એક સવાલ થયો …અંગ પ્રદર્શન કેટલું કરવું ? આમ તો આ સવાલ જ અસ્થાને છે કેમકે જેની જેવી મરજી આપણે કહેનારા કોણ ?
કોઈકે ફિઝિક બનાવ્યું હોય અને કોઈકે ફિગર મેન્ટેઇન કરી હોય તો પછી એમણે બતાડી જ દેવું હોય તો આપણે વળી રોકનારા કોણ ?
આપણે આપણી જાત માટે જરાક સાચવી ને જાળવી ને રહી જઈએ બાકી બીજાને તો બહુ કહી શકાય નહીં …
આ સવાલ ઘણા વખત પેહલા ઉદ્દભવ્યો હતો , કોવિડ કાળ પેહલા ,સુંદર કહી શકાય એવું શરીર અમે બનાવ્યું હતું , ત્યારે ગોવા પત્નીજી બાળકો સાથે ગયા હતા , જિમ રેગ્યુલર કરનાર જાણતા હશે કે જેવું જરાક પણ શરીર બને એટલે દરેક માટીડાને પેહલા ગોવા અને પછી બાલી જઈને ઝભલું ઉતારીને ફોટા મૂકવા હોય .. પણ પત્નીજી અને બાળકોને મારો શર્ટલેસ ફોટો સોશિયલ મીડિયા ઉપર મૂકવા માટે સખ્ખત વિરોધ , પરણીત પુરુષ માટે બીજી કોઈ ચોઇસ હોતી નથી એટલે ચૂપચાપ એ ઈચ્છા ધરબી દીધી પણ હમણાં એક બીજી સમસ્યા આવી …
લગ્નોની સિઝન, અને આપણને જાત જાતના અને ભાત ભાતના કપડા પહેરવા ગમે …
શૈશવ એવું માને કે કસરત કરી અને શરીર સરખું રેહતું હોય તો એટલું સરખું શરીર તો રાખવું જ કે કપડા અંગે દેખાય , પુરુષના શર્ટના ચોથા અને પાંચમાં બટન ઉપર ભારણ આવતું હોય અને જો એ બટન તણાય તો સમજવું કે કંઈક ગડબડ છે , કોલેસ્ટ્રોલ ડાયાબિટીસના ટેસ્ટ રેગ્યુલર કરાવવા , અને જો ત્રીજું અને છઠ્ઠું બટન પણ તણાતું હોય તો ગયા કામથી તમે બધા જ રોગોને નિમંત્રણ તમે આપી ચૂક્યા છો , પણ જો બાવડેથી શર્ટ ટાઇટ થાય , અને બીજું બટન ખેંચાય ત્યારે …ત્યારે… જય હો..! બોડી બની ગયું જાણજો..!
એમાં ઈશ્વરની કૃપા પણ ખરી કે શૈશવના બધા હોર્મોન્સ બેલેન્સ છે એટલે જરાક ખાવાપીવામાં ધ્યાન રાખીએ તો વાંધો ના આવે , એક સમયે સત્તર ઇંચનો બાયસેપ કર્યો હતો ,ગજબ દાવ થતો, શર્ટ બગલની બદલે બાંયમાંથી ફાટે …!!
હવે થયું એવું કે ઓનલાઇન એક ઝભલું શૈશવને ગમ્યું , જીવનમાં પેહલી વાર કપડું ઓનલાઇન મંગાવ્યું , હવે એ ઝભ્ભામાં બટન જ નહીં , સામાન્ય છપ્પન વર્ષના પુરુષ માટે છાતીના સફેદ વાળ, વધી ગયેલી ફાંદ , પોચી પડી ગયેલી છાતી હોય, જરાક ઓછી થઈ ગયેલી સ્ફૂર્તિ હોય , એટલે આવા ઘણા નાના મોટા કારણો એને બટન વિનાના ઝભ્ભા પહેરતા અટકાવે ,
પણ શૈશવને “કુવિચાર” આવ્યો કે આપણને તો હજી આવી કોઈ સમસ્યા દૈવયોગે હજી આવી નથી તો લાવો જરાક આ શોખ પૂરો કરી લઈએ …
ઓનલાઇન મંગાવેલું ઝભલું આવ્યું , સુંદર હતું , ગમ્યું ,પેહરે સરસ લાગે પણ પછી સમસ્યા મને એ લાગી કે આ ઝભલાને હું સાત આઠ કલાક માટે “કેરી” કરી જઈશ ખરો …? પત્નીજીની બાળકોની પરમિશન પણ મળી ગઈ હતી..
કોઈપણ કપડાંને “કેરી” કરી જવા એ બહુ મહત્વની વાત છે , તમારે શરીરને, વાણીને, વર્તનને અને છટા ને સાચવી અને સંભાળી રાખવી પડે .. ચાલીસ લાખનું પાટણનું પટોળું પેહરીને પહોળા પહોળા ટાંટિયા કરી અને લાંબી લાંબી ફર્લાંગ ભરતી ફ્રન્ટીયર મેઈલની જેમ દોડતી આવતી સન્નારી જોવી ગમે ખરી ….???
એ તો જાણે માંડવે આવતી હોય એમ મલપતી મલપતી ચાલે આવે , મેહક વિખેરે, સુંદર મજાનું હાસ્ય ,ઘરેણા સપ્રમાણ , અને બોલવા શાલીનતા આવું કંઈક કોમ્બિનેશન , માથામાં સારી હેર સ્ટાઇલ કરાવીને ગુલાબનો ગજરો એમાં મોગરાની ભાત જાણે ઠાકોરજીના હિંડોળાની વાત, ત્યારે ચાલીસ લાખનું પાટણનું પટોળું શોભે,
બાકી તો મેની ક્વીનને પેહરાવો એ વધારે સારું લાગે…
એમ આપણને પણ થયું કે આટલા બધા કલાકો નહીં જીરવાય એટલે ઝભલું બાજુ ઉપર મૂક્યું …
આ તો થઈ અમારી પુરુષ માણસની વાત પણ અમારો કાઉન્ટર પાર્ટ એમનું શું…????
આજકાલ બહુ ચાલ્યું છે … ફેશન ડિઝાઇન અને ડિઝાઈનર વેર કપડાના નામે જે ખરાબ રીતે અંગ ઉપાંગો બાહર કાઢી નાખતા હોય છે …આપણને તો બહુ ફરક ના પડે પણ જોણું થઈ જતું હોય એવામાં ..!!!
ઉપરથી આજકાલ પોઝિટિવિટીના વાયરા વાય છે ,એટલે કોઈ કાનાફૂસી કે કૂથલી ના કરે ઉપરથી એમ કહે બહુ સુંદર લાગો છો ,કોઈને બોડી શેઈમ ના કરાય પણ થાય એવું કે મનમાં તો બધા સમજતા હોય કે બેન લગ્નમાં આવ્યા કે આઇફા એવોર્ડ્સમાં? ???
ઝાડ , પાન, ચકલા ,મોર ,પોપટ,કબૂતર અંગે ઓઢીને થોડા નીકળી પડાય ???
કેળના પત્તાના કપડા પહેરીને મારા જેવો નીકળે તો મને તો સો ટકા ખાતરી છે કે મારા કમીના મિત્રો ઘેટાં બકરાનું ટોળું ગમ્મે તેટલા રૂપિયા ખર્ચીને ટ્રક ભરીને લઈ આવે… મારી પાછળ એ ઘેટા બકરા છુટ્ટા મૂકે, મૂકે ને મૂકે જ…!!
તો પછી કેવા કપડા પહેરવા અને અંગ પ્રદર્શન કેટલું કરવું ?
મારી સાદી સમજણ એટલું કહે કે સ્ત્રી હોવ કે પુરુષ , પેહલા તો જે કપડાં “કેરી” કરી જાવ એવા પેહરવા, અંગ ને જોબપ્રદર્શિત કરવા જેવું હોય તો જ પ્રદર્શિત થાય , ખડમાકડી જેવા પુરુષો માટે પણ આજકાલ સપ્રમાણ દેખાવ તે માટે પેડ વાળા આંત:વસ્ત્રો મળે છે પણ એના કરતા રોજના સો બસ્સો સ્ક્વોટ મારી અને અસલી માલ બનાવીને કાપડ પેહરવા સારા …
છેલ્લે સવાલનો જવાબ , કોઈની ફેન્ટસીમાં ઘૂસી ના જવાય એનું ધ્યાન રાખી અને અંગ પ્રદર્શન કરવું , બાકી જગતમાં “સજોગી તો બજોગી” આ કાયદો દરેક માટે લાગુ પડે છે , નવી પેઢીના નવા પરણેલા ચાર ચાર હનીમૂન કરવા જાય છે ,એકવાર દરિયે ,બીજી વાર પહાડો માં ,ત્રીજી વાર હેપ્પનિંગ સિટીમાં ક્લબિંગ કરવા અને ચોથી વાર શાંત એકલી જગ્યાએ …
ભલે જાવ પણ એવા અંગ પ્રદર્શનના ફોટા ના મૂકો કે જેનાથી બીજા ને ફેન્ટસીઓ મળે , એક સમયે ફિલ્મી મેગેઝીનો આવા કામ કરતા..
અને હા અમારી પેઢી .. ક્રિપી અંકલ અને આંટી બનવાથી બચીને રહેવું … વતાવતા પેહલા સાચવવું ..!
ક્રિપીમાં ના સમજણ પડે એ કાકા ,બા ગુગલી માસીને પૂછી લે.. જરાક વધારે ક્રિપી વિષે જાણવું હોય તો ચેટ જીપીટી…
જય હો
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*