નગરહોલ નેશનલ પાર્ક, કુર્ગ કર્ણાટકમાં એક જંગલી હાથણી “સુટ્ટો” મારતા પકડાઈ..
વાત જાણે એમ થઇ કે કર્ણાટકના કુર્ગ પાસે આવેલા નગરહોલ નેશનલ પાર્કમાં એક જંગલી હાથણી જમીન ઉપરથી કૈક લઇ અને એના મોઢા નાખે અને પછી મોઢામાંથી ધુમાડા કાઢે એવી કલીપ વાઈરલ થઇ ..(પરદેશી છાપાઓ એ પેહલા લખ્યું અને પછી ત્રણ દિવસે આપણા છાપાવાળા ને જ્ઞાન થયું એટલે લખ્યું .. કન્ટ્રોલ સી કંટ્રોલ વી ..)
દુનિયા આખીને ટેન્શન ટેન્શન થઇ ગયું કે લે હાય હાય..હાથીઓ પણ “સુટ્ટા” મારે છે ..?
પછી “એલીફન્ટ સાયન્ટીસ્ટ” બહાર આવ્યા..કે ના યાર એવું નથી દુનિયામાં માણસ પછીનું બીજું સૌથી બુદ્ધિશાળી પ્રાણી છે, એટલે એમનેમ હાથી કઈ ના કરે..આ તો એમની રૂટીન પ્રક્રિયા છે.. જંગલની આગ પછી અધકચરો બળેલો બચી ગયેલા કાર્બન ને હાથી પોતાના મોઢામાં લઇ અને ધુમાડા બહાર કાઢે છે, અને આવું કરવાથી હાથીને પેટમાં ગેસની અને કબજીયાતની સમસ્યામાંથી છુટકારો મળે છે..અને જંગલની આગ ઓલવવામાં પણ મદદ મળે છે…!!
બોલો કેવું કેહવાય નહિ..??
આપણા કેટલા બધા મિત્રો પણ આવું કરે છે નહિ..??!!!
સવાર સવારમાં શૌચાલયમાં જઈ ને “સુટ્ટો” મારે એટલે સરેરાટ બધું બાહર..!!!
હવે એકાદો સર્વે એવો પણ થઇ જાય કે પેહલી ધારનો અછરો દારુડો હાથી મારે કે નહિ..??
જુના જમાનામાં તો કોઈ ગુન્હેગારને હાથીના પગ નીચે કચરવાની સજા અપાતી ત્યારે હાથીને ધીમે ધીમે પેહલી ધાર નો પીવડાવાતો અને પછી ગુન્હેગારના માથાને હાથીના પગ નીચે કચરી નાખવામાં આવતા..
રેફરન્સ મુઘલે આઝમ સંતરાશ કા અઝીમ..
આધુનિક યુગમાં છેલ્લે ૧૯૮૫ની રથયાત્રા વખતે માધવસિંહ સોલંકીની સરકાર આડી ફાટી હતી અને એવું સાંભળ્યું છે કે આખી રાત ગજરાજોને મદિરાપાન કરાવી અને સવારે પોલીસની જીપો ઉપર …
જય રણછોડ માખણ ચોર ..
અને ત્રણેય ભુવનનો નાથ, સરકારની ઈચ્છાની વિરુદ્ધમાં ધરાર જઈને નગરચર્યાએ નીકળ્યા હતા..!!
બાકી નું તો જેને યાદ હોય એને હોય …
બીજું તો શું હેં હવે “ઇસ્લામિક શાસન”માં જીવવાનું એટલે કઈ બહુ લખાય બોલાય નહિ બાપા..!
ઇસ્લામિક શાસન કેમ કીધું એમ ??
આખા ભરતખંડ નો ઋગ્વેદથી માંડી ને ધરતી ના છેલ્લા હિંદુ રાજ્ય એવા નેપાળના રાજા વીર વિક્રમસિંગના રાજ્યમાં ક્યાંય દારૂબંધી જોઈ છે તમે ..??
ઉપરથી એવું કેહવાય છે કે સમુદ્રમંથન વખતે નીકળેલા ચૌદ રત્નોમાનું એક રતન છે મદિરા તો…
પણ હવે કોણ કોને સમજાવે ?
આટલું વાંચીને મિત્રો એમ કેહશે આપણે તો પાછો પીવો નહિ શૈશવ, અને તો ય તું શું લેવા પંચાતો ઠોકે છે..?
ભઈલું, હું મારી મરજીથી નહિ પી`તો પણ તારી ઉપર થતી જબરજસ્તી મારાથી જોવાતી નથી..!!
આજે એક ન્યુઝ આવ્યા, ખબર છે બકા ?
રાજ્યમાં હવે દારૂબંધી નો કડક અમલ થશે..
બોલો હવે શું કરવું ?
ક્યાં રેફરન્સથી રાજ ચાલી રહ્યું છે ? હિંદુ કે ઇસ્લામિક ?
ઇસ્લામિક શાસનમાં જ દારૂબંધી ની કલ્પના છે..આપણે તો ઇન્દ્રના દરબારમાં સોમરસના પાન થાય અને હેઈ મજાની અપસરાયું ..
જો કે હું અહિયાં કદાચ ખોટો હોઈ શકું છું,સોમરસ એટલે દારુ નહિ, પણ સોમવારે સવારે પ્રાત:કાળમાં એક ત્રાંબાના લોટામાં મુકેલા પાણીને “સોમરસ” કેહવાય..
દારુ ને સોમરસ ના કેહવાય ,અને સમુદ્રમંથનમાંથી પણ દારુ નહિ પણ એ દિવસે સોમવાર હતો અને એક ત્રાંબાનો લોટો ભરીને પાણી નીકળ્યું હતું ખાલી બીજું કઈ નહિ..
ગાંધી નું પણ આઝાદી અપાવવામાં યોગદાન હતું જ નહિ ..એક ગુપ્ત યોજના ના ભાગ રૂપે થયું હતું અને અત્યારે પણ એક ગુપ્ત યોજના ચાલી રહી છે ..
કઈ કઈ હેં ?
ગુપ્ત છે, પછી કૈ`શું , સો વર્ષ પછી..
ત્યાં સુધી યોજના ચાલવા દો અને મોઢું બંધ..!!
ના ના હો સાચી વાત છે, સોમરસ એટલે દારુ નહિ સોમવારે ત્રાંબા ના લોટામાં પીવાતું પાણી..!!
પાણી લખું છું , પાણી ..
પ ને કાનો “પા” અને ણ ને લાગે ઈ એટલે થાય “ણી” અને આમ બને “પાણી”
“પાણી” લખો એટલે તમને તો શું ત્યારે..!!
ફરી એકવાર બોલો તો ..સોમરસ એટલે સોમવારે સવારે ત્રાંબાના લોટામાં પીવાતું પાણી..
યાદ રહી ગયું ?
ચાલો હવે છેલ્લે છેલ્લે “છદ્મ” પુરસ્કારો કોને મળ્યા છે ?
વિદ્વાનો , બધી ચોપડીઓમાં સુધારો કરવા માંડો જોઉં, અને દરેક જગ્યાએ સ્ટીકર્સ મારી દયો કે એક ગુપ્ત યોજના ના ભાગ રૂપે અત્યાર સુધી સોમરસ એટલે દારુ લખતા હતા અને હવે સાચું લખવાનો સમય આવી ચુક્યો છે એટલે સુધારો કરી નાખો ચાલો..
આટલું કરો એટલે બીજું કામ આપું તમને..!!
“નશો” સમાજે નક્કી કરવાનું ક્ષેત્ર છે, નહિ કે સરકારે..સરકાર કોઈ એક નશો કરવા ઉપર પ્રતિબંધ મુકશે તો પ્રજા ના એક એક જન જનથી બનેલો સમાજ બીજો કોઈક નશો શોધી કાઢશે,
એ ધર્મ નો નશો પણ હોઈ શકે છે..
આજ સુધી ઠાર મરાયેલા એક પણ આતંકવાદી પાસેથી દારુની બાટલી પકડાઈ નથી, તો ક્યા નશાને કારણે એ આતંકવાદી આ લેવલે પોહચ્યો હશે..
દારુ એ દૈત્ય છે, પણ ક્યારેક કોઈક મોટા કામ દૈત્ય જ કરી શકે છે..
ઓછો નશો કરતો કે બિલકુલ નશો નહિ કરતો સમાજ વધુ કટ્ટર અને ધાર્મિક થઇને બહાર આવે છે અને પછી એ કટ્ટરતાને પોહચી વળવામાં સદીઓ વીતે છે,
પરમીટ ઓછી કરો કે અને મોટી હોટેલોની દુકાન બંધ કરવાથી ફક્ત અને ફક્ત ભ્રષ્ટાચાર વધશે અને તોડપાણી ની રકમનો વધારો નોતરશે..
કેમકે જેને પીવું છે એ ગમે તે ભોગે પીવાનો અને જેને નથી જ પીવું એ ગમે તે થાય તો પણ નથી જ પીવાનો..
સાચી અને સારી વાત એ છે કે સરકાર આવા પ્રશ્નો સમાજ ઉપર છોડી દે અને પોતાનો સ્ટાફ બીજા કરવા જેવા ઘણા રચનાત્મક કાર્યો તરફ વાળે..!!
બાકી તો નગરહોલ નેશનલ પાર્કમાં જે હાથણીએ કર્યું એ જ અહિયાં હુક્કાબારમાં થતું હતું ચારકોલ અને કાર્બન..
હુક્કાબાર બંધ કરાવીને યુવાધનને ક્યાં વાળ્યું તમે ?
ગલ્લે સિગારેટો તરફ..
“મુકેશ”ની જાહેરાત દરેક થીયેટરમાં બતાડી શું ફેર પડ્યો ? ઉપરથી (મૃતક પ્રત્યેના સંપૂર્ણ માન સાથે કહું છું ) મુકેશને મજાકનું પાત્ર બનાવી કાઢ્યું..!!
સમાજ “જબરજસ્તી” થોડોક સમય માટે જ સહન કરે છે પછી નહિ..
જય બજરંગબલી
આપણો દિન શુભ રહે
શૈશવ વોરા