લ્યો ત્યારે બધી ડીલની મા પણ મળી ગઈ અને બાપા પણ માની ગ્યા….!!!!
લાપશી ના આંધણ મુકો મધરાતે , ગિફ્ટ નિફ્ટી વધામણાં ખાતો સાડાસાતસો પોઇન્ટ ઉપર રાસડા લેવા માંડ્યો છે ,
સોશિયલ મીડિયામાં અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં હરખની હેલી ઉપડી છે , જનતા જનાર્દન ચાંદી સોનાની બેવફાઈ ભૂલી અને બજારના ગુણગાન તરફ પાછી વળી ગઈ છે , મારું બેટુ આ જબરું જિસકે તડ મેં લાડુ ઉધર હમ..!!
આ બધેથી લાડવા ભેગા કરવામાં કંસાર ના થુલા ના થઈ જાય , ડોહા ગમે ત્યારે રિસામણે જાય છે અને પછી જેમ ફાવે એમ બોલી અને ગમ્મે તેને સાવ ઉતારી પાડે છે , એમાં પાછી કંઈક એમના ઘરવાળા ની ફિલ્લમ બનાવી છે , એ કોઈ જોતું નથી , ટ્રોલરિયા ને મજા પડી ગઈ છે એટલે ડોહાનું મગજ છટકે અને કકળાટે ચડી જાય તો પાછુ બધું ડખે ચડે…
એક પરેશ રાવલનું બાબુરાવ વાળુ મીમ સરસ આવ્યું કે ..અત્યારે ને અત્યારે બજાર ખોલો મને આનો ભરોસો નહીં ..!!
આટલું બધું રમખાણ કર્યું , પચડો કર્યો અને છેક હવે બધુ થયું, તો હવે ડિટેલ આવે એટલે ખબર પડે કે રૂપિયો આપીને કલ્લી કાઢી લાયા કે પછી કલ્લી આલી ને ડોલર લાયા..
ભારત દેશની સરકારી ચેનલ કરતા ગાંડી ચેનલો બહુ ચીસો પાડી પાડીને બોલે છે , લગભગ મહિનાથી ઈરાન ઉપર ચોવીસ કલાકમાં હુમલો એમ ભસ્યા ( જે રીતે ચીસો પાડીને બોલે છે એને બોલ્યા ન કેહવાય , ભસ્યા જ કેહવાય ) કરે છે એ જોતા હવે એમ થાય કે કોઈ મઢ આઇલેન્ડ થી નાવડા લઈને ના નીકળી પડે … હેંડો તારે બંદર અબ્બાસ ..!!!
આપણને ક્યાંય થી ફોન આવ્યો નથી એટલે આજે હુમલો થશે કે કાલે એની ખબર નથી પણ ભૂગોળ બદલવાની કોશિશ થાય એવું ખરું , બલૂચો ક્યારના લડે છે અને અડધું ઈરાન કાપી અને પાકિસ્તાનને પણ છૂટું કરી મૂકે તો એક અખંડ બલુચિસ્તાન થઇ જાય અને ત્યાં પછી ભોં માં ભરેલા ખનિજો છે એનો વેપલો જોર જોર થાય , બધું ઉલેચી લેવાય…!!
ઇરાનથી ગેસની પાઇપ લાઇન લાવવાની હતી એક જમાનામાં ,સિંધ પણ ભેગા ભેગું છૂટું થાય તો આપણે જામનગર સુધી પાઇપ આવી જાય , ઘણું થયું ત્યારે …
પછી તો ઉપર પિંડી ક્યાં દૂર છે ? આમ પણ એટલું તો કબૂલ કરે છે હજી પણ કે પાકિસ્તાન સ્ટેટ તરીકે ફેઈલ જાય તો એની ઉપર પેહલો હક્ક ભારત નો ગણાય ..!!
અચ્છા બીજી વાત , જો આપણા હાથમાં આવે તો ખૈબર જેવું કશું રહે જ નહીં, કાપી ખાય રોયાઓ ..
જેમ અરવલ્લી ને બોડો કરી મૂક્યો એમ ..!
આ એકસો ચાલીસ કરોડને વિકસિત થઈ જવું છે , નાકમાંથી લેંટ જાય એની વાંધો નહીં પણ વિકસિત થઈ જવું છે ,મોંઘા ભાવના રોડ રસ્તા કરી અને ત્યાં લારી ગલ્લા લાવવાના , રોંગ સાઇડ જવું એ જન્મ સિધ્ધ અધિકાર તો પછી આ વસ્તી ને ડીલ આપો કે ના આપો વેંઢારવાની જ છે..!!
ડોલર શું સિત્તેર ઉપર પાછો આવશે ખરો ?
આશાબેન અમર છે પણ નિરાશાબેન નક્કી છે..! છેલ્લા છ મહિનામાં જે ખાનાખરાબી કરી મૂકી છે જગત આખાના અર્થતંત્રની એ મોરો હવે કઈ બાજુ ઘૂમે એ જોવાનું રહેશે ..
એક વાત નક્કી કે ઘૂરી ચડી છે એટલે આજે નહીં તો કાલે ઈરાન , ગ્રીનલેન્ડનો ઘડો લાડવો કરશે તો ખરા જ અને ઉપર કેનેડા અને નીચે દક્ષિણ અમેરિકાના બધા દેશોમાં કઠપૂતળી સરકારો બેસાડી તો દેવાશે જ…
યુરોપ ગમ્મે તેટલું આઘુપાછું થાય પણ એમની નવી પેઢીને હાથપગ તો છોડો મગજ પણ ચલાવવું નથી એટલે કશું મેન્યુફ્રેકચર કરે એ વાતમાં માલ નહીં અને ચીના મૂઆ બાઝે તો નફો ખુલ્લો કરી નાખે છે , યુરોપને ચંદનને લાકડે બળવા જોઈએ , સરખો માર્જિન ના હોય તો યુરોપ ધંધો ન કરે , જ્યારે આપણે તો દઈણાં દળી ને રાજ રાખવા વાળા .. મૂંગા મરીએ અને ચાલુ ધંધો તો સુમડીમાં જ કરીએ , સગા ભાઈને ગંધ ના આવવા દઈએ , તો ચીનો તો બહુ દૂરની વાત છે એટલે હવે યુરોપ જેટલા ઝટ ખણખણીયા લઈને આવે એટલી જલદી આપણા કારખાના ચાલુ થાય.. બાકી બંગલાદેશની ઘેટી ફૂલ ભરાવી દીધી , ઇન્ડિયન પોર્ટના ઍક્સેસ કાપી કાઢ્યા એટલે જાવ મોકલો હવે તમારા માલો યુરોપ…ત્રેવડ હોય તો ..
મોટા ભાગના યુરોપથી આવતા જહાજો કરાંચી, કંડલા, જેએનપીટી થઈ ને સીધા હિન્દ મહાસાગરમાં ઉતરી જાય, ચિત્તાગોંગ સુધી જાય જ નહીં એટલે હવે એવું મોંઘુ પડવાનું કે બધી હેકડી નીકળી જશે…
શું ફર્ક પડવાનો ? ચાઇના પ્લસ વન સપ્લાયર ની કોવીડ પછીની નીતિ દુનિયા ઝાલી રાખશે ,ભારત જગ્યા લઈ શકે , બ્રિક્સ ની સામે મજબૂત એવું કોઈ યુરોપના થોડા દેશો અને અમેરિકા ખંડ ના દેશો નું સંગઠન આવે પણ ખરું અને નાટો ને ધીમે ધીમે વિખેરી નાખે , રશિયા જોડે સોદાબાજીમાં છૂટા પડેલા રશિયન દેશોને ફરી બફર ઝોનમાં નાખી દે અને નાટો નું અસ્તિત્વ જ ન હોય તો પછી એ મોરચે ઘણી શાંતિ થાય … પછી ડોહા નો ડોળો જો ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ બાજુ ફરે ને કંઈક ખોદી કાઢવા જેવું મળે તો ત્યાં પણ હાથ ચોક્કસ વાગે …
બાકી તો ન જાણ્યું જાનકીનાથે …સોના ચાંદી પટકાય અને સર બજાર ફૂંફાડા મારે એવું લાગે છે..!
તો આપણે નિંદ્રાધીન થઈએ ..સપના જોતા રહીએ
શુભ રાત્રિ
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*