બોસ મજા પડી ગઈ છે આપણને …એર ઇન્ડિયામાં રખડવાની …એક તો સસ્ત્તી ટીકીટ ,બીજી બધી કેહવાતી સસ્તી એરલાઈન કરતા ,એટલે અમદાવાદી જીવડો ખુશ …અને પાછું લટકામાં ઇન્ટરનેશનલ ટર્મિનલ પર આવે અને જાય એટલે ઓર મજા પડે … મારું બેટુ શું ટર્મિનલો બનાવ્યા છે …!!!! દિલ્હી અને મુંબઈના તો … અહાહા હા … મસ્ત મસ્ત છે … મુંબઈ નું ટી -૨ અને દિલ્હી નું ટી–૩ આ બંને ટર્મિનલો ચકાચક છે .. જો કે ટી-૩ ને તો બન્યા ને ઘણો સમય થયો , પણ મજા આવે જોવાની .. સિંગાપુરનું ચાંગી અને બેંગકોકનું સુવર્ણભૂમિ કે દુબઈનું … એ બધાની હારોહાર ઉભા રહે એવા આ બે ટર્મિનલો છે…
આમ જોવા જઈએ તો એશિયાના એક થી દસમાં તો આ બંને ટર્મિનલો આવે જ છે, પણ હમણા જ સૌથી વધારે ટ્રાફિક અને સારું એરપોર્ટ એ બંનેનું કોમ્બિનેશન કરી અને દિલ્લીના આઈજીઆઈ (ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ ) ને પેહલો નંબર આપ્યો છે …આજે સવાર સવારમાં અમદાવાદના ઇન્ટરનેશનલ ટર્મિનલ પર બેઠો બેઠો બગાસા ખાતો હતો … ત્યારે એમ થયું કે સાલું આપણા અમદાવાદમાં કોઈ પણ વસ્તુ ક્યારેય મેન્ટેન ના થઇ ..ઇન્ટરનેશનલ ટર્મિનલને એવું ખટારા જેવું કરું નાખ્યું છે કે આપણને જોઈ ને કઈક કઈક થાય …આપણને એમ થાય કે આ શું ..?? અને ફાંકા મારવાના દુનિયાભરના …આખા ગુજરાતનું એક માત્ર અને સાવ ખોબા જેવડું ઇન્ટરનેશનલ ટર્મિનલ પણ સાચવી તો શકતા નથી અને ફાંકા ફોજદારી ગામ આખાની … જવાદો કકળાટ ને ..
દિલ્લીનું એરપોર્ટ પેહલા પાલમ કેહવાતું ત્યારથી સફરો શરુ થઇ મારી અને મુંબઈનું સાન્તાક્રુઝ અને સહાર…પણ આપણે નામો કેવા બદલી નાખ્યા …!!! મુબઈ થઇ ગયું છત્રપતિ શિવાજી ટર્મિનલ …
જો ભૂલથી એનું શોર્ટ ફોર્મ ટેક્ષીવાળાને કીધું ,અને ઊંઘી ગયા ટેક્ષીમાં તો ગયા કામથી … એમ કહીએ ટેક્ષીવાળાને કે ..ભાઉ સીએસટી લેલો… અને ઊંઘ્યા તો સીધા પોહાચાડે તમને વીટી ટર્મિનસ પર પ્લેનની બદલે ટ્રેન પકડવા ના વાર આવે અને એ પણ મધ્ય રેલ્વેની ..જાવ સીધા વિરારની બદલે વાશી…
અને આવી જ ભૂલ દિલ્લીમાં કરો .. ભૈયા પાલમ લે લો તો નાખે તમને .. સફદરજંગવાળા નાના એરપોર્ટ પર.. મોદી સાહેબ હવે ત્યાંથી આવે જાય હો … અને પછી ત્યાંથી ટી-૩ કે ડી-૧ પર પોહચતા એકસો આઠ મણકા ની માળાઓ ફેરવવી પડે પચાસ વાર .. તોડી નાખે એવો ટ્રાફિક દિલ્લીમાં મળે .. એક બહુ જ ખરાબ અને ના ગમતી વાત મને દિલ્લી ના ટ્રાફિકની એવી છે કે સાલાઓ એમ્બ્યુલન્સને પણ રસ્તો ના આપે … ટેક્ષીની પાછળ ઉભી ઉભી એમ્બ્યુલન્સ ટો.. પો.. ટો.. પો.. કરતી ચીસો નાખે ,પણ ખબરદાર જો કોઈ માટીડા ના પેટ નું પાણી હાલે …યાર કમસે કામ એમ્બ્યુલન્સ ને તો જવા દેવી જોઈએ કે નહિ ……?
પણ ભાઈ આ તો દર્દ વિનાની દિલ્લી છે .. ઈતિહાસ સાક્ષી છે કે આ દિલ્લીની ધરતીએ કોઈની દયા ક્યારેય નથી ખાધી … બાપે બેટા ને માર્યો અને બેટા એ બાપ ને .. તો આ તો પછી એમ્બ્યુલન્સમાં તો પારકો પડ્યો હોય .. મુઓ મરતો હે …ઉઅસમેં મેરા ક્યા..??
પાછો ટર્મિનલ પર આવું દિલ્લી ના ટી-૩ ને સાયલેન્ટ એરપોર્ટ ઘોષિત કર્યું છે .. એટલે એકપણ જાહેરાતો ના સંભળાય ..પેલી કે પેલો બોલે ને બીજા એરપોર્ટ પર …યાત્રી કૃપયા ધ્યાન દીજિયે એર ઇન્ડિયા કી ઉડાન એઆઈ શૂન્ય એક શૂન્ય અબ ગેટ નબર આઠ કી જગહ અઠાઇસ પર સે જાયેગી .. એટલે તમે તમારા બધા લબાચા લઇ ને દોડો..કેમકે પાછળ ને પાછળ દસ જ મિનીટમાં ફરી જાહેરાત થાય યે અંતિમ સુચના હૈ એઆઈ શૂન્ય એક શૂન્ય સે એહમદાબાદ જાનેવાલે યાત્રીઓ કે લિયે કી વે ગેટ ક્રમાંક અઠ્ઠાઇસ પર સે વિમાન કી ઓર પ્રસ્થાન કરે … એટલે મારા જેવો પેલા એસ્કેલેટર પર પણ દોડતો થાય ….હવે ક્યાં આઠ અને ક્યાં અઠ્ઠાવીસ નબર નો ગેટ.. પણ છુટકો નથી હે .. જોકે આવી દોડધામનો ભોગ હું દુબઈ એરપોર્ટ પર પણ બની ચુક્યો છે એટલે સરવાળે કાગડા બધે કાળા જ છે …
પણ આ દિલ્લી ના ટી-૩ માં સાલા બોલે નહિ એટલે પાટિયા પર સતત નજર રાખવી પડે નહિ તો છેલ્લે તમને શોધતો શોધતો આવે … એની પેસેન્જર અહેમદાબાદ .. ત્યારે આપણે કેહાવાનું હા ભાઈ હું ..અને પછી દોડાવે તમને …
હવે આજે હવામાં બેઠો બેઠો લખું છું તો એક મસ્ત કિસ્સો મારી જોડે બન્યો હતો …. બેંગલોરના જુના એરપોર્ટ પર ની વાત છે આઠ દસ વર્ષ થયા વાતને .. સવારના વેહલા ઉઠી અને બેંગલોરથી મૈસુર ગયો અને મૈસુરમાં કામ પતાવી અને મારતી ટેક્ષીએ રાતની દસની ફ્લાઈટ પકડવા બેંગલોર એરપોર્ટ આવ્યો ..રસ્તામાં ગાડીમાં પણ બધા ડીસ્કશનો ચાલુ હતા .. એટલે ઝોકું મારવા ના મળ્યું .. નવેક થઇ ગયા હતા .. એકાદી સેન્ડવીચ પેટમાં પધરાવી અને કોલ્ડ કોફી .. અને મને ઊંઘ ચડી … ત્યાં એનાઉન્સમેન્ટ થઇ કે તમારી કલાક ફ્લાઈટ મોડી છે ..દસ ના અગિયાર .. અગિયાર ના સાડા અગિયાર .. ક્ર્રુ મેમ્બર પણ આવીને બેઠા હતા .. હું તો આડો પડી અને સુઈ ગયો મસ્ત નસકોરા બોલે આખા દિવસનો થાક ..બાર વાગે ફ્લાઈટ આવી ..ત્યારે ચાલતા જ બોર્ડીંગ થતું …બધા તો એક પછી એક એર ક્રાફ્ટમાં ચડી ગયા મારો સામાન પણ ચડી ગયો .. અને હું પ્રેમથી એક ખૂણાની ખુરશીમાં બેઠો બેઠો ઘોરું ..પેલી કેહવત છે ને ઊંઘ ના જોવે ઓટલો અને ભૂખ ના જોવે રોટલો …મારા નામની તો એક પછી એક એનાઉન્સમેન્ટ થાય .. મિસ્ટર શાશાવ વોરા .. શૈશવ બોલતા તો આવડે નહિ ….લાસ્ટ એન્ડ ફાઈનલ બોર્ડીંગ કોલ …લગભગ વીસ મિનીટ થઇ હશે.. એક બીજી એરલાઈનની એક એરહોસ્ટેસનું ધ્યાન ગયું મારા ખીસા રહેલા બોર્ડીંગ પાસ પર, મને રીતસર ઢંઢોળ્યો .. હું હ હ કરી ને બેઠો થયો મને કહે સ્પાઇસ જેટ એહમદાબાદ મેં કીધું હા મને કહે જસ્ટ રન .. અને મેં તો મૂકી દોટ .. રીતસર એક આખી ખુરશી કુદી ને દોડયો ગેટ પર તો એક સીઆઈએસએફ વાળા જવાનને થયું કે આવી ઝડપથી કુદી કુદી ને કેમ દોડે છે આ માણસ .. તો એ મારી પાછળ દોડ્યો …અને એરપોર્ટ આખું મેં માથે લીધું , મેં તો ..પેલા એ બુમ મારી રુક જાવ સાંભળે એ બીજો .. હું તો સીધો ગેટ પાસે ત્યાં તો ચાર સીઆઈએસએફ વાળા જવાન આવી ગયા અને મને ઝાલી લીધો, મેં કીધું ક્યાં પ્રોબ્લેમ હૈ …?? એક જ સેકંડમાં મારી કમ્પ્લીટ ઝડતી લેવાઈ … મેં કીધું મારી ફ્લાઈટ જાય છે …સંદેશા છૂટ્યા કે મિસ્ટર વોરા મળી ગયા છે.. એરલાઈન નો સ્ટાફ મારો સમાન નીચે ઉતારતો હતો મને સમાન પાસે લઇ ગયા રનવે પર માર્રી બેગ ઉતારી હતી … મને પૂછે ..તારી બેગ છે મેં કીધું હા … રાતના સાડા બારે મારી બેગ રનવે પર ખોલાવી .. ચેક કરી આખી બેગ ,અને મને એર ક્રાફ્ટ માં ચડાવ્યો .. એકએ એક પેસેન્જર મને ગાળો આપતો હતો મનમાં …. એક તો બે કલાક પ્લેન લેઇટ હતું અને મેં બીજો પોણો કલાક ખરાબ કર્યો ….હું તો નફફટ ની જેમ મારી સીટ પર જી સીટ બેલ્ટ બાંધી અને પાછો ઘોરી ગયો.. શું કરીએ હે … દુનિયા જખ મારે ત્યારે શું …!!!! પણ સાચું કહું તો ફાટી પડી હતી જયારે ચાર જવાનો એ મારી ઝડતી લીધી અને હાથ લોક કરી નાખ્યા હતા ત્યારે ….
ચાલો લેન્ડીંગ એનાઉન્સમેન્ટ થઇ છે એર હોસ્ટેસ માસી આવી ગયા અને લખવાની નાં પાડે છે આજે આટલું જ ફરી ક્યારેક બીજી બધી હવાઈ યાત્રાના પટારા ખોલીશ …
એ દિવસ પછી , ખાલી એટલું શીખ્યો કે એરપોર્ટ પર ઊંઘી જવાનું ખરું , પણ મોબાઈલમાં એક નહિ પણ બે એલાર્મ મૂકી ને એટલે … એટલે ઘેર જવાની બદલે ક્યાંક બીજે ના પોંહચી જવાય….
શુભ રાત્રી
શૈશવ વોરા