દસ ડાઉનીંગ સ્ટ્રીટને આંગણે દિવાળીના દિવા થયા..
ઘણી ખમ્મા બેન અક્ષત્તાને અને રિશી સુનકને..આવતીસાલ થોડાક ફટાકડા પણ ફોડ્જો તો અહીં વાળી `સવાઈ અંગ્રેજી` જાત હખણી મરે, દર વખતે ઘોંકા મારવા આવી જાય છે..! પ્રદૂષણના નામના..!
દસ ડાઉનીંગ સ્ટ્રીટ, આ એ જ જગ્યા છે કે જ્યાં વસેલા વિન્સ્ટન ચર્ચિલ અને એમની પેહલા વસેલા અંગ્રેજોએ ભારત સહીત દુનિયા આખીનું નખ્ખોદ વાળવામાં કશું બાકી જ નથી રાખ્યું..દુનિયાભરના કિમતી ખજાના ભેગા કરીને બેઠા છે.. લંડન મ્યુઝીયમ
જરાક મોટો હવન પણ ગોઠવો, જુના પાપોનું પ્રાયશ્ચિત થાય..
ઘણો આનંદ થયો વિડીયો જોઇને કે જેમાં બેન અક્ષત્તા એમની દિકરીઓ સાથે દસ ડાઉનીગ સ્ટ્રીટનો દરવાજો ખોલી અને સામાન્ય ભારતીય નારીની જેમ દિવાઓની થાળી હાથમાં લઈને એમના પતિ પરમેશ્વર સાથે બાહર આવે છે અને પછી આંગણે દિવા મુકે છે..!!
શું વિચાર આવ્યો ?
તમને થશે કે આજે શૈશવ ઘેલા કેમ કાઢે છે ?
ના ના .. સિમ્બોલિક જોઉં છું હું આને..!
અક્ષત્તાબેન એ ભારતીય નાગરિકતા છોડી નથી અને એમના રૂપિયા સોરી પાઉન્ડ એટલા બધા થાય કે મર્હુમ મહારાણી પાછા પડે, અને છતાંય સામાન્ય સાડી પેહરી અને દિવાળીના દિવા કરતા દેખાય તો ગમે તો ખરું ..
હવે દુનિયામાં અત્યારે જે ચક્કર ચાલી રહ્યું છે એમાં રિશી સુનકભાઈને કેટલા વાપરી લેવાયા છે એની દુનિયાને ખબર ઘણા વર્ષો પછી પડશે, કેમકે આ અંગ્રેજ જાત છે ને મૂળેથી કોઈકનું છીનવી અને વાપરી ખાવાની વૃત્તિવાળી વસ્તી છે..!
આપણે તો જલિયાવાલા બાગનો એક કાંડ યાદ રાખ્યો છે આવા હજ્જારો, લાખ્ખો, કરોડો લોકોને મારીને ખજાનો દબાવીને બેઠા છે મારા પીટ્યાઓ ..
હવે અત્યારે આપણને કેવી રીતે રમાડે છે એ જુવો ..મૂળે અત્યારે મહારાજા ચાર્લ્સ ત્રીજા આજે પણ ઘણા બધા દેશોના રાજા છે , જેમાં કેનેડા અને ઓસ્ટ્રેલિયા પણ આવી જાય અને અમેરિકાવાળા પોતાની જાતને સ્વતંત્ર કહે પણ એમણે એમના રાષ્ટ્રધ્વજમાં રંગો તો યુનિયન જેકના જ રાખ્યા છે એટલે ગમ્મે તેટલું ધૂણે પણ નાળીયેર ફેકે તો રાજા-રાણીના ચરણોમાં ..
દુનિયા આખ્ખીમાં પોતના દેશના શાસકોને જે ગાળો ભાંડે અને સામો પડે એને આ બધા દેશોમાંથી કોઈક એક એના સમર્થનમાં આવે અને કોઈક એના વિરોધમાં , સમર્થનવાળો એને ચડાવે અને વિરોધવાળો એની સામો પડે ..
હવે જે તે દેશ એવો બાઝતો રહે કે એ પેલી ઉબેટમાંથી ઉંચો ના આવે ,અને પછી આ બધા રાજા-રાણીના દેશો ભેગા થઇને અંદર અંદર તાળીઓ લ્યે એકબીજાની કે જોયું પેલાને કેવા લડાવી માર્યા..!
ઉદાહરણ ભારતની ખાલિસ્તાની ચળવળ .. કેનેડાએ ખોળામાં બેસાડ્યા અને ઓસ્ટ્રેલિયાએ ધક્કા મારીને કાઢ્યા ,અમેરિકાએ કોમ્સીકોમ્સા(મે`તો મારેય નહિ અને ભણાવે પણ નહિ ) રાખ્યું અને બ્રિટને માથે ચડવા દીધા..
અને અહિયાં ઘરમાં ધમાધમ, નવરા જ ના પડવા દે તમને અને મને, લુચ્ચી વસ્તી..!!
ટીવી અને મીડિયા ,સોશિઅલ મીડિયા ચર્ચાઓ કરે અને લાંબા લાંબા લેખો આવે પણ પેલા મારા ઓળખ્યા ભેગા બેસીને ટર્કી કાપે .. ઉપરથી આપણી દસ કરોડથી વધારે ગાયો-ભેંસો પાદે છે તો મીથેન ગેસ નીકળે છે અને એ પણ એક ગ્લોબલ વોર્મિંગનું મોટ્ટું કારણ છે એવું શીખવાડે ..
કેમ અલ્યા તમારી ગાયો-ભેંસો પાદે છે તો `યારાયારા` ( કૃત્રિમ સુગંધી બનાવવાનું એક રો મટીરીયલ ) નીકળે છે ? પણ ગરીબ કી જોરુ સબ કી ભાભી ..
ધંધે લગાડેલા રાખવાના એટલે બીજું કશું સુઝે નહિ દરેક વખતે સમસ્યા લઈને આવવો જોઈએ અને સમાધાનના(ટેકનોલોજી ટ્રાન્સફરના ) રૂપિયા ખંખેરે..
ધરતીમાં કોઇપણ જગ્યાએ કિમતી ખનીજ નીકળી એ દેશનો વિકાસ કરવા પોહચી જાય અને એમને `સીવીલાઈઝ` કરી નાખે ,તમારે પેહરવી હોય કે નહિ પણ તમને `કંઠલંગોટ` પેહરાવીને સાહેબ બનાવી જ દે..
અત્યારે દુનિયામાં એમ કેહવાય છે કે ભારતીય મેનેજર અને ચાઇનીઝ કામદાર જે કંપનીમાં હોય એ કંપની ઘણી સુખી હોય..અને એના ટ્રાયલ પેહલા અમેરિકામાં મુક્યા ઘણા બધા ઇન્ડિયન સીઈઓ બનાવાયા અને બધાએ “બડી વફા સે નિભાઈ તુને વફાઈ”.. કંપનીઓ માટે પુષ્કળ નફા રળ્યા,
આપણી બટાકાની કાતરી બનાવવાની ભૂલવાડી ને ફ્રેંચ ફ્રાઈઝ ખાતા કરી દીધા , બૈરાઓને રાંધણીયામાંથી બાહર કાઢો તો જ ટ્રેડીશનલ ખાવાનું દેશમાંથી જાય..
જો કે આપણી વસ્તી ગાંજી જાય એમ નથી એમને ખાખરા અને સમોસા ખાતા કરી દીધા..!
અંગ્રેજોએ ધોતિયું ચડ્ડી કઢાવ્યા અને બોક્સર(જાંગીયાનો એક પ્રકાર) ને પેન્ટ પેહરાવ્યા..!
કોર્પોરેટ વર્લ્ડમાં ટ્રાયલ ઓકે થયો, એટલે હવે રાજકીય ફલક ઉપર ટ્રાયલ ચાલી રહ્યો છે..
ભારતીયને દેશ ચલાવવા આપી દો અને પછી આપણે બીજા કૈક હરામખોરીના કામે લાગીએ..!
અત્યારે તો રાજા-રાણીને બધું બરાબર દેખાઈ રહ્યું છે એટલે અમેરિકામાં અડધા ભારતીય કે પછી વર્ણસંકરને અમેરિકા આવતી ટર્મમાં ચલાવી દેવા આપવામાં આવશે..!
હવે આપણે શું કરવાનું ? તો રૂપિયો આપી ને કલ્લી કાઢી ગયા છે તે કલ્લી એમ માંગ્યે પછી મળે તેમ નથી, અને લઢવાથી પોહચી નહિ વળાય એટલે છેલ્લી ત્રણ-ચાર પેઢીઓ મજુરી કરી ત્યારે હાથમાં કંપનીઓ આવી છે, તે બે ચાર દસકા શાંતિથી કાઢી નાખો અને ઘરનો કચરો જેટલો સાફ થાય એટલો કરી નાખીએ તો ભવિષ્ય માટે ક્યારેક કોઈક વીરલો પેદા થાય તો એને રમવા ગ્રાઉન્ડ મળી રહે ..
અત્યારે તો જેરુસેલમ રણભૂમિ ભલે રહી ..
હિમાલયને રણભૂમિ ના બનવા દેવાય..!!!!
જય હો
કામધંધે જવાનું મન થતું નથી, લોકડાઉન ફીલિંગ આવી રહી છે..!
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*