એક સમાચાર વાંચ્યા..
હરિયાણામાં એક “ફાટેલી” બે હજારની `નોટે` એના બાપની અપાવેલી નવી નક્કોર બીએમડબલ્યુ ને કેનાલમાં ફેંકી દીધી ..
પૂછો ક્યોં ?
તો કહે પાર્ટીને જેગુઆર જોઈતી હતી ,અને એના બાપાએ બીએમડબલ્યુ અપાવી એટલે એ ફાટેલી નોટએ પોતાનું પોત પ્રકાશ્યું..!! કેનાલ ને કિનારે લઇ જઈ ને બીએમડબલ્યુ ને ઉભી રાખી, પછી તમામ લાઈટો ચાલુ કરી વિડીઓ ઉતારતા ઉતારતા બીએમડબલ્યુ ને ધક્કો મારી અને કેનાલમાં ઉતારી દીધી, પછી `મહત્મા` એ વિડીઓ પાછો વટ્ટ થી એના બાપને મોકલી દીધો..
કેવો પસ્તાય નહિ આવી ઓલાદ ને પેદા કરીને એનો બાપ ..!!?
પણ એવું નહિ હોય,
કેમ કે આપણે તો ચોક્કસ માનીએ છીએ કે ઘર ની વાણી જ પોપટ બોલે ..
એટલે એ બે હજાર ની ફાટેલી નોટને છાપનારુ છાપખાનું પણ જરાય ઓછું નહિ હોય..
તમે કોઈ આવી ફાટેલી નોટ ને ઓળખો છો ?
આવી સાવ બે હજારની આખ્ખી ફાટેલી નહિ પણ થોડીક નાની બસ્સો ની ,સો ની ફાટેલી ? આખ્ખી નહિ તો કિનારેથી ફાટી હોય એવી ?
નહિ..?
થોડી વધારે નાની નોટ ..પચાસ ની ? વીસની ?
બસ હો હવે ,
દસની ફાટેલી ..?
એ પણ નહિ ..?
જુઠ્ઠું શું બોલો છો યાર ..
તમારી પોતાની પેદા કરેલી..નોટ…? અને એ નોટ `આખ્ખી` હોય તો તમે પોતે..?
ક્યારેક તો બાપા જોડે `ટણી` ઉપર આવી જ ગયા હોઉં કે નહિ ..?
એવું બને જ નહિ કે ના આવ્યા હોય ..
જ્યોતિષશાસ્ત્ર એવું કહે છે સૂર્ય અને શનિ બંને બાપ બેટો છે અને બંને ને ક્યારેય બન્યું નથી ..અને દુનિયાના બહુ જ ઓછા બાપ બેટા હોય કે જેમને અત્યંત બનતું હોય ..
મોટેભાગે દુનિયાના તમામ બાપબેટો મોટાભાગ ના પોઈન્ટ ઉપર `ડીફર` થતા જ હોય છે..
સલીમ હોય કે અકબર ..!
પણ કેટલી હદ સુધી ડીફર થવું એ બંને ની સમજણ ઉપર જાય છે..
મેચ્યોર બાપ અને અણસમજુ છોકરો તો ચાલી જાય, કે પછી અણસમજુ છોકરો અને ડફોળ બાપ તો પણ ચાલી જાય ..બધું લોલમ લોલ ચાલ્યા કરે પણ અણસમજુ બાપ અને અણસમજુ છોકરો પછી જ આ બધા નાટક ચાલુ થાય ..
છોકરો તો દરેક વખતે અણસમજુ જ રેહવા નો , એની ઉંમર નાની છે..!
સમજણ જોડે સીધો સબંધ અનુભવ જોડે છે અને અનુભવ તો જીવનમાં પદાર્થ પાઠ મળે ત્યારે જ આવે, પદાર્થ પાઠ મેળવવા માટે ઠોકરો ખાવી પડે અને નાની ઉંમરે જયારે માથે બાપ બેઠો હોય ત્યાં સુધી ઠોકર વાગે નહીં એટલે છોકરો તો અણસમજુ જ રેહવાનો..
પણ બાપ જયારે અણસમજુ રહી ગયો હોય ત્યારે પેલી કેહવત છે ને સોળે સાન અને વિશે વાન આવી તો આવી નહિ તો ગઈ કુતરા ને કાન..!!
એમ બાપની પણ કુતરા ને કાન ગઈ હોય ત્યારે અવો ખેલ પડે..!!
હું એક આવી બે હજારની અડધી ફાટેલી નોટ ને ઓળખું છું …
ત્રણ મહિના એણે એ નોટએ એના છાપનારા નું લોહી પીધું હતું ..
બાપે એની ત્રીસ `પેટી` ની ગાડી વેચી મારી, ને ચાલીસની અપાવી..અપગ્રેડ કર્યો હતો ,પણ `નોટ` ધરાર ચાલીસવાળી નું સ્ટેરીંગ હાથમાં ના પકડે, આખી રાત રખડી ખાય, ભાઈબંધોની “નાની” “નાની” ગાડીઓ લઈને ફરે પણ પોતાની `નવી` ને ધરાર હાથ ના અડાડે..
આ રાતે રખડી ખાવું એ અમદાવાદની અમારા જેવી થોડીક કિનારે થી ફાટેલી નોટ બહુ સામાન્ય વાત છે..
અમદાવાદની અપર સર્કીટમાં વાત ફેલાઈ કે `આનો` છોકરો આવી નાની જાપાન ની કે કોરિયન ગાડીઓ લઈને કેમ ફરે છે ..? લોકો એના બાપા ને પુછવા લાગ્યા..તકલીફમાં છે ભાઈ ?
પછી તો `નોટ` કોઈક ની નાની ગાડી લઈને હાથે કરી ને એના બાપના બીઝનેસ સર્કલમાં જાય, વ્યવસ્થિત રીતે બાપની કેહ્વાતી આબરૂ નું વસ્ત્રાહરણ કરે, છેવટે બાપા ઝુક્યા અને સિત્તેર પેટીની જર્મન અપાવી..
બીજી રાત્રે આવ્યો ,મને કહે ચલો ડ્રાઈવ ઉપર ..મેં જોયું એની આંખની ચમક એની નવી નક્કોર ગાડી કરતા વધારે હતી એટલે મને એમાં બેસતા થોડીક બીક લાગી..
મેં કંડીશન મૂકી સો થી ઉપર નહિ જવાનું અને ગાંધીનગરથી આગળ નહિ ..
આ બધી પુરી ફાટેલી તો સીધો ચમચો (એક્સીલેટર ) દબાવે, ને બે અઢી કલાકમાં શામળાજી ક્રોસ કરે, અને એકવાર શામળાજી ક્રોસ થયું પછી તો આને કોઈ વાતે ના પોહચાય ..અગિયારે તમને ઉપાડે અને પરોઢે સાડા પાંચે ઘેર નાખે ..
એમની રાત્રીનો પ્રથમ પ્રહર ચાલુ થાય પરોઢે સાડા પાંચે ..જયારે દુનિયાનું બ્રહ્મ મુર્હત ચાલતું હોય ત્યારે..!
અમદાવાદની બધી જ ફાટેલી નોટો માટે રાત લગભગ સાડા ત્રણ ચારે પડતી હોય છે ..
ઓકે ચાલો..અમે ગાડીમાં બિરાજ્યા..પછી ગાડીની ખૂબીઓ વણર્વાઈ પણ ત્યાં સુધીમાં તો ગાંધીનગર આવી ગયું..
એટલે આપણે કીધું ગાડી ઘુમાવો.. શૈશવ નામનો સુલેમાન હવે સુધરી ગયો છે , બે ચાર મહીને એકાદવાર જ રાત્રી નગરચર્યા એ નીકળે છે પણ એક વાગ્યે તો ઘર ભેગો થઇ જ જાય છે..
પણ નોટ મા`ને જ નહિ..હા-ના કરતા ચિલોડા આવ્યું..મેં કીધું બાથરૂમ કરવી છે ઉભી રાખ તો..!
મારો બેટો કહે ગાડીમાં કરો..ત્યાં બાટલી પડી જ છે..એટલામાં જ એના બાપ નો ફોન રણક્યો .. પણ કમબખ્ત નું નસીબ ખરાબ, એટલે બ્લ્યુટુથ કનેક્ટ હતું એટલે એ ફોન કાપે એ પેહલા મેં એનો ફોન ઉપાડી લીધો અને એના બાપની જોડે વાત શરુ કરી ..
મેં એના બાપ ને કીધું બસ અડધો કલાકમાં મોકલું છું શેઠ પાછો,
પણ કરમની કઠણાઈ..સામેથી જવાબ આવ્યો તમે જોડે છો તો ભલે કલાક થતો પણ એનાથી વધારે ના રાખતા એને જોડે ..મેં કીધું ચોક્કસ..
નોટ ની ત્રણ ત્રણ મહિનાની જીદ પૂરી થઇ હતી, એટલે બકરી ફૂલ ડબ્બામાં આવી હતી,
છેવટે ચિલોડા ચોકડીથી ગાડીને ઘુમાવી ને પાર્ટી ફૂંગરાઈ..
ફૂંગરાટમાં એકવાર તો દાઝ નો માર્યો ચમચો દબાવી દીધો પણ પછી અમે એને એક `જ્ઞાન`ની વાત કીધી…ગમે તેટલી હાઈ એન્ડ ગાડી હોય પણ ૧૫૦૦ કિલોમીટર સુધી તો મીનીમમ રાઉસ થવા જ દેવી જોઈએ નહિ તો એન્જીન નો દાવ થશે ..
કૈક મગજમાં ઉતર્યું અને પાર્ટી ધીમી પડી ,પોણો કલાકે ઘેર નાખ્યો ત્યારે મને હાશ થઇ..
બચ્યો ..!!
પાર્ટી એ ઘર સુધી આવી ને ગાડી ઉભી રાખી ને ગુગલ કર્યું.. એવું કશું ના મળ્યું રાઉસ થવા દેવી જોઈએ ને એવું બધું એ તો જૂની ગાડીઓમાં હતું હવે એવું કશું નથી..
પણ આપણે તો ગાડીમાંથી ઉતરી ચુક્યા હતા..એટલે બરાબરનો બગડ્યો ..એક દિવસ એવી હાલત કરીશ ને કે તમે જિંદગીભર યાદ રાખશો..પછી અંધારામાં ચમકતી ગાડી ટાયરના ચીચુડા બોલાવતી નીકળી ગઈ…!!
આ બધામાં એક વાત નક્કી કે અમદાવાદની ફાટેલી નોટ ક્યારેય આવું ના કરે , બાપા ને હેરાન કરવાના બીજા ગમ્મે તેટલા રસ્તા શોધે પણ આવી રીતે ગાડી કેનાલમાં તો નાં જ ફેંકે..
સાબરમતીના પાણી પીધા હોય એટલે રૂપિયા ના નુકસાન કરવાની વાત તો ભૂલથી પણ નહિ જ..!!
કાઠું છે આજના જમાનામાં છોકરા ઉછેરવા..
`ઉછેર` જેને કેહવાય એ તો બધું ભુલાતું જાય છે, નથી માં પાસે ટાઈમ કે નથી બાપ પાસે ,
મોબાઈલ ફોનથી છોકરા મોટા કરવા છે, ઘણા માબાપ પેલું ૩૬૦ કે એવી કૈક એપ નાખે છે પોતાના છોકરા ક્યા છે એ જાણવા માટે પણ બધું નિરર્થક છે..
જ્યાં સુધી અંતર માં છોકરા ને અને માંબાપ ને એકબીજા માટે ના `ઉગે` ત્યાં સુધી બધ્ધું ખોટું ..!
એકલા રૂપિયા રેડી રેડી ને પ્રજા મોટી કરવા જાવ તો આવી `નોટો` જ પાકે ઘરમાં..!
સમય પણ આપવો રહ્યો ..
પાણા પકવવા બરાબર છે આ જમાનામાં છોકરા ને મોટો કરવો એ..!
શુભ રાત્રી
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*