આજે ફેસબુક મિત્ર દેવાંગ છાયા એ મેસેજ મોકલ્યો દુરદર્શનની બર્થડે છે આજે દુરદર્શન આજે છપ્પન વર્ષનું થયું ..કઈ યાદ કરો અને લખો..હવે યાર યાદ કરવાનું અને લખવાનું એ તો આપણી ગમતી વસ્તુ …તરત જ કાનમાં પેલી દુરદર્શનની ટયુન વાગવા માંડી ટો ઓ ઓ ઓ ઊં , ટીક ટાક ટીક ટાક ..
થોડો ડેટા આપું આ દુરદર્શનના જન્મનો
સાલ ૧૯૫૯ની હતી યુનેસ્કોએ ભારત દેશને વીસ હજાર ડોલર આપ્યા કે ભાઈ ટીવી ચાલુ કરો જોડે ૧૮૦ ટીવી સેટ પણ આપ્યા ફીલીપ્સના , બ્રોડકાસ્ટિંગની મશીનરી જર્મન લોકો કઈ પ્રદર્શન માટે લાવ્યા હતા ઓલ ઇન્ડિયા રેડિયો માટે અને ભારત સરકારને ભેટ આપી ગયા ..અને એમાંથી ચાલુ થયું ભારતનું સૌથી મોટું બ્રોડકાસ્ટ નેટવર્ક .. ટોટલ માગી ભીખી ને ..!!
દસ વર્ષમાં ફક્ત૧૮૦ટીવી સેટમાંથી ૧૨૫૦ ટીવી સેટ થયા ભારતમાં ..અને ૧૯૭૭માં પચીસ લાખ ટીવી થયા ભારતમાં અને એમાંનું એક ટીવી મારા ઘરમાં પણ આવ્યું ફક્ત સાડા સાત હજાર રૂપિયાનું …ક્રાઉનનું અને જોવાનું શું ? પીજ દુરદર્શન .. ૧૫ માર્ચ ૧૯૭૬ માં ચાલુ કરાયેલું ગુજરાતનું પેહલું ટેલીવિઝન બ્રોડકાસ્ટ સેન્ટર …ખેડા જીલ્લાનું પીજ
શું દિવસો હતા એ દુરદર્શનના .. સાત વર્ષનો શૈશવ ટીવી ચાલુ કરે અને બંધ કરે , ધાબે જઈને એરિયલ ફેરવે બુસ્ટરને સેટ કરે અને દુનિયા અચરજ પામે .એ લે દાકતરનો આવડો નાનો છોકરો ટીવી ચાલુ બંધ કરે છે ..પીજ આવે અને મોટું એરિયલ ધાબે એનાથી મુંબઈ પકડાય અને કરાંચી પણ સાલું પેલું એડજેસ્ટનું બટન ફેરવવાનું અને ઉપર ધાબેથી જે મોટું એરિયલ હોય એને ભાઈબંધો ફેરવતા હોય અને બુમાબુમ એ આયુ …ફેરવ… હા ..બસ .. થોડું ..આખી સોસાયટી ને ખબર પડે કે મુંબઈ પકડાયું આજે તો ,અને એમાં પણ રવિવારે પકડાય તો તો પિક્ચર જોવા મળે …પેલું ડાકિયા ડાક લાયા ડાકિયા ડાક લાયા વાળું પેહલું પિક્ચર મેં બોમ્બે દુરદર્શનને અમદાવાદમાં પકડી અને જોયું ત્યારે ઈડરિયો ગઢ જીત્યો એવી ફીલિંગ હતી ..
ત્યારે એક કલાકમાં આવતી સીરીયલમાં મોટેભાગે કિસાનલક્ષી કાર્યકર્મો આવતા પીજ દુરદર્શન પર ,અને એક સીરીયલ મારી મેમરી માં છે અમે અને અમારી ભૂરી .. ભૂરી એક ભેંસ હતી અને ભૂરી બોલે ત્યારે ઓંય કરી ને બોલતી અને એક ચતુરભાઈ કરીને પાત્ર હતું એ સીરીયલમાં અને ચતુરભાઈ ના લગ્ન થયા ત્યારે એમની વહુ ને બીજા એપિસોડમાં બતાડવામાં આવી …ચતુરની વહુને જોવા માટે મારા ઘરે ચાલીસ પચાસ માણસો આવ્યા હતા …!!
પછી વારો આવ્યો દિલ્લી દુરદર્શનનો રાષ્ટ્રીય પ્રસારણનો પિક્ચર અને સીરીયલ જોવા માટે મારા ઘેર રીતસર લાઈનો લાગતી અમે ત્રણ ભાઈબેન થીયેટરના લાલાની ભૂમિકામાં આવી જતા હતા ..જે અમારા જેટલા ટેણીયા આવે એના ખિસ્સા ચેક કરતા કોઈ ખિસ્સામાં સિંગ ચણા ભરીને આવે તો બહાર કેમકે સિંગચણાના ફોતરા મારા ઘરમાં પડે અને અમારે સાફ કરવા પડતા …
સાલ આવી ૧૯૮૨ની અને એશિયાડ દિલ્લીમાં આવ્યું ટીવી ની દુનિયામાં જબરજસ્ત ક્રાંતિ આવી કલર ટીવી ઘેર ઘેર આવ્યા , મારે ઘેર આવ્યું ઈમ્પોર્ટેડ પેસેન્જર પીસ સોનીનું મોડેલ નંબર ૨૦૬૨ જોરદાર સ્ટડી પીસ એ સોની ના ટીવીને બાવીસ વર્ષે સંપૂર્ણ ચાલુ હાલતમાં વેચ્યું બાવીસ વર્ષ એ સોનીનું ટીવી મારા ઘરમાં રહ્યું ..
એ સોની ના ટીવીમાં દૂરદર્શને મને એક જોરદાર વસ્તુ દેખાડી હતી .. સાલ ૧૯૮૪ની ધોરણ ૯ માં હું ભણતો ..પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી અને ભારતના પેહલા એસટ્રોનોટ રાકેશ શર્માનો લાઈવ વાર્તાલાપ …
ઈન્દિરાજી એ પૂછ્યું વહા સે હિન્દુસ્તાન કૈસા દિખાતા હૈ .. અને જવાબ વિંગ કમાન્ડર રાકેશ શર્માનો જવાબ આવ્યો સારે જહાં સે અચ્છા …
છાતી ગજ ગજ ફૂલી ગઈ હતી ત્યારે .. ટીવી અને દૂરદર્શને બહુ બધી મેમરેબલ ક્ષણો આપી છે , સીરીયલ હમલોગ ,ખાનદાન, તમસ અને રામાયણ મહાભારત તો ખરા જ ..
દુરદર્શનએ મને લોકસભા લાઈવ જોવાની ટેવ પાડી , બજેટ સેશન અચૂક જોતો ૧૯૯૦ની સાલથી ૨૮મી ફેબ્રુઆરીએ સાંજે પાંચ વાગે ,યાદ કરતા થાકી જવાય એટલું નોલેજ દૂરદર્શને આપ્યું છે …
પેહલી પ્રાઈવેટ ચેનલ ઝી આવી અને દુરદર્શનની પનોતી બેઠી , ધીમે ધીમે લોકપ્રિયતામાં ઓટ આવી પણ સાચું કહું તો આજે પણ મને દુરદર્શનનની બે ચેનલ આજે પણ પુષ્કળ ગમે છે રાજ્યસભા અને લોકસભા , એમાં પણ રાજ્યસભા ચેનલ તો સખત ઈન્ફર્મેટીવ છે …
કદાચ મારી જેમ તમને પણ દુરદર્શન ની ઘણી બધી વાતો યાદ આવતી હશે …વાગોળો મજા આવશે ..
શુભ રાત્રી
શૈશવ વોરા