એસ જી હાઈવે ઉપરથી પસાર થતા મને હમેશા ત્રણ જગ્યાએથી નીકળતા ધુમાડા મને હંમેશા પજવે છે, એક લેન્ડમાર્ક હોન્ડા-એક્રોપોલીસ મોલની સામેની એક ધુમાડા ઓકતી ચીમની..જ્યાં તમારા-મારા જેવા અનેક શરીર પંચમહાભૂતમાં ભળી જાય છે..બીજા ધુમાડા બિલકુલ સ્મશાનની બાજુમાં સર્વિસ રોડ પર સળગતા મજુરોના ચૂલા અને ત્રીજા ધુમાડા ત્યાં સર્વિસ રોડ પર બનેલા ઢગલો કોફી બાર પર ઉભેલા નાના નાના છોકરા છોકરીઓના મોઢામાંથી નીકળતા સિગારેટના ધુમાડા..
સાંજના આઠેક વાગ્યા હતા મારી સાથે એસજી હાઈવે પરના કોફી બાર પર હું જીમ પતાવીને મારા જીમના નાના નાના વીસ બાવીસ વર્ષની ઉમર ના ટેણીયા લઈને પોહચી ગયો હતો..!
ક્રેટા પાર્ક થઇ ધડાધડ બારણા ખુલ્યા અને બંધ થયા ,અમે બધા ઉતર્યા બધા ગલ્લે પોહ્ચ્યા અને ત્યાં સાઈડમાં એક ખૂણે જાણીતો ચેહરો દેખાયો..મારાથી લગભગ અડધી ઉમરની ચોવીસેક વર્ષની મારા એક મિત્રની સાળી ત્યાં ઉભી હતી અને એના હાથમાં સિગારેટ સળગતી હતી, મને જોઇને છૂટી ગઈ એના હાથમાંથી સિગારેટ..અમારી આંખો મળી ચુકી હતી એટલે મળવું પડે તેમ હતુ..
કાલ્પનિક નામ આપું છું “જાનકી”..
હેઈ જાનકી..કરતો હું એની તરફ ગયો..જલતી સિગારેટ તો એણે એના હાથમાંથી છોડી અને જમીન પર ફેંકી દીધી હતી,પણ મોઢાનો ધુમાડો તો બહાર કાઢ્યા સિવાય છૂટકો નોહતો..ધુમાડો નીકળી ગયો અને એની નજર નીચી થઇ ગઈ..
મેં હસતા હસતા જમીન પર પડેલી એની જલતી અડધી સિગારેટ ઉપાડી ને એના હાથમાં આપતા મેં કીધું લઇ લે..સોળ રૂપિયાની છે, નીચા મોઢે એણે માથું ધુણાવ્યું મેં ફરી કીધું લઈ લે..આઈ રીયલી ડોન્ટ માઈન્ડ કોઈને નહિ કહું..નીચા મોઢે એણે ફરી માથું ધુણાવ્યુ..
મેં કીધું કેમ ? જવાબ આવ્યો આઈ રીસ્પેક્ટ યુ..! તમારી સામે ના પીવાય,
મેં મારા હાથમાંથી એની જલતી સિગારેટ નીચે ફેંકી અને પગથી ઓલવી નાખી..!
જાનકી સતત અપરાધ ભાવથી નીચું જોઈ રહી હતી..
મને લાગ્યું કે મારે ત્યાંથી ખસી જવું જોઈએ એટલે મેં કીધું ચલ હું જાઉં ફરી મળીએ એણે નીચી નજરે માથું ધુણાવીને હા પાડી..
હું ઉંધો ફરીને એક ડગલું ચાલ્યો અને પાછળથી જાનકીએ મારો શર્ટ ખેંચ્યો, હું એની તરફ ફર્યો મેં સ્વાભાવિક રીતે કીધું બોલ બેટા ..
મારી સાથે વાત કરોને મેં કીધું..બોલ શું વાત છે..?ચલ બેસ ગાડીમાં..હું સમજી ગયો કદાચ એમ કેહશે કે દીદી કે જીજુને ના કેહતા એવી કોઈ વાર્તા કરશે,
મારી ગેંગ જોઈ રહી હતી અમને ,એમણે એમના ધુમાડા કાઢવાના ચાલુ કરી દીધા હતા હું અને જાનકી ગાડીમાં ગોઠવાયા..ગાડી ચાલુ કરી અને એસી ચાલુ કર્યું.. મેં કીધું બોલ..
અને એઝ એક્સ્પેકટેડ એણે ચાલુ કર્યું..
શૈશવભાઈ સોલીડ સ્ટ્રેસ છે, લાઈફમાં બહુ લોડ છે,દીદી અને જીજુને ના કેહતા, મેં કીધું ઠીક છે નહિ કહું, હું બને ત્યાં સુધી એને એવોઈડ કરતો હતો મારે એના મામલામાં નોહતું પડવું, ચોવીસ પચ્ચીસ વર્ષની ઉમર હોય, કુંવારી હોય અને મહીને ચાલીસ પચાસ હજાર કમાતી હોય એટલે એના નાચ નખરા દુનિયાદારી પ્રમાણે હોય એ સ્વાભાવિક હતું..
મને એણે સવાલ પૂછ્યો મને તમારો અડધો કલાક આપશો..?
એક ચોપડી ખરીદીને વાંચવી એના કરતા એક જિંદગી વાંચવાની વધારે મજા આવે..
મેં કીધું આપ્યો..
આજકાલ કોલેજમાંથી બહાર આવી અને ઈન્ડીપેન્ડન્ટ થઇ ચુકેલી છોકરીઓ જેની ઉમર પાંત્રીસથી નીચે છે એવી છોકરીઓમાં સ્મોકિંગનું પ્રમાણ બહુ જ વધી ગયુ છે..
પેહલા પણ લખી ચુક્યો છું આ ટોપિક પર,મારી સાથે બહુ પ્રોબ્લેમ થાય છે ક્યારેક, હું શિંગડા કપાવીને વાછરડો બનેલુ પ્રાણી છું, એટલે એ એઈજ ગ્રુપમાં હું સેહલાઈથી ભળી જાઉં છું અને નાની ઉમરના છોકરા છોકરી મને જલ્દી ઓળખી નથી શકતા મને કે હું એમના બાપ જેવડો છું..!
થોડાક કોલેજ પુરા કરેલા અને જિંદગીમાં જેને આપણે પાશેરાની પેહલી પૂણી કહીએ એવા છોકરા છોકરીની વચ્ચે ક્યારેક હું રખડી લઉં છું..અને એવા ગ્રુપમાં “મેહમાન કલાકાર” તરીકે જાઉં ત્યારે નાની નાની દીકરીઓ બિન્દાસ્ત ધડ્લ્લાથી સિગારેટ મારી સામે ફૂંકે છે, ક્યારેક મારી સામે “નજર” પણ મારે છે, મને એસેસ કરતી હોય છે, મારી બોડી લેન્ગવેજ, એટીટ્યુડ કપડાની બ્રાંડથી લઈને ગાડી સુધીનું ઓબ્ઝર્વ કરી લેતી હોય છે..
એના હાથમાં સિગારેટ હોય છે અને આંખમાં ભાવશૂન્યતા,સતત હાલતી રેહતી એ છોકરીઓની આંખની કીકી મને એટલું ચોક્કસ કહી જાય છે કે આ છોકરી દિશાહીન જઈ રહી છે, એને એના લક્ષ્યની ખબર છે પણ રસ્તો નથી મળતો એટલે ઝાંવા મારી રહી છે..
જાનકીએ બોલવાનું ચાલુ કર્યુ..મારું બે મહિના પેહલા બ્રેક અપ થઇ ગયું છે, મને એટલો અંદાજ હતો કે જાનકી કોરિયોગ્રાફર છે પણ બીજી કોઈ એના વિષે મને ઝાઝી ખબર નોહતી,
મેં વાતાવરણ હળવું કરવા વચ્ચે પૂછ્યું પેહલીવારનું બ્રેક અપ થયું..?
થોડી છંછેડાઈને બોલી..હા હવે પણ અત્યારે હું બહુ જ સ્ટ્રેસમાંથી પાસ થઇ રહી છું, મેં કોઈ જ પ્રતિસાદના આપ્યો, હું મનથી સમજતો હતો કે સિગારેટ પીતી પકડાઈ છે એટલે કૈક સ્ટોરી તો બનાવશે..એણે બોલવાનું ચાલુ રાખ્યુ શૈશવભાઈ અમારી લાઈનમાં પેહલા તો અમે જયારે નાના હતા ત્યારે કોરિયોગ્રાફી કરવાની બહુ મજા આવી, ભણતા હતા ત્યારે સાઈડ ઇન્કમ થતી તો બહુ ગમતુ પણ હવે જ્યારે કેરિયર તરીકે લઈએ છીએ તો આગળ જવાના બહુ સ્કોપ દેખાતા નથી અને ઇવેન્ટ મેનેજરો ઉપર ડીપેન્ડ રેહવું પડે છે, ઇન્ડીવીજ્યુઅલ કામ બહુ ઓછું મળે છે, આટલુ બોલીને એ અટકી..એટલે મેં કીધું તો શું છે ? દરેક ધંધામાં ઉપર નીચે તો આવે અને હજી તું તો ઘણી નાની છે તારી પાસે ઘણા દિવસો છે કરિયર સેટ કરવાના..
હું એક પછી એક એના “પ્રોબ્લેમ્સ” સંભાળતો રહ્યો, કોઈ જ એવો મેજર પ્રોબ્લેમ નહિ, બસ દેખાદેખી અને હેંગ આઉટ ,ચીલ આઉટ થવાની કોશિશો એસજી રોડ પર નીકળતા બાઈકો અને ગાડીઓ બધું જ ફટાફટ મેળવી લેવું ,મજા કરવા માટે એક જ જિંદગી છે…
ખરેખર કહું તો કોઈ જ પ્રોબ્લેમ હતો નહિ, અને હતો તો એક જ પ્રોબ્લેમ હતો કે આખી જનરેશનનો છે “જેન્ડર ડીફરન્સ” નીકળી ગયો હતો..
જાનકી “સ્ત્રી” કે “છોકરી” રહી જ નથી, જેમ નોકરી ધંધામાં પડેલા નવા નવા યુવાનો “છોકરો” કે “પુરુષ” રેહતા નથી, અને ફક્ત અને ફક્ત “મજુર” જ રહે છે એમ જાનકી પોતાનું જેન્ડર ગુમાવી ચુકી હતી..
અને જીવન જયારે “મજુર” જેવું થઇ જાય ત્યારે જીવવું પણ “મજુર”ની જેમ જ પડે..!
બહુ ત્રાસજનક પરિસ્થિતિ હોય છે જીવનની આ, તમારે જોઈએ છે ઘણું બધું આંખમાં સપના હોય,પગ અને બાવડામાં તાકાત,ખિસ્સામાં ડીગ્રી અને દિમાગમાં બુદ્ધિ છતાં પણ રસ્તો ના દેખાય,અને મન ને મારીને કોઈ જીવાડે એમ જીવવાનું.. કોઈ રમાડે એમ રમવાનું, લગભગ “મજુર” જેવી જ અવસ્થા, અને ઘરમાં બધા એમ બોલે કે એ તો હવે સ્વતંત્ર થઇ ગઈ છે કે થઇ ગયો છે,કોઈ નું સાંભળતી જ નથી..!
સવારપડ્યે વેહલા ઊંઘ ઉડાડીને રોટલા રાંધી અને બાંધી લેવાના, અને કડીયા નાકે જવાનું, કામ શોધવાનું,દિવસ આખો તનતોડ મેહનત કરીને સાંજે ફરી ચૂલા સળગે અને પેટની આગ ઠંડી થાય એટલે થાકેલા તન અને મનને શાંતિ આપવા માટે “પોટલી” પી અને ઢીમ ઢળી જાય..!
ક્યારેક ધાબુ ભરાયુ હોય ત્યારે એક પોટલી વધારે અને લાડવા ખાવા મળે..!
બસ બિલકુલ એમ જ બહુ થાકેલા હોય આખા દિવસના કામ કરેલા અને થોડાક ખમતીધર મિત્રો હોય, શુક્રવાર કે શનિવારની સાંજ હોય પાર્ટી-બાર્ટી એરેન્જ થઇ હોય અને હળવો નશો થાય એવો સમાન આવ્યો હોય ,તો નવા નવા જન્મેલા “મજુરો” મોજ ખાતર ખેંચી લે બે ત્રણ પેગ અને કશ..
મને ઘણીવાર કેહવામાં આવે છે કે યાર દારુ અને સિગારેટ તમે માનો એટલા ખરાબ નથી..”વીડ” એનાથી વધારે ખરાબ હોય છે અને “વીડ” લેનારા એમ બોલે કે “વીડ” કરતા તો ..(નામ નથી લખતો જેથી ગુગલ કરીને આ વિષયનું છોકરા વધારે જ્ઞાન ના લે) એક પછી એક ઘણી ચીજો છે આ લાઈનમાં,
હુક્કાબાર બંધ થયા એનો હું ખુલ્લેઆમ વિરોધ કરું છું ,નશો કરવો કે ના કરવો એ કોઈપણ સ્ત્રી કે પુરુષનો પોતાનો અધિકાર છે અને એમાં સરકારે કે સમાજે દખલ બિલકુલના કરવી જોઈએ..
પેહલી સમાજની અને બીજી સરકારની બંનેની જવાબદારી છે કે બંને ભેગા થઈને એક વાતાવરણ ઉભું કરે કે જેથી આ નવી ઉગીને ઉભી થયેલી પ્રજાને નશા તરફ વળતી રોકી શકાય..પણ અહી તો કંઈ પણ થયું તો કાયદો લાવીને માથે મારી દેવાનો,અને એમાં મીનીસ્ટરના છોકરા એટલે રાણી એલીઝાબેથ..! કાયદાથી ઉપર, રાણી એલીઝાબેથ એકમાત્ર એવી વ્યક્તિ છે બ્રિટનમાં જેને ગાડી ચલાવવા લાયસન્સ નથી લેવુ પડતુ..! અને એમની ઉપર કોઈપણ પ્રકારનો કેસ ના થઇ શકે..
નશો હમેશા માણસના જીવનમાં રહેલા સ્ટ્રેસ લેવલ ઉપર ડીપેન્ડ કરે છે, આપણે નશાખોરને તો એમ કહી દઈએ છીએ કે નકામો છે, દારુડીયો છે, પણ અંદર જોતા નથી કે આવું કેવી રીતે થયુ..?
જિંદગી ધુમાડામાં જ પૂરી થવાની છે સત્ય છે..
મૈ ઝીંદગી કો ધૂંએ મેં ઉડાતા ચલા ગયા..પણ થાકેલો “મજુર” જેમ “બીડી” અને “પોટલી” પર જીવે છે એમ એસ જી હાઈવે પર આખા દિવસના માનસિક અને શારીરિક થાકેલા “મજુરો” ધુમાડા પર જીવતા થઇ ગયા છે..!
દારૂબંધી કે સિગારેટની બંધી દુનિયામાં ક્યાય સો ટકા લાગુ પાડી શકાઈ નથી, અત્યારની સામાજિક સંરચનામાં દરેકને જીવવા માટે કોઈને કોઈ “નશા”ની જરૂર છે. જે દારૂ સિગારેટ ના નશા નથી કરતા એ “ધરમ” નો નશો કરે છે..!
જાનકી જેવા “મજુરો” મળી જાય તો સિગારેટ પીવાના નુકસાન સમજાવવા કરતા સ્ટ્રેસ લેવલને મેનેજ કેમ કરાય અને વ્યસન ઓછું થાય એવી કોશિશ કરવી વધારે સારી છે..બાકી તો થીયેટરમાં દરેક પિક્ચર ચાલુ થાય એ પેહલા સિગારેટ પીવાના નુકસાનના “જ્ઞાન” બધા ને મળે જ છે..!
વાંક આપણી પેઢીનો અને આપણી આગળની પેઢી નો છે કે આપણે એવા સમાજનું નિર્માણ કર્યું કે જ્યાં હણહણતા ઉછળતા કુદતા જાતવાન વછેરા “ગધેડા” થઇ ગયા..
નવી પણ પેઢી “મજૂરી”એ જાય છે..!
એક બીજો “નશો” પણ આજકાલ છે સોશિઅલ મીડિયાનો..!
એના ઉપર ફરી ક્યારેક..!
આપનો દિવસ શુભ રહે
શૈશવ વોરા