૨૦૧૯ના રણશિંગા ફૂંકાઈ રહ્યા છે અને જેમ મહાભારતમાં દેવદત ,પંચજન્ય અને બીજા બધા શંખ એક પછી એક યોધ્ધાઓ દ્વરા ફૂંકવામાં આવી રહ્યા હતા એમ ૨૦૧૯ના શંખ વારાફરથી એકપછી એક યોધ્ધાઓ દ્વરા ફૂંકાઈ રહ્યા છે..
અને આપડા જેવી પ્રજા બાઘ્ઘી બની અને કબુતરની જેમ સોશિઅલ મીડિયાના મેસેજ જોઈ રહી છે..
કોઈક પાંચ વર્ષ જુનું પેટ્રોલનું બીલ મુકે, તો કોઈક રાહુલની ખેંચે ,તો કોઈ નવરી બજાર મુખ્યમંત્રી હતા ત્યાર ની કલીપો મોકલે..
સાલું મારા તમારા જેવાને થાય કે યાર હજી ૨૦૧૮ અડધી પણ પૂરી નથી થઇને અત્યારથી શું લોહી પીવો છો..?
થોડાક દિવસ પેહલા કેહ્વાતા વિદેશમંત્રી એ કીધું કે દુનિયામાં હવે દસ બાર દેશ માંડ રહ્યા છે જેને “કવર” કરવાના બાકી છે..
વાહ .. કરી લ્યો કરી લ્યો…એ પણ કરી લેજો કઈ બાકી રાખવું જ નહિ..
હમણાં રણકપુર ગયો હતો, ત્યાં દેરાસર માં બાળકોને ચંદન જે પત્થર ઉપર ઘસાય એ પત્થર બાળકોને દેખાડ્યો એટલે મારી નાની દીકરી તરત બોલી `અચ્છા ડેડી એટલે પેલું તમે આખો દિવસ બોલ બોલ કરો છો કે ઘીસ બે લાલિયા બાપ કા ચંદન, એ ચંદન ઘસવાનો પથરો આ ..
અમે કીધું હા બેટા.. પછી સવાલ આવ્યો તો ડેડી ચંદન કોનું ..??
બોલો છે જવાબ..? ફરો ફરો દુનિયા આખી…!!
સત્તા ઉપર બેઠેલા કે વિપક્ષો ,જયારે નેતાઓ એકબીજાની ઉપર દોષારોપણ કરે અને એમના ભૂતકાળના નેતાઓ ને આગળ કરીને લઢે એટલે સમજવું કે વર્તમાનમાં જરાક પણ દમ નથી..!
ભૂતકાળના વખાણ કે ટીકા ત્યારે જ થાય જયારે વર્તમાનમાં દમ નાં હોય…
જવાહરલાલ નેહરુ જો અત્યારે સિત્તેર વર્ષે નડતા હોય, તો જવાહરલાલને તો અંગ્રેજ અને છેક પૃથ્વીરાજ ચૌહાણ સુધીના બધા નડ્યા હશે..!
મારું બેટુ કઈ સમજાતું જ નથી..
આજે પેલા આંધ્રવાળા કહે છે કે સેન્ટર ટેક્ષ પાછો ના આપે તો ટેક્ષ ભરવો કેમ ?
ચાર વર્ષ જોડે રહ્યા ત્યાં સુધી અક્કલ ગીરવે પડી હતી ?
ડૂબતા જહાજ ઉંદરડા પેહલા છોડે..
પણ હવે બીજા બે મોટા મગરમચ્છ ક્યારે જહાજ છોડે છે એની ઉપર બધું છે..
જેમ ચોમાસા માટે ભડલી ના વર્તારા સચોટ છે એમ કેન્દ્રમાં કોની પાસે સત્તા કે એની ચાવી રેહશે એ નક્કી કરવું હોય તો બચ્ચન પરિવાર અને રામવિલાસ પાસવાન આ બે જણા જે બાજુ ઢળે એ બાજુ સત્તા જશે એમ સમજી લેવું..એક બીજા સલીમખાન પણ ખરા…
હજી સુધી બે મગરમચ્છ કોઈ હલચલ બતાડી નથી રહ્યા એટલે ૨૦૧૯ની કોઈ આગાહી કરવી અઘરી છે..!!
ઘણી બધી જગ્યાએ ચર્ચા થાય કે નરેન્દ્ર મોદી નહિ તો કોણ ..?
બીજો કોઈ ઓપ્શન જ નથી..
ત્યારે મને એમ થાય કે ઓપ્શન કોણ છે ? એ કેવો છે ? એને શું કરવાનું છે ? એટલી બધી બુદ્ધિ આપણી પ્રજા દોડાવતી હોત તો નરેન્દ્ર મોદીનો પણ વારો જ ના આવ્યો હોત..
આંખ બંધ કરીને નરી લાગણીઓ અને ભાવનાઓ માં વહેતી પ્રજાને એટલું લાંબુ વિચારવાની પડી જ ક્યાં છે ??
અને હા એમાં એમ કહીએ કે હવે પેઢી દર પેઢી ના ફેરફારો તો આવે ને ,ભણતર વધ્યું એનો પણ ફેર પડે ને..
ઘંટડી ફરે પડે..!!
ફેર પડતો હોત તો કર્ણાટકમાં આટલી બધી ભણેલી ગણેલી પ્રજા વસે છે સ્પષ્ટ બહુમત ના આપત..!!
દરેક વોટર પોતાના ગણિતમાં જ રાચે છે, અને એમાંથી બાહર ભાગ્યે જ આવે છે..!!
જનતાની છેલ્લી ચોઈસ કર્ણાટકમાં આજે સરકાર બનાવીને બેઠી છે..
ભારતના તેત્રીસ કરોડ દેવતા હોવાની પાછળનું લોજીક કદાચ એવું છે કે એ જમાનામાં મેકસીમમ વસ્તી ૩૩ કરોડ જ હતી અને દરેકને પોતાને ગમે એવા દેવતા રાખે ,
કસ્ટમાઈઝ દેવતા ..એક માણસ એક દેવતા..
હવે વિચાર કરો કે જે દેશમાં ભગવાન કસ્ટમાઈઝ હોય ત્યાં નેતા..?
અને રાજકીય પક્ષ ??
મરાઠી માં કેહવત છે દોન મરાઠી માણુસ તીન રાજકીય પક્ષા..
આખો દેશ નરેન્દ્ર મોદીને શું કરવું જોઈએ એ બોલે છે ,અને નરેન્દ્ર મોદી જવાહરલાલ એ શું કરવું જોઈતું હતું એ બોલે છે..
હવે તમે જ કહો કે ૨૦૧૯માં ચૂંટણી ની જરૂર ખરી ..?
નરેન્દ્ર મોદી કહે છે કે વિધાનસભા,લોકસભાની ચૂંટણીઓ જોડે થવી જોઈએ ..
અરે થવી જ ના જોઈએ ..
શું ફેર પડશે ?
ચૂંટણી થાય એટલે ચૂંટણી નો ભ્રષ્ટાચાર અને પછી સીટો ઓછી વત્તી આવે એટલે પાછા રિસોર્ટ પોલીટીક્સ અને બીજા રૂપિયાના આંધણ…અને બીજી સૌથી મોટી વાત કે બીજા નવા રાજા રજવાડા ચૂંટાઈને આવે અને એમના સાલીયાણા આપણે માથે આવે..
સુપ્રીમ કોર્ટ કહે છે કે બંગલા ખાલી કરો તો રાજાધિરાજ કહે અમારી પાસે ઘર નથી અમને બે વર્ષ આપો..
લો બોલો..
હવે જો આ જ બધું ભેગું થઈને સર્વાનુમતે જેમ પોતાના પેન્શન નક્કી કર્યા અને એમાં વધારો પણ વાર તેહાવારે ચુપચાપ કરી લ્યે છે એમ નક્કી કરે કે જે તે વિસ્તારના ધારાસભ્યની પાસે રાજધાનીમાં ઘર ના હોય અને સરકાર પાસે બંગલો પણ ખાલી નાં હોય તો એ ધારાસભ્યને જ્યાં મન થાય એ ઘરમાં રહી શકે અને તમે એને નાં પાડી શકો ..
આખરે તો એ પ્રજા ના સેવક છે ને..
ના કેમ પડાય ..??
વાત તો ખરી ને,
આજે મારા વેજલપુરના ધારસભ્યને ગાંધીનગરમાં ઘર નથી અને સરકાર પાસે પણ બંગલો ખાલી નથી તો એમને ગાંધીનગરમાં જે ઘર એમને ગમે એ ઘરમાં એમને રેહવા દેવા જોઈએ ભલે ને ગમે તેનું ઘર કેમ નાં હોય..?
હક્ક છે એમનો…
ખાલી એ ઘરમાલિકની બાયડી ઉપર એમનો હક્ક નાં ગણાય…
જેમ પેન્શન ઉપર એમનો આજીવન હક્ક છે…!!
શું થયું સાપ સુંઘી ગયો ..?
બીક લાગી કે કાલે સવારે કોર્પોરેટર પણ મારા ઘરમાં ઘરી જશે કે શું ?
એટલે જ કહું છું ૫૬૨ રજવાડા તો ગયા પણ દર વર્ષે આ નવા ૧૧૨૪ ઉભા કરીને રાજા રજવાડા પેદા કરવા એના કરતા ચૂંટણી જ નથી કરવી..
જેટલા છે એટલા ઘણા ..
કોઈ કશું ઉકાળી તો નથી લેતું ખાલી એકબીજા ઉપર ભ્રષ્ટાચારના આરોપો કરે પણ જેલમાં કેટલા નાખ્યા ?
તો કહે કોર્ટમાં કેસ ચાલુ છે..
હવે ભૂતપૂર્વ મહામહિમ આરએસ એસના કાર્યક્રમમાં જવાના છે..અને એમાં ઘમાસાણ ચાલુ થયું..
અમારા જીમ નો ટ્રેઈનર પૂછે સર ઇતને સાલ કોંગ્રેસ મેં રેહને કે બાદ મેં ઐસા કયું..?
મેં કીધું અરે બચ્ચા ભગવાનને સબ કો પેટ દિયા હૈ..પૂરા મહાભારત અપને પેટ કે જનો કો ઠીકાને લગાને કે લિયે લડા ગયા થા..
સમજદારને ઈશારો કાફી..
ટૂંકમાં બંગાળમાં પીળા શેડ વાળો કેસરિયો લેહરાશે એટલું નક્કી,અને શર્મીલાબેન મુખર્જીને સારું મંત્રીપદ..
જે જે ગિરિધારી રે ધારી ..
શુભ રાત્રી
શૈશવ વોરા