આજે પણ સવારથી હજી સૂર્યનારાયણ દેખાયા નથી,લગભગ ગયા ગુરુવારનો ચાલુ થયો છે તે હજી વિરામ નથી લીધો,દાળવડાની લારીઓ ઉપરની લાઈનો આજે ગાયબ થઇ ગઈ છે..
હવે તો દાળવડાવાળો પણ ખીરા અને દાળવડા વેચીને કંટાળી ગયા છે, વરસાદ થોડો ઉત્તરની તરફ આગળ વધ્યો હોય એમ લાગે છે માઉન્ટ આબુ પછી આજે રાણકપુરની કલીપો આવી હાઈવે ઉપર નદીઓ જઈ રહી છે..
ઉત્તર ગુજરાત ધીમે ધીમે પાણીથી ખાલી થઇ રહ્યું છે, “જાન” નું નુકસાન ઓછું છે પણ “માલ”નું નુકસાન એના આંકડા હજાર કરોડમાં જશે,ગામની ઉભી બજારે પાણીના ધોધ વહ્યા છે,અત્યારે ધીમી ધારે વરસતો રસ્તા કોરા નથી થવા દેતો, ડીસામાં ફૂડ પેકેટ્સ પોહચી ગયા છે અને સંઘ ગઈકાલથી કામે લાગી ચુક્યો છે, ગમે ત્યારે અને ગમે તેટલી, સંઘને ગાળો આપનારો સંઘ નો દુશ્મન પણ એટલું તો કબુલે કે આફતના સમયે સંઘ જેટલું કામ બીજી કોઈ સંસ્થા નહિ કરી શકે અને એની પાછળ સ્વયંસેવકોની કુટુંબભાવના જ કામ કરે છે, આજે બપોરે ચાર વાગ્યે સંઘ અમદાવાદના દરેક મોટા ચાર રસ્તે ઉત્તર ગુજરાત અને ચોટીલા પંથકની રાહત સહાયતા માટે ડબ્બા લઈને ઉભા રેહશે..
જો જો પાછા ના પડતા..!
કોઈ સ્વયંસેવક પોતાના માટે નથી ઉભા રેહવાના, દરેક ના મનમાં એક જ ભાવના છે “वृत्त पत्रमे नाम छापेगा पहनुगा मै सुमनहार, छोड़ चलो यह शुद्र भावना हिन्दू राष्ट्र के तारणहार” અને પેહલો ફાળો મારો પછી બીજા પાસે લઈશ..!
એટલે તમારી અને મારી સામે ડબ્બો ધરનારાએ, એ ડબ્બામાં પોતાના ખિસ્સામાંથી પેહલા એમાં કૈક નાખેલું છે એ નક્કી માનજો..
મોદી સાહેબ ગુજરાતના સંકટ ને ગઈકાલે જ પારખી અને પાંચસો કરોડ આપતા ગયા છે, એક વાતમાં તો દાદ આપવી પડે કે ગુજરાતને બિલકુલ એકલું મુક્યું નથી એમણે..!
જેમ જેમ પાણી ઓસરતા જશે તેમ તેમ નુકસાનીના અંદાજ મળતા જશે પણ અત્યારે તો રીમોટ એરિયામાં પોહ્ચવું એ જ મોટા ટાસ્ક થઇ ચુક્યા છે,અત્યારની આફતમાં તંત્ર એકલું કશું નહિ કરી શકે સમાજે જવાબદારી ઉપાડવી જ રહી..
આ બધામાં સૌથી વાધારે દયનીય હાલત રસ્તામાં ફસાયેલા ટ્રક ડ્રાઈવરોની છે કરોડોના માલ રસ્તામાં છે અને ડ્રાઈવરો ઉપર આભ અને નીચે ધરતી.. જામ ટ્રાફિકમાં પૈડા ઠપ થયા છે, ખાવાના રૂપિયા ખૂટે એમ છે આજુબાજુ ગમે ત્યાંથી ટ્રાન્સપોર્ટ કંપનીઓ ના માલિકો અને મેનેજરો રૂપિયાના “વહીવટ” કરીને પેમને પોહચાડી રહ્યા છે,
અત્યારે નદીઓ ગાંડીતૂર છે, જરૂર વિના ક્યાય બહારગામ જવામાં સાર નથી અમદાવાદ એરપોર્ટ પણ ઝઝૂમી રહ્યું છે..ગુજરાતના દરિયાકાંઠા ઉપર પણ ભયજનક સિગ્નલો લાગેલા છે..
ગઈકાલે મોરબીની મચ્છુ હોનારતની વરસી હતી, સાલ ૧૯૭૯માં થઇ હતી મોરબી હોનારત,ફેસબુક પર એક ડોક્યુમેન્ટરી ટાઈપની એક કલીપ આવી હતી, રૂંવાડા ઉભા થઇ જાય અને એકદમ અરેરાટી થઇ ગઈ..એમાં બતાડ્યું કે પેહલા મચ્છુના સાઈડના પાળા તૂટ્યા અને પછી મચ્છુ ડેમ..! ઉપર મુકેલા ફોટામાં ચોખ્ખું દેખાય છે કે ડેમ ઉભો છે અને સાઈડના પાળા બરબાદી નોતરી ગયા..!
આજે તો ટેકનોલોજી ઘણીબધી રીતે મદદરૂપ છે પણ હજી જે જુના ડેમ છે એ ડેમની આજુબાજુના (સાઈડો) માટીના પાળા કરેલા છે ત્યાં તો મચ્છુ જેવા જોખમો આજે પણ ઉભા જ છે..અને આ વખતની આફતમાં નુકસાન કરવામાં ઘોડાપુરમાં તળાવો ફાટવા અને નાના નાના ડેમના માટીના પાળામાં પડેલા ગાબડા નો બહુ મોટો હાથ છે..
કોરું નીકળે પછી કોઈક સીસ્ટમ ડેવલપ કરાવી જ રહી કે સરકાર પાસે કે જેનાથી ડેમની સાઈડો પરના માટીના કુદરતી પાળા કે કૃત્રિમ રીતે ઉભા કરાયેલા પાળા અને ગામે ગામ આવેલા જુના તળાવોની દીવાલોની સ્ટ્રેન્થ માપી શકાય..!
પાણીની અને ગેસની પાઈપલાઈનમાં પાઈપની સ્ટ્રેન્થ માટે તો રેડિયો એક્ટીવ ટેકનોલોજી અવેલેબલ છે, ડેમના સિમેન્ટના સ્ટ્રક્ચર માટે એમાંથી એકાદું ગચિયું (ડગળી) સ્ટ્રક્ચરમાંથી કાઢી અને એનો સેમ્પલ ટેસ્ટ થાય છે અને ડેમની દિવાલોની સ્ટ્રેન્થ ખબર પડે છે,પણ દેશભરમાં લાખ્ખો ની સંખ્યામાં રહેલા નાના મોટા તળાવોની માટીની પાળીઓની સ્ટ્રેન્થ ચેક કરી શકાતી નથી, અને એના લીધે આવી આકાશી હોનારતોમાં નુકસાની બહુ વધી જાય છે..
કોઈક ફૂલપ્રૂફ સિસ્ટમો ડેવલપ કરાવી પડશે, જેમ સરકાર ખેતરોમાં સોઇલ ટેસ્ટ કરે છે એમ જ સરકાર કોઈ ઓથોરીટીની રચના કરે અને એ ઓથોરીટી દર ત્રણ વર્ષે હિન્દુસ્તાનમાં રહેલા દરેક નાના મોટા જળાશયોની દિવાલોની સ્ટ્રેન્થ માપી લ્યે , જેથી કરીને જ્યારે આવી રીતે ઇન્દ્ર વધારે પડતા મેહરબાન થાય ત્યારે તળાવો કે ડેમના સાઈડના પાળા તૂટે નહિ અને મોટી નુકસાનીમાંથી બચી શકાય..
હવે તમને ડરાવતો નથી પણ એક કલ્પના કરો કે ગાંધીનગરની આજુબાજુમાંથી ક્યાંકથી નર્મદા કેનાલમાં મોટું ગાબડું પડ્યું અત્યારે તો શું હાલત થાય અમદાવાદની ? ભૂતકાળમાં પેહલા ગાબડું પડી ચુક્યું છે,અને ત્યારે રાજપથ ક્લબ આગળ એસજી હાઈવે પર તાબડતોબ ચાર જેસીબી લગાડી હાઈવે તોડી અને પાણીને રસ્તો આપી અને સાણંદ બાવળા તરફ ધકેલ્યું હતું, કોઈને યાદ હોય તો..!
આજે હવે નર્મદા યોજના પૂરી થઇ ગઈ છે અને મહાભારતનો નિયમ છે કે વિજયની રાત્રે ઊંઘી ના જવાય નહિ તો “ગયા”..!
નર્મદા યોજના પૂરી થશે પછી નર્મદાની કેનાલોમાં ફુલ્લ પ્રેશરથી પાણી આવશે અને એ પ્રેશર કેનાલોની દીવાલ ઝીલવા સક્ષમ છે કે નહિ એનું રેગ્યુલર “ચેકઅપ” થવું જ જોઈએ..! અને જો ચેકઅપ ના થયા અને વર્ષો સુધી ઊંઘી રહ્યા તો એક દિવસ એ ઊંઘ લાખ્ખો ને લઈને જશે..!
સત્ય કલ્પના કરતા વધારે ભયાનક હોય છે..!
અત્યારે સંકટ માથે ઝળુંબે છે,આજની સેટેલાઈટ ઈમેજ નર્મદાજીની ઉપર છેકેછેક અમરકંટકથી વરસાદ ભરપુર થાય એવું બતાડે છે,
ભારતભરમાં ડેમના અને તળાવના પાળા તુટવાને લીધે ખુબજ તારાજી થાય છે ત્યારે દિલ્લીમાં બેઠેલા ગુજરાતી માણસ પાસે “ચેતતો નર સદા સુખી” ના ન્યાયે એટલી અપેક્ષા રાખીએ કે કોઈ ઓથોરીટી બનાવે કે જે દેશભરમાં ફેલાયેલા આ તળાવો,કેનાલો અને ડેમની સાઈડની દીવાલો નું સ્ટ્રેન્થ મોનીટરીંગ કરે અને જયારે કોઈ દુર્ઘટના થાય ત્યારે એ ઓથોરીટીની જવાબદારી નક્કી થાય..!
વિચાર ગમ્યો હોય તો આગળ ફોરવર્ડ કરો જેથી લગતા વળગતા સુધી પોહચે અને આપણા બધાના ભવિષ્ય તોળા વધારે સુરક્ષિત થાય..!
સાચવજો ખોટા રખડવા નીકળશો નહિ..
નકરા ખાડા જ છે ચારેબાજુ , વેહિકલના જમ્પરની તો..
આપનો દિવસ શુભ અને સલામત રહે
શૈશવ વોરા