ડીમોનેટાઈઝેશનની જવાબદારી કોની..?
નિષ્ફળતા અનાથ હોય છે અને સફળતાના સો બાપ..
પેહલા પેહલા બાબાજીની બુદ્ધિએ ચાલ્યા એવું બોલ્યા,હવે બાબાજીએ કીધું બે હજારની નોટ છાપવાનું મેં નોહતુ કીધુ..સુબ્રમણ્યમ સ્વામીજી પણ ચાતરી ગયા, આવી રીતે “ના” થાય એક ચોક્કસ સીસ્ટમથી થવું જોઈએ..
તો હવે શું કરવું..?દરોડા પાડો,જુનો અને જાણીતો ઈલાજ..!
કોઈ અદકપાંસળી પૂછે કે દરોડા જ પાડવા હતા તો આ બધી “જધામણ” શું કરવા કરી..? હવે થતા થઇ ગયું પણ બાબાજી હવે શું કરવું?
સદીઓથી દુનિયાભરમાં ચાલતુ આવ્યું છે કે ધર્મસત્તા એ જયારે જયારે રાજ્યસત્તાને વણમાંગી સલાહ આપે છે અને એ સલાહ ઉપર રાજ્યસત્તા જયારે જયારે ચાલી ત્યારે ત્યારે લગભગ દરેક સમયે રાજ્યસત્તા બુરી રીતે પીટાઈ ગઈ છે..
તિકડમના સહારે લાલુપ્રસાદની રેલ્વે ચાલી ગઈ,પણ દરેક વખતે આવા તિકડમ ભારે પડી જાય..અત્યારની હાલત એવી છે કે જો ખરેખર આજદિન સુધી ભારત સરકારે આશરે પંદર લાખ કરોડ નોટો જ છાપી છે એવું આરબીઆઈ કહે છે અને એ બધી જ નોટો જો પાછી બેંકમાં “એન્ટ્રી” સાથે પછી આવી ગઈ તો એનો મતલબ સીધો એ જ થાય કે દેશમાં કાળુધન હતું જ નહિ,
કેમકે પ્રજા “ધન” ની સાથે બેંકમાં ભરવા માટેની “એન્ટ્રી” સુધ્ધા લેતી આવી છે,આજ સુધીમાં સાડાબાર લાખ કરોડ બેંકમાં પાછા આવી ગયા છે..!
સરકારની જોડે જોડે આખા દેશના ફેસબુક ઈકોનોમિસ્ટ થી લઈને દેશભરના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ઊંઘ હરામ થઈ ગઈ છે કે ૩૦મી ડીસેમ્બર સુધીમાં આરબીઆઈએ છાપ્યા એના કરતા કૈક ગણા વધારે રૂપિયા વધારે બેંકોમાં આવ્યા તો શું..?
અને બીજો મોટ્ટો સવાલ આવે કે આ આરબીઆઈ એ “નહિ” છાપેલી નોટો પણ બેંકમાં આવી તો આવી નોટો સીસ્ટમમાં આવી ક્યાંથી..?
શું નોટો છાપવામાં પણ “તેલગીકાંડ” થયો છે..? જેમ તેલગીકાંડમાં સ્ટેમ્પપેપર સરકારી પ્રેસમાં જ છપાઈને કોર્ટમાં ગયા વિના સીધે સીધા સ્ટેમ્પ વેન્ડર પાસે પોહચી ગયા એમ કોઈકે “વહીવટ” કર્યો.?
સરકારી પ્રેસમાં કે બીજે ક્યાંક નોટો છપાઈ અને આરબીઆઈની ચેસ્ટમાં ગયા વિના ખટારે ખટારા ભરીને સીધી નોટો કોઈ નવા “તેલગી” પાસે આવી ગયા હતા..?
આંકડાનો ખેલ મોટો થતો જાય છે પક્ષ વિપક્ષ અમને કોઈ બોલવા દેતું નથી એમ કહીને છૂટી પડે છે..? આ બધું શું છે ? વાત સમજાય છે એ બધી પ્રજા અને પત્રકારો ક્ષુબ્ધ થઇ ગયા છે..
છાપેલી નોટો અને બેંકમાં આવેલી જૂની નોટો વત્તા હાલની સીસ્ટમમાં રહેલી સો,પચાસ,વીસ અને દસની નોટો અને “નોટબંધી” થઇ તે પેહલા આરબીઆઈની ચેસ્ટમાં જેટલા રૂપિયા હતા એ બધાનું ટોટલ મારો તો આંકડો આજદિન સુધી આરબીઆઈના છાપેલા આશરે પંદર લાખ કરોડથી વધારે કોઈપણ રીતે ના થવો જોઈએ..!
કાળાધનની શોધ આગળ ચલાવવી હોય તો અને હજી પણ જો બાબાજીની બુદ્ધેએ આગળ વધવુ હોય તો હવે સરકારને મોરો ઘુમાવવો પડે ગોલ્ડ ઉપર,
પણ એમાં પણ “સ્ત્રીધન” લોચો મારી દેશે..
પાંચસો ગ્રામ સુધીનુ સોનું “સ્ત્રીધન” ગણવાનું સરકાર વચન આપે છે..હવે આ દેશની પ્રજા જો પંદર લાખ કરોડ રૂપિયાની એન્ટ્રી લાવી શકતી હોય એ ગોલ્ડની “એન્ટ્રી” ફક્ત અને ફક્ત આ પાંચસો ગ્રામના સ્ત્રીધન ના “અભય વરદાન” પાછળ લઇ આવશે..!
તો હવે પછી બાકી રહી વાત જમીનોની,
તો માલિક પ્રત્યેની વફાદારી આ દેશના એક એક નોકરના લોહીમાં છે,એક પણ નોકર એવું માનવા જ તૈયાર નથી કે મારો માલિક ટેક્ષ ચોરી કરીને જમીનો ખરીદી રહ્યો છે અને મારા નામે પોતાની ચોરી સંતાડી રહ્યો છે..મરી જાય પણ સાલો મોઢું ના ખોલે..!
હિન્દુસ્તાનના નોકર માટે તો એ સહુથી મોટા “ગર્વ”ની વાત છે કે મારા નામ ઉપર મારા માલિકે કરોડો રૂપિયાની જમીનો રાખેલી છે,અને આ “ગર્વ” એ એની આવનારી સાત પેઢી સુધી દોહરાવશે..!
અને જો ખરેખર કાળાધન ધારકોને સરકાર પકડવાના ચાલુ કરે તો આખા દેશની કોલેજોની હોસ્ટેલો ખાલી કરી અને બધી હોસ્ટેલને જેલ બનાવવી પડે એટલા “કરચોરો” કે “કાળાધન” ના હેરાફેરી કરનારા કે માલિકો પકડાય..!
કદાચ આ બધી વાતો છેક ઉપર સુધી પોહચી ગઈ છે એટલે નવી વાર્તા ચાલુ થઇ ગઈ છે ઇન્કમટેક્ષને એબોલીશ કરો..!
ઇન્કમટેક્ષ જ ના હોય તો બધું નાણુ સફેદ જ કેહવાય ને..!
ઇન્કમટેક્ષને કાઢી અને બીજો કોઈ ટેક્ષ લાવવાની વાર્તા જોર જોરથી ફરી રહી છે પણ લાગે છે કે નોટબંધી પછીનું બીજું આત્મઘાતી પગલુ થશે જો ઇન્કમટેક્ષને કાઢી નાખવામાં આવશે તો..
ટેક્ષ પદ્ધતિનું સરળીકરણ અલગ વાત છે અને આખે આખી ટેક્ષ પદ્ધતિને જ નાબુદ કરી દેવી એ અલગ વાત છે..!
પેહલા પણ લખી ચુક્યો છું કે ઇન્કમટેક્ષને નાબુદ કરવો એ લગભગ અશક્ય છે, હા ઇન્કમટેક્ષને ખુબ જ મીનીમમ લેવલ સુધી લાવી શકાય અને રીટર્નને ફરી પાછું એક પત્તાનું કરી અને “સરળ” કરી શકાય..!
અત્યારે બધું રમણભમણ થઇ ગયું છે,દેશ આખો ચાતક નજરે ૩૧મી ડીસેમ્બરની રાહ જોઇને બેઠો છે..
ધંધા ધીમે ધીમે મરતા જાય છે.. લોકો એક્ષ્પોર્ટના કમીટમેન્ટ પણ પુરા નથી કરી શકતા, સંક્રાંતિકાળ ચાલી રહ્યો છે..નિર્ણય લેવાઈ ગયો છે પ્રજા બળવો કરશે એવી બીક ભાંગી ગઈ છે અને પ્રજા સહન કરી રહી છે એનો મતલબ જ થયો કે મને કે કમને પણ પ્રજા ડીમોનેટાઈઝનની સાથે છે..
પચીસ કરોડ કરતા વધારે લોકો પેટીએમમાં રજીસ્ટર થઇ ગયા બહુ મોટી વાત છે અને માનો તો આ એક બહુ મોટો લેન્ડમાર્ક પણ કહી શકાય..
સરકાર માટે અત્યારે કડવી દવા પીવડાવવી હોય તો પીવડાવવાનો આ જ સમય છે,મોઢું ખુલ્લું છે અને નાક દબાયેલું છે એટલે ઈકોનોમીને સરખી કરવા જે કરવું પડે એ તાત્કાલિક કરી નાખવા જેવું છે..
જીએસટી બીલ લટક્યુ છે,હવે જીએસટીમાં મોડું બહુ ભારે પડશે સાત સાત વર્ષના વહાણા વાઈ ચુક્યા છે આ જીએસટી બીલની પાછળ..
જૂની અને જાણીતી વાત લખું છું “ખાંડણીયામાં માથું ને ધીમો કેમ રામ..?”
ટીવીના અને છાપાના સમાચારો વાંચી અને સાંભળીને મગજ ડોફરાઈ જાય છે..ચોરેચૌટે એક જ વાત ચાલી રહી છે..
પેહલા લખું ચુક્યો છું કે પેન્ડોરાની પેટી ખુલી ચુકી છે અને હવે સાપ નીકળશે કે ઘો એની કોઈને ખબર પડતી નથી..
કોઈ મોટ્ટો “એનાકોન્ડા” પકડાવો બહુ જ જરૂરી છે જેથી પ્રજાનો ઈશ્વર,સરકાર અને લોકતંત્રમાં વિશ્વાસ કાયમ રહે..
આટલી બધી મુશ્કેલી અને તકલીફો વેઠ્યા પછી જો ખરેખર ઉંદરડું નીકળે તો તો બહુ મોટો ફજેતો થાય ..
ભગવાન જલ્દી ૩૧મી ડીસેમ્બર આવે અને કરોડો અને અબજો ના “ખેલા” કરનારાને ભંડા ફૂટે..
જય હિન્દ
શુભ રાત્રી
શૈશવ વોરા
www.shaishavvora.com