હમણાં ઘણા દિવસથી એક વોટ્સ એપ મેસેજ ફરી રહ્યો છે, દિકરીને રાંધતા ના શીખવાડ્યું હોય તો શીખવાડજો ,અને દિકરીના ઘરમાં ચંચુપાત ના કરશો , વગેરે વગરે….
આવી બધી બીજી કૈક મોટી લવારીઓ લખેલી છે બહુ લાંબી લાંબી .. દિકરીઓ નોકરી ધંધો કરવાની જરૂર નથી , સ્ત્રીઓને કામ કરતી કરી અને ભણાવીને શું પામ્યા તમે ?
કેહવાનો મતલબ એવો કૈક છે કે રસોડાની રાણી બનાવો અને પછી જીવનભર જુના મોગલકાળમાં હતી એમ સ્ત્રીને ગુલામ કરીને રાખવાની, એનો ક્યાંય અવાજ હોવો જોઈએ નહિ ..
દિકરી તો પારકી થાપણ કેહવાય ..ગાય દોરે ત્યાં જાય, આવું બધું થોડુક જુદા શબ્દોમાં લખેલું હતું ..
આપણી તો બે-ચાર લીટી વાંચી ત્યાં જ છટકવાની ચાલુ થઇ ગઈ ..
લખનારો કોણ છે એની તો ખબર નથી પણ લખ્યું છે એવી રીતે કે જાણે એનો બાપ અકબરે આઝમ હોય , દુનિયામાં એના ત્રણ ચાર લાલ કિલ્લા બંધાયા હોય અને ઘોડીનો મયુરાસન ઉપર રોજ સવારે જઈને બેસીને તડકો ખાતો હોય…
ગાળ સમજી વિચારીને લખી છે એટલે માથાકૂટ કરવી નહિ .. ક્યારેક ગાળ આપવી જરૂરી બની જાય છે ..!!
આપણને એમ થાય કે ક્યા જમાનામાં જીવે છે આ વસ્તી ?
મને “બાબા મેન્ટાલીટી”માં જીવતા લોકો માટે સેહજ નહિ પણ ઘણી બધી સૂગ ..
ઘેર દિકરો આવે એટલે જાણે શું મોટું થઇ ગયું અને દિકરી જન્મે તો વહુ બચ્ચા પેદા કરવાનું મશીન … છોકરીઓ “કાઢ્યા” જ કરવાની એક પછી એક ..!!
આ શબ્દ પણ સમજીને લખ્યો છે એટલે માથાકૂટ નહિ..
શું ચાલી રહ્યું છે અત્યારે ?
તો મારી સમજણ પ્રમાણે કહું તો ભારત દેશ ઉધારીના રવાડે ચડ્યો છે ,
મોટી મોટી મોલાતો મૂકીને એક પણ ડોકરો કે ડોકરી મરતી નથી કે જ્યાં આવનારી દસ પેઢી બેઠી બેઠી ખાય ..
લગભગ મોટેભાગે એક ઘર મૂકી જાય અને એ પણ એટલું જુનું હોય કે રીપેરીંગ કરવામાં પર્સનલ લોન લેવી પડે એના માટીડાને, ઘરેણા ડોકરી મૂકીને જાય તો લોકરમાં પડ્યા રહે કેમકે માટીડાની બાયડીને મોંઘા મોંઘા મોબાઈલમાં ખર્ચા કરવા હોય,
પછી એકાદુ છોકરું પેદા કર્યું હોય અને એને સારામાં સારી રીતે મોટું કરવાનું હોય એટલે એની સ્કુલ અને એક્ટીવીટીની ફી-ઓ(ફીસ) ભરવાની હોય, રાણી અને રાજા સાહેબના મેડીકલેઇમના પ્રીમીયમ ભરવાના હોય અને તો પણ ડોકરા રાજાને કે ડોકરી રાણીને મોટી માંદગી આવે એટલે એમના ભેગા કરેલા કોર્પોરેટ હોસ્પિટલમાં પુરા કરી ને જાય ..
ડોકરા રાજા અને ડોકરી રાણીને સ્વર્ગ મળે તે પેહલા એમના “લાડલા”ને ધરતી ચોક્કસ મળી જાય ..!!
હવે ?
માટીડાને બાયડી કમાણી ના કરતી હોય તો એ બંનેના વત્તા બીજા બંનેના કોર્પોરેટ હોસ્પિટલના બીલ કોણ ભરશે ?
ઓવર ઓલ નર્યો સ્ટ્રેસ ચાલી રહ્યો છે ચારેબાજુ એમાં ઘરમાં પરણી આવેલીને માનસિક રીતે ગુલામ બનાવી રાખવાની વાતો કરવાની અને પરિણામ સ્વરૂપ એકવાર રૂપિયાની અછત ચાલુ થાય એ ભેગા ઘરમાં થાય યુદ્ધના મંડાણ ..!
કોઇપણ જમાનો ઈતિહાસના પત્તે જોઈ લ્યો સ્ત્રી અને પુરુષ બંનેએ ભેગા થઇને જ સંસાર રથને ખેંચ્યો છે અને આ જમાનામાં તો હવે ચાલે તેમ જ નથી …!
અત્યારેનો જમાનો અવેલીબીલીટીનો છે.. ફિયાટ કે બજાજનું સ્કુટર નોંધાવો અને પાંચ વર્ષે તમને ડીલીવરી મળે એવા જમાના ગયા ,
અલ્લાઉદ્દીનનો જીન એકવાર મોડો પડે પણ પેલો ફાસ્ટફૂડવાળો ઘેર ડિલીવરી આપી જાય એટલી બધી ઝડપનો જમાનો છે ..!
ચારેય બાજુ તમને બધું જ અવેલેબલ છે , ખાલી તમારા ગજવામાં કુકા હોવા જોઈએ અને સ્ત્રીઓને પિત્તળભેજો કુકા રળવાની નાં પાડે છે ..!
હું એવા પચાસ છોકરાઓને ઓળખું છું કે જેમને પોતાના સમોવડી છોકરી જોડે જ પરણવું છે , હાઉસવાઈફ ઉર્ફે સાસુ સસરાની ગુલામડી ,વરની સેવિકા કોઈને જોઈતી જ નથી..!!
સમય ચોક્કસ બદલાઈ ગયો છે અને એની સાથે જ ચાલવું પડશે…!
કેરિયર ઓરીએન્ટેડ છોકરા-છોકરીઓ બંને થઇ ચુક્યા છે , એમને સાથે મળીને રળવું અને ભોગવવું છે તો શું લેવા આડા ઉતરવાનું ?
આજ ના દરેક છોકરા છોકરીને પોતાની હેસિયત ખબર છે અને એક લેવલથી ઉપર ઉઠીને આગળ જીવવું છે તો પછી ખોટે ખોટી જબરજસ્તી સંતોષની ઘુટ્ટી પીવડાવાની ક્યાં જરૂર છે ?
રહી વાત દિકરીના ઘરમાં ચંચુપાત ના કરશો .. અલ્યા એ ઈ પિત્તળ ,જમાના ગયા હોં..!
એક અથવા બે દિકરી , એક અથવા બે દિકરા હોય ત્યાં માંબાપ ગણો તો માંબાપ અને ભાઈ બેહન ગણો તો ભાઈ બેહન, બધું ભેગું થઇને જ જીવવું પડે..માંબાપ એ ભાઈ બેહનનો રોલ પણ ભજવવો પડે ક્યારેક ..
પૂજ્ય ડોંગરેજી મહારાજનું ભાગવત બહુ બાળપણમાં વાંચ્યું હતું ,એમાં કળિયુગના લક્ષણમાં એવું લખ્યું હતું કે ભાઈ કરતા વધારે વેવાઈ વહાલો લાગશે ..!
તે હવે વેવાઈ વહાલો લાગશે જ.. લગીરે શંકા નથી .. કેમ કે તમે તો એક કે બે જ જણ્યા છે , એટલે એવું પણ બને કે ભવિષ્યમાં એક ડોશી ટપકે અને બીજો ડોસો ટપકે તો પછી વેવાઈ વેવાણે એડજસ્ટ કરીને રેહવું પડે ..
બાબલા ના બાપા અને બા એ એને મોટો કર્યો છે તો બેબીના બા અને બાપા એ રોડ ઉપર રઝળતી મૂકી દીધી છે ?
કન્યાદાન જમાઈને આલ્યું છે એના માંબાપને નહિ .. !!!
સમજણ રાખવી રહી …
અશક્ય છે હવે ના જમાનામાં દિકરાના બાપે અને માં એ ટણી રાખીને નથી જીવવાનું અને જીવશે તો ઉંધે કાંધ પડશે ..!!
દિકરીના ઘરમાં ચંચુપાત નહિ તો દિકરાના ઘરમાં પણ ચંચુપાત નહિ ..!!
કર્યો તો દિકરો મસ્ત મજાની મોઢા ઉપર આપશે .. ખોટી લવારી બંધ કરજો નહિ તો અમને અમારો રસ્તો આવડે છે ..!!
સુધરવાનો સમય છે .. સમજણ દાખવવી જ રહી ..
મારી દાદીને અને મારી માં ને તો આમ બનાવતા આવડતું અને તેમ રાંધતી એ બધું ગયું , તૈયાર પાપડના પેકેટ જ બજારમાંથી ઘેર આવે છે તો કોણ કુથા કૂટે ?
રીવર્સ ગીયર નથી સમાજની ગાડીને ..
ઓછા સંતાનોને જન્મ આપ્યો છે અને સુખ સુવિધા વિનાની જીન્દગી નથી ખપતી તો પછી ખપત ના થાય ..!!
વિચારજો ..
ખોટા આડા ના ઉતરશો નહિ તો અંટાઈ જવાશે ..
ઘરડાઘરમાં ડીમેન્શીયાના દર્દીને પરદેશમાં ઢીંગલા ઢીંગલી રમવા આપે છે ..
અહિયાં જીભડી અને વર્તન સારા હશે તો દિકરીના કે દિકરાના સંતાનો જોડે રમવા મળશે તો ડીમેન્શીયા થશે જ નહિ ..!! નહિ તો ઘરડા ઘરમાં નકલી ઢીંગલા ઢીંગલી ..!
કોઈ ને બંધ બેસતી પાઘડી આવી જાય તો બોલ્યું ચાલ્યું માફ ..!
ભાષા તોછડી લાગે તો લાગે, હું કોઈ સાહિત્યનું સર્જન કરવા ધરાર નથી બેઠો, બાકી હજી કોઈ બાબા મેન્ટાલીટીવાળો બચ્યો હોય કોઈ તો સુધરી જજો..
શુભ રાત્રી
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*