બડે બેઆબરૂ હો કર નીકલે તેરે કુચે સે..
વધારે કઈ કેહવું નથી, બહુ લખ્યું પેહલી મેચ વખતે..પણ આંખો ખુલતી નથી અને રૂપિયાની આગળ રાષ્ટ્રભક્તિના ઝનૂન પાછા પડે છે,રાજનીતિના ઘણા બધા ચેહરા હોય છે અને એને દશાનન ના દસ ચેહરા ગણવા કે વિરાટ દર્શન વખતે દેખાયેલા સહસ્ત્ર ચેહરા..કોની સાથે સરખામણી કરવી ? અને કયો ચેહરો સાચો અને કયો ખોટો..?
આજે તો “ભઈલો” મોટા દુઃખના માર્યા ફરી પાછા “મરુ કે મારુ” વાળા મેસેજ ફરી એકવાર ફરતા કરી દેશે પણ સવાલ તો ત્યાંનો ત્યાં જ ઉભો છે..
રૂપિયા કે દેશ..?
દે દે ગાળો લખી..લખી ..અને ભારતની ટીમ ને ક્યારેક સપોર્ટ કરનારો અને ક્યારેક ગાળો દેનારો હવે દેશપ્રેમ ક્યાં બતાડશે..?
“મોકા મોકા” લખનારા “મોકાણ” સુધી આવી ગયા..!
સટ્ટો કેટલાનો થયો ?આંકડા કાલે ચોક્કસ આવશે,પણ કોણ કમાયું એ આંકડો અને નામ ક્યારેય નથી આવતા..લોકમોઢે તો નામો ઘણા બોલાય છે પણ આજદિન સુધી એકપણ મોટી “માછલી” કે “મગર” પકડાયો નથી..!
“છેક” સુધીના રાજનેતાઓ ના ઇન્વોલ્મેન્ટ દબાતા સ્વરે બોલાય છે, પણ કેમ કોઈ પગલું આજ સુધી લેવાયું નહિ ? શા માટે બીસીસીઆઈના માથે હંમેશા રાજકારણીઓ કેમ મંડરાય છે..?
શું ભારતના રાજકારણીઓમાં જરા પણ “નીતિ” બચી નથી? નાની નાની વાતમાં ખુશ થઇ જતો ભારતનો જનસાધારણ અને કોઈના દુઃખે દુઃખી થતો સામાન્ય માણસ એના ઈમોશન્સ પ્રોપેગેન્ડા કરીને ધુણાવવાના અને પછી એમાંથી પોતાનો “ઉલ્લુ” સીધો કરવાનો ..!
પ્રજાને થોડી ડરમાં રાખી અને થોડો આનંદ આપવાનો, અને થોડા દુઃખ અને થોડી સુખની ભ્રમણા અને એમાં ને એમાં પ્રજાના દિવસો પુરા કરવાના અને આપણે મોજે મોજ..!
રાજ અને રૈયતના રીલેશનની એક નાનકડી વાર્તા ક્યાંક વાંચી હતી મારી રીતે મઠારીને મુકું છુ..!
એક નાનકડુ ગામ હતુ ગામ નો વહીવટ દરબાર કરતા હતા દરબાર ખરેખર પ્રજા વત્સલ હતા, રૈયતને છોરું ગણતા અને પોતાની જાતને માવતર..!
દરબાર બે બટકા પોતે ઓછા ખાય પણ રૈયતમાં કોઈ ભૂખ્યુ ના ઊંઘે એનું ધ્યાન રાખતા..!
ગામના નાના મોટા કામ કરવા માટે દરબાર ખુબ જ માપસરનો ટેક્ષ લેતા,હવે ગામમાં ઘણા ઘર કણબી ના અને એમાંથી એક કણબીને સેહજ મનમાં લાલચ જાગી મારે ટેક્ષ શું કરવા દેવો..?દરબાર એવું તો શું કરીને મને દ
યે છે ? મનથી નક્કી કર્યું કે આ વર્ષે ટેક્ષ નથી આપવો,
પણ જો સાવ નહિ આપું તો ગામમાં મારું ભૂંડું દેખાશે એના કરતા થોડોઘણો ટેક્ષ આપું અને થોડો ઘણો રેહવા દઉં..દરબાર દસ ગાડે એક ગાડું ટેક્ષ લઈ લે છે..! (દસ ટકા ટેક્ષ થયો 😉 )
કણબીએ બુદ્ધિ ચલાવી..એક કામ કરું ખેતરેથી રાતના અંધારે અંધારે પાંચ ગાડા ઘેર લાવીને ઠાલવું અને પાંચ ગાડા અજવાળે લાવું એટલે અડધા ગાડાના ટેક્ષમાં જશે અને અડધું ગાડુ ટેક્ષ બચી જશે..! (દસએ બદલે પાંચ ટકામાં છૂટી જવાશે)
કણબીએ પ્લાનનો અમલ કરવાનો ચાલુ કર્યો ચાર ગાડા રાતના અંધારે “કાઢી” ગયો..રોજ રાતના બે વાગ્યે ગાડુ ભરે અને ચાર વાગતા પેહલા ગાડું ઘેર પોહચાડી દે..
રાતના બે થી ચારમાં ગામ આખું નસકોરા બોલાવતુ હોય એટલે ચાર ગાડા ઉતરી ગયા,વાત દબાયેલી રહી, હવે વારો હતો આજની રાતનો કણબી તો અડધી રાતે ઉઠ્યા અને પોહ્ચ્યા ખેતરે.. ગાડું “લોડ” કર્યું.. થોડી લાલચ આવી અને ઓવર વેઇટ કર્યું.. બિલ્ટી,એલ.આર.અને ઇન્વોઇસની કવોન્ટિટી કરતા “વધારે” માલ લોડ કરી દીધો..!
જય હો..!!
ઓવર લોડેડ ગાડું નીકળ્યું..કિચુડ કિચુડ કરતુ અને ગામની સેહજ બાહર એક મોટો ખાડો આવ્યો અને ગાડાનું પૈડું ફસાયું એમાં.. કણબી નીચે ઉતર્યા બળદયા ના પુછ્ડા મચડ્યા પોતે ધક્કા બહુ માર્યા પણ પૈડું ટસ નું મસ ના થાય..
હવે ..? અજવાળું થઇ ગયું તો તો આબરૂના ફજેતા અને દરબાર મારી મારીને તોડી નાખશે કોઈ બચાવશે પણ નહી..બારબરના કણબી મુંઝાણા..કપાળે ભરશિયાળે પરસેવા નીતર્યા..ચારેબાજુ ફાંફા મારે કોઈ તો બચાવે..
હવે એટલામાં અંધારે અંધારે એક જણ જતો જોયો એટલે કણબીએ મારી બુમ.. એ ઝણ ઝટ આંય આવ આ પૈ બા`ર કઢાવ બાપલા.. પેલા જણ એ મોઢે પછેડી બાંધેલી રાખી અને પૈડાને દક્કો માર્યો અને કણબીએ બીજા છેડેથી અને ગાડુ બહાર નીકળી ગયુ.. કણબીને હાશ થઇ અણી ચુક્યા હવે સો જીવશું..!
હવે આ કણબીનો સ્વભાવ મુળે કેજરીવાલ જેવો કોઈને કોઈ વાતે એને વાંકુ પડે અને એમાં એકવાર દરબાર જોડે વાંકું પડ્યું એટલે માંડી બુમાબુમ.. આપડે હવે આ ગામમાં નથી રેહવું ભરો ઉચાળા.! ત્યારે જનતા જનાર્દનને જે દેશમાં રેહવું હોય એ દેશમાં રેહવાનું છૂટ હતી વિઝા અને પાસપોર્ટ જેવી “કમીની” સિસ્ટમો નોહતી ચાલુ થઇ..!
દરબારે બેત્રણ જણ ને મોકલ્યા ચાલો જવાદો બધું ભૂલી જાવ પણ કેજરીવાલ કોને કીધો ખેંચ પકડ મુઝે જોર આતા હૈ.. ગાડા ભરીને સામાન લઈને દરબારના ઘરની બહારથી જ નીકળ્યા,ગામ આખામાં હાહાકાર..રૈયત રાજ છોડીને જાય અને ધણી એમનેમ બેઠો છે..?
દરબારે ઠંડે કલેજે હોકારો દીધો કણબી ઉભા રે`જો.. દરબારની હાક સાંભળીને કણબીના ગાડા જયાં હતા ત્યાં ચોંટી ગયા.. દરબાર ખાટલેથી ઉભા થઇને આવ્યા અને કણબીને કીધું જરા બાજુમાં આવો..દરબારે કણબીના કાનમાં કીધું પૈ ફસાય ત્યારે ટેકા કરી અને ગાડા કાઢી આપે એવો ધણી ગોતજો..!
કેજરીવાલ ઠરી ગયો..ગાત્રો ગળી ગયા પેલી રાતે જે “ઝ્ણે” ટેકો કર્યો હતો ઈ દરબાર ખુદ હતા..ચુપચાપ નીચી મૂંડીએ કણબીએ ગાડા પાછા વાળ્યા..!
આવો સબંધ હોવો જોઈએ રૈયત અને રાજ નો..!
હશે કાક તકલીફ હશે રૈયતને તે દાણ નથી દે
તો …
અને અહી તો ..
નાના નાના ગાજર લટકાવવાના અને સટાકા મારતા જવાના, જનતાને જ્યાંથી મજા આવે ત્યાં રાજકારણીએ એની ટાંગ મારવાની,પ્રજા જરાક પણ ફંદાફૂંદી કરીને ખુશ થઇ ત્યાં બરાબર ઘા મારીને તોડી પાડવાની..!
ક્યાં સુધી વેપારી એ ચોર બનીને જીવવાનું ..? અંગ્રેજી રાજ ગયુ..!આજે વર્ષ કેટલા થયા..? પ્રજાની જોડે રહીને ક્યાં સુધી લાગણીઓ ધુણાવવાની અને પાછલે બારણે મેચો રમાડવાની..?
કોઈ જ પર્સનલ એટેક કરવાની ઈચ્છા નથી પણ અપેક્ષા તો ઘણી હતી અને છે..! GST ના પ્રાવધાન એક એક ફોર્મ અને રીટર્ન ભરવામાં ચોકસાઈ રાખો,અમે ઉદ્યોગકારો અને ઈમ્પોર્ટરો તો વર્ષોથી કરતા આવ્યા છીએ પણ આ દેશમાં જે નાનો માણસ છે જેને તમે ફર્સ્ટ જનરેશન ઓફ આન્ત્રપ્રીન્યોર તરીકે ઓળખો છો એ ક્યાં જશે..?
GSTનું જ્ઞાન લેવામાં અચ્છા અચ્છાની ફાટી પડે એવી હાલત છે, કાયદો એક હોવો જોઈએ કબુલ પણ સરળ પણ હોવો જોઈએ અને ચિંદીચોરને શૂળી ના હોય..!
રૈયત એ રૈયત છે..રૈયત હશે તો રાજ થશે..!
પ્રજાની સેવા કરવા આવ્યા છીએ એવું બોલી બોલીને છેક ૧૯૪૭થી મુર્ખ બનવતા આવ્યા છો..રાજ કરવા ગાદીએ બેસવું હોય ત્યારે રંક, અને જેવા ગાદીએ બેઠા એટલે રાજા..!
ટેક્ષ લેવાનો હોય ત્યારે રાજા અને સબસીડી આપવાની આવે ત્યાં રંક..અને પેરેલલ મેચ રમાડો અને કાશ્મીરમાં લડ્યા કરો..!!!!! જનતા બીઝી..દસ દિવસ લોકો હવે “મંડેલા” રેહશે મેચ પર..ચુપચાપ કામે લાગો નહિ તો GST તમારી શરમ નહિ ભરે, બધું ઓનલાઈન છે શીખવા માંડો..રાત થોડીને વેશ ઝાઝા છે..
કોઈ એવું નહિ માને કે “હશે કાક તકલીફ હશે રૈયતને તે દાણ નથી દે
તો..”
શુભ રાત્રી
શૈશવ વોરા