દારૂબંધી હટાવી.. કૈક લખો .. ને..
વચ્ચે જેટલી ડીબેટ ટીવીમાં આપવાની આવી દારૂબંધી માટે એ તમામ માટે ના પાડી,
નથી માથાકૂટ કરવી આ દારૂબંધી માટે..
પણ કૈક હલ્યું છે તો ફરી એકવાર..!!
ગુજરાતી માણસ પાસે એનો `ઓપિનિયન` છે,
દુનિયાની દરેક પ્રજાને પોતાનો ઓપિનિયન હોય, અને હોવો જ જોઈએ ,
પણ પ્રોબ્લેમ એ છે કે આપણો ધરાગુર્જરી ઉપર વસતા લોકોનો મત ગુજરાતની ધરતી માટે જુદો હોય છે, અને બીજી જગ્યાએ જુદો હોય છે..!
નરી દંભી પ્રજા છીએ આપણે ..
આપણે રૂપિયા કમાવા જ્યાં આપણા છોકરા “એક્સપોર્ટ” કરીએ છીએ ત્યાં એ દેશમાં દારૂબંધી છે કે નહિ એ ક્યારેય ચેક કરતા નથી પણ ગુજરાતમાં દારૂબંધી રેહવી જોઈએ..!!
શાણો અને શકરી બાહર જઈને ઢીંચે, ઘરમાં પણ ચાંગળું મળી જાય તો પણ લુખ્ખો ગટગટાવી જાય, પણ ગુજરાતમાં દારૂબંધી સેહજ આઘીપાછી થાય તો સંસ્કાર અને આબરૂ ખતરામાં આવી જાય..
ખતરે મેં હૈ ..ખતરે મેં હૈ .. કરીને પાકિસ્તાનમાં નીકળતી વસ્તીમાં અને આપણામાં ફેર શું ?
મારી નજર સામે બત્રીસ વર્ષની મારી ધંધાકીય કારકિર્દીમાં અનહદ દારુ વહ્યો છે,
પણ ચાખ્યો સુધ્ધાં નથી,
મનથી મક્કમ છો તો મેરુ તો ડગે જેના મનડા ડગે નહિ રે ..
પણ મનથી નબળી વસ્તીને દંભ જોઈએ છે ..
દારુ પીતા ગુજરાતી માણસને દારુનો અને કાયદાની ઐસી કી તૈસી કરીને દારૂ પીધો એમ “બેવડા” નશાની ટેવ પડી ગઈ છે,
ત્રીજો ,ચોથો ,પાંચમો નશો પણ છે …
દારુનો વહીવટ કરવાનો,
જેમ ઘેર લગન લીધા હોય તો એના કપડાની ખરીદીથી લઈને તમામ ખરીદીનો આનંદ લેવાનો હોય ઘેર ઘેર કંકોત્રી વેહચવાનો અને એક એક ઝીણા ઝીણા આનંદ લેતા હોય તેમ દારુ પીવાનું નક્કી કરે એ પછી એના વહીવટનો, દારુ પીવાની જગ્યાનો એમ બધાય પ્રકારના કારભારાનો નશો કરે ..
હવે વાત કરું કે ધંધાને અને દારુને શું લેવા દેવા ?
તો ઘણી બધી ..
પશ્ચિમમાં સંસ્કૃતિનો એક ભાગ છે દારુ ..
મહાત્મા મંદિરથી વીસ પચ્ચીસ ગણા મોટા એક્ઝીબીશન સેન્ટરો જ્યાં જ્યાં છે ત્યાં દારુના દરિયા છલકાય છે, નવ્વાણું ટકા પબ્લિક રાત પડ્યે નાઈટ લાઈફ એન્જોય કરવા પોહચી જતી હોય છે..અને મોટાભાગની ધંધાકીય મીટીંગો બારમાં કે દારુ પીરસતી રેસ્ટોરાંમાં જ થાય,
દારૂબંધીની સમસ્યા હું પણ ભોગવી ચુક્યો છું ,ધોળિયા મુઆ આવે પછી એક વાર વિશાલા કે રજવાડુંમાં લઇ જઈએ ,પછી બધી ફાઈવસ્ટારમાં રાખીને જમાડીએ પણ એમના ગળા સુકાય ત્યારે શું કરવું ?
એપલ સાઈડર વિનેગર પીવડાવવાના ?
આપણે ના પીતા હોઈએ એટલે એમને જતિ કરવાના ?
તો ધંધો જાય..
છેવટે એક રાત ગુજરાતમાં રાખીને મુંબઈ દિલ્લી ભેગા કરી દઈએ એટલે પાર આવે..
પણ ધંધાને ચોક્કસ અસર આવે, દલીલ તો એ લોકો ત્યાં સુધીની કરે કે દુબઈ જેવા સેન્ટરમાં પણ દારુ મળે છે..
હવે અહિયાં આપણી કોઈ છપ્પનછુરી છાણ-વાસીદા કરી ખાતી વસ્તી એમ કહે કે એના નામની પરમીટ કાઢી અને એને પીવડાવોને ..
ચોખ્ખી ના પાડે છે ..
પીધા પછી બાહર નીકળીને તમારી પોલીસ હેરાન કરે અને અમારે એ બધી માથાકૂટમાં નથી પડવું, તમે તમારા કુવામાં પડયા રહો મંડૂક નરેશ..!!
દારૂ પીરસવાની છૂટ આપી છે હજી ગીફ્ટ સીટીમાં.. અને બીજી ગાઈડલાઈન આવશે પેહલી જાન્યુઆરીએ ..
હવે વાંસ ડૂબ્યા તો સવા વાંસ ડૂબો, ફેર શું પડે ? આપી દયો બધી ફાઈવ સ્ટારમાં એરપોર્ટોની જેમ, ડોમેસ્ટિક એરપોર્ટ ઉપર દારૂ પીરસે છે ,બાટલી આખી ખાલી ડ્યુટી ફ્રીમાં જ મળે, એ સિવાય ના મળે,
તો એમ બાટલીઓ નથી વેચવી, પણ ધરા ગુર્જરીની બધી જ ફાઈવ સ્ટારમાં પીરસવાની પરમીશન આપો તો ખરા છ-આઠ મહિના ,
પછી જુવો કે સંસ્કાર કેટલા ખરેખરા ટકેલા છે કે પછી મારી ને સલમાન બનાવેલો હતો..!!???
પરીક્ષા આપવાની હોય છે જિંદગીમાં ડગલે ને પગલે ,
ગુજરાતીને પરીક્ષામાં પેપર ફોડીને બેસવું છે અથવા તો આપવી જ નથી ..
આઈએએસ ગુજરાતી કેટલા ?
હવે સવાલ થોડાક..
અમેરિકા-કેનેડા-ઓસ્ટ્રેલિયા-બ્રીટન કે પછી બીજા દેશમાં વસતા તમારા કેટલા સગાં અસંસ્કારી ,બળાત્કારી કે દારૂડિયા થઇ ગયા ?
ગુજરાત સિવાય ભારતમાં વસી રહેલા કેટલા સગાં દારૂડિયા થઇ ગયા ?
પરદેશમાં ડ્રગ્સના પાવડર પણ વેચાય છે ખુલ્લેઆમ તો કેટલા ઓળખીતા ડ્રગ્સ લ્યે છે ?
બે-ચાર રાજ્ય સિવાય જ્યાં દારૂબંધી નથી ત્યાં ફરવા જતી વખતે તમારી કેટલી વખત છેડતી થઇ ?
રાતના બાર વાગ્યે વાળી વાર્તા કેટલી યોગ્ય છે ?
હકીકત એ છે કે હવે ગુજરાતમાં લગભગ જેટલી પ્રોડક્શન ફેસીલીટી લાવી શકાય તેટલી મોસાળ અને પીરસનારી મા ,બધાય ભેગા અનહદ મેહનત કરી કરીને લાવી ચુકી છે, એટલે હવે વિકાસનો મોરો આઈટી અને ફાયનાન્સ તરફ જ ફેરવવો પડે તેમ છે..
દારૂબંધી એના માટે મોટો અવરોધ છે ..
જરૂર છે “બૃહદ આશાવલ મહાનગરપાલિકા” ની,
જેના છેડા મેહસાણા-હિંમતનગર-નડીયાદ-વિરમગામ-મેહસાણા હોય અને તેમાં અમદાવાદ અને ગાંધીનગર મહાનગરપાલિકાનો એમાં વિલય કરી નાખો..!
“બૃહદ આશાવલ મહાનગરપાલિકા” માં દસ લાખ લોકો એવા જોઇશે કે જેમની માસિક આવક દસ લાખ રૂપિયાથી વધારે હોય અને એક લાખ લોકો એવા હોવા જોઈએ કે જેમની માસિક આવક કરોડ રૂપિયાથી ઉપ્પર હોય..
લાખ-બે લાખની આવકવાળાઓ કરોડ લોકો જોઈએ ત્યારે “બૃહદ આશાવલ મહાનગરપાલિકા” કયાંક દુનિયાની ટક્કરમાં આવે..!!
વસ્તી પુષ્કળ છે દેશમાં એટલે ઝાઝા છોકરાની મા રસોડામાંથી અને બાપ કમાવામાંથી નવરો ના જ પડે ,
૧૪૦ કરોડના ૧૫૦ હમણાં થઇ જશે,
શિયાળો જામ્યો છે પ્રોડક્શન જોર જોર લેવાઈ રહ્યા છે , અમારી કારખાનાઓ વાળાની ભાષામાં કહું તો ઓગસ્ટ ,સપ્ટેમ્બર, અને નવેમ્બરમાં બેચો બાહર આવી જશે..
ખવડાવશે કોણ ? પેહરાવશે કોણ ?
વિકાસ કરવો એ એક જ રસ્તો છે,
બે ધારી તલવાર છે વસ્તી વધારો..
દારૂબંધી છે કે નહી એ બહુ જ ક્ષુલ્લક મામલો છે આમ જોવા જાવ તો ,
જૂની ઘરેડ અને લઢણમાંથી બહાર આવવું પડશે , એવું નવી પેઢીના મુખે બોલાય છે કે “પાવડર” વધારે એટલે વેચાય છે કેમકે દારુ બહુ “ટાઈટ” જાય છે..!
દારૂબંધી માટે એટલો જ પ્રેમ હોય મારી જેમ તો કુટી કુટીને સંસ્કારો ભરો અને છતાય કોણ ક્યારે છટકી જશે એની જાનકીનાથ ને પણ ચોક્કસ ખબર નથી..
કાયદાકીય છદ્મ દારૂબંધીએ આજ સુધી ભ્રષ્ટાચારને જ ઉત્તેજન આપ્યું છે..!
સ્વીકારો કે ના સ્વીકારો હકીકત આ જ છે..!
આંધી ચાલતી હોય ત્યાં રેતીમાં મોઢા ખોસી દેવાથી નહી બચાય..!
આપો પરીક્ષા ગુર્જર નરનારી, છોડો દંભના પડદા..!!
“મેરુ તો ડગે જેના મનડા ડગે નહી રે ..
ભાંગી રે પડે ભ્રમાંડ રે ..
વિપત પડે તોયે..વણસે નહી રે
સોઈ હરિજનના પરમાણ..!”
જેને પીવું છે તે પીવો પીવો ચીયર્સ..બાકી બત્રીસ વર્ષથી વગર પીધે વેપલા કૂટ્યા છે અને હજી કુટતા રહીશું..
વિચારવાનો અવસર છે, વિચારજો ..
કોમેન્ટ, ચર્ચા અસ્વીકાર્ય
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*