ફેલાતું એમ ફેલાય તો પછી આ ધરતી એ ક્યારેય ના જોયેલો સંહાર જોવાના આવે..!
માર્ચમાં ચીન દેશ જવાની ઈચ્છા હતી પણ બધા જ ધંધાકીય એક્ઝીબીશન કેન્સલ થઇ ચુક્યા છે અને હવે સોશિઅલ મીડિયા જોઈ જોઈ ને દેશમાં પણ હવાઈ સફર કરતા થોડો થડકારો થાય છે ..
સાલુ હવાઈ જહાજ નામના એલ્યુમીનીયમના ભૂંગળામાં બાજુવાળો સેહજ ખાંસી ખાય તો પણ ફફડાટ થઈ જાય છે ..
એક કબુલાત કરું..
હું તો હોટેલમાં સ્મોકિંગ રૂમ લઉં છું અને પછી પેલી કપૂર દાની જોડે રાખું કપૂર અને નીલગીરી નો ધૂપ કરી અને આખો રૂમ ભરી મુકું ઊંઘતા પેહલા હા ભાઈ ચેતતો નર સદા સુખી ને જીવતો નર ભદ્રા પામે ..
ફટ્ટુસ તો ખરા હો આપણે પણ ..
વાઈરસ હોય કે બેક્ટેરિયા કોઈના સગા થયા નથી અને થવાના નથી..
ચાલો સાચવજો ..
શુભ રાત્રી
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)