ડોક્ટરની આત્મહત્યા ..!
એક ડોકટરે પોતાની જાતને સાચી સાબિત કરવા માટે આત્મહત્યા કરવી પડી..!!
મન ગ્લાનિથી ભરાઈ ગયું..!
કેમ ?
કેટલી ગંદી સિસ્ટમો ઉભી થતી જઈ રહી છે..!
એક કિસ્સો કહું ..!
ત્રણેક વર્ષ પેહલા પપ્પા આઈસીયુમાં હતા, બ્રેઈન સ્ટ્રોક પછીના ટીઆઈએ આવતા રેહતા , આખું ઘર ડોક્ટર હોવાને કારણે અમે સારી પેઠે અમારી પરિસ્થિતિને સમજતા હતા ,
એ સમયે તે જ હોસ્પિટલમાં પપ્પાના ઘણા પેશન્ટ બીજી કોઈ સારવાર લેવા ત્યાં આવતા અને હોસ્પિટલ માટે અને ત્યાંના ડોક્ટર્સ માટે “બીચીંગ” કરતા..!
હું શાંતિથી સાંભળી લેતો અને પછી એમ કહી દેતો કે પપ્પાને જોવા માટે છેક ન્યુયોર્કથી ન્યુરોલોજીસ્ટ આવી ગયા છે અને એમની ટ્રીટમેન્ટ ત્યાંથી નક્કી થાય છે..!!
છેક ન્યુયોર્કનું નામ લઈએ પછી વસ્તી શાંત પડતી..!
હવે ઘટનામાં એવું થયું કે એક પેશન્ટ ઝાટકા લેતું લેતું આઈસીયુમાં એન્ટર થયું એની એડમીશનની પ્રોસેસ બાજુ પર મૂકીને ડોકટરો પેશન્ટ ઉપર લાગી પડ્યા, કાર્ડિયાક સ્ટ્રોક હતો,
પણ પેશન્ટને હોસ્પિટલ પોહચાડવા સુધીમાં લગભગ બે ત્રણ દિવસનો સમય લઇ લીધો હતો હતો પેશન્ટના સગાઓ એ અને લગભગ ત્રીસ ચાલીસ મિનીટની જદ્દોજેહાદ થઇ પણ કાર્ડિયોગ્રામ સીધી લીટીનો થઇ ગયો, એ પછી ઘણા પ્રયત્નો થયા પણ જે થવાનું હતું તે થઇ ને રહ્યું ..!!
બાહર જઈને સમાચાર આપવામાં આવ્યા કે તમારા સગા મૃત્યુ પામ્યા છે ..
જબરજસ્ત ગુસ્સો અને આક્રોશ ડોક્ટર્સ ઉપર સગાવાહલાઓ એ ઠાલવવાનો ચાલુ કરી દીધો , બુમાબુમ ,ચીસાચીસ ..અને લગભગ મારામારી સુધીની નોબત આવી , સિક્યુરીટી સ્ટાફ બોલાવી લેવામાં આવ્યો અને છેવટે હોસ્પિટલ એ બોડી આપવાની નાં પાડી દીધી અને કીધું કે હવે તો પોસ્ટમોર્ટમ થાય પછી જ અમે બોડી આપીએ અને પોલીસ અમે બોલાવીએ છીએ..!!
બે કલાકની માથાકૂટ પછી બધું શાંત પડ્યું અને બોડી લઈને સગા જતા રહ્યા..!
હવે એ બે કલાકના ઝઘડા દરમ્યાન હું પપ્પા સાથે જ આઈસીયુમાં હતો ,લગભગ બધા ડોક્ટર મને ઓળખે અને એ બે કલાક દરમ્યાન જે સ્ટ્રેસ લેવલ મેં એ લોકોનું જોયું છે… બાપરે ..!!
હું એમની પાસે જઈને બેસું અને કહું.. પતી જશે હમણાં બધું આ , એ લોકો નો ગુસ્સો છે હમણાં શાંત પડી જશે ..
સામે ડોક્ટર્સ સજળ નેત્રે બોલતા શૈશવભાઈ તમે જોયું છે ને કેટલી મેહનત અમે કરી છે ?? એ લોકો જ બબ્બે દિવસ પેશન્ટને ઘરે પકડી રાખે અને એમના ઉપચાર ઠોકે રાખે પછી છેલ્લી મીનીટે અમે શું કરીએ ? છતાંય તમારી સામે થાય એટલી મેહનત તો કરી અમે, અને અવેલેબલ બધ્ધી દવાઓ અમે નાખી દીધી છે પણ પેશન્ટ રીસ્પોન્ડ જ નાં કરે તો શું કરવાનું ? કોઈનાં બાપને મારી નાખીને અમને શું મળવાનું છે ?
મેડીકલ પ્રોફેશનમાં ગંદી માછલીઓ પણ ઘણી છે ,તળાવ ઘણું બધું બગડી ચુક્યું છે , તળાવમાં હેલિકોપ્ટર અને ચાર્ટર્ડ એરક્રાફ્ટ ઉતરે છે , પણ સાવ આશા છોડી દેવા જેવું પણ નથી ,
“માલ પ્રેક્ટીસ” આ શબ્દ તો મેં મારા બાળપણમાં સાંભળ્યો છે ,આજે મને બાવનમુ વર્ષ જાય છે..!!
બહુ જૂની વાત છે “માલ પ્રેક્ટીસ” એ .. કમીશન લેવા અને આપવા, આ બધા ધંધા વર્ષો પેહલાથી ચાલુ થઇ ગયા છે, મારા માંબાપ જનરલ પ્રેક્ટીસમાં હોવાને કારણે મારા ઘરે કવરો
આપવાવાળાની લાઈન લાગતી ,પણ મમ્મી પપ્પા બે હાથ જોડીને ના પડતા અને ઉપરથી રીક્વેસ્ટ કરતા અમારા પેશન્ટો ને લુંટશો નહિ ..!
હું ત્યારે પણ પપ્પા ને કેહતો અને આજે પણ મમ્મીને કહું છું ..તમે લોકો ઈમોશનલ ફૂલ્સ છો, તમારી પાસેથી ધંધો કાઢી લેવો છે માટે આ બધા તમારી પાસે સારું સારું બોલે છે પણ આ લોકો બદમાશ છે ..!
પણ જેને જગ આખું સારું જ દેખાતું હોય એને કોણ સમજાવે ? અને કોઈના સમજાવે ક્યાં સમજે ?
મારી સાથે બનેલો એક કિસ્સો કહું ..
દોઢેક દસકા પેહલાની વાત છે, દિકરીઓ બંને ઘણી નાની અને મમ્મી પપ્પા અમેરિકા ગયા હતા , અમે ચાર જ ઘરમાં હતા અને એવે સમયે પત્નીજી અને બંને દિકરીઓ ત્રણેયને સખ્ખત તાવ આવવાનો ચાલુ થયો, બે દિવસ રાહ જોઈ અને બધા પેથોલોજી ટેસ્ટ આપ્યા પણ ક્યાંય કશું પકડાય નહિ એટલે મને અમદાવાદના બહુ મોટા પેથોલોજીસ્ટ યાદ આવ્યા , એમની પાસે એ જમાનામાં બહુ લેટેસ્ટ સાધનો હતા ,વાતો એમની બહુ એથીકલ હોય,પણ બે ત્રણ વાર પપ્પાને કવર પકડાવવાની કોશિશ કરી ચુક્યા હતા ..!
મને થયું લાવ એમને ત્યાં લઇ જઈને બંને દિકરીઓ અને પત્નીજીના બ્લડ ટેસ્ટ કરાવી લઉં કદાચ પરફેક્ટ ડાયાગ્નોસીસ મળે, હવે થયું એવું કે ત્રણે જણા તાવમાં ધખે અને ચાલુ તાવમાં જ બ્લડ લેવાય એવો મારો આગ્રહ હતો જેથી રીપોર્ટ પરફેક્ટ આવે , હું ત્રણેય ને લઈને ત્યાં પોહચ્યો .. મેં સંદેશો મોક્લ્વાયો કે ડોક્ટર વોરાનો સન આવ્યો છે એમ કહો અને કહો કે મારે સાહેબને મળવું છે..
પણ સામેથી જવાબ.. તમને ત્રીસ ટકા ડિસ્કાઉન્ટ આપશે ..
મેં કીધું એનો સવાલ નથી સાહેબને કહો મારે તમને મળવું છે
ફરી જવાબ આવ્યો કે પચાસ ટકા ડિસ્કાઉન્ટ આપવાનું કીધું છે પણ મફત તો નહિ થાય..
મારી ખોપરી ફરી મેં અવાજ ઉંચો કર્યો અને બુમ મારી તારા સાહેબને કહે કે રૂપિયા જોઈએ તો ડબલ લઇ લે પણ મારે એમનું ડાયગ્નોસીસ જોઈએ છે માટે મારે મળવું છે..!
મારી બૂમ અંદર સંભળાઈ ગઈ એટલે સાહેબ જાત્તે બાહર આવી ગયા .. શું શું થયું શૈશવ ?
મોઢા મોઢ કેહવાનો સમય હતો .. ભાર દઈને કીધું હું ડોક્ટર વોરાનો સન છું અને આ બંને મારી દિકરીઓ છે અને મારી વાઈફ છે ,ત્રણેયને તાવ છે બે દિવસથી પણ કઈ પકડતું નથી અને તમારી પાસે લેટેસ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ છે માટે હું આવ્યો છું , તમારા રૂપિયાની ફિકર ના કરશો હું પૂરેપુરા તમને આપીશ..!
આ એ જ માણસ હતો કે જે મારા બાપ ની સામે બે હાથ જોડીને ઉભો રેહતો અને મારા જ ઘરમાં આવીને મોટી મોટી એથીક્સની વાતો કરતો ને જતો રેહતો..!
મારી અપેક્ષા એવી હતી કે એ કદાચ રૂપિયા લેવાની નાં પડે તો પણ આપણે આગ્રહ કરીને રૂપિયા આપી ને જ આવીશું ,પણ એની બદલે લુખ્ખાએ રૂપિયાથી જ શરુ કર્યું..!!
છેવટે લુખ્ખો સમજી ગયો કે એનાથી ભાંગરો વટાઈ ગયો છે બ્લડ યુરીન સેમ્પલ લેવાયા, મેં રૂપિયા પુરેપુરા ચૂકવ્યા પણ લુખ્ખાના મશીનો નિષ્ફળ નીવડ્યા ..!
પપ્પાને અમેરિકા ફોન લગાડ્યો .. પપ્પા એ કીધું એને ત્યાં શું કરવા ગયો ? પપ્પાએ એમના એક સીનીયર પેથોલોજીસ્ટને ત્યાં મોકલ્યા અમને ફરી એકવાર બધા ટેસ્ટ થયા અને રીપોર્ટસ આવ્યા..!
નાની દિકરીને ટાઈફોડ , મોટી દિકરીને ફાલ્સીપારમ અને પત્નીજીને યુટીઆઈ ..!
ઘરડે ગાડું વળ્યું..!!
આજે એથીક્સની મોટી વાતો કરતા એ લુખ્ખા ડોક્ટર આ ધરતી ઉપર છે કે નહિ એની મને ખબર નથી, પણ અઢળક રૂપિયા ભેગા કરી અને એમનો “ધંધો” એમણે વેચી માર્યો છે…!!
મેડીકલ પ્રેક્ટીસ આજે ધંધો બની ચુકી છે ,
છે દિવાદાંડીઓ હજી બચી છે ,
પણ આવી ઘટનાઓ એથીકલ ડોક્ટર્સને પણ ધંધો કરવા પ્રેરે છે..!
મારા ઘરમાં પપ્પાની તો જિંદગી આ જ પ્રોફેશનમાં ગઈ મમ્મીની બોહત ગઈ ને થોડી રહી, બેહન અમેરિકામાં એકદમ પ્રોટેક્ટેડ એન્વાયરમેન્ટમાં છે, પણ દિકરીને કહું છું બેટા તારો મેડીકલ પ્રેક્ટીસનો રસ્તો બા દાદા કે ફીયા જેટલો સરળ નહિ હોય , હજી પણ વિચારી લેજે , તારે તો પાશેરાની પેહલી પૂણી છે..રીસર્ચમાં જતી રેહજે ..!
અત્યારના પેશન્ટ પણ કરપ્ટ છે અને ડોક્ટર્સ પણ ..!!!
“ડોક્ટર ભગવાન નથી” એ વાત ડોક્ટર અને પેશન્ટ બંને એ યાદ રાખવી ઘટે..!!!
એક ડોક્ટરને પોતાની વાત સાચી સાબિત કરવા આત્મહત્યા કરવી પડે એ તો ઘોર અપરાધ છે અને અપરાધી આખો સમાજ છે ..!
રાતનો દોઢ થયો છે ઊંઘ નથી આવતી ..
જાગજો ,સમય વહી ચુક્યો, છે એ બચાવી લો નહિ તો કશું નહિ બચે..!
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)