મિત્ર દેવાંગ છાયા લખે છે કે દર ૩૧ મી ની રાત્રે ઊંઘી જાઉં છું અને પેહલી ની સવાર પડી જ જાય છે ,ઉજાગરો કરવાની કોઈ જરૂર જ નથી..
મારી સાથે પણ આવું જ થાય છે.. દર ૩૧ મી એ ઊંઘું છું એ પણ જરાક અમથી પણ રાહ જોયા વિના, અને પેહલી ની સવાર આવી જ જાય છે ,હા ક્યારેક એવું થાય છે કે ઘરની બાજુ ની હોટલમાં પોલીસ આવી ને રાત્રે બે વાગ્યે જોર જોર થી સાયરનો મારે છે અને ક્યારેક તો ડંડા મારે છે વેઈટરો ને ત્યારે હોટેલ બંધ થાય છે.!!
પણ એમાં હોટલવાળા નો શું વાંક ? બાપડો સેવા કરે છે ..!
મોડી રાત સુધી ચાલુ રાખી ને ભૂખે ટાળવળતા જનો ની આંતરડી કોઈકે તો ઠારવી રહી ને..!!
આમ પણ પીધા પછી ખાવા તો જોઈએ જ ,એટલે ૩૧ મી એ દરેક હોટેલવાળા ને મોડે સુધી ચાલુ રાખવાની ગજ્જબ ઈચ્છા હોય છે..
ભાઈ “પુણ્ય” કમાવા નો મોકો કોણ છોડે ? અને એમાં પણ ધરા ગુર્જરીમાં આવા પીધેલા, પીધેલી ના જઠરાગ્નિ ઠારવાના પુણ્ય કાર્ય કરવાના મોકા ક્યાં બહુ મળે છે ..?
પરાણે પડેલી પેહલી ની સવારમાં એક ન્યુઝ વાંચ્યા ,વલસાડના પોલીસ સ્ટેશનમાં પીધેલા પકડ્યા એમાં પોલીસ સ્ટેશનમાં પગ મુકવાની જગ્યા ના રહી..!!
૬૦૦ થી વધારે દમણથી આવેલા પીધેલા પકડ્યા …!!
કેવું કેહવાય નહિ ?? કાલ સવારે કોઈક કાયદો એવો આવે કે દાલબાટી ખાઈ ને રાજસ્થાનથી આવે એમને પકડો ..તો ગુજરાત પોલીસે શું કરવાનું ?
કેવા કેવા કાયદા છે આપણે ત્યાં પણ ..!!
પેહલીની સવારની મારી ફેસબુક વોલ ન્યુઝીલેન્ડના પબ થી લઈને હવાઈ સુધી ના પબ ના ડિસ્કના ફોટોગ્રાફ્સથી ભરેલી હતી…
અસંસ્કારી લોકો ..છી ..ગંધા ..દારૂડિયા ..જગત આખું ઐયાશ છે ,હું એક જ દારુ નથી પીતો એટલે સજ્જન ,ગાંધીના ગુજરાતમાં જીવતો અને દારૂબંધીનું કડક પાલન કરતો..!
નરક મળશે નરક મુઆઓ તમને, દારૂ પીવો છો તે…
દુનિયાની કોઈ સરકાર ને ભાન જ નથી કે દારુ એ વિકાસ નો દુશ્મન છે ,દારુ એ દૈત્ય છે ..ગુજરાત ની આ સમૃદ્ધિ દારૂબંધી ને જ આભારી છે ..!!
મેં એકપણ વાર દારુ ચાખ્યો નથી આજે જુવો મારી પાસે શું છે ? એક યોટ છે ૩૦૦ કરોડની ,ચાર લેમ્બોર્ગીની છે ,દસ રોલ્સ રોયસ છે ,આન્તાલીયા ને ટક્કર મારે એવું ઘર છે ,અને દારૂ પીધો હોત તો એકટીવા લઈને રખડતો હોત ,પેલી હુન્ડાઈ ને ટોયેટાની કે હોન્ડાની ફાલતું ગાડીઓમાં ફરતો હોત…!!
સાચ્ચે આ દારુ ના પીવા ને લીધે હું અને મારું રાજ્ય કેવું આગળ નીકળી ગયું..!!
અમારે ત્યાં મુંબઈ કરતા વધારે સમૃદ્ધિ છે અને અમારું ઇન્ફોસીટી તમે જુવો તો ખરા એકવાર ગાંધીનગર આવી ને …સંકલ્પ ના ઢોંસા મળે ,કોફી કોફી ડે ની કોફી ,અરે સબ વે પણ છે , ઈન્ફોસીસ જેવી કંપનીઓ નું અમારે શું કામ ?
અસંસ્કારી લોકો અમારે જોઈએ જ નહિ..
અને ટુરીઝમ તો જુવો અમારું ગુજરાતનું કેવું ફૂલ્યું ફાલ્યું છે …
આહા હા અમારા ઉદેપુર અને આબુમાં અરે દીવ દમણ અને અમારા ગોવામાં એકેય હોટલ ખાલી નોહતી..એકત્રીસમી એ..!
ગાંધી નું ગુજરાત છે ભાઈ ..
શું કીધું આ બધું ગુજરાતમાં નથી એમ ?
તું દારૂ પી ગયો લાગે છે અસંસ્કારી જીવડા..આ બધું ગુજરાતમાં જ છે..!!
દારૂડીયા..!!
પણ આ વર્ષે તો પીધેલા જોડે પીધેલી ને પણ પકડવા માટે મહિલા પોલીસ રાખવી પડી હતી ..
અરરર ધરા ગુર્જરીની સંસ્કારી નારીઓ પણ દારુ પીવે છે ?
હે માં માતાજી .. આ સાંભળી ને સાબરમતી આશ્રમ રસાતાળ કેમ ના ગયો ? ગાંધીજી નું પુતળું તૂટી કેમ ના પડ્યું ? ઘોર કલિયુગમાં ગાંધી નોટ ઉપરથી ઉડી કેમ ના ગયા?
કેટલું મહાપાતક થયું છે આ ગુજરાત ની ધરતી ઉપર પીધેલી ને પકડવા પોલીસ રાખવી પડી ..!!!
કોણ બોલ્યું કે આ પેહલા પણ પીધેલી પકડાઈ છે..
છી ..ગંધા ..કા કા છી છી ..છી છી ..કા..કા છી છી..!!
શોરોમ શોરોમ ..!!
ડૂબો મરો ..!!
બહુ વર્ષો સુધી મને પોત્તાને મારા નાં પીવા ના પ્રણ ઉપર મને બહુ ગુમાન હતું ,
હું ખરેખર માનતો હતો કે હું દારુ નથી પીતો એટલે હું મુઠ્ઠી ઊંચેરો ,દારુ પીતા મારા મિત્રો ને હું ચોક્કસ નીચી નજરે જોતો હતો ,પણ આજે મને લાગે છે કે હું સદંતર ખોટો હતો ..!!
દારુ આજે પણ નથી પીતો ,પણ ફાંકો દિમાગમાંથી કાઢી નાખ્યો છે, જેમ જેમ દુનિયામાં એકલો ફરતો થયો અને જોતો થયો ત્યારે એવું લાગ્યું કે શૈશવ તું દારુ નાં પીવે એ ઠીક છે પણ ફાંકો ના રાખ અને દારુ પીનારા ને નીચી નજરથી જોવાનું છોડી દે..
ઉંમર વધી તેમ તેમ ધંધાકીય પાર્ટીઓમાં જવાનું થતું અને એમાં પણ ગુજરાત બાહરની પાંચ સિતારાઓની મીટીંગસ અને એની કોકટેલ પાર્ટીઓ ગયો ત્યારે ખરેખર ખબર પડી કે દારુ ગુજરાતમાં પીવાય ને એમ ના પીવાય બીજી ઘણી રીત હોય છે દારુ પીવાની,
શરુ શરુના વર્ષો માં મને ખરેખર આશ્ચર્ય થતું હતું કે ગુજરાતની બાહર પણ લોકો વગર દારુ પીધે ફડફડાટ અંગ્રેજી માં વાતો કરે છે..!!
કેવું કેહવાય નહિ ?
અને પબ્સમાં અને ડિસ્કમાં દારૂ પીધા પછી કોઈ બબાલ નથી કરતુ મોટ્ટા અવાજે બુમો નથી પાડતું અને કુતરાના પૃષ્ઠ ભાગે પેટ્રોલનું પૂમડું મુક્યા પછી કુતરું જે ચકરડી ભમરડી ફરે તેમ કોઈ ચકરડી ભમરડી ફરતું નથી..!!
(બાળપણમાં કુતરાના પૃષ્ઠ ભાગે પેટ્રોલના પૂમડા મુકનારા અમારા મિત્રો હતા અને એ વિકૃત આંનદ અમે ઠેક કોટની રાંગે ચડી ને લેતા.. ક્યાંક કરડી જાય એની બીક ઘણી…!!)
બહુ ખતરનાક રીતે દારૂ પીવાય છે ગુજરાતમાં .. એક સાથે બે નશા થાય છે એક દારુ નો અને બીજો કાયદો તોડ્યા નો..!!
ખરાબ સિચ્યુએશન છે આ ..!!
આજે અમદાવાદના એસજી કે સિંધુ ભવન રોડ ઉપર ભમતી અને હાથમાં સિગારેટ લઈને રમતી નહિ પીતી હોય એમ કેમ મનાય ?
અરે અમારી ઉંમરના આધેડ બૈરા પણ પ્રેમથી ઠપકારે છે અને ધણીઓ જોડે ઝઘડા કરે છે તારે હાર્ડ લેવાનું અને મારે કેમ આવું ..મારે પણ બ્રાઉન જોઈએ..!!
એક બીજું ગંદુ અને નગ્ન સત્ય ..
મારાવાળો તો સાલો હવે તો પીવે ને પછી જ પ્રેમ કરે છે, બાકી તો વચડકા જ ભરતો હોય છે એટલે હું તો પંદર વીસ દિવસે મોકલી જ દઉં છું જ પીતો આવ અને નહિ તો સામે ઘેર બેસાડીને પીવડાવી દઉં છું..!!
શું કેહવું અને કોને કેહવું ..સપ્તરંગી દુનિયાના અનેક રંગો..!!
અમારે તો આજે સંગીત માર્તંડ પંડિત જસરાજજી ને સાંભળવા દોડવાનું છે..!!
નેવું વર્ષે પરફોર્મ કરશે ..!!
ભગવન સો પુરા કરાવજે એમને…!!
જય હો ..
શુભ રાત્રી
શૈશવ વોરા
અરે હા પાછા વળતા મોઢું તો સુંઘાડવું જ પડશે આજે પણ ..!!
*(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*