ફારસની ખાડી …
બહુ જૂનો અને જાણીતો રૂટ દરિયાઈ સફર માટેનો પણ હવે દુનિયાની દુઃખતી નસ…!
યુધ્ધ ધીમે ધીમે એની પરાકાષ્ઠાએ જઈ રહ્યું છે , ભીષણ યુધ્ધમાં ભયાનકતા વધી રહી છે , જેને સમજણ છે એનું માથું ચકરાઈ જાય એવું છે, ઈરાનમાં વારસદાર કોણ છે , સત્તાના ખરા સૂત્રો કોની પાસે છે એ જણાવવાથી બચી રહ્યું છે ,જે જાહેર કર્યા છે તેમના હાથમાં સત્તાના સૂત્રો છે કે નહીં એ પણ કોઈને ખબર નથી , રણનીતિનો એક ભાગ પણ હોઈ શકે , જ્યારે તમને ખબર જ નથી કે તમારો દુશ્મન એક વ્યક્તિ છે કે આખો દેશ, ત્યારે લડાઈ લડવી અઘરી થઈ જાય ..!
એક સમય એવો હતો કે રાજા પડે એટલે રમત પૂરી પણ આ યુધ્ધને ઈરાને રાજાના પતન પછી રમત વધારે સમજણપૂર્વક ચાલુ રાખીને કૂટનીતિમાં પોતાનો હાથ જબરજસ્ત રીતે ઉપર મૂકી દીધો છે ,
હવેની લડાઈ આખા દેશની થઈ ગઈ છે એમાં જગત આખાનો જીવ તાળવે ચોટી ગયો છે..
અનેક દેશોના રસાયણો બનાવતા કારખાના ટેમ્પરરી બંધ કરવામાં આવ્યા છે અથવા એમના પ્રોડક્શન ઘટાડવામાં આવ્યા છે એવા સોશિયલ મીડિયા દ્વારા સમાચાર મળી રહ્યા છે,
કારણ રો મટીરીયલના સપ્લાયની ગડબડ, મોટાભાગના જે એકદમ લાર્જ સ્કેલના કારખાના બંધ થયા છે એ બધા સતત પ્રક્રિયા વાળા છે , જેનું અંગ્રેજી ચેઇન રિએક્શન થાય, ચેઇન રિએક્શનની કમ્બખતી એ છે કે એક વખત ચેઇન રીએક્શનના અટકાવ્યું પછી એને ફરી ઉપાડવામાં 15 દિવસ મહિના જેટલો સમય લાગી જતો હોય છે, એટલે બધું નોર્મલ થાય તો પણ ફરી પાછું નોર્મલ થતા પંદર દિવસ મહિનો વધારાનો લાગી શકે એવું છે…અને એના પછી વારો આવે સપ્લાય ચેઇનનો..
કઈ કઈ પ્રોડક્ટમાં બબાલ ઊભી થઈ છે એના સાચા લિસ્ટ નથી દુનિયાનો કોઈ દેશ જાહેર કરી રહ્યો કે નથી , કોઈ એસોસિએશન કે ઓર્ગેનાઈઝેશન જાહેર કરી રહ્યા નથી, પણ ઘર આંગણે રસાયણોની ઊભી થયેલી શોર્ટેજ દેખાડે છે કે એંધાણી સારી નથી..
એક બાજુ એમ કહે કે જલદી ફારસની ખાડી કબજે લઈશું અને બીજી બાજુ રોજના બે ચાર બે ચાર જહાજ ડૂબે છે , બેચાર સામ સામે ઓઈલ રિફાઇનરી કે એલએનજી ના પ્લાન્ટ ફૂંકી મરાય છે ને દુનિયા મોઢું વકાસીને જોયા કરે છે..
કોઈને બિલાડીના ગળે ઘંટ બાંધવો નથી, કે કોઈને વાઘને પણ કહેવું નથી કે તારું મોઢું ગંધાય , એટલે વાઘ બિલાડીની રમત ચાલી છે.. દુનિયા પેહલી વખત આ રમત જોઈ રહી છે…
રમત ચાલતી રહેશે , લાંબી ચાલશે.. આપણે 140 કરોડની વસ્તીને બે ટંક પેટ ભરવાની લમણા કૂટ કાયમ ઊભીને ઉભી રહેવાની…
એક બે જહાજ લાંગરે તો અહીંયા ઘરઆંગણે હેડલાઇન બની જાય છે ,આવા ઢગલો જહાજ રોજ લંગર નાખી અને પોતાનો વારો આવે એની રાહ જોતા લાઇનમાં ઊભા રહેતા એની બદલે પોંખાણીયા લઈને ઊભા રહેવું પડે છે, એટલે પરિસ્થતિનો અંદાજ ત્યાંથી જ લગાવી શકાય કે શું હશે ..!!
અત્યાર સુધીમાં દરેક લોકોને સોશિયલ મીડિયાને લીધે ફારસની ખાડીની ભૂગોળ સમજાઈ ગઈ છે , અમુક ઉત્સાહી જાણે આપણે જાતે નાવડું લઈને માલ કાઢી લાવવા સક્ષમ હોઈએ એવી રીતે વાતો કરી રહ્યા છે ..
યુધ્ધ છેલ્લું ઈકોતેર માં આપણે જોયું ,ત્યારે જે પેઢી મેચ્યોર હતી તે અત્યારે ગુજરી ગઈ અથવા જીવનની છેલ્લી અવસ્થામાં છે , સાયરનો વાગવી આ બધું નવું છે , બોમ્બ વરસે અને જન સાધારણની પેઢીઓની મિલકતો એક ક્ષણમાં સ્વાહા થઈ જાય આ બધું લોકો માટે અણસમજ છે …
વિડીઓ ગેમ ચાલતી હોય એમ ભારતના બહુધા લોકો યુધ્ધ જોઈ રહ્યા છે , ચાબહાર ઉપર ધાબો બોલાવી દેવાયો છે , લગભગ સર્વત્ર વિનાશ વેરી પછી જમીની સેનાઓ સામસામે આવશે એવું વર્તાય છે…
ભારતથી હવે બહુ દૂર નથી યુધ્ધ , ખાડીના દેશોથી આગળ વધતું વધતું લગભગ ઘર આંગણે આવીને ઊભું છે , સંકટ ભારે છે , આજે નહીં તો કાલે કોઈપણ રીતે કોઈક ને વાંકુ પડે અને તમારી મારી ઉપર તૂટી પડે એવું પણ બને…
તૈયારી પૂરજોશમાં કરવાનો સમય છે , ભારતીય જનમાનસને જગાડવા ઢોલ નગારા પીટવામાંથી ફુરસદ નથી ,
ખાડીના આ યુધ્ધે પરંપરાગત યુદ્ધની પરિભાષા બદલી કાઢી છે જે રીતે આર્થિક સંસ્થાનો ઉપર હુમલા થઈ રહ્યા છે અને અર્થ ઉપાર્જન ના કેન્દ્રો નો વિનાશ વેરી દેવાયો છે એ જોતા હવે પછીના યુદ્ધોમાં આપણે આપણી એસેટ્સ સાચવવી એ બહુ મહત્વની વાત થઈને ઊભી રહેશે…
એક રહેઠાણ નું પચ્ચીસ ત્રીસ માળનું બિલ્ડીંગ જ્યારે તૂટે છે ત્યારે ભારત હોય કે બીજા કોઈ પણ દેશમાં બે પેઢીની મહેનત ડૂબી જાય છે, ઇન્સ્યોરન્સ કવર છે નથી, એ બધી પાછળની વાતો છે, પણ જન સાધારણ ભયંકર પીડાય છે,
ધનકુબેરો અત્યારે ફરી એકવાર ચક્કરાવે ચડ્યા છે, પોતાના ખજાના ક્યાં મુકવા કઈ જગ્યાએ રાખવા એની અત્યારે અવઢવ વર્તાય છે, ફરી એક વાર બધું પાછું સ્વીઝરલેન્ડ ભેગું થાય તો નવાઈ નહીં,
ફક્ત અને ફક્ત મિસાઈલ્સ અને ડ્રોનથી લડાઈ રહેલું આ યુદ્ધ હજી કઈ બાજુ વળાંક લેશે એ વિશે ખોખારીને જગતનો કોઈ માધાંતા બોલવા તૈયાર નથી..
અત્યાર સુધી આરબ દેશોએ ચૂપચાપ બેઠા બેઠા મોંઘા મોઢે માર જ ખાધો છે, મુખ્ય ત્રણ દેશો યુદ્ધે ચડેલા છે પણ માર આરબ દેશો પુષ્કળ ખાઇ રહ્યા છે, આ ઘટના એટલું પુરવાર કરી આપ્યું કે એકલા અર્થ ઉપાર્જનથી કશું થવાનું નથી, તમારી પાસે સંશોધન અને સૈન્ય તાકાત, આ બધું જ હોવું જોઈએ તો જ તમે આ જગતમાં સલામત રહી શકો..
ભારત એ આ દેશો પાસે જો બોધપાઠ લેવો હોય તો આ યુદ્ધમાંથી ઈરાન પાસેથી શીખવા જેવું ઘણું ઘણું છે, સર્જીકલ સ્ટ્રાઈકો થઈ આપણો આત્મવિશ્વાસ આપણે ટટોળી લીધો પણ નેક્સ્ટ લેવલ એ આ નવા સમયની નવી માંગ છે…
સામરિક સંપ્રભૂતા બુદ્ધના નામે નહીં સાચવી શકાય, તાકાત કેળવવી પડશે મોડું નથી પણ સમય આ જ છે..
મહાયુદ્ધ ,મહાવિનાશ પછી શું થાય છે એનું આપણને ઘણું જ્ઞાન છે છેલ્લા દસ હજાર વર્ષમાં ભારતે અનેક મહાયુધ્ધો જોયા છે, અને રક્તની નદીઓ ની નદીઓ વહેવડાવી છે, યુદ્ધ પછીના વૈરાગ્ય આપણે સદીઓ સુધી ભોગવ્યા છે, નજર કહે છે કે આ યુદ્ધ હજી આગળ વધશે અને મન કહે છે કે મહાવિનાશ પછીનો વૈરાગ્ય યુદ્ધરત દેશોને વળગે…
હિન્ટ આપી દેવાઈ છે પર્લ હાર્બર ને યાદ દેવડાવીને, એટલે સમય જ કહેશે કે મહાવિનાશ કઈ તરફ નો હશે..
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*