કાલે મારા એક દોસ્તનો બર્થડે છે ..પણ ખબર નહિ એને વિશ કરવાને બદલે મને એની જોડે ઝઘડો કરવાનું મન થયું છે .. કેમ ખબર છે ..?
સાલો સાવ નકામો છે ખોટા ખોટા પ્રોમિસ કરીને ભાગી ગયો છે ,
ઝઘડો ચાલુ કરું છું .. બે યાર જુઠ્ઠા તારે આવવું જ નોઃતું તો શું કરવા કુરુક્ષેત્રમાં બધાની વચ્ચે તે શું કરવા પ્રોમિસ કર્યું યદા યદા હી ધર્મસ્ય ગ્લાની ભવતિ ભારત …
તને ખબર છે કાળીયા તે આવું કીધું અને એના લીધે કેટલા બધા પ્રોબ્લેમમાં અત્યારે અમે આવી ગયા ..?
તે કીધું કે ભારત ભૂમિ પરથી ધર્મ નો નાશ થશે ,કે અધર્મ વધશે એટલે હું આવીશ … બરાબરને ..હવે તે આવું કીધું એટલે કેટલી બધી સદીઓથી આખો ભારત દેશ રાહ જોઇને બેઠો છે તારી , કે તું હમણા આવીશ અને બધું સરખું થઇ જશે …!! જો કે અમે તો પેહલેથી થોડા ઘણા નપાવટ ખરા , એટલે કોઈ કઈ કહે એટલે અમે તો તરત જ પકડી લઈએ ..અને અમારું કામ ફાટક દેતું મૂકી દઈએ તું આવવાનો છે તો પછી હું શું કામ કઈ કરું …!!!
પણ તું છે કે આવતો જ નથી એટલે ઉત્તરોત્તર બધું બગડતું જ જાય છે .. હવે તું એમ ના કેહતો યાર કે હજી તો ભારત દેશમાં ઘણો ધર્મ બાકી છે ..
ઓન સીરીયસ નોટ …તું જે કાળમાં અવતર્યો હતો ને એનાથી તો અત્યારે બહુ ખરાબ સિચ્યુએશન છે, જો તારી સખી દ્રુપદ નંદીનીના તો ચીર પૂર્યા પણ અમારી નિર્ભયાના તો આંતરડા સુધ્ધા રાક્ષસો એ બહાર કાઢી નાખ્યા હસ્તિનાપુરમાં જ અને ઉપરથી એ રાક્ષસ એમ કહે કે અમને ચુપચાપ બળાત્કાર કરવા દીધો હોત એ જીવતી હોત ..!!
અને અમારા નેતાઓ એટલે તારા સમયના હસ્તિનાપુરની કુરુસભાના ગુરુજનો એ બધા શું કહે .? તારા વાળા તો કુરુસભામાં નીચી નજરે બેઠેલા અને મૂંગા રહ્યા હતા .. અમારાવાળાઓ તો એમ કહે છે છોકરાઓથી ભૂલ થઇ જાય …બોલ હજી ઘોર કલિયુગ આવવામાં હજી કેટલું બાકી છે ..??
ચલ બીજું એક્ઝામ્પલ આપું તને… આ ઇન્દ્રાણી મુખર્જી .. કેટલા ધણી કર્યા એ બાઈએ એને ખુદ ને ખબર નથી લે ,તારા સમયમાં આવી કોઈ હતી ?? અને ઉપરથી પોતાની છોકરી ને પણ મારી નાખી ,સગી પેટની જણી ને એણે પતાવી દીધી …બહુ લાંબી લાઈન છે આવા એક્ઝામ્પલની ..!!
ના ગમ્યું ને તને બર્થડે ના દિવસે આવા લમણા લે છે તું યાર શૈશવ …અચ્છા ટોપિક બદલું ચલ , હવે તું આવતો નથી અને મોઢું બતાડતો નથી એટલે બીજો એક મોટો પ્રોબ્લેમ થયો છે અમારે , અત્યારે અમે બધા ધર્મ ના નામ પર જબરજસ્ત ઝઘડીએ છીએ , એકબીજાને મારીએ છીએ ..અને તારા એજન્ટો… ઓ માડી રે શું તારા નામે રૂપિયા કમાય છે ,શું રૂપિયા કમાય છે .. વાત જવાદે .તારી દ્વારકા જેવી તો દસ દ્વારકા એ લોકો ઉભી કરી શકે એટલી નોટો પાડી છે ….
એટલે હજી કહું છું ડાર્લિંગ ..એક વાર તું આવીને મોઢું બતાડી જાય ને તો એક ફૂલ અને ફાઈનલ સેટલમેન્ટ થઇ જાય કે દુનિયામાં તું એક જ ભગવાન ..બાકી બધા ખોટા એટલે આ ધર્મ ના નામ પર ના ઝઘડા બંધ થાય યાર અને સાથે સાથે તારા એજન્ટોની પણ નિયુક્તિ કરી દે ..એટલે એ પ્રોબ્લેમ પણ સોલ્વ ..
બકા એમાં આપણને પણ તારી એજન્સી લેવામાં રસ ખરો હો .. હા હું કઈ પેલા સુદામા જેવો નથી કે અઠવાડિયું રહું તારા ઘરમાં અને કઈ બોલું નહિ … બકા મારે પૈસા તો જોઈએ હો ..!
હવે આગળ વાત કરું ..
કુરુક્ષેત્રમાં પછી તે કીધું કર્મણ્યે વાધિકારસ્તે માં ફલેષુ … હવે યાર સદંતર ખોટી વાત કામ મારે કરવાનું અને પગાર તારે નક્કી કરવાનો યાર ..!! એવું કેવી રીતે બને ..?? તારા લંગોટિયા પેલા અર્જુન ને તે કામે ચડાયો .. પણ જોડે જોડે તું એનો રથ હાંકવા પણ જતો રહ્યો ..અને અર્જુનને ખાલી શિખામણ આપીને રખડતો થોડો મુક્યો છે તે બસ કર્મ કર ..મને તો તે સાવ છુટ્ટો મુક્યો છે અને તું કહે છે કર્મ કર પણ હું કયું કર્મ કરું ..? કોને મારું ? દુર્યોધન ને કે દુ:શાસન ને ..?
તને ખબર છે અત્યારે કોઈ નો ગમે તેટલો વાંક હોય ને તો પણ જો ભૂલમાં એક લાફો પણ કોઈ ને મારું ને તો સીધો અંદર થઇ જાઉં અને પછી પચીસ ત્રીસ હજાર નો તોડ થાય ત્યારે છુટાય …
આજ નો જ કિસ્સો કહું હું એકટીવા પર જતો હતો વીસની સ્પીડ માંડ હતી અને એક કાકા રોડ ઉપર એકદમ પ્રગટ થયા મેં બુમ મારી એ કાકા તમે તો મરી જશો અને મને લેતા જશો ..કાકા એ મને સામી ગાળ મને આપી જા જા વિસ્મયડા નાલાયક થોડું ધીમે ચલાય ને … બોલ વીસ કિલોમીટરની સ્પીડ હતી તોય કાકા મને વિસ્મય કહી ગયા …મારો બિલકુલ વાંક નોહતો તો પણ મેં ગાળ ખાધી ..!!
અને એમાં તું ન્યાય અને કર્મ ની વાતો કરે ..
જો કે આમ તો તું મારો દોસ્ત છે એટલે એક વાત કહું યાર મને તારી દયા આવે છે … આ ધરતી પર તું જીવતો હતો ને ત્યારે પણ લોકો તારું બહુ લોહી પીતા અને તું મરી ગયો પછી તારા મંદિરો બનાવી અને તારી પૂજા કરી કરીને તારા બહુ લોહી પીવે છે .. પણ બકા હું શું કહું તને ..??
આ દુનિયા છે ને બહુ જ સ્વાર્થી છે ,તારે ત્યાં જે આવે ને એ બધા માંગવા જ આવે છે જો કે એમાં વાંક તારો છે .. તે એક અર્જુન નો રથ હાંક્યો અને પેલા નરસિહ મેહતાની હુંડી સ્વીકારી એટલે હવે જેટલા નવરા છે એ બધા બેઠા બેઠા ભજનો ગાય છે
એ બધા ને એમ છે કે એની હુંડી પણ તું જ આવી ને સ્વીકારીશ .. આ તારા ભક્તિ યોગે જ તારા કર્મ યોગની પથારી ફેરવી નાખી ..
ચલ બહુ ઝઘડી લીધું તારી જોડે યાર ,હવે કોમ્પ્રો …એક વાત કહું તને તું ક્યારે જન્મ્યો કે ક્યારે મર્યો એ વાત મારા માટે બહુ ગૌણ છે , આ તારી જોડે રોજ કોઈ ને કોઈ ટોપિક પર વાત કરવા મળે છે ને એટલે મને તો સતત એવું જ લાગે છે કે તું અહિયાં જ ક્યાંક છે …
તારો સાક્ષાત્કાર મને નથી થતો પણ તારી અનુભૂતિ તો ગમે ત્યારે તું કરાવી જ દે છે ..તને ખબર છે ગમે તેટલો તારી સાથે ઝઘડું ને પણ પ્રેમ તો તને જ કરી બેસું છું દોસ્ત ,
મારી ગાડી તું નથી ચલાવતો પણ કદાચએ ગાડીને ચલાવનારો તો તું જ મોકલે છે,
ક્યારેક એવું પણ લાગે છે કે હું તને પ્રેમ કરું છું કે નહિ એની ખબર નથી પણ તને નફરત જેટલીવાર કરી ને એટલીવાર તું વધારે વાહલો લાગ્યો ..
તું તો છે જ માયાવી યાર અને તારી માયામાંથી બહાર નીકળવું ..
ના ના જવા દે નથી નીકળવું ..!!
આ તારા નરસિહ મેહતાના ભજનની એક સ્ટેનઝા મને યાદ આવી ગઈ …
કે હરિ ના જાણ તો મુક્તિ ન માંગે ..
માંગે જનમ જનમ અવતાર રે ..
નિત સેવા નિત કીર્તન ઓચ્છવ ..
નીરખવા નંદ કુમાર રે…
ભૂતળ ભક્તિ પદારથ મોટું ..બસ આ છેલ્લી લાઈન મને લાગુ પડે છે …
સૌને જય શ્રી કૃષ્ણ
શૈશવ વોરા