છાપામાં આવ્યું કે એલીસબ્રીજ પાછળ ૨૬ કરોડ ખર્ચાશે ..
હે રામ .. તમે પણ નવા મંદિરે બિરાજ્યા પણ અમારી અમદાવાદી ટાપલીને હજી એ જ જુનો ભંગાર ઝાલી રાખવો છે ..!
કોણ જાણે એવો તો શું પ્રેમ છે જુના ભંગાર લોઢા ઉપર કે એમાં રૂપિયા નાખ નાખ કરે છે મુન્સીટાપલી ..
તે અમદાવાદી ભાષામાં કહું તો કોના બાપા અદ્ધર પો`ચી ગયા પછી મેલી રાખ્યા છે ? ફોન કરો કે ફલાણા ગુજરી ગયા ..ફટાક દેતો સામો પૂછે કેટલા વાગે કાઢી જવાના છે ?
એલીસબ્રીજનું `મમીફીકેશન` કેમ થઇ રહ્યું છે ? અરે જુનો ભંગાર તોડી અને એ જ ડીઝાઈનનો નવો પુલ બનાવો ને ,કોણ ના પાડે છે તમને ? અમદાવાદને જરાક રાહત થશે પીક અવર્સમાં આવરો જાવરો કરવામાં ..
આજે પેલો વિશાલાવાળો એક બ્રીજ ધરુજી ગયો છે તે શું હાલત છે ત્યાં ટ્રાફિકની એ જુવો, અને વસ્તી બીજો જે ચાલુ પુલ છે એની માં પરણી નાખવા ઉપર બેઠી છે , એના ફૂટપાથ ઉપર થઇ થઇને બાઈકો કાઢે છે અને હવે જે એક તરફી ચાલુ પુલ છે એનું પણ નિકંદન નીકળી રહ્યું છે..
પિત્તળબંબાના માલિકો બે બ્રીજની વચ્ચે જગ્યા પડી છે ત્યાં એક પુલ બનાવી ઘાલો ત્યાં અમદાવાદને દખ્ખણ જોડે એ વિશાલાવાળો પુલ જોડે છે..
ટ્રાફિક ત્યાં કાયમ રેહવાનો જ અને ત્યાંથી આવેલો ટ્રાફિક અટવાય ક્યાં ? તો કહે એપીએમસી માર્કેટ ..
એક મંદિર અને પોલીસની દુકાનને સરખું પ્લાનિંગ કરીને આપી દેવાય તો અડધો ટ્રાફિક જાય જીવરાજે અને બાકીનો જાય આશ્રમ રોડે,
પણ મુન્સીટાપલી મોઢા એવા સાંકડા કરી મેલે કે તમારે `સીન્ગલો` ઉપર પેટ્રોલ ડીઝલના ધુમાડા થયા જ કરે..!
પછી અમારા જેવાને ટીવી ઉપર ડીબેટ કરવા બોલાવે .. શું ધૂળ ડીબેટ કરીએ ?
હવે તો ડ્રોન આવી ગયા છે તે રોડ રસ્તાના પીક અવર્સમાં સર્વે કરો ને ..
તરત ખબર પડે..
પણ ના ,સર્વે કરીએ તો પણ નાકા જામ લાગવા જ જોઈએ ..
આવું બધું છે ..
સમજાતું જ નથી ક્યારેક આ દેશમાં રાજકારણીઓ રાજ કરે છે કે તારાજ કરે છે ..
મોટી મોટી કમ્પનીઓમાં પણ મેનેજર રાખ્યા હોય એ મેનેજ કરે છે કે ડેમેજ કરે છે..!!
મુઆ મા ને મસાણે નાખીને આયા હોય એમ નોકરે આવે..અને એવા બાઈકો અને ગાડીઓ ચલાવે છે..ગટરનું ઢાંકણું ખુલે અને વંદા કેવી દોડાદોડી આદરે એવા રોડ રસ્તા ઉપર આડાતેડા દોડે..બિલકુલ એમ જ દોડે ..
ગઈકાલે પેલા ઉવારસદવાળા ફાટકે ખટારા લાઈનબંધ જઈ રહ્યા હતા અને એમાં એક અલ્ટોવાળું પિત્તળ , કટીયુ કાઢવા ગયું અને ખટારાવાળો બચારો સાત કિલોમીટરની સ્પીડમાં પણ નહિ હોય ,અને ભરેલી ટ્રક ને કઈ એમ બ્રેક થોડી વાગે ?
બરાબર રેલ્વે લાઈનની વચ્ચે અલ્ટુ ભીડાઈ ગયું અને લખોટો પાછો ટ્રાફિક ઉભો કરી અને એના બાપાઓને ફોન ઉપર ફોન લગાડે જાણે ખટારાના ડ્રાઈવર ને ત્યાં જ ફાંસીએ લટકાડી દેવાનો હોય એનો બાપો..,
જે લાઈનો લાગી બાપરે ..મને થયું કે જઈને પૂછું કે તારી માં ને મસાણે નાખીને આયો કે જવાનું છે તે આટલી દોડાદોડી માંડી છે તે ટણપા..
પોલીસ નામે ના ફરકે .. આગળ ગયા ત્યારે ખબર પડી કે વીવીઆઈપી મુવમેન્ટ હતી આખો એસજી હાઈવે બંધ કર્યો હતો..
સવાર પડ્યે એસજી હોય કે એસપી રીંગ રોડ ગજ્જબ દોડાભાગી ચાલતી હોય છે અમદાવાદ આખું રોડ રસ્તે આવી ગયું હોય અને એમાં પાછા અત્યારે અમુક રોડ આરસીસીના કામને લીધે બંધ કરે છે..
આરસીસી રોડ થાય એ સારી વાત છે, પણ રોડના લેવલ ?વરસાદી પાણી નું શું કરશો ?
અમારે એના માટે પણ ટીવી ઉપર બાઝવા બેહવાનું ?
પેલું સિંધુ નદીના પાણી એક સમયે કચ્છ સુધી આવતા પણ એક જોરદાર ભૂકંપ આવ્યો એમાં વચ્ચેથી જમીન ઉપસી આવી અને સિંધુ નદી વળી ગઈ ..
એક કુદરતી પાળો કે બંધ જે કહો એનું નિર્માણ થઇ ગયું અને ગુર્જરભૂમિ સિંધુ નદીના પાણીથી કાયમ માટે વંચિત રહી ગઈ ..
બિલકુલ એવી જ રીતે આરસીસી રોડને કારણે સાબરમતી નદી અમદાવાદના વરસાદી પાણીથી વંચિત તો નહિ રહી જાય ને ?
જો કે એવું થાય તો નવા સ્ટાર્ટ અપ ખોલવાનો અવસર મળશે.. સોસાયટીમાં ભરાયેલા પાણી પંપથી લીફ્ટ કરી અને અમે વરસાદી ગટર સુધી પોહચાડી આપશું ..
તદ્દન નવો જ ધંધો … રોજગારીનું સર્જન ..!!!
મારે એક સવાલ છે કે સોસાયટીઓના પ્લાન પાસ કરો છો સરકારી બાબુઓ તો એમાં ભૂકંપ પછી ઘણા ફેરફાર કર્યા , સોઇલ ટેસ્ટ વગેરે વગેરે તે એમાં ક્યાંય એવો નિયમ ખરો કે સમુદ્રતલથી આટલા ફૂટ ઉંચી તમારી પ્લીન્થ કરવી ?
કે બધું અધ્ધરે અધ્ધર ?
નવા બનતા બિલ્ડીંગનું તળિયું સમુદ્રતલથી કેટલા ફૂટ અને ઇંચ અને રોડ રસ્તા સમુદ્રતલથી આટલા સેન્ટીમીટર કે મીલીમીટરથી ઊંચું નહિ એવો કોઈ કાયદો કે નિયમ ખરો કે પછી દે દે ..
ઠોક દાળમાં પાણી તું તારે .. ઘીસ બે લાલિયા બાપ ક ચંદન ..!!
????????
પ્લાનિંગ એટલે તમામ મુદ્દા આવરી લેવા જોઈએ ,પણ નથી આવરી લેવાયા એ નક્કી છે, માટે રોડ રસ્તા અને વરસાદી પાણી ના નિકાલની સમસ્યાઓ શેહરોમાં સર્જાઈ રહી છે અને પછી કુદરત આગળ આપણે લાચાર છીએ એવી વાર્તા કરવી પડે ..
પણ હકીકત એ છે માણસજાત કુદરતની સામે લડતી આવી છે ,બુદ્ધિ વપરાતી આવી છે, અને કુદરતની સામે પડી અને એને નાથતી આવી છે અને હજી નાથવાની છે..
હા એટલો સ્વીકાર કરી લેવો જોઈએ કે મારી બુદ્ધી ટૂંકી પડી તો જ નવી બુદ્ધિ ખીલશે…
જો સ્વીકારી લીધું કે ચીલે લીલું ના થાય તો પછી ના જ થાય..
સામા પડવું જ રહ્યું અને પ્રોપર પ્લાનિંગ સાથે…
જય હો
રવિવાર મજાનો રહે
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*