આજે એક નાનકડી દુર્ઘટના ના સાક્ષી બનવાનું આવ્યું..
ઘટના એવી હતી કે સાંજના આઠની આજુબાજુનો સુમાર હતો અને અમે અમારા રૂટીન પ્રમાણે જીમમાં થોડીક વાતો , થોડીક કસરત અને થોડીક ધમાલ મસ્તી કરી રહ્યા હતા, જીમ ની બાજુમાં ડાંસ ક્લાસ ચાલે છે જ્યાં વીસેક નાના નાના લગભગ આઠ થી લઈને સોળેક વર્ષના બચુડાઓ ડાંસ શીખે છે અને સામે ની બાજુ એક મોટી રેસ્ટોરાં છે..!!
અમદાવાદનો જાણીતો મોલ છે સેટેલાઈટ વિસ્તારનો..!!
હવે થયું એવું કે બે ત્રણ ડાન્સ ક્લાસના ભૂલકાઓની મમ્મી હાંફળી ફાંફળી જીમમાં ધસી આવી અને અંગ્રેજી ગુજરાતીમાં મિક્સ બોલે ફાયર ,ફાયર ,આગ , આગ ધેર ઇઝ અ ફાયર ..ત્યાં આગ લાગી છે..
મારી આંખો ચાર થઇ તરત જ જે દિશામાં આંગળી ચિંધાઈ હતી ત્યાં નજર પડી લગભગ સો સ્ક્વેર ફૂટ ના ખૂણામાં આગ લપકારા લેતી હતી..
મારી રાડ ફાટી ગઈ ,જોરદાર બુમ મારી ફાયર ..આગ લાગી ખાલી કરો ભાગો ભાગો..
પણ અહિયાં તકલીફ ,
પ્રજા જગ્યા છોડવા ને બદલે નાનકડી આગ જોઈ ને ફોટા પાડવામાં વ્યસ્ત થઇ નહિ કે નાના બાળકો ને એમને લેવા ધસી આવેલી મમ્મીઓ ને પ્રોપર રસ્તો આપી અને ઇવેક્યુએટ કરીએ ..
જનતા આગની મજા લઇ રહી હતી, મારા ટ્રેઈનર મેં બુમ મારી નીકળ બહાર બીજા બે ચાર સમજ્યા અને ભાગ્યા લગભગ વીસેક બાળકો અને એમની મમ્મીઓમાંથી થોડાક ની મતિ બેહર મારી ગઈ હતી એટલે એ લોકો લીફ્ટ આગળ ધસ્યા..
હું સીડીઓ સુધી પોહચેલો પાછો દોડ્યો અને લીફ્ટ આગળ જઈને બુમ મારી..લીફ્ટ નહિ ગમે તે મીનીટે લાઈટ બંધ થશે તો લીફ્ટમાં ફસાઈ જવાશે ..
તરત આખું ધાડું દોડ્યું સીડીઓ તરફ રસ્તામાં દરેક માળ ઉપર દરેક દુકાનમાં બુમો મારી મારી ને ખાલી કરાવતા ગયા ..
લગભગ ત્રણેક મિનીટમાં મોલમાં દોડાદોડી થઇ ગઈ ,
મને બુદ્ધિ ચાલી કે પેહલા આપણી જાત સલામત કરવી અને બીજા ને પછી બચાવવા , હું પાર્કિંગમાં ગયો ત્યાંથી મારો ઘોડો કાઢ્યો અને બાહરની સાઈડ આવ્યો , અને મને અચાનક યાદ આવ્યું કે ઉપરના થીયેટર સુધી તો કોઈ ગયું જ નથી એટલે ત્યાં ઉભેલા બે ચાર છોકરા ને દોડાવ્યા કે ઝટ અંદર જઈને બુમો મારો થીયેટર ખાલી કરાવો ..અને એ છોકરાઓ એ બુમો પણ મારી અને થીયેટર પણ ખાલી કરાવ્યા ..
હવે એની અસર એવી થઇ કે ટ્રાફિક ફુલ્લ , મોલના ભોંયરામાંથી ગાડીઓની લાંબી લાઈન નીકળી હતી અને રોડ નો ટ્રાફિક એકપણ ગાડી ને હલવાના દે..
સીકયુરીટી નો સ્ટાફ જેના હાથમાં જેટલા આવ્યા તે ફાયર એક્સટીંગવિશર લઈને આગ તરફ ધસી ગયો હતો ,
મારી થોડીક ચાલી આગળ જઈને મેઈન રોડ ની વચ્ચે મારો ઘોડો આડો કરી ને ઉભો રહી ગયોં અને બે ચાર બેહનો મદદ માં આવ્યા મોલ ના ટ્રાફિકને રોડના ટ્રાફિક માં ઉતારી દીધો ..
વચ્ચે ઉભા ઉભા ૧૦૧ લગાડતો રહ્યો..!!
ગાડીઓ ઝડપથી ઘણી ખાલી થઇ એટલે ઘોડો રસ્તેથી હટાવ્યો અને મોલના આગલા દરવાજેથી અંદર ઘુસ્યો , જુનો આગ નો અનુભવ હતો એટલે એક સિક્યુરીટી ગાર્ડ ને પકડ્યો અને ફાયરની લાઈન જ્યાંથી જતી હતી એ ફાયરના બોક્સ ખોલી કઢાવ્યા જેથી ફાયરબ્રિગેડ પોહચે તો એને સરળતા રહે ..
ઉપર આગ જોડે ઘણા લોકો ઝઝૂમી રહ્યા હતા ..
ફાયર બ્રિગેડનો અવાજ આવ્યો હું મોલની બાહર દોડ્યો તો બાહર રીક્ષાવાળા નો જમઘટ , એક જીમ નો પેહલવાન દેખાયો મેં કીધું માર સાલા સુવ્વર ને અને ફાયરબ્રિગેડનો રસ્તો ખોલ..
પેલા ભ્મ્મ કરતી આપી રીક્ષાવાળા ને , અને ત્યાં જ એકઝેટ ફાયરફાઈટર ઉભું થયું અને એમાંથી જવાનો ઉતર્યા અને હું એમને પેલા બોક્સ સુધી દોરી ગયો..
પણ સદભાગ્યે મોલના સ્ટાફે અને બીજી દુકાનોના સ્ટાફ એ આગ ઓળવી કાઢી હતી..!!
પણ અહિયાં કમીના વૃત્તિ એ હતી કે લગભગ પચાસથી સો જેટલું માણસ મોલમાંથી ખસવા તૈયાર નોહતા ,હલકો એવો ધુમાડો ફેલાઈ ગયો હતો એ દસ મિનીટ દરમ્યાન પણ પ્રજા ને જોવાની “મજા” લેવી હતી ..?
ફોટા લેતા હતા અને વિડીયો લેતા હતા સુવ્વરો ..!!
મારા જેટલી દોડાદોડી માંડ બેચાર જણ જ કરતા હતા..!
યાર તમારી નજર સામે સ્ત્રીઓ અને બાળકો દોડી રહ્યા હોય ઉપર આગ લપકારા લેતી હોય અને તમાશો જોવા ઉભા કેમ રેહ્વાય ,..? ક્યાં તો મદદ કરવી રહી ક્યાં તો સૂઝ પડે એ કામ ઉપાડી લેવાય નહિ તો પછી એટલીસ્ટ વાહર નીકળી અને તમારી જાત ને સેઈફ કરો..!!
પણ ઈશ્વર ની મેહરબાની રહી કે આગ એ વિકરાળતા ધારણ ન કરી અને સમય ઉપર એક્સટીંગવિશર ઢગલો એક મળી ગયા ને ફોડી પણ નાખ્યા ધડાધડ નહિ તો એર ટાઈટ એસી મોલમાં કાર્બન ડાયોક્સાઈડના ધુમાડામાં ગૂંગળાઈ ને લોકો મરી જતે..!!
બે છોકરા ને મોલના બધા જ બારણા ખોલાવી નાખવા પણ દોડાવ્યા હતા અને એને લીધે પેલા મજા લેવાવાળા અને ફોટા પાડવાવાળા સિવાયના બધા જ નીકળી શક્યા હતા..!
લગભગ દસેક મિનીટ નો આખો ખેલ હતો ફાયરબ્રિગેડ આવી તે પેહલા નો..!!
થોડીક વાત મને ખૂંચી ..
એક, આગ ના નામની બુમ પડી છતાય એશી ટકા લોકો ને પેટના પાણી હલ્યા નહિ રીતસર ધક્કા મારી ને દોડાવવા પડ્યા છતાંય દરેક ની નજર તો આગ બાજુ જ હતી
બે, ઉભા ઉભા જોયા જ કરવું હતું
ત્રણ, ફોટા લેવા હતા
ચાર ,મદદ કરવા બે ચાર જણ સિવાય કોઈ જ દોડતું નોહતું જ્યારે એકેએક જુવાન જોધ માણસો હતા..
પાંચ ,ધુમાડાની વાસ આવવા છતાં પણ સમયની નજાકત કે તકાજો સમજવા તૈયાર નોહતું કોઈ..
એટલો બધો ગુસ્સો આવતો હતો અને એમ થતું હતું કે આપણી પ્રજા આવી નીંભર કેમ છે ?
આ પેહલા પણ ભૂતકાળમાં ઘરની બાજુ ના ફ્લેટમાં આગ લાગી હતી ત્યારે ફાયર ફાઈટર આવ્યું અને એમાંથી પેહ્લો સવાલ એવો આવ્યો કે લોકલ કોણ ? મેં હાથ ઉંચો કર્યો હું તો મને હાથ આપ્યો અને તરત જ ફાયર ફાઈટર ઉપર ખેંચી લીધો અને ત્યારે પેહલો સવાલ એ હતો આગ સુધી પોહચાશે કેમનું ?
બિલકુલ ડ્રાઈવરની માથે બેસી અને બાજુના ગાર્ડનમાં એક ફાયર ફાઈટર ઘુસાડ્યું બીજું બીજી બાજુ થી અને ત્રીજું ત્રીજી બાજુથી અને પછી મને એમ કેહવામાં આવ્યું કે હવે તમે ખસી જાવ ..
અડધો કલાકે આગ ઓલવાઈ પછી ચીફ એ બુમ મારી પેલો બ્લુ ટીશર્ટ વાળો છોકરો ક્યાં ગયો ? મેં કીધું આ રહ્યો અને ત્યારે એમણે જ્ઞાન આપેલું કે કોઇપણ આગ ની પેહલી મિનીટમાં અમને આગ સુધી પોહચવાનો રસ્તો કોઈ લોકલ બતાડી દે ને તો અમારું કામ અડધું પૂરું થઇ જાય અને તમે અમારી દસ મિનીટ બચાવી એટલે એક જ ફ્લેટ સ્વાહા થયો છે નહિ તો બીજો જતો રેહત..
આ અનુભવ આજે કામે લગાડી અને મેં ફાયર ફાઈટર માટે પાણી ની લાઈન તૈયાર રખાવી હતી..!!
પણ સદ્દનસીબે એની જરૂર ના પડી..!!
હૈયેથી ધ્રાસકો જતો નથી હજી ,
સીડીઓ ઉપરથી ચાર ચાર પગથીયા એક સાથે ઉતરતા બાળકોની બુમો કાનમાં વાગી રહી રશ ..દોડો ..ભાગો..!!
યાર આવું ના કરતા કોઈ,
મુઆ ફોટા ,ક્યાં તો જોતરાઈ જજો અને ક્યાં તો સ્થળ છોડી જજો ..
કમ સે કમ બીજા ને કામ કરવા માટેની જગ્યા તો મળે ..! અને બંધ જગ્યાની આગ વધારે ખતરનાક હોય આગથી મારે એના કરતા ગૂંગળાઈ ને લોકો વધારે મરે છે..!!
આગ કોઈ ની સગી નથી થતી અને રેસ્ટોરાંમાં કઈ કેટલું બધું સળગે એવું પડ્યું હોય ,ત્યાં તમાશા જોવા ના ઉભા રેહ્વાય..!!
આ મારો પર્સનલ બ્લોગ છે , મારા મનનો ભાર હલાવો કરવા લખ્યું છે નહિ કે બહાદુરી નો એવોર્ડ કે પ્રશંસા લેવા..
હું તો ફટ્ટુસ જ કેહ્વાઉં કેમ કે મેં રાડારાડી અને દોડાદોડી સિવાય કઈ જ નથી કર્યું આખી ઘટનામાં, લડ્યા છે એક્સટીંગવિશર લઈને પેલા દસ બાર સિક્યુરીટી ,દુકાનો ના છોકરા અમે મોલ સ્ટાફ..!
અભિનંદન ને પાત્ર છે એ લોકો કે જેમણે આગ વિકરાળતા પકડે એ પેહલા બુઝાવી અને અભિનંદન એ લોકો ને કે જેમણે ફાયર એક્સટીંગવિશર વસાવ્યા ..
હું પેહલા પણ કહી ચુક્યો છું અને આજે ફરી વાર દરેક ઘર અને દુકાનમાં એક ફાયર એક્સટીંગવિશર હોવું જ જોઈએ ..ભલે આપણને જિંદગીમાં કામ ના લાગે , પણ કોઈની જિંદગી તો ક્યારેક મોકો આવે તો બચાવી લેવાય ..
સુરતની આગમાં જો આજુબાજુ ની પચીસ દુકાનેથી પચીસ ફાયર એક્સટીંગવિશર મળી ચુક્યા હોત તો આગ આટલી ફેલાઈ હોત ખરી ? કેટલા જીવ બચી ગયા હોત ..?
નથી ખર્ચો બહુ ,
ઘણા દાનધર્મ કરીએ છીએ તો દાન ધર્મ સમજી ને પણ રાખો .. ફાયર એક્સટીંગવિશર ..
વિચારજો અને સાચું લાગે તો અમલ કરજો ..
મને તો આજે ફાયર એક્સટીંગવિશર નો પરચો સાક્ષાત મળ્યો છે..!!
દસ બાર ફાયર એક્સટીંગવિશર ઍ મોટી દુર્ઘટના ટળી
શુભ રાત્રી
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)