સ્કૂલોના “બેફામ” ફી વધારા સામે સરકારની લાલ આંખ..
વાહ.. વાહ .. વાહ..!!
દવાઓ અને દવાખાનાના “બેફામ” ભાવ વધારા ઉપર સરકારી અંકુશ..
વાહ ..વાહ ..વાહ..!!
કેવા ખુશ થઇ જઈએ નહિ આપણે આવા બધા સમાચારો વાંચીએ એટલે..!!
સ્કુલ અને દવાખાનું ..
આ બંને જગ્યાએ બધું મફત જ થવું જોઈએ આમ તે કઈ ચાલે ?
સમાજના એકે એક માણસ નો “હક્ક” છે મફત શિક્ષણ અને મફત દવાઓ..!!
સાચ્ચે જ “હક્ક” છે ..???
અને જો બધું મફત લેવાનો “હક્ક” છે તો સામે સમાજની “ફરજ” શું ?
“ફરજ” એટલે શું ..??
એ બકરી બરફ ખાઈ ગઈ…!!!!
“ફરજ” એ વળી શું ? મારે અને “ફરજ” ને શું લાગે વળગે હેં ..??
ઘણા બધા મારા પોહચતા પામતા મિત્રોએ એમના સંતાનોને મોટી મોટી સ્કૂલોમાં પોતાના સંતાનોને મુક્યા અને અચાનક ફી વધારાનું આંદોલન થયું અને ઘણા બધા લોકો એ ફી ભરી નહિ ..
કેમ ..?
આટલી બધી ફી નાં હોય આ તો અન્યાય કેહવાય ..!!
કેટલી ફી હોય ?
આટલી બધી ના હોય ..
કેટલી ફી હોય ?
આટલી બધી નાં હોય ..
સો વખત સવાલ પૂછો, એક જ જવાબ આવશે .. કેમ ?
ટોપા તારી હત્તર પેઢીમાં કોઈ કારભારો કર્યો હોય તો ખબર પડે ને કેટલા વિશે સો થાય અને કેટલા ઊંઠે પાંત્રીસ..!!
મને મારી કિંમતમાં જ દરેક વસ્તુ મળવી જોઈએ અને એ પણ સારામાં સારી..!!!
તું શું આપે છે કોઈ ને ???
હું હું હું …હેં હેં હેં હું શું કોઈને આપવાનો હતો મારી પાસે ક્યાં કઈ છે..??
ઘાઘરો અધ્ધર…!! સીધું પાટલુન કાઢી અને ધાબે વાવટો કરીને બનાવીને ફરકાવી દેવાનો..!!
તારી પાસે કોઈને આપવા માટે કઈ જ નથી ..??
વસ્તુ, વિચાર ,સર્વિસ ,સમય..કઈ જ નહિ ..? તારે પાસે કોઈને આપવા માટે કઈ જ નથી ? ખરેખર ?
ના..
તો ઢોર એંઠવાડ ચરી ખા ને તારે કે તારા વસ્તારને ભણી ને કામ શું છે..???
સમાજ અને સંસ્થા ચારેબાજુ નાલાયાકીઓના પાર નથી રહ્યા..
જે વાલી આજે ફી ભરવામાં દાંડાઈ કરી રહ્યો છે એ જ વાલી સ્કૂલમાં એડમીશન લેવા માટે કઈ કેટલાય ધખારા કરતો હતો , જે પેશન્ટ દવાખાનામાં દાખલ થઇ અને પછી ખેલ કરે છે એ દાખલ થતી વખતે કરગરતો હતો અને પછી ચેરીટીની અપેક્ષા રાખે છે..!!
પણ સવાલ ત્યાં આવે છે કે દરેક જગ્યાએ ચેરીટીની અપેક્ષા રાખતો સમાજ ક્યારેય સામે કશું રેસીપ્રોકલ કરે છે ..?
ના નથી કરતો, માટે જ આ “ગેપ” આવી છે..
મોટી મોટી સ્કૂલોમાં ભણાવનારા ને જો ફી કઠતી હોય અને એમને ફી નથી ભરવી કે સરકાર પાસેથી ફી નિયંત્રણની અપેક્ષા રાખે છે તો એ જ ફી ના ભરનારો હોટેલમાં જઈને રૂપિયા નથી નાખતો ?
શા માટે પ્રાઈવેટ સ્કૂલો પાસેથી ચેરીટીની અપેક્ષા ?
કાલ સવારથી પ્રાઈવેટ સ્કૂલો વાળા એમની સ્કુલમાં પીટીસી થયેલી પ્રજા ભરી મુકશે તો તમે શું કરશો ?
ઇફ યુ થ્રો પીનટ્સ .. શીગદાણા ફેંકશો તો વાંદરા જ આવશે..!!
જે વાલીને આજે ફી ઓછી ભરવી છે એ કાલે પોતાના છોકરાએ અમેરિકા મોકલી અને લાખ દોઢ લાખ ડોલર ફી ભરતા અચકાતો નથી .. કેમ ??
જે પેશન્ટને કોર્પોરેટ હોસ્પિટલની ફી ભરવી નથી એને સરકારી હોસ્પિટલનું પગથીયું ચડવું નથી કેમ ?
આ બધો “ગેપ” શરુ થયો છેલ્લા બે દાયકામાં..
સાહીઠ અને સિત્તેરના દાયકા સુધીમાં સમાજને એકબીજાના ટેકે ટેકે જીવવાની અને રેહવાની ટેવ હતી આદત હતી,
મારા મમ્મી પાપા વ્યવસાયે ડોક્ટર છે .. કઈ કેટલાય લોકોની દવાના પૈસા નથી લેતા ..
સિત્તેરના દાયકાની વાત છે..
મારા ઘરની પાછળ એક દસ માળિયા ફ્લેટનું બાંધકામ ચાલે, ત્યાં એક ચોકીદાર રેહવા આવ્યા, અમે એમને દરબાર કહીને બોલાવીએ ,ચોકીદારી કરે એક દરબાર અને વસ્તાર દસ જણ નો .. ખાવાના વાંધા, ત્યાં દવાની ક્યાં વાત કરવી ..?
મેલેરિયા આવ્યો અને આખું ઘર દવા લઇ જાય..એ દિવસોમાં દૂધની બહુ મોટી કિલ્લત રોજ સવારે સાડા પાંચે ઉઠીને મમ્મી કે પાપાને દૂધ લેવા લાઈનમાં ઉભા રેહવું પડે..
દરબાર પાપાને દૂધની લાઈનમાં ઉભા રહેલા જોઈ ગયા ..બે હાથને ઉભા રહી ગયા સાહેબ તમારું આટલું કામ મને કરવા દ્યો ..!! સાહેબ તમે ઘણી મે`નત આખો `દિ કરો છો ..
એ દિવસથી લાગલગાટ ત્રીસ વર્ષ દરબાર દૂધની લાઈનમાં ઉભા રહીને દૂધ પોહચાડતા..
એકબીજાને ટેકો..
આજે ઘેર દૂધ આપવા કોઈ આવે તો થેલીએ કેટલા માંગે ..??
આજે પણ મફત દવા લઇ જનારા છે જ..
એ જ રીતે એ જમાનામાં ભણેલા ગણેલા લોકો એકબીજાના છોકરા ભણાવી લેતા , વગર રૂપિયે..!!
આજે ..?
ટ્યુશનના રૂપિયા ચુકવવા પડે..!!
એકબીજાનું આંખની ઓળખાણે કશુક કરી છૂટવાની વૃત્તિ મારી પરવારી છે, દરેક ને એકબીજાનો લાભ લેવો છે, મલ્ટીલેવલ માર્કેટિંગ નો જમાનો છે,તમારી ફોનબુક જ તમારું પેહલું માર્કેટ છે,સબંધ “વાપરવા” માટે જ “બનાવવા“માં આવી રહ્યા છે..
દરેક ને એકબીજામાંથી “કમાઈ” લેવું છે..
તમે પોહચતા પામતા હો છતાં પણ તમારે મફતના ભાવમાં દવા અને શિક્ષણ જોઈએ છે , ચાલો આજે સરકારી દાખલ પછી કદાચ સસ્તા ભાવે મળી પણ જશે તો કોઈ પોતના અંતર આત્મા ને ટટોળશે ખરું કે મારા લાખ રૂપિયા બચ્યા છે તો હું એને સમાજના બીજા કોઈ છેવાડાના બાળક ની એમાંથી ફી ભરીને એને ભણતું કરું..??
હર્રામ છે જો આવો વિચાર સુધ્ધા મનમાં આવે તો..!!
ફી ના નામે કાનપટ્ટી ઉપર બંધૂક મૂકીને રૂપિયા ઓકાવતા અને પોતાની ઐય્યાશી માટે રૂપિયા બનાવતા ડોક્ટર કે શિક્ષણ સંસ્થાનોને બચાવવા માટે નો આ બ્લોગ નથી પણ ક્યારેક એક બીજી બાજુ પણ સમાજે વિચારવી રહી..
એકબીજાને લુંટવાની અને કાપાકાપી કરી અને ચૂસી લેવાની ચાલી રહેલી આંધીની વચ્ચે ક્યાંક થોડાક એથીકલ ડોક્ટર્સ અને શિક્ષકો બચ્યા છે , કેટલાક એવા દીવડા છે કે જેમણે પોતાની જિંદગી અને રૂપિયા બધું જ હોમી દીધું છે એવા દીવડા દેખાય તો એમના બે કામ કરી આપજો..
ઘણીબધી સંસ્થાઓ પરદેસથી આવેલા પ્રોફેસર્સ ને બોલાવી અને શિક્ષણ આપી રહી છે, એટલે એક જ લાકડીએ બધાને ના હાંકતા..તમારા બાળક ની પાછળ ખર્ચો કરતી સંસ્થાને ફી ચોક્કસ ભરજો..
અને હા છેલ્લા બે ક્વાર્ટરની ફી ના ભરી હોય અને રૂપિયા “બચાવ્યા” હોય તો એ રૂપિયા કોઈ ક બીજા ને કામે લાગે એ જોજો.. વાપરી ના ખાતા..!!
મફતિયા સસ્તામાં દવા લઇ આવ્યા હો અથવા ડોકટર સામે ગરીબડું મોઢું કરીને ડિસ્કાઉન્ટ લીધું હોય તો બચાવેલા રૂપિયા પાન-માવા-મસાલા- દારુમાં ના ઉડાડતા કોઈક જરૂરીયાત બીમારને આપજો..
કદાચ કોઈક એકાદ નો ઈનીશીયેટીવ સમાજને તૂટતો બચાવશે..
વિચારજો ..
આખી રવિવારની બપોર પડી છે..
નિસ્વાર્થભાવે ભાવે ક્યારે કોને વસ્તુ, વિચાર ,સર્વિસ ,સમય.. કઈ જ પણ આપ્યું છે ??
હું પણ વિચારીશ,
તમારાથી હું પણ જુદો નથી ..
એક માટીના બન્યા છીએ આપણે..
આપનો રવિવાર શુભ રહે
શૈશવ વોરા